ઉત્સવ

પોતાના જીવનને સુખમય બનાવવાનો (અથવા તો દુખી થયા વિના જીવવાનો) રસ્તો માણસે જાતે કાઢવો જોઈએ

સુખનો પાસવર્ડ -આશુપટેલ

જેને માબાપની પડી ન હોય એવા નાલાયક સંતાન માટે ઝૂરતા રહેવાની ભૂલ વડીલોએ ન કરવી જોઈએ
૦૦૦
થોડા દિવસ અગાઉ કેટલાક મિત્રોએ એક મેસેજ ફોરવર્ડ કર્યો. એ મેસેજનું હેડિંગ હતું: અખબારના ડિલિવરીબોય દ્વારા એક હ્રદય સ્પર્શી પ્રસંગ.’ એ મેસેજ ઈંગ્લિશમાં પણ કોઈએ મોકલ્યો હતો, જેનું હેડિંગ હતું: ઓર્ડરિંગ ધ સાઉન્ડ ઑફ નોકિંગ’. પહેલા પુરુષ એકવચનમાં લખાયેલા એ મેસેજમાં કંઈક આવી વાત હતી: હું જે ઘરોમાં અખબારો પહોંચાડું છું એમાંથી એક ઘરની ટપાલપેટી બંધ હતી. એટલે મેં દરવાજો ખખડાવ્યો તો અસ્થિર પગલાં સાથે એક વૃદ્ધ માણસે ધીમેથી દરવાજો ખોલ્યો.

મેં પૂછ્યું ‘સાહેબ, ટપાલપેટી કેમ બંધ રાખી છે?’

તો તેમણે જવાબ આપ્યો: ‘મેં જાણીજોઈને ટપાલપેટી બંધ રાખી છે.’

પછી તેમણે સ્મિત કર્યું અને કહ્યું કે ‘હું ઈચ્છું છું કે તમે દરરોજ મને અખબાર પહોંચાડો ત્યારે દરવાજો ખખડાવો, બેલ વગાડો અને મને હાથોહાથ અખબાર આપો.’

હું આશ્ર્ચર્યચકિત થઈ ગયો. અને મેં જવાબ આપ્યો.‘ ચોક્કસ, હું તમને હાથોહાથ અખબાર આપીશ, પરંતુ તે આપણા બંને માટે અગવડરૂપ બની રહેશે અને એ વાત આપણા બંને માટે સમય બગાડવા જેવી પણ લાગે છે.’

તે વૃદ્ધ માણસે કહ્યું, ‘તમારી વાત બરાબર છે, પરંતુ હાથોહાથ અખબાર આપવા માટે હું તમને દર મહિને વધારાના ૫૦૦ રૂપિયા નોકિંગ ફી (દરવાજો ખખડાવવાની ફી) તરીકે આપીશ.’

એ પછી તેણે આજીજીભર્યા સ્વરે ઉમેર્યું: ‘જો કોઈ દિવસ એવો આવે કે જયારે તમે દરવાજો ખખડાવો ત્યારે હું પ્રતિસાદ ન આપી શકું તો કૃપા કરીને પોલીસને બોલાવજો.’
હું ચોંકી ગયો અને પૂછ્યું: ‘કેમ આવું કહો છો?’

તેમણે જવાબ આપ્યો: મારી પત્ની મૃત્યુ પામી છે. મારો પુત્ર વિદેશમાં છે અને હું અહીં એકલો રહું છું. કોણ જાણે મારો અંતિમ સમય કયારે આવશે!

તે વૃદ્ધ માણસની આંખો ભીંજાઈ ગઈ. તેણે આગળ કહ્યું, ‘મેં ક્યારેય અખબાર વાંચ્યું નથી! હું તો દરવાજો ખખડાવવાનો કે ડોરબેલ વાગવાનો અવાજ સાંભળવા માટે જ અખબાર ખરીદું છું. કોઈ પરિચિત ચહેરો જોવા મળે અને થોડા આનંદના શબ્દોની આપલે થાય એ માટે જ અખબાર ખરીદું છું.’

એ પછી તેમણે મારા હાથ પકડીને કહ્યું, ‘યુવાન મિત્ર, મારા પર એક મહેરબાની કરજે. હું તને મારા વિદેશમાં વસતા પુત્રનો ફોન નંબર આપું છું. જો કોઈ દિવસ તું દરવાજો ખખડાવે અને હું જવાબ ન આપું તો કૃપા કરીને મારા પુત્રને કોલ કરીને જાણ કરજે કે મેં આજે તમારા પિતાનો દરવાજો ખખડાવ્યો, પરંતુ તેમણે દરવાજો ખોલ્યો નહીં.’

એ મેસેજમાં કહવાયેલી વાર્તા ત્યાં પૂરી થતી હતી. પછી એ મેસેજમાં આગળ કહેવાયું હતું કે, ‘હજી પણ ઘણા માણસો વૃદ્ધાવસ્થામાં વોટ્સએપ પર એ જ રીતે સંદેશાઓ મોકલતા રહે છે કે જાણે તેઓ હજુ પણ કામ કરી રહ્યા હોય, પરંતુ વાસ્તવમાં તેઓ એકલતા અનુભવી રહ્યા હોય છે. વાસ્તવમાં સવાર અને સાંજના મેસેજિસનું મહત્વ ડોરબેલ વગાડવા તથા દરવાજા ખખડાવવા જેવું જ છે. એ એકબીજાને સલામતની શુભેચ્છા પાઠવવાની અને સંભાળ રાખવાની એક રીત છે. આજકાલ વોટ્સએપ ખૂબ અનુકૂળ છે. જો તમારી પાસે સમય હોય તો તમારા પરિવારના વૃદ્ધ સભ્યોને વોટ્સએપનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવો. અને એક દિવસ જો તમને તેમની સવારની શુભેચ્છાઓ અથવા તેમણે ફોરવર્ડ કરેલા મેસેજ ન મળે તો સમજજો કે તેઓ બીમાર હોઈ શકે છે અથવા તેમનું મૃત્યુ પણ થયું હોઈ શકે છે.’

ઉપરોક્ત મેસેજ પહેલી નજરે ચોક્કસ હ્રદયસ્પર્શી લાગે એવો હતો, પરંતુ એ મેસેજ વાંચીને મારા મનમાં સવાલ એ ઊઠ્યો કે કોઈ વ્યક્તિએ જીવનમાં કોઈ પસંદગી જાતે કરી હોય ત્યારે તેણે રોદણાં ન રડવાં જોઈએ. અને કદાચ સંતાનોએ પડતાં મૂક્યા હોય તો તેમણે બીજી સપોર્ટ સિસ્ટમ શોધી લેવી જોઈએ.

ઘણા વૃદ્ધો આ રીતે એકલતાભર્યું જીવન વિતાવતા હોય છે. તેમના સંતાનો તેમને પડતા મૂકી દેતા હોય છે. અથવા કેટલાક કિસ્સાઓમાં સંતાનોના આગ્રહ છતાં વૃદ્ધો વિદેશમાં જઈને સંતાનો સાથે રહેવાને બદલે એકલા રહેવાનું પસંદ કરતા હોય છે.

એટલે સંતાનની સાથે વિદેશમાં કે બીજા શહેરમાં કે બીજા કોઈ વિસ્તારમાં જવાને બદલે એકલા રહેવાની પસંદગી જાતે જ કરી હોય તો એ એકલતાભર્યું જીવન કઈ રીતે જીવવું એ જે તે વ્યક્તિએ નક્કી કરવું જોઈએ.

જાતે જ એકલા રહેવાનો વિકલ્પ સ્વીકારનારા કોઈ વૃદ્ધ એકલતા અનુભવે અને અખબારવાળાને કહે કે તું મને રોજ તારો ચહેરો બતાવજે હાથોહાથ અખબાર આપજે અને મરી જાઉં તો પોલીસને અને મારા દીકરાને જાણ કરજે એને બદલે તે પાડોશીઓ સાથે એવા સારા સંબંધ રાખી જ શકે કે જેથી પાડોશીઓ તેમની કાળજી લેતા રહે. અથવા તો એટલી હદ સુધીનો સંબંધ તો ચોક્કસ રાખી શકાય કે પાડોશીઓ સાથે કેમ છો? કેમ નહીં?’ નો વ્યવહાર જળવાઈ રહે. જેથી ક્યારેક આખા દિવસ સુધી વૃદ્ધ પાડોશી દેખાય નહીં તો પાડોશીઓને ચિંતા થાય કે આ ભાઈ કે બેનને શું થયું છે?

માની લો કે સંતાનો નપાવટ સાબિત થયાં હોય અને તેમણે વૃદ્ધ માતાપિતાને તરછોડી દીધાં હોય, તેઓ તેમને કોલ પણ ન કરતા હોય કે તેમનો કોલ રિસિવ ન કરતાં હોય તો તેવાં સંતાનને પડતા મૂકીને કોઈ અનાથ કે ગરીબને દત્તક પણ લઈ જ શકાય. અને વૃદ્ધ વ્યક્તિ જે પ્રોપર્ટીમાં રહેતી હોય એ પ્રોપર્ટી વડીલોપાર્જિત ન હોય તો એવું વિલ બનાવી નાખવું જોઈએ કે એ સંપત્તિ તેમના નાલાયક સંતાનને બદલે દત્તક લીધેલા દીકરા કે દીકરીને મળે. અથવા તો સંપત્તિનો અમુક હિસ્સો દત્તક લીધેલા દીકરા કે દીકરીને મળે અને અમુક હિસ્સો કોઈ ગરીબ વ્યક્તિઓને અથવા તો કોઈ અનાથઆશ્રમને કે વૃદ્ધાશ્રમને મળે એવું વિલ બનાવી લેવું જોઈએ.

માની લો કે કોઈને દત્તક લેવાની ઇચ્છા ન હોય તો બાજુમાં રહેતા કોઈ સારા પાડોશી અથવા તેના સંતાનોને પોતાના સંતાન સમાન ગણીને તેની સાથે સંબંધ વિકસાવવો જોઈએ. જેમને માતપિતાની ન પડી હોય એવા સંતાનને ચોક્ક્સ જગ્યાએ લાત મારીને પોતાના વિલમાં સારા પાડોશી કે પાડોશીના સંતાનનું નામ મૂકી દેવું જોઈએ અથવા તો પોતાના કુદરતી મૃત્યુ પછી જે વ્યક્તિને પસંદ કરી હોય તેને પોતાની સંપત્તિ અથવા તો સંપત્તિનો અમુક હિસ્સો મળે એવું વિલ કરવું જોઈએ.

આજના સમયમાં એવું પણ શક્ય છે કે પોતાના સંતાનો તરછોડી દેતા હોય તો પાડોશીઓ કે પાડોશીઓના સંતાનો પણ સ્વાર્થના સગાં થઈ શકે અને પૈસા માટે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે સારો સંબંધ રાખે અને કદાચ શક્ય છે કે એ સંપત્તિ મળવાની લાલચમાં એ વૃદ્ધનું ખૂન પણ કરી નાખે. વૃદ્ધોએ આવી બધી જ વાસ્તવિકતાઓ વિચારીને વર્તવું જોઈએ અને પોતાને ન સમજાય તો યોગ્ય વકીલની સલાહ પ્રમાણે વિલ બનાવવું જોઈએ, પરંતુ જે સંતાન વિદેશમાં હોય અને એકલા રહેતા બાપને કે એકલી રહેતી માતાને મહિનાઓ સુધી (કે કયારેક વર્ષો સુધી!) એક કોલ પણ ન કરી શકે એવાં સંતાન માટે ઝૂરતા રહેવાની ભૂલ વડીલોએ ન કરવી જોઈએ.

અમુક વોટ્સએપ મેસેજ પહેલી નજરે બહુ જ સારા લાગે, પણ એવા વોટ્સએપ મેસેજ એ અલગ રીતે પણ સમજવાની કોશિશ કરવી જોઈએ. કેટલાય કિસ્સાઓમાં સંતાનો વૃદ્ધ માતપિતાને તરછોડી દેતા હોય છે. એવા કિસ્સાઓ અવારનવાર અખબારોમાં પણ આવતા હોય છે. ઘણા વૃદ્ધો મૂર્ખાઈ કરીને પોતાની તમામ સંપતિ સંતાનોનાં નામે કરી દે અને પછી સંતાનો તેમને રસ્તે રઝળતાં કરી દે એવી ઘટનાઓ પણ બનતી જ રહેતી હોય છે, પરંતુ સંતાને પડતા મૂકી દીધાં હોય એ કિસ્સામાં અથવા તો સંતાનોની સાથે રહેવાનું પસંદ ન હોય એવી સ્થિતિમાં આવી ફરિયાદો કરવાને બદલે વૃદ્ધોએ અલગ રીતે વિચારવું જોઈએ.

પોતાના જીવનને સુખમય બનાવવાનો (અથવા તો દુખી થયા વિના દિવસો વિતાવવાનો) રસ્તો જે માણસે જાતે કાઢવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

  1. આશુ ભાઈ ની વાત થી સો ટકા સહમત છું. મારે હજી એક વાત કહેવી છે કે દરેક સંતાન ની ફરજ છે કે એ પોતાના માં બાપ ની wish પૂરી કરે એમનું ધ્યાન રાખે, એમના will માં જગ્યા મળવાની જ છે.

Back to top button