ઉત્સવ

નૈતિક મૂલ્યો માટે સંકલ્પનો દિવસ એટલે મહાવીર જયંતી

મહાવીર જયંતીના દિવસે જૈન ધર્મના ગુરુઓ તેમના સમાજના લોકોને ભગવાન મહાવીરના પ્રમુખ ઉપદેશો સંભળાવે છે અને તેમના માર્ગે ચાલવા આહ્વાન કરે છે તો ચાલો ભગવાન મહાવીરના નૈતિક મૂલ્યોનો સંકલ્પ લઈ મહાવીર જયંતી ઉજવીએ

વિશેષ -આર. સી. શર્મા

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના વિચારોને કારણે જ આજે ભારત અહિંસાવાદી અને આધ્યાત્મિક સ્વતંત્રતાવાળો દેશ છે. ભગવાન મહાવીરના પંચશીલ સિદ્ધાંત ભારતની સંસ્કૃતિના સાર જ નહીં પરંતુ હિન્દુ સનાતન પરંપરાનું મૂળ પણ છે. આ પંચશીલ સિદ્ધાંતોમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય વિશે કહેવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધની જેમ જૈન ધર્મના પ્રવર્તક ભગવાન મહાવીરે પણ ત્રીસ વર્ષની આયુમાં સાંસારિક મોહમાયાનો ત્યાગ કર્યો હતો. મહાવીર જયંતીના દિવસે જૈન સમાજના લોકો એમના મહત્ત્વપૂર્ણ સંદેશાઓનો સમાજમાં ફેલાવો કરે છે જેથી જૈન ધર્મનો પ્રચાર થાય.

જૈન ધર્મના અનુયાયીઓ માટે આ દિવસ એક મોટો ઉત્સવ હોય છે. આ દિવસે ભગવાન મહાવીરને ૭૨ વર્ષની આયુમાં બિહાર સ્થિત પાવાપુરીમાં મોક્ષની પ્રાપ્તિ થઇ હતી. જૈન ધર્મના અનુયાયી આ દિવસે ભગવાન મહાવીરને યાદ કરવા પ્રભાત ફેરી કાઢે છે. શોભાયાત્રા કાઢે છે અને ભગવાન મહાવીરની મૂર્તિનો સોના અને ચાંદીના કળશમાં ભરેલા પાણીથી જળાભિષેક કરે છે. આ દિવસે આખો દિવસ જૈન ધર્મના ગુરુઓ પોતાના સમાજના લોકોને ભગવાન મહાવીરના પ્રમુખ ઉપદેશો સંભળાવે છે
અને લોકોને એમના માર્ગે ચાલવા આહ્વાન કરે છે.

ભગવાન મહાવીર કહે છે, ‘અહિંસા, સંયમ અને તપ જ ધર્મ છે.’ એમના કહેવા પ્રમાણે ધર્માત્મા એ જ છે, જેના મનમાં સદા ધર્મનો વાસ હોય છે. દેવતાઓ પણ એમને નમસ્કાર કરે છે. ભગવાન મહાવીર ત્યાગ, સંયમ, પ્રેમ અને કરુણા, શીલ, સદાચારની શીખ આપે છે અને એને જ મનુષ્યનો સૌથી મોટો ધર્મ માને છે. ધર્મ શાસ્ત્રો પ્રમાણે મુશ્કેલીઓ, આપદાઓ વગેરેમાં દ્રઢ રહીને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારને મહાવીર કહે છે. મહાવીર સ્વામી જૈન ધર્મના અંતિમ તીર્થંકર હતા, એમનો જન્મ ઈસ્વીસન પૂર્વે ૫૯૯ માં બિહારના વૈશાલી જિલ્લામાં સ્થિત કુંડલપુર ગામમાં થયો હતો. તેઓ શાહી પરિવારમાં જન્મ્યા હતા, પરંતુ નાની ઉંમરમાં જ સાધુ બનવા માટે એમણે ઘરનો ત્યાગ કર્યો હતો. ત્રીસ વર્ષ સુધી ફરીને એમણે ઉપદેશ આપ્યા અને ત્યારબાદ એમને જ્ઞાનની પ્રાપ્તિ થઇ.

ભગવાન મહાવીરના નાનપણનું નામ વર્ધમાન હતું. એમના પિતા રાજા સિદ્ધાર્થ અને માતા રાણી ત્રિશલા હતા. આમ તો તીર્થંકરોના કોઈ ગુરુ નથી હોતા, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મહાવીર સ્વામીના ગુરુ ૨૩માં તીર્થંકર પાર્શ્ર્વનાથ હતા. તેઓ બનારસમાં સાતમી શતાબ્દી પહેલા શિક્ષક હતા. મહાવીર સ્વામીએ જૈન સિદ્ધાંતોની સાથે જૈન ધર્મની આધ્યાત્મિક, પૌરાણિક અને બ્રહ્માંડ સંબંધી માન્યતાઓને વ્યવસ્થિત કરી હતી. મહાવીર જયંતીના દિવસે જૈન સમુદાય પોતાના મિત્રો, સંબંધીઓ અને પરિજન સાથે મળીને જીવનના કેટલાક સંકલ્પ લે છે. મહાવીર જયંતીના દિવસે ભગવાન મહાવીરની મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેમની મૂર્તિને સુગંધિત દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે, જે એમની પવિત્રતાનું પ્રતીક છે. આ દિવસે ભારત અને દુનિયાભરના જૈન સમુદાયના લોકો જૈન મંદિરોમાં દર્શન કરવા જાય છે. આ દિવસે કર્ણાટક સ્થિત ગોમતેશ્ર્વર જૈન તીર્થોમાં સૌથી વધારે ભીડ હોય છે. આ દિવસે દેશભરમાં સરકારી રજા હોય છે અને બધા રાજ્ય, સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે કાર્યાલય બંધ હોય છે. જૈનોની દુકાનો અને વાણિજ્ય સંસ્થાનો પણ બંધ રહે છે. આ દિવસે જૈન સમુદાયના લોકો ભગવાન મહાવીરના ઉપદેશોનો પ્રચાર કરવા રથયાત્રા કાઢે છે, જેમાં તેમની સુશોભિત મૂર્તિ અતિ મનોહર સજાવટ સાથે સ્થાપિત હોય છે. સાથે જ આ દિવસે મંદિરોને જૈન ધર્મના ધ્વજથી શણગારવામાં આવે છે અને જૈન સમુદાયના લોકો સરઘસ રૂપે જીવ હત્યાના વિરોધમાં પ્રચાર કરે છે. આ રીતે જોતાં મહાવીર જયંતી નૈતિક મૂલ્યો અને અનુશાસનના સંકલ્પનો દિવસ છે.

તમે જ્યાં રહો છો અથવા કામ કરો છો એની આસપાસ ગોમતેશ્ર્વર, ગજપંથા, ગિરનારજી, મધુબન અને મૂંગીતુંગી જેવા પ્રસિદ્ધ જૈન તીર્થસ્થળ હોય તો ત્યાં જરૂર ફરવા જાઓ. મધુબન ઝારખંડમાં છે, ગિરનારજી ગુજરાતમાં છે. ગોમતેશ્ર્વર કર્ણાટકમાં એક આકર્ષક પર્યટન સ્થળ છે. મૂંગી તુંગી અને ગજપંથા મહારાષ્ટ્રમાં સ્થિત જૈન ધર્માવલંબીઓના પ્રસિદ્ધ તીર્થ સ્થળો છે. મહાવીર જયંતીના દિવસે જૈન ધર્મમાં આસ્થા રાખવાવાળા લોકોએ અહિંસા, ઈમાનદારી, ચોરી ન કરવી, શુદ્ધતા અને અપરિગ્રહ જેવી શિક્ષા લેવી જોઈએ ત્યારે જ આ મહાન દિવસ આપણા વિચારો અને સંદેશને માનવતાથી ઓતપ્રોત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button