ફોકસ : ઘણા ખેલાડીઓ જેમણે કિશોરાવસ્થામાં જ પરચો બતાવ્યો તો ઘણા એવા પણ…
- શાશા શર્મા
છેલ્લા બે દાયકામાં, જ્યારે પણ આપણે કોઈ યુવા ખેલાડીને કમાલ કરતા જોયા છે, ત્યારે આપણા મોંમાંથી પહેલું વાક્ય નીકળે છે કે ‘મળી ગયો બીજો સચિન તેંડુલકર’. પરંતુ તાજેતરનાં વર્ષોમાં, આપણે આવા ઘણા સચિન તેંડુલકરને ટાઇ ટાઇ ફુસ થતાં પણ જોયા છે.
ઉન્મુક્ત ચંદ હોય, અંડર-19માં શાનદાર બેટિંગ કરનાર વિજય જોલ હોય કે ડોમેસ્ટિક ક્રિકેટમાં રનોનો ઢગલો કરનાર અને ઈન્ટરનેશનલ મેચોમાં ક્યારેક હિટ અને ક્યારેક ફ્લોપ રહેનાર સરફરાઝ ખાન અને પૃથ્વી શો હોય જેઓ હજુ પણ રમી રહ્યા છે અને હજુ પણ લિટલ માસ્ટરની જેમ વિસ્ફોટક થવાની અપેક્ષા છે.
પરંતુ એવું નથી કે જેઓ બાળપણમાં ધમાકેદાર રહ્યા હતા તેઓ મોટા થઈને ફૂલઝરી બની ગયા છે. એવા ઘણા ખેલાડીઓ છે જેમની એથ્લેટિક કૌશલ્ય તેમના બાળપણમાં જોવા મળી હતી અને પછીથી તે આશાસ્પદ સાબિત થયા. ઉદાહરણ તરીકે, વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત અને સચિન તેંડુલકર પોતે, જેમણે કિશોરાવસ્થાથી જ ધમાલ કર્યો હતો.
વિરાટ કોહલી ડોમેસ્ટિક મેચમાં જબરદસ્ત દેખાવ કરીને અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન બન્યો હતો અને જ્યારે તે કપ જીતીને પાછો ફર્યો ત્યારે બધાને તેનામાં એક સ્ટાર બેટ્સમેન દેખાતો હતો અને બાદમાં તેણે તે અપેક્ષાઓ અને આગાહીઓને પૂર્ણપણે સાચી સાબિત કરી.
વિરાટ કોહલી આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંડુલકરના તમામ રેકોર્ડ તોડવાની સૌથી નજીક છે. જો તે આગામી ત્રણ વર્ષ સુધી આ જ રીતે ક્રિકેટ રમશે, જે રીતે અત્યાર સુધી રમી રહ્યો છે, તો વિરાટ જ્યારે નિવૃત્ત થશે ત્યારે તેની સદીઓ અને તેના વ્યક્તિગત રેકોર્ડનું વજન સચિન કરતાં વધુ હશે.
રોહિત શર્મા અને ઋષભ પંત પણ બેટિંગમાં અને જસપ્રિત બુમરાહ બોલિંગમાં મોટી આશા આપી
રહ્યા છે કે બાળપણમાં તેમનામાં જે તેજસ્વી ચિનગારી જોવા મળી હતી તે જોરદાર રીતે આગળ વધી રહી છે. રોહિત શર્માએ પણ તેના કિશોરાવસ્થામાં મુંબઈ માટે સારું પ્રદર્શન કર્યું હતું અને આજે તે વન-ડે અને ટી-20માં પણ રેકોર્ડબ્રેક આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સ માટે પ્રખ્યાત છે. તે વન ડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્ર્વનો એકમાત્ર ખેલાડી છે.
ઋષભ પંત પણ આ જ લાઇનમાં છે. ઋષભે પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી અને તાજેતરનાં વર્ષોમાં તેણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે, જે તેને નાની ઉંમરે મોટો ખેલાડી સાબિત કરે છે.
વેલ સચિન તેંડુલકર તો આ વિષયની ‘સબ્જેક્ટ મેટર’ જ છે. તેને જોઈને લોકો હવે દરેક ટેલેન્ટેડ ટીનેજરમાં ભાવિ સચિન જોવા લાગ્યા છે. જો આપણે બેટિંગ સિવાય બોલિંગના દ્રષ્ટિકોણથી આ જ વસ્તુને જોઈએ તો, જસપ્રિત બુમરાહ પણ એ જ માર્ગ પર ચાલી રહ્યો છે, જે માર્ગ પર બેટ્સમેન વિરાટ કોહલી ચાલી રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે જે ખેલાડીઓએ શરૂઆતમાં મોટી અપેક્ષાઓ રાખી હતી અને બાદમાં ટાઇ ટાઇ ફુસ થયા તેની પાછળનું કારણ શું હોઈ શકે?
આ સમજવું એ કોઈ રોકેટ સાયન્સ નથી. દેખીતી રીતે, આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રકારનું માનસિક દબાણ હોય છે, આ ખેલાડીઓ તે સહન કરી શકતા નથી. ફિટનેસ અને ઇજાઓને કારણે, તેમના પર મૂકવામાં આવેલી અપેક્ષાઓ નિરાશામાં ફેરવાઈ ગઈ, તો ઘણા ખેલાડીઓ એ કારણથી સ્વપ્નને પૂર્ણ ન કરી શક્યા, કારણ કે તેમનામાં કંઇક તકનીકી ખામીઓ હતી, જેને તેમણે રાષ્ટ્રીય અથવા સ્થાનિક લેવલ પર તો મેનેજ કરી લીધી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તે સંભવ ન થઇ શક્યું.
કારણ કે તેમનામાં ટેકનિકલ ખામીઓ ઘણી વધારે હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેને નજરઅંદાજ કરવું સરળ નહોતું.