ઉત્સવ

મન મીત મિલા

આકાશ મારી પાંખમાં -કલ્પના દવે

મોબાઈલમાં જીવની જેમ સાચવેલા પૂર્વ પ્રેયસી રાજેશ્રીના ફોટાને નિમેષ પટેલ અપલક નેત્રે જોઈ રહ્યો હતો. ભૂતકાળના એ સંસ્મરણો એને દઝાડી રહ્યાં હતાં. મારી નજર સામે એ મને છેહ દઈને ચાલી ગઈ, શું અમારો પ્રેમ આટલો પાંગળો હતો. એક જ વંટોળે બધું…

નિમેષે પોતાની વ્યથાને પ્રગટ કરતાં ગાયું.

મેરી દુનિયા લૂંટ રહી થી, ઔર મૈં ખામોશ થા
કિસકો ઝન્નત મિલ રહી થી, ઔર મૈં બરબાદ થા.

સાથ છૂટા, હાથ છૂટા, મૈં ખડા ગૂમસૂમ થા.

ના,ના, આ એડ કંપનીમાં હું જોડાયો, એને પ્રથમ નજરે જોઈ ત્યારે મને એક દિવ્ય અનુભૂતિ થઈ હતી, તેણે પણ મને સસ્મિત આવકાર્યો હતો ને! હું જુનિયર ડાયરેકટર અને રાજેશ્રી એડ મેનેજર અને વળી બ્રાન્ડ મોડેલ.

તે દિવસે દર્પણ ચેનલની ટીમ આવી. અમે શુટીંગના કામે જયપુર ગયાં હતાં. ત્યાં જ હું મારી રાજેશ્રીને ખોઈ બેઠો. કદાચ, એ મને આજે પણ ઝંખતી હશે. તે દિવસે મિટિંગમાં કોઈએ કહ્યું પણ હતું કે રાજેશ્રીને સિરિયલ ઔર એડ મોડેલીંગ છોડ દિયા હૈ, વો અપને નેટીવ ગાંવમેં ચલી
ગઈ હૈ.

નિમેષનું હૈયું પોકારી ઉઠયુ: ના, એ આમ હાર માને એવી નથી. કોઈ ગંભીર કારણ હશે. મારી રાજેશ્રી તો સ્ટ્રોંગ છે. કદાચ એને મારી જરૂર હશે.

રાજેશ્રી ચૌહાણ ભાવનગરના મીઠાપુર ગામમાં મામાને ઘરે જતી રહી હતી. મોહમયી નગરી મુંબઈમાં કલાક્ષેત્રે નસીબ અજમાવવા આવેલી રાજેશ્રીને રૂપેરી સૃષ્ટિના કડવા અનુભવો થયા, કામ તો મળે પણ તેને માટે થતું શોષણ અસહ્ય થઈ ગયું. ડગલે ને પગલે સમાધાન. પુરુષોનું વર્ચસ્વ. કામના ઢસરડા. અભિનેતા કરતાં ખૂબ ઓછા પૈસા, વળી શારીરિક સુરક્ષા માટેનો સતત સંઘર્ષ.

મુંબઈ અને સાઉથ ઈંડીયાના એ દુ:સ્વપ્નને ભૂલીને રાજેશ્રી હવે ભાવનગરના રેડીયો સેન્ટરમાં જોડાઈ હતી. બે વર્ષ વીતી ગયાં હતાં, મુંબઈને છોડ્યે. આજે પણ એનું મન પહેલા પ્રેમી નિમેષને ઝંખતું હતું. હા, નિમેષની જાણ બહાર એ રામ ઐયર જોડે ભાગી ગઈ અને નરક યાતના ભોગવી. એ રેડીયો કાર્યક્રમ માટે લેપટોપ પર કામ કરતી હતી, ત્યાં જ મોબાઈલના એક ઈમેલ પર એની નજર પડી.

જોયું તો નિમેષનો ઈમેલ, એના ઘબકારા વધી ગયા. આખા શરીરે કોઈ કંપ ફરી વળ્યો. (ઈમેલમાં લખ્યું હતું)
આ ઈમેલ અરજંટ ગણજે.

મારી ડીયરેસ્ટ રાજેશ્રી.

તારું દિવ્ય સ્વરૂપ આજે પણ મારા હૈયે જડાયેલું છે. જીવનમાં સાચો પ્રેમ એક જ વાર થાય છે. બે વર્ષ પહેલાં તું મને છેલ્લી વાર મળી હતી, તે સમયે મને તારા માટે જે પ્રેમ હતો, તેવો જ પ્રેમ આજે પણ છે. તું મને છોડીને કેમ ગઈ, તું કયાં છે, શું કરે છે એ કશું મારે જાણવું નથી.

જો તારા મનમાં પણ મારા માટે લાગણી હોય તો આ ઈમેલનો જવાબ આપજે. શું આપણે મળી શકીએ? (મને ફોન ન કરતી, ઈમેલ કરજે.) તને ઝંખતો નિમેષ.

રાજેશ્રીના હૈયે ભૂતકાળના સ્પંદનો જાગૃત થયા. પણ, રામઐયર સાથેના મારા અનૈતિક સંબંઘો જાણ્યા પછી? નિમેષ મને સ્વીકારશે? એને હૈયે દાવાનળ જાગ્યો.

ત્યાં જ ફોનની ઘંટડી રણકી. રાજ, તને મારો ઈમેલ મળ્યો? નિમેષનો એ જ કેરીંગ અને મીઠો સૂર. રાજેશ્રીએ હા કહ્યું. હજુ એ કાંઈ કહે તે પહેલાં જ ફોન કટ થઈ ગયો.

રાજેશ્રીએ ઈમેલમાં લખ્યું- પ્રિય નિમેષ, તું જ મારો પ્રથમ અને સાચો પ્રેમ છે. પણ જીદગીમાં મેં લીધેલા ખોટા નિર્ણયોને કારણે આપણે એકબીજાથી દૂર ફંગોળાઈ ગયા છીએ. મિત્ર તરીકે આપણે જરૂર મળીએ.

તારી સખી રાજ.
(નીચે સરનામું લખ્યું. )
નિમેષના આનંદનો કોઈ પાર ન હતો. એને તો કોઈ પણ રીતે રાજેશ્રીને મદદરૂપ થવું હતું. પ્રેમ એટલે મિલનનો આનંદ તો છે જ. પણ, પ્રિયજનને ખુશ રાખવા પોતાની આકાંક્ષા ભૂલીને તેના સુખ માટે ત્યાગ કરવો. એ પ્રેમનું
દિવ્યરૂપ છે.

નિમેષ પુન:મિલનની જે પળ માટે ઝંખી રહ્યો હતો, એ હવે દૂર ન હતી. એણે રાજેશ્રીને ફોન કરીને કહ્યું: રાજ, આ મંગળવાર ૨૧ જુલાઈ સ્પેશીયલ ડે. બોલ, કયાં મળીશું ? નિમેષને પોતાની બર્થડે પણ યાદ છે. આંખમાં હર્ષાશ્રુ સાથે કહ્યુ:- તું ભાવનગર આવે તો મારી ઓફિસમાં મળીએ. તને ફાવશે?

યસ, માય સ્પેશીયલ ડે, વીથ સ્પેશીયલ ફ્રેન્ડ ઓન હર બર્થડે. નિમેષે હૂંફાળા સ્વરે કહ્યું.

યસ, ડન. હું તારી રાહ જોઉં છું. રાજેશ્રીએ કહ્યું.

ફોન મૂકયા પછી રાજેશ્રીના આનંદનો કોઈ પાર ન હતો. ત્યાં જ આંતરમનમાંથી અવાજ પડઘાયો- તું કોઈ પણ કારણ વિના એને છોડીને પેલા જોડે ભાગી ગઈ હતી, કોઈ પણ પુરુષ આવા સંબંધને ન સ્વીકારે. ખોટા સપનાના મહેલ બાંધતી નહીં. મનનો બીજો અવાજ બોલ્યો- પણ, ઐયરનો મેં કેટલી હિંમતથી સામનો કર્યો, એની ચુંગાલમાંથી હું કેવી સિફતપૂર્વક છટકી ગઈ એ જાણશે ત્યારે નિમેષ મારા માટે ગૌરવ અનુભવશે. પરિણામ જે આવે તે હું સત્ય નહીં છુપાવું.

ભાવનગરની રોયલ પેલેસ હોટલમાં રાજેશ્રી તેના પૂર્વપ્રેમી નિમેષની
અનિમેષ નેત્રે રાહ જોઈ રહી હતી. ત્રીસ વર્ષના ગૌરવર્ણના નિમેષે અદના કલાકાર જેવી એન્ટ્રી મારી. રેડ જર્સી સાથે ક્રીમ જીન્સમાં શોભતો નિમેષે નિર્મળ આંખે સ્મિત આપતાં કહ્યું- હેપી બર્થડે માય રાજ.
સફેદ અને પીળા ગુલાબનો બુકે સ્વીકારતાં બે હૈયાની સુગંધ પણ પ્રસરી રહી હતી.
વેઈટરને લંચનો ઓર્ડર આપતાં નિમેષે કહ્યું – યહાં કેક મિલેગા, જો બેસ્ટ હૈ વો લાના.

પ્રેમની આ ક્ષણોને માણવા બંને હૈયા આતુર હતા. નિમેષ સ્નેહાળ નજરે રાજેશ્રીને નિહાળી રહ્યો હતો, એને હતું કે હમણાં રાજેશ્રી જુહૂની હોટલના સંસ્મરણો કહેશે અને આજના મિલનની ખુશી વ્યકત કરશે. પણ એ તો કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ હતી.

મારી બર્થડે ગર્લને કોઈ પ્રોબલેમ છે, કેમ ગંભીર છે. નિમેષે પૂછયું.

નિમેષ આપણો પ્રેમ સાચો છે, એટલે આપણે ફરીથી મળી શકયા. પણ, હું અચાનક તને છોડીને જતી રહી, હીરોઈન બનવાના મોહમાં, નેમ, ફેમ અને વધુ પૈસા કમાવવાની લાલચમાં હું ઐયરની ચુંગાલમાં ફસાઈ ગઈ હતી. મેં એવી અક્ષમ્ય ભૂલ કરી, હવે હું તારા પ્રેમને યોગ્ય નથી.

આટલું બોલતા રાજેશ્રીના ગળે ડૂમો ભરાયો. મારી જન્મરાશિ મીન છે, એટલે મારા નસીબમાં આ દરિયામાં આમતેમ તર્યા કરવાનું, તડપવાનું જ લખ્યું છે. આજે બર્થડેને દિવસે આવા ભૂતકાળને શા માટે યાદ કરે છે. લેટ અસ ટોક અબાઉટ અવર ફ્યુચર. નિમેષે કહ્યું.

હું મારા મનનો ભાર તને કહી શકું ? રાજેશ્રીએ કહ્યું. નિમેષે હકારમાં માથું ધુણાવ્યું.

સાઉથની એક મુવીમાં મને હીરોઈન બનાવવાની ઓફર આપી ઐયર મને કર્ણાટક લઈ ગયો. મારી સાથે વિજયા સેટ્ટી અને મારીયા પણ હતી. પહેલે દિવસે લોકેશન જોવા અમે ચારે જણ સાથે ગયાં. અમને ત્રણેને ઐયરે કોઈના ઘરે રાખ્યાં હતાં. અમે લોકેશન પર જઈએ ત્યારે ઐયર સ્ટોરી સમજાવે. પછી કહે- બસ, સ્ટોરી રાયટર ઔર ડાયરેકટરસે સબકો મિલવા દું.

વિજયાએ તો કહી દીધું કે મૈં મેરે ગાંવ જાતિ હૂં, એક હપ્તેમેં આ જાઉંગી. એ જતી રહી. બે દિવસ પછી ઐયર અમારા ઘરે આવ્યો, મારીયા પાસે એણે વીસ હજાર માંગ્યા, મારીયાએ સાફ ના પાડી. ખૂબ મોટો ઝઘડો થયો. ઐયરે મારીયાને ધક્કો મારી સોફા પર ફેંકી. હું એની ઢાલ બની ઊભી રહી.

હું ગભરાઈ, મારે અહીં નથી રહેવું. એ રાત્રે ઐયરે દારૂ ઢેંચ્યો. હું અને મારીયા સૂતા હતા ત્યાં આવ્યો. હું સફાળી બેઠી થઈ અને મારીયાને કહ્યું- હમ અભી યહાં સે ભાગ જાતે હૈ.

અમે ત્યાંથી છટકી ગયા. મારીયા મુંબઈ આવીને એ ફરીથી દર્પણ ચેનલમાં જોડાઈ ગઈ. હું અહીં ભાવનગરમાં મામા-મામી સાથે છું.

તારા સાચા પ્રેમને હું ન પામી શકી એ જ મારી સજા. રાજેશ્રી કહ્યું.

રાજ, તારી હિંમતને લીધે તું એ નરાધમથી બચી ગઈ. અને આપણો પ્રેમ કંઈ પાંગળો નથી કે એક વાવાઝોડામાં ખતમ થઈ જાય.

કેકનો ટુકડો રાજેશ્રીને ખવડાવતા નિમેષે કહ્યુ:- હેપી બર્થડે. વીલ યુ મેરી મી.

મન મીત મિલાના આ ઉત્સવમાં સુરજે પણ પોતાના કિરણો પાથર્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button