ઉત્સવ

માંડુ: ખુશીયોનું નગર, સિટી ઓફ જોયશાદીયાબાદ

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

નાનું બાળક જેમ તેની માતાના ખોળામાં ખડખડાટ હસતું રમતું હોઈ તેમ વિંધ્યાચળના ખોળામાં બેસીને મરકમરક મીઠડું હસતું નગર એટલે માંડવગઢ. મધ્ય પ્રદેશનાં જંગલોમાં, નર્મદામાંના રમણીય તટની નજીક, વિંધ્યાચળની ગોદમાં વર્ષોથી ઇતિહાસની ગાથાઓ કહેતું આવ્યું છે. અહીંના દરેક પથ્થર પર કાન માંડો તો દરેકની પાસે કાંઈક ને કાંઈક વાત હશે તેની પોતાની ગાથા હશે. માંડવગઢ એટલે ઐતિહાસિક ધરોહર અને પ્રાકૃતિક વૈભવ સાચવીને બેઠેલું અતિશય સુંદર શહેર.અહીંના લેન્ડસ્કેપ જોઈને થાય કે શું જગ્યા છે. જર્જરિત ઇમારતોમાં પણ આટલી ભવ્યતા જોઈને આપણા કલ્પનાઓના ઘોડા દોડીને સમયને પેલે પાર જવા મજબૂર કરી દે છે. મન રાણી રૂપમતી અને બાજ બહાદુરને જોવા ઉત્સુક થઈ જાય છે.

કોઈ વ્યાકુળ છોકરી હાથમાં લેધરની ડાયરી લઈને પિલરનાં ટેકે કશુંક લખતી હોય, જરા તરા હવાની લહેરખી એના ઊડતા વાળ સાથે છેડતી કરતી હોય ત્યારે એની ડાયરીમાં લખેલા શબ્દોમાં આપોઆપ નશો ઉમેરાઈ જતો હશે એવું મજાનું આ સ્થળ છે. ઐતિહાસિક ધરોહરને સ્પર્શીએ ત્યારે સહજ રીતે સમજાય કે આપણો ઇતિહાસ કેટલો ભવ્ય હશે અને આજે આપણે કેટલા પાંગળા છીએ. તેઓ સંસ્કૃતિને મૂળમાંથી સાથે લઈને ચાલતા હતા, વિકાસ અને પ્રગતિ તેઓએ કદાચ આપણા કરતાં ઘણી બહોળી ઝડપથી કરી હશે પણ અધોગતિ તરફ તેઓ આગળ નહોતા ધપ્યા. વિંધ્યાચળની પર્વતમાળાઓ વચ્ચે આવેલું માંડવગઢ આજે પણ એ વાતની ચાડી ખાય છે કે એ વખતના જનો સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યે કેટલા સજાગ હતા અને આસ્થા ધરાવતા હતા કે જલતત્ત્વ અને જંગલને પ્રાધાન્ય આપીને આખું નગર વસાવ્યું હતું. મધ્ય પ્રદેશ આમ તો આખું જ જંગલ અને પહાડોથી ઘેરાયેલું રાજ્ય છે એટલે જ એની સુંદરતા આજે ઊડીને આંખે વળગે છે.

આપણા દેશમાં ખૂણેખૂણે આવેલ દંતકથાઓ અને વાર્તાઓ જે ક્યાંક કાગળ પર કંડારેલી તો ક્યાંક પથ્થરો પર કોતરેલી સમયના પટારામાં આજે પણ અકબંધ છે. વિંધ્યાચળની પહાડીઓ ઉપર આશરે ૨૦૦૦ ફિટની ઊંચાય પર સ્થિત, ૪૫ કિલોમીટરમાં ફેલાયેલા માંડુના મોન્યુમેન્ટસ અદ્વિતીય છે. માંડવગઢમાં મુખ્ય ૧૨ પ્રવેશદ્વાર છે. તેમાં દિલ્લી દરવાજા મુખ્ય છે આ ઉપરાંત આલમગીર દરવાજા, ભંગી દરવાજા, રામપોલ દરવાજા, જહાંગીર દરવાજા, તારાપુર દરવાજા વગેરે શહેરની શોભા અને સુરક્ષા મજબૂત બનાવે છે. માંડુ પર પરમાર વંશ, સલ્તનત, મુઘલ , પવાર વગેરે વંશોનું શાસન રહેલ. ૧૦મી સદીમાં પરમાર રાજા ભોજ દ્વારા આ નગર વસાવવામાં આવેલ. સમય સાથે સત્તાના પરિવર્તન સાથે માંડુના રંગરૂપ બદલાતા ગયા. ખંડેર હાલતમાં આજના માંડુની ભવ્યતા જોતા એ સમયની જાહોજલાલી અને ભવ્યતા નજર સમક્ષ તરવરે અને આપણને ભૂતકાળના બારણાં ખખડાવવા મજબૂર કરી દે છે. માંડુ એટલે અનેક મહેલો, કુંડો, તળાવો, મસ્જિદ, સરાય, મકબરા, મદરેસા, મંદિર, સુંદર ઝરોખાઓનો સમૂહ.

ઐતિહાસિક ભૂમિ પર પગ મૂકીએ ત્યારે એ દંતકાથાઓ સાથે જોડાયેલ દરેક પાત્રો આપણી નજર સામે તરવરે છે. પાત્રો સાથે આપણે પણ કોઈ ભાવનાવશ જોડાઈ જઈએ છીએ. આવો જ કંઈક અનુભવ મેં માંડવગઢમાં બાજ બહાદુરના મહેલમાં કર્યો. શાહી પરિસરમાં સુંદર નકશીકામ થયેલ છે. અહીંનું મુખ્ય આકર્ષણ અહીંનો જહાજમહેલ છે. મુંજ તળાવ અને કપૂર તળાવ જેવા બે કુત્રિમ તળાવો વચ્ચે સ્થિત આ મહેલમાં જહાજ જેવો આભાસ થાય છે. તેની રચના એ રીતે કરવામાં આવી છે કે મધ્યભારતની સખત ગરમીમાં ગ્યાસુદ્દીન ખિલજીના હરમની બેગમોને ઠંડક આપે. જહાંગીર અને નૂરજહાંનું આ મનપસંદ સ્થળ હતું એવા પણ ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. એ સમયના શાહી જશ્નોમાં નૃત્ય અને સંગીતની મહેફિલ વચ્ચે આ સ્થળની રોનક કંઈક અલગ જ હશે. આગળ હિંડોળા મહેલ છે જેમાં હવા અને પ્રકાશ માટે સુંદર જાળીઓ મુકવામાં આવી છે તેની દીવાલો થોડી નમેલી છે જેથી એની રચના હિંડોળા જેવી લાગે છે. હિંડોળા મહેલની નજીક ચંપા બાવડી આવેલ છે કહેવાય છે કે એમાં ચંપાનાં ફૂલો જેવી સુગંધ આવતી હોવાથી ચંપા તળાવ નામ પડી ગયું. પાસે જ દિલાવરખાનની મસ્જિદ આવેલ છે.

એક અન્ય રસપ્રદ ભાગ એટલે અશરફી મહેલ. એવું કહેવાય છે કે ગ્યાસુદ્દીન ખિલજી એ પોતાની બેગમોના મોટાપાને દૂર કરવા મોટા પગથિયાં બનાવડાવ્યા. સુલતાન તેમની બેગમોને એક સીડી ચઢવાના બદલામાં એક અશરફી આપતો એવી દંતકથા પરથી આ મહેલ અશરફી મહેલ તરીકે ઓળખાય છે. અહીં મદરેસાના રૂપ જેવું પણ બાંધકામ છે. વિદ્યાર્થીઓને રહેવા માટે નાની નાની ઓરડીઓ છે. દરિયાખાન કોમ્પ્લેક્સમાં તેની કબર આવેલ છે એવું કહેવાય છે કે દરિયાખાને તેના મૃત્યુ પહેલા જ એનું નિર્માણ કરાવી દીધું હતું. મોટા ગુંબજો અહીંની વિશેષતા છે. તેની પાસે હાથી પગા મહેલ આવેલ છે. આ મહેલના સ્તંભો ખૂબ જ જાડા હોવાથી હાથીના પગ જેવા લાગતા એટલે આ મહેલ હાથી પગા મહેલ તરીકે ઓળખાતો થયો. અહીં દાયણને રહેવા માટેની જગ્યા ખૂબ અદભુત છે, દૂરથી પણ ચિલ્લાઈએ તો ચોતરફ પડઘા સંભળાય એટલે દૂરથી પણ ઇમર્જન્સી સમયે દાયણને સરળતાથી બોલાવી શકાય. હાલ આ બધી ધરોહર ભારતીય પુરાતત્ત્વ વિભાગ હસ્તગત છે.

માંડુનું બીજું અગત્યનું બાંધકામ એટલે જામી મસ્જિદ . એવું કહેવાય છે કે સીરિયાની રાજધાની દમાસ્કસમાં આવેલ એક મસ્જિદના સ્થાપત્ય પરથી આ મસ્જિદનું બાંધકામ કરવામાં આવેલ. સાથે જ હોંશગશાહનો મકબરો આવેલ છે. આ મકબરાની વિશેષતા એ છે કે ભારતમાં સૌથી પહેલા માર્બલથી નિર્મિત છે અને અહીંના અભિલેખ અનુસાર શાહજહાંએ તાજમહેલ બનાવતા પહેલા પોતાના સ્થપતિઓને અહીંનું અધ્યયન કરવા મોકલ્યા હતા જેથી તેઓ અહીંથી પ્રેરણા લઈને તાજમહેલ બનાવી શકે. અહીંની દરેક ઇમારતો પાછળ એક રસપ્રદ વાર્તા હોય જ છે. જાણે સમય બધું સાચવીને બેઠો છે.

દંતકથાઓ, ઇતિહાસ અને બીજી ઘણી વાતો એક તરફ મૂકીએ પણ આ જગ્યા હૃદય અને આંખોને સ્પર્શી ગઈ. કોઈ સમયે આ જગ્યાની જાહોજલાલી કેટલી ભવ્ય હશે એનો અંદાજ ખાલી આ મહેલની રચના જોઈને જ આંકી શકાય. આખા મહેલમાં જાણે એક આખું જ શહેર સમાયેલ હોય એટલી ભવ્ય વિરાસત છે આ ઇતિહાસની. આજે ઇતિહાસ તો વાર્તાઓની સાથે ક્યાંય ધરબાઈ ગયો છતાં આજે પણ ઊભેલી આ ધરોહર ભૂતકાળના ઇતિહાસની ભવ્યતાની ચાડી ખાય છે.

માંડુ આવીને રાણી રૂપમતીનો મહેલ જોયા વગર માંડુનો પ્રવાસ અધૂરો ગણાય. રાણી રૂપમતી અને બાજ બહાદુરની પ્રેમકથાના લીધે તો માંડુને પ્રેમનગરીનું બિરુદ મળેલ છે. રાણી રૂપમતીનું સંગીત આજે પણ મહેસૂસ કરી શકાય છે. એમ લાગે જાણે હમણાં મહેલની દીવાલો સુર છેડશે. એવી દંતકથા છે કે રાણી રૂપમતીએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે નર્મદામાના દર્શન કરીને જ અન્ન જળ ગ્રહણ કરવા. તેથી બાજ બહાદુરે ઊંચી ટેકરી પર આ મહેલનું બાંધકામ કરાવ્યું. જેના ઊંચા ઝરોખા પરથી રાણી રૂપમતી નર્મદામાના દર્શન કરતી અને આ કિલ્લાનો સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઉપયોગ થતો. ત્યાંના ઝરોખા અને ખુલ્લી છત પર ફરતા મનમાં ચોક્કસ છબીઓ બને કે અહીં રાણી રૂપમતી અને બાજ બહાદુરની સંગીત સંધ્યા થતી હશે. આ જ છત પર બેઠા બેઠા બને એ રાત્રીમાં ચન્દ્ર અને તારાઓના દર્શન કર્યા હશે અને કેટકેટલું કહી જાય છે અહીંની દીવાલો , ઝરોખા, સીડીઓ રાણીની યાદોને સંઘરીને બેઠા છે. અહીં નર્મદા કુંડ પણ છે જેમાં નર્મદાનું જળ અવિરતપણે વહ્યા કરે છે એટલે જ નર્મદા પરિક્રમાનાં રૂટમાં માંડવગઢ સામેલ છે.

સમયના પડ ચઢી ગયા પછી ઇતિહાસ બદલાઈ જાય છે અને વાર્તાઓ કે દંતકથાઓમાં તબદીલ થાય છે. આજે પણ ભવ્ય ઐતિહાસિક વિરાસત તરીકે અડીખમ ઊભી રહેલી ઇમારતની દરેક ઈંટો પ્રકૃતિના સંસર્ગમાં આ દંતકથાઓ મૂક રીતે સંભળાવી રહી છે. માળવાનો એ સમય કેટલો ભવ્ય અને જાહોજલાલી ભર્યો હશે, એ સમયનો માનવી ટેક્નોલોજીનો ઉપયોગ કેટલો કરી જાણતો હશે કે અત્યારે સાવ આધુનિક કહી શકાય તેવા મહેલમાં પણ ન હોય એવી સુવિધાઓ ત્યારે આ ધરોહરમાં હતી. લાખો લોકોની વસ્તી પ્રાચીન માળવાની રાજધાની એવા માંડવગઢમાં ત્યારે હતી. અસંખ્ય મહેલો, પ્રકૃતિ સાથે વાતો થઇ શકે એવા ઝરૂખાઓ, વરસાદના પાણીનો સંગ્રહ થઇને સીધા સ્નાનાગારમાં પહોંચે એવી વ્યવસ્થા ઉપરાંત તરણકુંડો, તાપમાન જાળવી રાખે એવી મહેલની રચના. લગભગ આ બધું જ એક જ જગ્યાએ જોવા મળ્યું.

અહીં મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય શિયાળા દરમિયાન,ચોમાસા દરમિયાન કે વરસાદ થયા પછીના થોડા સમય બાદ જ્યારે અહીંની વનરાજી સોળે કળા એ ખીલી ઊઠે છે અને આકાશમાં વાદળોના રંગો ને હરિયાળીમાં આ સ્થળનો નજારો અદભુત હોઈ છે. અહીં સરળ રીતે પહોંચવાનો રસ્તો ઉજજૈન અને મહેશ્ર્વર છે. અહીંની ખાણીપીણીમાં “દાલબાટી પાનીયા નામની એક લોકલ ડિશ ક્યારેય ન ચૂકવી જોઈએ. રાજસ્થાનમાં દાલબાટી પ્રખ્યાત છે એમ જ અહીં છાણામાં શેકીને મકાઈની બાટી બનાવવામાં આવે છે અને ખાસ દાળ અને ઘી સાથે પીરસવામાં આવે છે. એની લિજજત માણીને મધ્ય પ્રદેશનાં ખાસ વ્યંજનને માણ્યાનો સંતોષ થશે જ.

માંડવગઢને સરખી રીતે ફરવું હોય તો અહીં ઓછામાં ઓછું એક અઠવાડિયું જોઈએ જ. અહીં મધ્ય પ્રદેશ પ્રવાસન વિભાગની ખૂબ જ સારી હોટેલ્સ ઉપલબ્ધ છે એ સિવાય પણ રહેવા માટે વ્યવસ્થા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…