મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ?
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
એક નાના શહેર અને મહાનગર મુંબઈ વચ્ચે એક મોટો ફરક એ છે કે મુંબઈમાં કામ પૂરું થઈ ગયા પછી અહીં કોઈ કોઈને પૂછતું નથી. આજે જે ગાયક, ખેલાડી કે અભિનેતાની પાછળ મુંબઈવાળાઓ ગાંડાની જેમ દોડે છે, એમનો સમય પૂરો થઈ ગયા પછી એ બધા ક્યાં અને કેવી હાલતમાં જીવન જીવી રહ્યા છે એની ન તો કોઈને ખબર હોય છે અને ન તો કોઈને ચિંતા! આ શહેરમાં જો કોઈ માણસ કોઇનું કામનું નથી, તો તમે એ સમજી લો કે એ માણસ શહેર માટે મરી ચૂક્યો છે. અહીં જૂના ફિલ્મ સ્ટાર્સ એમની જૂની યાદોને સંભળાવવા માટે તરસે છે, પણ કોઈ એમને સાંભળવા માટે મળતું નથી. એટલે એમના માટે આખા જીવનમાં નિરાશા છવાઇ ગઈ. અહીંયાં વરસોથી રોજેરોજ આવું જ થાય છે. ધારો કે તમે કોઈ ફિલ્મમાં ડાયલોગ લખી રહ્યા છો. તમે લખેલા ડાયલોગનો છેલ્લો કાગળ હાથમાં આવ્યા પછી નિર્માતા, નિર્દેશક તમારા ઘરનું સરનામું ભૂલી જાય છે, ફોન નંબર ભૂલી જાય છે અને ડબિંગ પૂરું થયા પછી જે હીરો-હિરોઈનના ઘરનાં ચક્કર લગાવતા એ લોકો થાકતા નહોતા , હવે એ બધાં એમનાં ઘરની તરફ જોતા પણ નથી. એક જૂના જમાનાનો સુપરસ્ટાર અભિનેતા મને અફસોસ કરીને કહી રહ્યા હતા કે એક સમયે મારા જન્મદિવસ પર એટલા બધા ગુલદસ્તા આવતા કે આખું ઘર ફૂલોથી ભરાઈ જતું. આજે કોઈ અભિનંદન આપવા માટે એક ફોન પણ કરતું નથી.
આપણાં ધંધાડું શહેરો આ બાબતમાં બહુ નિર્દય હોય છે. ત્યાં આત્મિયતા કે લાગણીનાં સમીકરણો સતત બદલાતાં રહે છે. આજે જે માણસ પોતાની ગરજને લીધે તમને ખાવાનું ખવડાવે છે, એ કાલે પાણીનાં ગ્લાસ માટે પણ પૂછતો નથી. અહીં તમે માત્ર બે જ સ્થિતિમાં જીવી શકો છો. એક માલિકની અને બીજી મજૂરની! આ સિવાય કોઈ પણ પ્રકારના માનવીય સંબંધની કલ્પના કરવી એક મૂર્ખતાભરી કલ્પનામાં રાચીને જીવવા જેવું છે. એ લોકો ખરેખર ધન્ય છે, જેઓ હજી યે આ જમાનામાં પારિવારિક સંબંધોને જીવતા રાખે છે. અહીં સમય કે કાળ, માણસ અને માનવતા બંનેને ખાઈ જાય છે. બસ સ્વાર્થ બાકી રહે છે અને સંબંધો ધીમે ધીમે મરી જાય છે. પછી તો એ જ રાગ : મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ?
છેલ્લાં ૩-૪ વરસથી હું જોઈ રહ્યો છું કે મુંબઈના લોકો વરસાદી મોસમમાં વરસાદથી હંમેશા નારાજ રહે છે, અને અતિવૃષ્ટિ પર સદા યે ગુસ્સે થયે રાખે છે. આ પહેલા પણ ગયાં બે વરસે ઘણો વરસાદ પડ્યો હતો અને એટલું પાણી ભરાઈ ગયું હતું કે મુંબઈ, જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. પણ ત્યારે કોઈ ગુસ્સે નહોતું થયું. ત્યારે જે તળાવમાં પીવાનું પાણી વરસાદથી ભરાય છે, એ ખાલી હતું અને મુંબઇને વરસાદની ખૂબ ગરજ હતી. જે રીતે ફિલ્મનું ગીત લખાવતાં પહેલાં ફિલ્મનો નિર્માતા, ગીતકારના બધા નખરાં સહન કરે છે, એ જ રીતે પીવાનું પાણી મળે ત્યાં સુધી મુંબઈને વરસાદના બધા અત્યાચારો માન્ય હતા, પણ તળાવમાં એક વાર પાણી ભરાઇ ગયું એટલે વરસાદના અત્યાચારો સહન કરવાની પછી જરૂર નથી રહેતી. જરૂરિયાત જેટલું પાણી ભરાઈ ગયું છે, શહેરની ગંદકીની સફાઇ માટે આખું વર્ષ રાહ જોઇએ છીએ એ બધું પાણીથી ધોવાઈ ગયેલું. પછી પાણીની શું જરૂર? તો પછી, અરે ભાઈ ઓ વાદળ, ચલો આગળ વધો, આમ અમને હેરાન ન કરો! હવે ઓ વાદળો, હવે અહીયાં કેમ ઊભા છો? અમને આવવા જવામાં તકલીફ પડે છે. જાવ, જાવ, હવે આવતા વર્ષે આવજો, હોં… માણસ માણસ વચ્ચેના સંબંધમાં જે સ્વાર્થ છે, એ જ સ્વાર્થ અહીંયાં માણસ ને પ્રકૃતિના સંબંધમાં છે. કામ પૂરું થઈ ગયા પછી કોઈ કોઈને પૂછતું નથી. એ જ રીતે દર વરસે લોકો, પાણી મળ્યા પછી કહે છે : ચાલો વાદળ નીકળો અહીંયાથી.. તમારું કામ પૂરું થઈ ગયું છે. હવે મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ?…ને આ મુંબઈ શહેરમાં આમ પણ બહારનાઓની હવે ક્યાં જરૂર છે?