મેઘાલયથી લદાખ સુધી મોન્સુનના મનમોહક ઉત્સવ
ઉત્સવ -નિકહત કુંવર
ભારતની સાંસ્કૃતિક વિવિધતા એવી છે કે તહેવારો પર ક્યારેય વિરામ ચિહ્ન લાગતું જ નથી, આખું વર્ષ ચાલુ રહે છે. ચોમાસાનો પોતાનો એક મિજાજ છે, તેના પોતાના અનોખા તહેવારો છે, તે બધાનો અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી. આથી આપણે દેશના વિવિધ ભાગોમાં આવેલા આવા જ કેટલાક ચોમાસાના તહેવારોની ચર્ચા કરીએ જેના નામ તો કદાચ તમે સાંભળ્યા જ હશે, અને જો તે વિસ્તાર સાથે તમારો સંબંધ નથી, તો તેને મનાવવાની પૃષ્ઠભૂમિ તમને ખબર ન હોય. આપણા દેશમાં દરેક ઋતુની પોતાની પરંપરાઓ અને રિવાજો છે, જે ચોમાસાને પણ લાગુ પડે છે. જ્યારે વરસાદ પછી સર્વત્ર હરિયાળી છવાઈ જાય છે, ત્યારે કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીની વિવિધ સંસ્કૃતિઓમાં જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવે છે.
પુરી, ઓડિશાની રથયાત્રા એ ભારતનો સૌથી પ્રસિદ્ધ ચોમાસું તહેવાર છે, જેના વિશેની માન્યતા છે કે તેમાં ભાગ લેવાથી વ્યક્તિનાં તમામ પાપો ધોવાઇ જાય છે અને મોક્ષનો માર્ગ મોકળો થાય છે. ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે અલગ-અલગ રથમાં સવાર થઈને ગુંડીચા મંદિર જાય છે, જ્યાં તેમના માસી રહે છે. શણગારેલા રથ ભક્તો ખેંચે છે. ત્રણેય ભાઈ-બહેન ગુંડીચા મંદિરમાં નવ દિવસ રોકાય છે. ૧૮ પૈડાં પર ચાલતા વિશાળ રથની મનોહર યાત્રા જોવી એ પોતાનામાં એક અલૌકિક અનુભવ છે. દુનિયાના ખૂણે ખૂણેથી ભક્તો આ રથયાત્રામાં ભાગ લેવા આવે છે.
આદી પેરુક્કુ મોનસૂન ફેસ્ટિવલ એ મુખ્યત્વે તમિલનાડુનો એક તહેવાર છે જે તમિલ મહિના આદિના ૧૮મા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર મહિલા-કેન્દ્રીત હોય છે અને પાણીના જીવન નિર્વાહના ગુણધર્મોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. તે તમિલનાડુની નદીઓ, ખીણો, પાણીની ટાંકીઓ, તળાવો, કૂવાઓ વગેરેની નજીક ઉજવવામાં આવે છે જ્યારે તેમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે અને ચોમાસાની શરૂઆત થાય છે. માન્યતા એવી છે કે પાણી એ જીવન છે કારણ કે આ વરસાદ ઝરણા, તળાવો અને નદીઓના પાણીના સ્રોતોને ભરી દે છે. આ તહેવારમાં મહિલાઓ પાણીના પોષક ગુણોની પૂજા કરે છે, જેના કારણે જીવન સુરક્ષિત રહે છે. આ ઉત્સવમાં પાણીની ઉજવણી સ્વાદિષ્ટ ભોજન અને ઘરોને સજાવીને કરવામાં આવે છે. મહિલાઓ પણ ભારે પોશાક સાથે પાણીની પૂજા કરે છે.
આમ તો ગોવા જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ઉત્સવના મૂડમાં જ હોય છે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીં સાઓ જોઆઓ ઉત્સવ ઉજવવામાં આવે છે, જે રંગો અને ઉત્સાહથી ભરેલો હોય છે. દર વર્ષે ૨૪ જૂને સેન્ટ જ્હોન બાપ્ટિસ્ટના માનમાં ઉજવવામાં આવતા આ તહેવારની વિશિષ્ટ પરંપરાઓ છે, જેમાં ફૂલોના મુગટ પહેરીને પાણીમાં કૂદકો મારવાનો સમાવેશ થાય છે. આ તહેવારમાં ફળો, પીણાં વગેરે ભેટની પણ આપ-લે થાય છે. આ સિવાય લોકો સરસ વસ્ત્રો પહેરીને ગીતો અને ભજન ગાય છે. તમને ગામડાઓમાં નદી કિનારે કાર્નિવલ બોટ પણ જોવા મળશે. ગોવાની ગ્રામીણ વિભાગની સુંદરતા સાઓ જોઆઓમાં નિખરીને સામે આવે છે.
ઉત્તર-પૂર્વ ભારતના પર્વતોની વચ્ચે વસેલું મેઘાલય તેના ચોમાસાના તહેવાર બેહદીનખલમમાં ઊંડી ડૂબકી મારે છે. બેહદીનખલમનો અર્થ થાય છે દુષ્ટ શક્તિઓને ભગાડવી. તેથી, આ તહેવાર ઉજવવા પાછળનો હેતુ મેઘાલયના લોકોને કોલેરા અને અન્ય રોગચાળાઓથી સુરક્ષિત રાખવાનો છે. સાથે આ તહેવારમાં ભગવાનને તેમના સમુદાયને સમૃદ્ધિ અને સારા પાકના આશીર્વાદ આપવા માટે કહેવામાં આવે છે. જો કે બેહદીનખલમ એ બુરાઇ પર અચ્છાઇની જીતનો ઉત્સવ છે, સ્થાનિક ભાષામાં તેનો અર્થ કોલેરાને ભગાડવું પણ થાય છે, જેને રાક્ષસ માનવામાં આવે છે. શરૂઆતમાં, આ તહેવારની ઉજવણી ઘર અને વિસ્તારની વાર્ષિક સફાઈ સાથે સંબંધિત હતી, પરંતુ વર્ષ-દર-વર્ષે થતા ફેરફારોને કારણે, તે વાર્ષિક પરંપરા બની ગઈ છે જેનું આયોજન જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. જ્યારે તહેવાર માટે ભીડ એકઠી થાય છે, ત્યારે જિતિયા કુળનું નૃત્ય જોવા જેવું હોય છે. વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થોની સુગંધ વાતાવરણમાં સુગંધ ઉમેરે છે અને પછી સંગીત અને રમતગમતની સ્પર્ધાઓ ઉત્સવમાં વધારો કરે છે. આ તહેવારમાં, સારો પાક આપવા માટે ભગવાનનો આભાર પણ માનવામાં આવે છે.
લદ્દાખનો મોનસૂન ફેસ્ટિવલ હેમિસ, સૌથી આદરણીય બૌદ્ધ મઠ હેમિસ ગોમ્પા ખાતે યોજાય છે, જે ‘લેન્ડ ઓફ હાઇ પાસેસ’માં છે. આ ઉત્સવ બે દિવસ માટે ઉજવવામાં આવે છે અને તે ગુરુ પદ્માસંભવના જન્મદિવસ સાથે પણ સંબંધિત છે, જે તિબેટીયન ચંદ્ર મહિનાના દસમા દિવસે આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ તહેવારનો સમય એવો છે કે તેનું આયોજન લગભગ જુલાઈના મધ્યમાં કરવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય આકર્ષણ ચામ છે જે તાંત્રિક બૌદ્ધ ધર્મનું મૂળભૂત પાસું છે. આ ઉત્સવમાં, વિસ્તૃત વસ્ત્રો, પાઘડીઓ, ઝવેરાત વગેરે પહેરેલા સાધુઓ નૃત્ય નાટકો કરે છે સાથે ડ્રમ અને લોંગહોર્ન કરતાલ વગાડવામાં આવે છે.