ઉત્સવ

માસ બ્રાન્ડ કે નિશ બ્રાન્ડ ?

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

કોઈ પણ વેપારમાં જયારે માલ કોને વેચવો છે તેની સ્પષ્ટતા હશે તો વેપારના બીજા બધા પાસા પર કામ કરવું ઘણું આસાન થઇ જાય છે. આથી વેપાર શરૂ કરતા પહેલાં આની સ્પષ્ટતા જરૂરી છે કે મારે મારા પ્રોડક્ટ કે સર્વિસને માસ (સામૂહિક) બ્રાન્ડ બનાવવી છે કે નિશ (વિશિષ્ટ) બ્રાન્ડ બનાવવી છે.

નિશ બ્રાન્ડ અર્થાત, જે બધા માટે નહીં , પણ અમુક લોકો માટે, જે સંખ્યામાં કદાચ ઓછા પણ હોઈ શકે. બીજા શબ્દોમાં, પ્રોડક્ટ કે સર્વિસ અમુક સેગ્મેન્ટને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી હોય – નહીં કે બધા જ ઘરાકો માટે. આ પ્રકારની બ્રાન્ડ ચોક્કસ માર્કેટ અથવા સેગ્મેન્ટને લક્ષ્ય બનાવવાની વ્યૂહરચના અપનાવે છે.

ઉદાહરણ તરીકે, આજના સંદર્ભમાં આસાનીથી સમજવું હોય તો, એક ફૂડ સ્ટોર છે, જે ફક્ત ઓર્ગનિક ફૂડ બનાવે છે અથવા વેચે છે તો તે ખાસ કરીને ઓર્ગેનિક ફૂડ ગ્રાહકોને ટાર્ગેટ બનાવે છે અને નહીં કે આમ જનતાને. આનાથી એ સ્પષ્ટ થાય છે કે એ એવા ગ્રાહકોને ટાર્ગેટ કરવા માગે છે જે લોકો ઓર્ગેનિક ફૂડ ઇચ્છે છે. આ પ્રકારમાં ગ્રાહકોના ચોક્કસ ભાગને ટાર્ગેટ કરવામાં
આવે છે.

બીજી તરફ, માસ અથવા સામૂહિક બ્રાન્ડ અર્થાત જેમાં બ્રાન્ડ તેની પ્રોડક્ટ કે સર્વિસ માટે વધારેમાં વધારે માસ લેવલ પર કસ્ટમર મેળવવાનો પ્રયાસ કરે છે. પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી વખતે એ પોતાની જાતને પ્રતિબંધિત કરતા નથી-એક સીમામાં બાંધતા નથી ને વધુમાં વધુ કસ્ટમર મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત ગ્રાહકોને મોટી સંખ્યામા શોધવાનો છે. ઉદાહરણ તરીકે, કોઈ પણ કોલા કે પર્સનલ કેર કે પછી ફૂડ બ્રાન્ડ. આનો ધ્યેય મોટી સંખ્યામાં ગ્રાહકોને આ બ્રાન્ડ માટે ટાર્ગેટ કરવાનો છે.

નિશના સંદર્ભમાં જો તમે નક્કી કર્યું છે કે તમારી બ્રાન્ડ નિશ સેગ્મેન્ટ માટે હશે તો માર્કેટિંગ માટે આસાન છે તે જ સેગ્મેન્ટમાં બ્રાન્ડને પ્રમોટ કરવું, પણ ઘણીવાર માર્કેટિંગની વ્યૂહરચના પ્રમાણે જો તમારી બ્રાન્ડ માસ માટે બનાવી હોય પણ જયારે તમે બ્રાન્ડ લોન્ચ કરો છો ત્યારે તમે પ્રોડક્ટ લાઇફ સાઇકલની શરૂઆતમાં છો અર્થાત ઈન્ટ્રોડક્ટરી સ્ટેજ (પ્રારંભિક તબક્કો ) પર છો. આ સમયે તમારી પાસે શું છે તે લોકોને તમે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો. તેથી નવા પ્રોડક્ટ કે સર્વિસ સાથે નવા કસ્ટમર સુધી પહોંચવા માટે વિશિષ્ટ અર્થાત નિશ માર્કેટિંગ વધુ અસરકારક રહે છે. એકવાર તમે પ્રોડક્ટ લાઇફ સાઇકલના ગ્રોથ સ્ટેજ પર પહોંચી જાઓ, પછી માસ માર્કેટિંગ વધુ અસરકારક બની શકે છે. તમારી પાસે એક નિશ સેગ્મેન્ટનો આધાર છે, જે તમારા પ્રોડક્ટને સમર્થન આપવા માટે તૈયાર છે અને આ એક સુવ્યવસ્થિત પ્રક્રિયા છે જે તમને નફો જાળવી રાખીને કિંમત ઘટાડવાની મંજૂરી આપે છે. આ તમને એક સૌથી અસરકારક માસ માર્કેટિંગ ટૂલ્સમાં ડિસ્કાઉન્ટિંગ કરવાની મંજૂરી આપે છે, પરંતુ આવા સમયે તે પણ ધ્યાન રાખો કે તમારી આ ઑફરથી તમારુ નિશ સેગ્મેન્ટ ખરાબ ના લગાડે. કારણ કે અત્યાર સુધી એ વધુ કિંમત ચૂકવી રહ્યો હતો તેમ માની શકે છે.

નિશ અને માસ બંનેના ફાયદા અને ગેરફાયદા જોવામાં આવે તો માસના ફાયદામાં ઈકોનોમી ઓફ સ્કેલના સહારે પ્રોડક્શન કોસ્ટ ઘણી ઓછી થઇ જાય છે, માસમાં માલ વેચવામાં આવે છે તેથી વેપાર વધે છે અને નફો પણ વધે છે, પ્રોડક્ટ માટે વધુ રિસર્ચ કરવાની જરૂર નથી અથવા તેમ કહી શકાય કે માર્કેટમાં જે ચાલે છે તેને રેપ્લિકેટ (પ્રતિકૃતિ કરવી) કરવું આસાન છે અને જો પ્રોડક્ટ ચાલી ગઈ તો લાંબા ગાળાની સફળતા આપી શકે છે.

હવે તેના ગેરફાયદાઓ જોઈએ તો સ્પર્ધા વધુ હોય છે, કારણ માર્કેટમાં સેમ પ્રોડક્ટ માટે ઘણી બ્રાન્ડ્સ હોય છે, બ્રાન્ડ લોયલ્ટી રહેશે કે નહિ તેમ ના કહી શકાય, કારણ જે બ્રાન્ડ બેસ્ટ ડીલ આપશે ક્ધઝ્યુમર ત્યાં જશે, ટ્રેડિશનલ રિટેલર જે માલ વેચવામાં મદદ કરી શકે છે તેની સહમતી આસાનીથી મળવી મુશ્કેલ છે, કારણ કે એ બીજી ઘણી બ્રાન્ડ્સ લઈને બેઠો છે, માર્કેટિંગ અને એડવરટાઈઝિંગ પર ખર્ચ વ્યવસ્થિત કરવો પડશે.

આની સામે નિશના ફાયદા- ગેરફાયદા જોઈએ તો અહીં સ્પર્ધા ઓછી હશે, કારણ કે બધા પોતાની પ્રોડક્ટ કોઈ વિશેષતા સાથે અને ચોક્કસ સેગ્મેન્ટ માટે લાવશે, પ્રીમિયમ પ્રાઈઝિંગ રાખી વધુ નફો રળશે, પ્રોડક્ટ લેવલ પર ડિફરેન્શીએશન ઊભું કરી શકાશે અને સૌથી મહત્ત્વનું બ્રાન્ડ લોયલ્ટી સ્ટ્રોંગ હશે, કારણ કે સ્પર્ધા ઓછી છે.

આની સામે ગેરફાયદા જોઈએ તો ડિમાન્ડ લિમિટેડ હશે, કારણ કે સેગ્મેન્ટ નિશ્ર્ચિત છે, કમાવાની પોટેન્શિયલ ઓછી હશે, કારણ કે તમે અમુક લોકો સુધી સીમિત છો, કિંમત વધારે હશે, કારણ કે એ માસમાં-જથ્થાબંધ પ્રોડ્યુસ નહિ થાય અને સૌથી મહત્ત્વનું જો ટ્રેન્ડ બદલાઈ જાય તો કદાચ લોકો નવાને અપનાવવા
માંડશે..

ટૂંકમાં, નિશ બ્રાન્ડ ચોક્કસ માર્કેટને લક્ષ્ય બનાવે છે, જયારે માસ બ્રાન્ડ સમગ્ર માર્કેટને લક્ષ્ય બનાવે છે. એકના ઘરાક જેઓ લાંબા સમય સુધી પ્રોડક્ટ ખરીદવાના હેતુ ધરાવે છે, જયારે માસના ઘરાક બદલાતા રહે છે. નિશ વ્યૂહરચના આકર્ષક વેબસાઇટ્સ, માહિતીપ્રદ અને સંબંધિત સામગ્રી ધરાવતા મેગઝિન અને ઇ-મેલ્સ જેવાં સરળ માધ્યમોના ઉપયોગ દ્વારા સઘન માર્કેટિંગ કરે છે, જયારે માસ ટેલિવિઝન જેવી મલ્ટિમીડિયા દ્વારા વ્યાપક માર્કેટિંગની વ્યૂહરચના અપનાવે છે. પ્રોડક્ટ વેરાઈટી નિશમાં કદાચ ઓછી જોવા મળશે, જયારે માસમાં તમને વિવિધ પ્રોડક્ટ વેરાઈટી અનુભવવા મળશે. નિશની વ્યૂહરચનામાં અમુક પ્રોડક્ટ કે સર્વિસીસમાં સ્પર્ધા પ્રમાણમાં ઓછી હોઈ શકે, પણ માસમાં સ્પર્ધા વધુ જોવામાં આવે છે કારણકે ત્યાં ઘણા સ્પર્ધકો છે, જે સમાન પ્રોડક્ટ કે સર્વિસ તે જ જૂથના સમાન કસ્ટમરને ટાર્ગેટ
કરે છે.

ભલે તમે માસ અથવા નિશ બ્રાન્ડ પસંદ કરો, અંતિમ ધ્યેય એક જ છે કસ્ટમર એક્વિઝિશન…ગ્રાહક પ્રાપ્તિ! તમે ગ્રાહકને એક પછી એક એક્વાયર કરી શકો છો. તમારો ઉદ્દેશ્ય શું છે તે સમજી તમારા માટે કઈ બ્રાન્ડ બનાવવી ફાયદાકારક છે- નિશ કે માસ તે નક્કી કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button