મરતા સુધી મટે નહીં,પડી ટેવ પ્રખ્યાત, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં !
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
માણસમાં કેટલીક બાબતો જન્મજાત હોય છે. એના માબાપ કોણ છે. એ કયા પરિવારમાં જન્મ્યો છે, ક્યારે અને ક્યાં જન્મ્યો છે એવી બાબત પર જન્મ લેનારનો કોઈ અંકુશ નથી હોતો. એના વાન (રૂપરંગ) અને સાન (બુદ્ધિ – અક્કલ)માં થોડો ઘણો ફરક આવે પણ મૂળ વાત બદલાતી નથી. સ્વભાવ એટલે મનોવૃત્તિ, મનની પ્રવૃત્તિ. સ્વ એટલે પોતાનો અને ભાવ એટલે જન્મ. પોતાના જન્મથી જે બનેલો છે તે સ્વભાવ. મનુષ્ય સ્વભાવ વિશે અનેક સંશોધન થયા છે, થતા રહેશે, પણ એનો તાગ સંપૂર્ણપણે મેળવવામાં વિજ્ઞાન પણ સો ટકા સફળતા નથી મેળવી શક્યું. ગુજરાતી સાહિત્ય વ્યોમના ૧૯મી સદીના કવિ શ્રી દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનું કાવ્ય સર્જન ભાષાની સરળતાને કારણે ભાવ વિશ્ર્વમાં અંકાઈ ગયું છે. તેમની પંક્તિઓએ કહેવતને જન્મ આપ્યો છે. કવિશ્રીની જાણીતી પંક્તિઓ છે કે મરતાં સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આ પંક્તિનો આધાર લઈ પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં કહેવતનો જન્મ થયો છે. પાટણના પટોળા પ્રખ્યાત છે અને એ તૈયાર કરતી વખતે એને આકર્ષક બનાવવા એના પર ભાત (વેલબુટ્ટાવાળી છાપ જેને આજની જનરેશન ડિઝાઈન કહે છે) પાડવામાં આવે છે. આ ભાત ઉપરછલ્લી કે છાપેલી નથી હોતી, પણ તાણાવાણાથી તૈયાર થતી હોય છે. એટલે પોત (વસ્ત્રનો વણાટ) ફાટી ન જાય ત્યાં સુધી એ છાપ જાય નહીં (ફીટે નહીં). એ પટોળાને વળગેલી જ રહે. આ કહેવતને માણસના સ્વભાવ સાથે સીધો સંબંધ છે. માણસનો સ્વભાવ, તેનામાં રહેલાં ગુણ – અવગુણ જન્મજાત હોય છે. અહીં આપણે ખાનદાની ગુણોની વાત કરીએ છીએ. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં તમને ખાનદાની ગુણની અનેક કથા વાંચવા મળશે. લીમડામાંથી મધ ટપકતું નથી. એમાં મીનમેખ ન થાય, કારણ કે કડવાશ લીમડાનો ગુણધર્મ છે. એમાંથી મધની આશા રાખવી મૂર્ખાઈ છે.
આ કહેવત દર્શાવતી એક મસ્ત વાર્તા છે. એક રાજા હતા જેના રાજમાં લીલાલહેર હતી, પ્રજા સુખી હતી, પણ રાણીનું કથળી રહેલું સ્વાસ્થ્ય રાજાને કોરી ખાતું હતું. અનેક વૈદ પાસે દવા કરાવી, ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરી, પણ આરોગ્ય સુધર્યું નહીં. છેવટે એક સંત સાથે મુલાકાત થઈ જેણે રાજા પાસેથી જાણ્યું કે લગ્ન પહેલા રાણી ભિખારણ હતી પણ એના રૂપથી મોહિત થયેલા રાજાએ તેની સાથે વિવાહ કર્યા હતા. સંત બીમારીનું કારણ કળી ગયા. મહેલની દીવાલોમાં ગોખલા બનાવવા રાજાને સમજાવ્યું. રાજાએ તરત ગોખલા તૈયાર કરાવ્યા અને સંતના સૂચન અનુસાર ભોજન સામગ્રી એ ગોખલામાં મૂકવામાં આવતી. એ જોતા જ રાણીની આંખમાં ચમક આવી અને ‘આપો બા, આપો બા’ કહેતા ભીખ માગી ખાતા હોય એમ ખાવા લાગ્યા. ધીરે ધીરે સ્વાસ્થ્ય સુધરી ગયું અને હરતાં ફરતાં થઈ ગયા. માગીને ખાવાનો મૂળ સ્વભાવ રાણીનો ગયો નહીં એનું આ કથા પ્રતિબિંબ છે. દલપતરામની મૂળ પંક્તિઓ આ પ્રમાણે છે: મરતાં સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત, ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત. વસુધા અને વિદ્યા વિશે વિવિધ રસોનો વાસ, આંબો ચૂસે મિષ્ટ રસ, લે આંબલી ખટાશ.
DRY PROMOTION
મોસમ ગરમીની છે. ક્યાંક ભેજવાળી હવા અકળાવે છે તો ક્યાંક સૂકી હવાથી તોબા પોકારી જવાય છે. ભેજવાળી હવા ધરાવતી આબોહવા અંગ્રેજીમાં Humid Weather તરીકે ઓળખાય છે જ્યારે સૂકી હવા Dry Weather તરીકે જાણીતી છે. અંગ્રેજી શબ્દ ડ્રાય શબ્દાર્થમાં ભલે સૂકો હોય પણ એના વિવિધ ભાવાર્થ તમારી સમજણને લીલીછમ બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે. આ શબ્દના જોડાણમાં બનતા કેટલાક રૂઢિપ્રયોગ અને એના મજેદાર અર્થની દુનિયામાં ડોકિયું કરીએ. શરાબના શોખીનો માટે DRY DAY રૂઢિપ્રયોગ ઉદાસ કરનાર અને સંગ્રહ કરાવનાર છે. WHAT DOES A DRY DAY MEAN? On a dry day, the sale and consumption of alcohol is strictly forbidden. ડ્રાય ડે એટલે એવો દિવસ જ્યારે શરાબના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. નોકરિયાત લોકોએ ખાસ જાણવા જેવો પ્રયોગ છે Dry Promotion. ના, પ્રમોશન મળે ત્યારે કે એ પછી શરાબના સેવન પર પ્રતિબંધની અહીં કોઈ વાત નથી. In Dry Promotion, companies give promotion and additional responsibilities to their employees but the salary remains the same. કોઈ કંપની કર્મચારી/કર્મચારીઓને પ્રમોશન – બઢતી આપે, વધુ જવાબદારી સોંપે પણ આ વધારાના કામ માટે પગારમાં રાતી પાઈનો વધારો ન કરી આપે એ ડ્રાય પ્રમોશન કહેવાય છે. મોભો વધ્યો, પણ મૂડી ઠેરની ઠેર. વિનોદ – રમૂજના કેટલાક પ્રકાર છે એમાં એક છે Dry Humour. Dry Humour is an intelligent kind of humor that is the complete opposite of slapstick humor. It may not always be “laugh out loud” funny. In fact, the person who uses dry humor often shows little to no emotion at all. This is why it is often called “deadpan” humor. To have a deadpan face is to have an emotionless face. આ વિનોદની લાક્ષણિકતા એ છે કે એમાં અટ્ટહાસ્ય નથી હોતું, એનાથી સાવ વિપરીત આવો વિનોદ કરનારી વ્યક્તિના ચહેરા પર સાવ નજીવા ભાવ નજરે પડે છે અને મોટેભાગે તો ચહેરો ભાવશૂન્ય હોય છે જે હાસ્ય જન્માવે છે. બીજો એક પ્રયોગ છે Dry Hole. આને કાણાં, દર કે બખોલ સાથે સંબંધ નથી, પણ ઓઇલ ઈન્ડસ્ટ્રીમાં આ રૂઢિપ્રયોગનો વપરાશ જોવા મળે છે. Dry Hole means any well drilled for oil or gas that does not yield enough to be commercially profitable. જે જગ્યાએ ખનિજ તેલ મેળવવા ખોદકામ કરવાથી એટલો જથ્થો હાથ ન લાગે જે મેળવીને ધંધો કરીને બે પૈસા કમાઈ શકાય એ ડ્રાય હોલ કહેવાય છે.
गुजराती कहावत हिंदी में
ભાષા લાલિત્ય એટલે ભાષાનું સૌંદર્ય. ભાષામાં વપરાતા શબ્દોના અર્થનું સૌંદર્ય, એની ખૂબી. ત્રણ રીતે દર્શાવી શકાય છે. શબ્દ લાલિત્ય. પદ લાલિત્ય અને અર્થ લાલિત્ય. જ્યારે કોઈ કહેવત કે રૂઢિપ્રયોગ પરભાષા પ્રવેશ કરે છે ત્યારે અનેક વાર એનું અર્થ લાલિત્ય મોહ પમાડનારું હોય છે. બાર ભૈયા તેર ચોકા કહેવતના મૂળ અર્થને વર્ણભેદ – આભડછેટ સાથે સંબંધ છે. એ પ્રકારની વ્યવસ્થામાં અતિશયોક્તિ નજરે પડે ત્યારે આ પ્રયોગ વપરાય છે. પછી એનો અર્થ વિસ્તાર થયો ને જૂથ નાનું પણ મતભેદ ઘણાં હોય એ પરિસ્થિતિનું નિરૂપણ કરવા આ પ્રયોગ વપરાય છે. હિન્દી ભાષામાં ભાવાર્થ જાળવી સરસ મજાની કહેવતે જન્મ લીધો છે કે अपनी डफली अपना राग. દરેક વ્યક્તિ પોતાના અભિપ્રાય અનુસાર આગળ ચાલે એ એનો ભાવાર્થ છે. શબ્દાર્થ કરતા ભાવાર્થ કેવો બળુકો હોય છે એ વાત હવે આપેલી કહેવતમાં કેવું પ્રભાવીપણે સિદ્ધ થાય છે એ જોઈએ. મન ચંગા તો કથરોટમાં ગંગા કહેવતથી તમે પરિચિત હશો જ. ભાવ તેવી ભક્તિ, ભાવના તેવી સિદ્ધિ, ગણે તો દેવ નહિ તો પથ્થર એવો ભાવાર્થ શબ્દકોશમાં આપવામાં આવ્યો છે. હિન્દીમાં આ કહેવત એ જ શબ્દોના હિન્દી ભાષાંતર તરીકે જોવા મળે છે: मन चंगा तो कठौती गंगा. કઠૌતી એટલે કથરોટ અને ચંગા એટલે પવિત્ર અર્થ બંને ભાષામાં સમાન છે. હવે આ જ કહેવત ભાવાર્થ જાળવીને यकीन बड़ा कि देव? તરીકે પણ પ્રચલિત છે. યકીન એટલે વિશ્વાસ. ઘણા લોકો એને શ્રદ્ધાનું નામ પણ આવે છે. વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચેનો તફાવત તારવવો એ સામા વહેણે તરવા જેવું મુશ્કેલ કામ છે. ઈશ્વરના અસ્તિત્વ અને એને માટેના વિશ્વાસ – શ્રદ્ધા વચ્ચે ઝોલા ખાવાની વાત છે.
असंगाशी संग…
મૈત્રી અને સંબંધ બરોબરીના લોકો સાથે કરવા એવું વર્ષોથી વડીલો કહેતા આવ્યા છે. સરખે સરખા ન હોય તો સમસ્યાઓને આમંત્રણ મળી શકવાની સંભાવના વધારે હોય છે. એના સંદર્ભની એક મરાઠી કહેવત છે કે असंगाशी संग म्हणजे प्राणाशी गत. બરોબરીનો ન હોય અથવા અયોગ્ય હોય એવી વ્યક્તિ કે લોકોનો સંગાથ કરવાથી સમસ્યાઓને આમંત્રણ મળી જાય છે અને પ્રાણ ગુમાવવાનો વખત પણ આવી શકે છે. આ કહેવત પાછળની કથા એવી છે કે આફ્રિકાના એક જંગલમાં અનાયાસે હરણના બચ્ચાને વાઘના બચ્ચા સાથે દોસ્તી થઈ. બંને સાથે રમી આનંદથી દિવસ પસાર કરતા. ધીરે ધીરે વાઘના બચ્ચાની આવનજાવન ઓછી થઈ ગઈ. હરણના બચ્ચાએ કારણ પૂછ્યું તો વાઘના બચ્ચાએ જવાબ આપ્યો કે ‘હવે મારે જાતે શિકાર કરતા શીખવાનું છે એટલે વાર બહુ લાગે છે.’ સાંભળી હરણનું બચ્ચું થોડું ગભરાયું, પણ દોસ્તથી ડરવાનું શું એમ વિચારી મન મનાવી લીધું. હરણના બચ્ચાની માને શંકા પડી કે એ કેમ એકલું એકલું ફરે છે? એક દિવસ એના શરીર પર એક ઉઝરડો નજરે પડ્યો એટલે બચ્ચાને પૂછ્યું તો તેણે ભોળાભાવે કહી દીધું કે ‘હું અને મારો દોસ્ત વાઘનું બચ્ચું પકડાપકડી રમતા હતા ત્યારે તેણે છલાંગ મારી મને પકડવાની કોશિશ કરી, પણ હું છટકી ગયો. પણ રમતા રમતા એના નખ મને વાગી ગયા એનો આ ઉઝરડો છે.’ મા બધું સમજી ગઈ અને વાઘની દોસ્તી ન કરાય, કારણ કે એની સાથે ક્યારેક અન્ય મિત્ર આવી તને ઈજા પહોંચાડી તારો શિકાર કરશે તો?’ આ સમજાવટ બચ્ચાને ગળે ઉતરી ગઈ અને એ જ દિવસથી વાઘના બચ્ચાને મળવાનું બંધ કર દીધું. માએ તેને કીધું કે ‘દોસ્તી બરાબરીના પ્રાણીના બચ્ચા સાથે કરવી, કારણ કે असंगाशी संग म्हणजे प्राणाशी गत. અયોગ્ય વ્યક્તિ સાથેનો સંબંધ જીવલેણ સાબિત થઈ શકે છે.