
ટાઇટલ્સ:
ઇશ્ક અને ઇજા થાય ત્યારે જ સમજાય. (છેલવાણી)
એક માણસ પ્રેમિકાની લાશ સાથે વળગીને ૩ મહિના બેઠો રહ્યો. પોલીસે કારણ પૂછ્યું તો કહ્યું:
હું પ્રેમિકાની મોત પછી, મારા મોતની રાહ જોતો હતો! ’
કહે છે : ‘પ્રેમનાં ભૂત જલ્દીથી મરતાં નથી’ ,. પણ પ્રેમનું ભૂત ઉતર્યા પછી જ સમજાય કે પ્રેમ ના સમજાય એવી આધુનિક કવિતા કે મોડર્ન આર્ટનું અટપટું ચિત્ર છે.
‘પ્રેમ એટલે એકઝેટલી શું?’ એવું લાઇફમાં એકવાર તો બધાં વિચારે જ છે. પીટર પોપર નામના સંપાદકનું દાયકાઓ જૂનું પુસ્તક છે, જેમાં પ્રેમ વિશે મહાન લોકોના ક્વોટેશન્સ- અવતરણો છે.અહીં પ્રેમ વિશે રમૂજ છે- રંજ છે- કડાવાશ ને દાઝ પણ છે. ટૂંકમાં પ્રેમ વિશેની વાતોની અહીં આખે આખી ગુજરાતી થાળી છે! તો ચાલો, ચાખીએ ચાહતને…..
પ્રેમ, પ્રેમને સમજે છે, એને વાતોની જરૂર નથી પણ મીઠા શબ્દો, પ્રેમનો ખોરાક છે.
જીવનમાં બે કરુણતા છે: એક, પ્રેમમાં તમારી ઇચ્છા પૂરી ન થાય તે અને બીજી, તમારી ઇચ્છા પૂરી થાય તે.
પ્રેમ યુદ્ધ જેવો હોય છે, શરૂ કરવો સહેલો, અટકાવવો મુશ્કેલ…
પ્રેમ અછબડા જેવો છે, આપણે એમાંથી ક્યારેક ને ક્યારેક તો પસાર થવું જ પડે છે.
પ્રેમ, મૃત્યુ જેટલું જ બળવાન છે. મૃત્યુ સાથે મુકાબલો કરી શકે તો માત્ર પ્રેમ જ છે.
પ્રેમ- ફ્રાન્સમાં કોમેડી છે, ઇંગ્લેન્ડમાં ટ્રેજેડી છે, ઇટાલીમાં ઓપેરા છે ને જર્મનીમાં મેલોડ્રામા છે.
સતત રાવ-ફરિયાદ, પ્રેમનું મૃત્યુ છે. ભાંગવા કરતાં થોડુંક વાંકા વળતાં શીખો એ સારું છે.
પ્રેમને પાપ બનાવીને ધર્મે સૌથી મોટો ઉપકાર પ્રેમ ઉપર કર્યો છે.
પ્રેમ ચમત્કાર છે. એ બર્થમાર્ક એટલે કે જન્મ-ચિન્હ જેવી વાત છે, ગમે તેટલું છુપાવો પણ તમે એને ઢાંકી ન શકો.
પ્રેમમાં તમે મૂર્ખાઇ ખૂબ કરશો પણ એને ઉત્સાહપૂર્વક કરશો.
હું બે જ વસ્તુના પ્રેમમાં છું : અરીસો અને શરાબનું જામ.
પહેલો પ્રેમ, થોડીક મૂર્ખાઇ અને ઝાઝી બધી જિજ્ઞાસા છે…
માણસ ભૂખ્યો હોય ત્યારે એને ચુંબનની જરૂર નથી હોતી. પ્રેમ ભલે મીઠો હોય પણ એનો સ્વાદ રોટી સાથે જ આવે છે…
પ્રેમમાં પ્રત્યેક નાનકડો વિરહ એ એક યુગ જ છે.
આપણે જ્યારે એકમેકની સાથે નથી હોતા ત્યારે ઇશ્ર્વર આપણને જુએ છે.
વિરહ- પ્રેમને તીવ્ર બનાવે છે, મિલન- એને સબળ.
જ્ઞાનનો પ્રારંભ, પ્રેમની શરૂઆત છે.
સ્વર્ગ ને નરક વચ્ચેની પસાર થતી મોસમ છે-પ્રેમ.
ધિક્કાર પ્રેમનાં સિક્કાની બીજી બાજુ છે. પ્રેમ ઓછો હોય ત્યાં દોષ ઝાઝા દેખાય.
ઈંટરવલ:
અંડર ધ ગ્રીન વૂડ ટ્રી,
વ્હુ લવ્સ ટુ લાઇ વિથ મી! (શેક્સપિયર)
પ્રેમ, ઘુવડ કરતાં યે વધારે આંધળો હોય છે પણ પ્રેમ આંધળો છે એ જ સારું છે, નહીં તો એને કેટલું બધું જોવું પડત, જેની જરૂર ના હોય તે..અને પ્રેમ ભલે ભલે આંધળો હોય, પણ લગ્ન એને દૃષ્ટિ આપે છે…
ક્રોધી પ્રેમી પોતાને જ જુઠ્ઠાણાંઓ કહેતો હોય છે.
પ્રેમમાં ઓછામાં ઓછો બેનો તો મુકાબલો કરવો જ પડે: પહેલાં યુદ્ધ અને પછી શાંતિ…
કોઇ પણ સ્ત્રીને ક્યારે ય એમ નહીં કહેતા કે તું સુંદર છે. એને એમ જ કહેજો કે ‘તારા જેવી તો કોઇ સ્ત્રી જ નથી! ’ અને તમારે માટે બધા રસ્તા ખૂલી જશે…
સૌંદર્ય પર નભતો પ્રેમ, સૌંદર્યની સાથે જ મરે છે…જે સ્ત્રી/પુરૂષ તમને ચાહે છે એ મારે માટે સૌથી સુંદર છે.
મધમીઠા શબ્દો અને ખુશામતિયા ચહેરાઓ ભાગ્યે જ પ્રેમ વિશે કહી શકે છે કે આપણે એકમેકને ચાહીશું તો હું મહાન થઇશ ને તું ઐશ્ર્વર્યવાન…
પ્રેમની અભિવ્યક્તિની બાબતમાં આપણે અવિકસિત દેશો જેવા છીએ…જ્યાં સુધી પહેલો હુમલો થાય ના ત્યાં સુધી પ્રેમ અને સંધિવાના અસ્તિત્વમાં આપણે માનતા નથી…
પ્રેમમાં કશું હાસ્યપદ નથી…અદૃશ્ય શાહીથી પ્રેમપત્રો લખાવા જોઇએ અને પછી કચરા પેટીમાં ફેંકવા જોઇએ…ખરેખર પ્રેમપત્રો તો હંમેશાં પોતાની સેક્રેટરીને જ લખાવવાના હોય અને એનાથી આગળ ના જવા જોઇએ.
આખી દુનિયા પ્રેમીઓને ચાહતી ભલે ન હોય, પણ પ્રેમીઓને જોતી તો નક્કી હોય જ છે..
પ્રેમમાં બે વ્યક્તિઓનું સાયુજ્ય છે, જેમાં એકને જ ફાયદો થાય છે…
પ્રેમમાં પડેલો વૃદ્ધ માણસ પાનખરના ફૂલ જેવો છે…
પ્રેમ એ એક એવી લાગણી છે કે સ્ત્રી પોતાના કૂતરા માટે સતત અનુભવે છે ને પોતાના પુરુષ માટે ક્યારેક જ.
સ્વપ્ન અને પ્રેમમાં કશું અશક્ય નથી… ‘સ્વપ્નની દુનિયાનું વાસ્તવિકતામાં રૂપાંતર કરવું’ એ પ્રેમ છે…
પ્રેમને નાશનો ભય નથી હોતો પણ પરિવર્તનનો ભય હોય છે…
પ્રેમ હંમેશાં વફાદારીમાં દખલગીરી કરે છે…પ્રેમ સ્વભાવથી જ બેવફા છે…
પ્રેમ વિશે આ બધું વાંચીને પેટ હજી ભરાયું ન હોય તો પ્રેમ વિશેની તમને ભાવતી વાનગી નક્કી
કરીને જીવનમાં ઉતારજો. બાય ધ વે, અમને તો બધી વાનગી ભાવી છે, પછી ભલે એ પચે કે ના પચે!
એંડ-ટાઇટલ્સ:
આદમ: પ્રેમ એટલે શું?
ઇવ: ખબર નહીં.