માણસે પોતાનો ખજાનો શોધવાનું શીખવું જોઈએ

સુખનો પાસવર્ડ – આશુ પટેલ
થોડા સમય અગાઉ હું ગુજરાતના એક શહેરની મુલાકાતે ગયો હતો એ વખતે મારા એક પરિચિત સાથે એક યુવાન મળવા આવ્યો. તે તેમના મિત્રનો દીકરો હતો. પાંત્રીસેક વર્ષના તે યુવાને પહેલી જ મુલાકાતમાં તેના પિતા વિરુદ્ધ ફરિયાદ શરૂ કરી દીધી કે “મારા પિતા પાસે ખૂબ પૈસા છે, પણ મને થોડા પૈસા આપવામાં એમને તકલીફ થાય છે. હું એકનો એક દીકરો છું અને તેમના મૃત્યુ પછી તેમની બધી સંપત્તિ અને પૈસા મને જ મળવાના છે, પણ તેઓ જીવતેજીવ મને કશું આપવા તૈયાર નથી. મારે ફિલ્મ બનાવવી છે, પણ મારા પિતા મને બેકિંગ આપતા નથી….
તે ઘણું બધું બોલ્યો અને એ દરમિયાન તેણે પોતાના પિતા વિષે આઘાતજનક શબ્દોનો પ્રયોગ પણ કર્યો. તેના વિચારો જાણીને મને તેની દયા આવી.
તે ગયો પછી મારા પરિચિતે મને કહ્યું: “આ છોકરાને કશું નક્કર કામ કરવામાં રસ નથી. તે અગાઉ ત્રણ વાર તેના પિતા પાસેથી પૈસા લઈને ધંધામાં ડુબાડી ચુક્યો છે. તેને પૈસાની કિંમત નથી એટલે તેના પિતા તેને પૈસા આપતા અચકાય છે. તેમને રાતદિવસ એ ચિંતા કોરી ખાય છે કે મારા ગયા પછી મારા દીકરાનું શું થશે.
તે યુવાનને મળ્યા પછી મને એક પ્રાચીન વાર્તા યાદ આવી ગઈ.
એક ખેડૂતને ચાર યુવાન દીકરાઓ હતા, પણ તે બધા કામચોર અને આળસુ હતા. ખેડૂત વૃદ્ધ થયો એટલે તેણે પોતાના દીકરાઓને સમજાવ્યા કે હવે મારા જીવનનો કોઈ ભરોસો નથી એટલે તમે ખેતી સંભાળી લો, પણ કામચોર દીકરાઓએ તેની વાત કાને ન ધરી. ખેડૂત બહુ વૃદ્ધ થયો હતો એટલે તેના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી અને ઉપરથી આળસુ દીકરાઓની ચિંતાને કારણે તેના શરીરને ઘસારો લાગવા માંડ્યો અને છેવટે તે પથારીમાં પટકાયો. તેનું શરીર એટલું નબળું પડી ગયું હતું કે તે થોડા ડગલાં પણ ચાલી શકતો નહોતો.
ખેડૂત કામ કરી શકવા માટે સમર્થ નહોતો અને દીકરાઓ ખેતી કરતા નહોતા એટલે ખેતર ઉજ્જડ થઈ ગયું.
આવી સ્થિતિને કારણે ખેડૂતને ચિંતા કોરી ખાતી હતી. તેણે ફરી એક વાર બધા દીકરાઓને બોલાવીને સમજાવ્યા કે હું હવે થોડા સમયનો મહેમાન છું. તમે હવે ખેડૂતની સલાહ લો તો હું શાંતિથી મરી શકું.
પણ નફ્ફટ દીકરાઓ પર ખેડૂતની સલાહની અને વિનવણીની તેમના પર કોઈ જ અસર ન થઈ. તેમણે કહી દીધું કે તમે અમારી ચિંતા ન કરો. અમે અમારું ફોડી લઈશું અને આમ પણ તમે ઘણું બધું ધન જમા કર્યું છે એટલે અમને કોઈ ચિંતા નથી તો તમે શા માટે ખોટી ચિંતા કરો છો!
દીકરાઓના નફ્ફટાઈભર્યા વર્તનથી ખેડૂત હતાશ થઈ ગયો. તેને ચિંતા થતી હતી કે પોતે જીવનભર કાળી મજૂરી કરીને ધન જમા કર્યું છે એ દીકરાઓ થોડા સમયમાં ઉડાવી દેશે અને બીજી બાજુ તેઓ કામ કરવા તૈયાર નથી. ખેતરમાં પાક નહીં લઈ શકાય એટલે આવક બંધ થઈ જશે. આ રીતે દીકરાઓનું ધૂંધળું ભવિષ્ય જોઈને તે દુ:ખી થઈ ગયો. તેને પોતાના પૌત્ર-પૌત્રીઓના ભવિષ્યની પણ ચિંતા થવા લાગી.
નપાવટ અને નફ્ફટ છોકરાઓ કોઈ કામ નહોતા કરતા હતા એને કારણે વયોવૃદ્ધ ખેડૂત પિતા, પથારીવશ અવસ્થામાં દુ:ખ સાથે દિવસ પસાર કરતો હતો. તેનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. પણ દીકરાઓની ચિંતામાં તેનો જીવ જતો નહોતો. બીજી બાજુ તેણે જીવનભર રાત દિવસ એક કરીને જમાવેલું ધન દીકરાઓ ઉડાવી રહ્યા હતા.
વયોવૃદ્ધ ખેડૂતની એ અવસ્થા લાંબી ચાલી. એ દરમિયાન તેણે જે બચત કરી હતી એ બધી ખતમ થઈ જવા આવી. હવે દીકરાઓને લાગ્યું કે કંઈક કરવું પડશે, નહીં તો ખાવાના પણ ફાંફા પડી જશે. ખેડૂતના બધા દીકરાઓએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણી પાસે મોટું ખેતર છે એ વેચી નાખીએ એટલે ઘણા પૈસા આવશે.
દીકરાઓની એ વાત ખેડૂતના કાને પડી એટલે તેનો જીવ કકળી ઊઠ્યો. જોગાનુજોગ એ જ દિવસે દૂરદેશાવરથી તેનો એક બહુ જૂનો મિત્ર તેને મળવા આવી ચડ્યો. તેણે પોતાના મિત્રની આ દશા જોઈ એટલે એકલા બેસીને તેની પાસેથી બધી વાત જાણી. તેણે વૃદ્ધ ખેડૂતને કહ્યું કે તારા દીકરાઓની ચિંતા મારા પર છોડી દે. પણ તેમને બોલાવીને એટલું કહી દે કે આપણા ખેતરમાં મોટો ખજાનો દાટેલો પડ્યો છે. એટલે ખેતર વેચવાની ભૂલ ના કરતાં.
તે મિત્રની સલાહ પ્રમાણે ખેડૂતે પોતાના દીકરાઓને ખજાનાની વાત કહી દીધી: પણ તેણે સાથે ઉમેર્યું કે મને યાદ નથી કે કઈ જગ્યાએ મેં ખજાનો દાટ્યો છે.
ખેતરમાં ખજાનો દટાયેલો છે એ વાતની ખબર પડી એટલે દીકરાઓએ એ જ દિવસથી ખેતરમાં ખોદકામ કરીને ખજાનો મેળવવાની કોશિશ શરૂ કરી દીધી. ખેતર વિશાળ હતું એટલે તેમણે મહિનાઓ સુધી ખોદકામ કરવું પડ્યું. આખું ખેતર ખોદી નાખ્યા પછી પણ તેમને ખજાનો ન મળ્યો. આ દરમિયાન ખેડૂત પિતા મૃત્યુ પામ્યો હતો.
ખજાનો ન મળ્યો એટલે ખેડૂતના દીકરાઓ હતાશ અને નિરાશ થઈને લમણે હાથ દઈને વિચારવા બેઠા કે હવે શું કરવું. એ વખતે તેમના પિતાના જૂના મિત્ર તેમની પાસે આવ્યા. તેમણે કહ્યું, છોકરાઓ તમે આ ખેતર ખોદી જ નાખ્યું છે તો કંઈક વાવી જુઓ. થોડા દિવસોમાં ચોમાસુ શરૂ થશે. હું તમને બિયારણ આપું છું. એ વાવીને જુઓ તો થોડા મહિનાઓમાં મોટો પાક ઉતરશે અને તમને ખૂબ પૈસા મળશે.
ખેડૂતના દીકરાઓએ પિતાના મિત્રની સલાહ માનીને ખેતરમાં વાવેતર કર્યું. થોડા સમયમાં ચોમાસુ બેઠું અને થોડા અઠવાડિયાઓમાં તો ખેતરમાં હરિયાળો પાક લહેરાવા માંડ્યો. આ દરમિયાન આખું ખેતર ખોદવાને લીધે ખેડૂતના દીકરાઓને કામ કરવાની પણ આદત પડી ગઈ હતી. તેમણે પાક ઉતારીને વેચ્યો એ વખતે તેમના હાથમાં ખાસ્સા પૈસા આવ્યા.
એ વખતે તેમના પિતાના વૃદ્ધ મિત્રએ તેમને કહ્યું કે તમારા પિતાએ ખેતરમાં છુપાવેલા આ ખજાનાની વાત કરી હતી! તમને દર મહિને આ ખેતર ખજાનો આપતું રહેશે!
૦૦૦
કોઈ પ્રકારની મહેનત કર્યા વિના તત્કાળ પૈસા કમાવા ઇચ્છતા હોય એવા માણસોને નિત્ય પ્રાત:કાલે આવું વાર્તાનું સાત વાર પઠન કરવાની ફરજ પાડવી જોઈએ.