ઉત્સવ

કૃષિ ક્ષેત્રમાં બનાવો શ્રેષ્ઠ વ્યાવસાયિક કારકિર્દી

કારકિર્દી – કીર્તિશેખર

હવે ચર્ચાનો અંત આવી ગયો છે કે ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં સૌથી મજબૂત અને ઉજજવળ કારકિર્દી મળશે. હા, ચોક્કસ એ કૃષિ ક્ષેત્ર જ હશે. જો કે કૃષિ ક્ષેત્રમાં બારમા ધોરણ પછી કે બી.એસસી. એગ્રીકલ્ચર કર્યા બાદ પહેલા પણ અનેક કારકિર્દી ઉપલબ્ધ રહી છે, પરંતુ તાજેતરમાં આ ક્ષેત્રમાં જે કારકિર્દીની દેશ-વિદેશમાં સર્વત્ર લોકપ્રિયતા છે – એ છે એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટની. નોંધનીય છે કે કૃષિ વૈજ્ઞાનિકને કૃષિ ક્ષેત્રમાં રિસર્ચ પ્રોફેશનલ પણ કહેવામાં આવે છે. કૃષિ વૈજ્ઞાનિક – વૃક્ષો, છોડ, બીજ, ફળો, અનાજનો પાક, માટી અને પ્રાણીઓ પર સતત સંશોધન કરે છે. જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળે. નવી માહિતી મેળવવી, નવી ટેકનોલોજીને કૃષિ ક્ષેત્રમાં ઉપયોગ માટે વધુ યોગ્ય બનાવવી, જેથી પાકની ઉપજ વધે અને તેની ગુણવત્તા સારી રહે. કહેવાની જરૂર નથી કે વિશ્ર્વના અન્ય ક્ષેત્રો ભલે મર્યાદિત અથવા સંકુચિત થઈ રહ્યા હોય, પરંતુ કૃષિ એ એવું ક્ષેત્ર છે જે ક્યારેય મર્યાદિત અને સંકુચિત નહીં થાય. કારણ કે ખોરાક એ મનુષ્યની મૂળભૂત જરૂરિયાત છે, જે ક્યારેય ઓછી નહીં થાય.

જો કે, આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા પહેલા, આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે આ ક્ષેત્રમાં શું બનવા માગીએ છીએ. ફૂડ સાયન્ટિસ્ટ એ એક ખાસ કારકિર્દી છે જેમાં ફૂડ સાયન્ટિસ્ટ સારા અને વધુ ઉત્પાદન માટે સંશોધન કરે છે. ફૂડ સાયન્ટિસ્ટ ચોક્કસ અનાજમાં હાજર વિવિધ પોષક તત્ત્વોનું પૃથ્થકરણ કરવાનું અને તેની ગુણવત્તાને નિયંત્રિત કરવાનું કામ પણ કરે છે. આ કૃષિ ક્ષેત્રમાં બીજી મહત્ત્વની વ્યાવસાયિક કારકિર્દી પ્લાન્ટ સાયન્ટિસ્ટની છે. વાસ્તવમાં, કૃષિ વૈજ્ઞાનિકો માત્ર પાકનું ઉત્પાદન જ નહીં, પરંતુ વિવિધ છોડનું ક્રોસ બ્રીડિંગ પણ કરે છે અને તેમના સંશોધન દ્વારા એ સમજવાનો પ્રયાસ કરે છે કે મનુષ્યો માટે વધુ સારા અને પોષક તત્ત્વોથી ભરપૂર એવા ફળો અને અનાજ કયા છોડના બ્રીડિંગ અથવા તેમની આનુવંશિક સાંકળ દ્વારા મેળવી શકાય છે?

૪૦ વર્ષ પહેલાં ભારતમાં બે કે ત્રણ પ્રકારના દેશી ટમેટાની જાતો હતી. આજે સમગ્ર દેશમાં ટામેટાંની ૧૦૦ થી વધુ જાતો છે અને એવી વેરાયટીઓ પણ છે જે ત્રણ અઠવાડિયા સુધી ખુલ્લામાં રાખવા છતાં પણ બગડતી નથી. આ બધું કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધન અને વિકાસનું પરિણામ છે. કૃષિ ક્ષેત્રમાં બીજી મહત્ત્વની કારકિર્દી છે એનિમલ સાયન્ટિસ્ટની. જે રીતે કેટલાક કૃષિ વૈજ્ઞાનિકો છોડ પર વિવિધ પ્રકારના સંશોધન કરીને વધુ પાક ઉત્પન્ન કરવા અને અનાજની ગુણવત્તા સુધારવાના પ્રયાસમાં લાગેલા છે, તે જ રીતે પશુ વૈજ્ઞાનિકો પશુઓની જાતિઓના વિકાસ, માછલી, ડેરી ઉત્પાદનો, પોલ્ટ્રી ફાર્મ …. વગેરેમાં નવું સંશોધન કરીને તેને મનુષ્યો માટે બહેતર બનાવવાનો પ્રયાસ કરતા રહે છે. ભૂમિ વૈજ્ઞાનિકો પણ કૃષિ વૈજ્ઞાનિકોના જૂથમાં મહત્ત્વપૂર્ણ પ્રોફેશનલ છે. આ વૈજ્ઞાનિકોને માટી વિશે બધી જાણકારી હોય છે અને માટી પર સતત સંશોધન કરીને ખેડૂતોને કહે છે કે કઈ માટીમાં શું વધુ સારી રીતે ઉગાડી શકાય?

આ ઉપરાંત, કૃષિ ક્ષેત્રમાં ડઝનેક વ્યાવસાયિક કારકિર્દી છે. તાજેતરના વર્ષોમાં બાગાયતમાં ઝડપથી વિકાસ થયો છે. બિયારણને અપગ્રેડ કરવાનું કામ પણ કૃષિ વૈજ્ઞાનિકો કરે છે. આ બધા સિવાય કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં કૃષિ અર્થશાસ્ત્રીઓનું સારું સ્થાન છે. જો કે, આ તમામ ક્ષેત્રોનો સરેરાશ વાર્ષિક પગાર શરૂઆતથી જ વાર્ષિક રૂ. ૫ અને ૬ લાખથી વધુ હોય છે. ઉદાહરણ તરીકે, એક ફૂડ સાયન્ટિસ્ટને વાર્ષિક રૂ. ૬ થી ૭ લાખની નોકરી મળે છે, જ્યારે વનસ્પતિ વૈજ્ઞાનિકોને રૂ. ૫ થી ૬ લાખની, પ્રાણી વૈજ્ઞાનિકોને પણ રૂ. ૫ થી ૬ લાખની અને માટી વૈજ્ઞાનિકોને વાર્ષિક રૂ. ૭ થી ૮ લાખના પ્રારંભિક પગારની નોકરી મેળવવી સરળ છે. હાલમાં દેશમાં ઓછામાં ઓછા ૧.૫ લાખ કૃષિ વ્યાવસાયિકો કામ કરી રહ્યા છે અને ઓછામાં ઓછા ૪ લાખ કૃષિ વ્યાવસાયિકોની જરૂર છે.

ભારતમાં કૃષિ વ્યવસાયિકોની જેટલી માંગ છે, તેના કરતાં વધુ માંગ વિદેશોમાં પણ છે. આ ક્ષેત્રમાં બારમા પછી મહત્વપૂર્ણ ડિગ્રી અને ડિપ્લોમા મેળવવા માટે આ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી શકાય છે.

-નેશનલ ડેરી ઇન્સ્ટિટ્યૂટ કરનાલ, હરિયાણા. અહીં બી.ટેક, એન.એસસી અને પીએચડી અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, જે વાર્ષિક રૂ. ૧૨ થી ૨૫ હજાર રૂપિયાની ફી સાથે કરી શકાય છે, કારણ કે આ સંસ્થા ભારત સરકાર દ્વારા સહાયિત સંસ્થા છે.

-ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હી. અહીંથી માસ્ટર પ્રોગ્રામ ૨૧ થી ૩૦ હજારમાં અને ડોક્ટરલ પ્રોગ્રામ ૩૦ થી ૪૦ હજારમાં કરી શકાય છે.

-પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, લુધિયાણા. અહીં બી.એસસી રૂ. ૪૭ હજારમાં. બી.ટેક રૂ. ૧ લાખમાં, એમ.એસસી રૂ. ૫૧ હજારમાં, પરસેમિસ્ટર રૂ. ૫૪ હજારમાં અને પી.એચ.ડી. રૂ. ૫૪ હજારમાં કરી શકાય છે.

-ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી, હરિયાણાથી બી.એસસી, બી.ટેક, એમ.ટેક અને પીએચડીની ડિગ્રી ૮ હજારથી ૬૭ હજાર રૂપિયામાં મેળવી શકાય છે.

આ ઉપરાંત, એવા સેંકડો વિસ્તારો છે જ્યાં ખાનગી અને સરકારી એમ બંને પ્રકારની કૃષિ સંબંધિત સંસ્થાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત, આવા કૃષિ સંબંધિત અભ્યાસક્રમો દેશની બહારની લગભગ દરેક યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે. ભારતમાં જે રીતે ખેતીનું આધુનિકરણ થઈ રહ્યું છે તે જોતાં આગામી દિવસોમાં કૃષિ ક્ષેત્રમાં રિસર્ચ સાયન્ટિસ્ટોની ભારે માગ રહેશે. નિષ્ણાતોના મતે, વર્ષ ૨૦૩૦ સુધીમાં, આ ક્ષેત્રમાં દોઢથી બે લાખ વ્યાવસાયિકો એટલે કે રિસર્ચ સાયન્ટિસ્ટોની જરૂર પડશે. કારણ કે ભારતનું કૃષિ ક્ષેત્ર આધુનિક પણ બની રહ્યું છે અને તેમાં નવા પ્રકારના પ્રયોગોની જરૂર પણ છે. કારણ કે આજે પણ આપણી ૫૦ ટકાથી વધુ વસ્તી કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. બોટમલાઇન એ છે કે આ ક્ષેત્રમાં કારકિર્દીની ઉત્તમ સંભાવનાઓ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button