144 વર્ષે યોજાતો પૂર્ણ કુંભ મેળો મૅનેજમેન્ટનો માસ્ટરપીસ એવો મહાકુંભ મેળો
દર 12 વર્ષે યોજાતા એવા 12પૂર્ણ કુંભ પૂરા થાય ત્યારે જે 144 વર્ષે યોજાય એ છે સૌથી મોટો કુંભમેળો, જે હવે યોજાઈ રહ્યો છે.
કવર સ્ટોરી -વિજય વ્યાસ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ સોમવાર ને 13 જાન્યુઆરી, 2025થી મહાકુંભ મેળાનો પ્રારંભ થાય એ પહેલાં આખો દેશ મહાકુંભમય થઈ ગયો છે. હિંદુઓની બહુમતી ધરાવતા ભારતમાં દર 144 વર્ષે યોજાતો મહાકુંભ ધાર્મિક આસ્થાનો સૌથી મોટો મહોત્સવ મનાય છે તેથી લોકોમાં કુંભ માટે આસ્થા-ઉત્સાહ સ્વાભાવિક છે. આ વર્ષે મહાકુંભમાં 50 કરોડ લોકો ભાગ લે એવી શક્યતા છે. ઉત્તર ભારતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે, છતાં આ કરોડો લોકો ગંગા-યમુના અને અદૃશ્ય સરસ્વતીના પવિત્ર સંગમમાં વિવિધ સ્નાન કરી પોતાનાં પાપ ધોશે ને પવિત્રતા અનુભવશે.આ વખતનો મહાકુંભ તો વિશિષ્ટ છે. ભારતીય પરંપરામાં અર્ધ કુંભ, કુંભમેળો અને પૂર્ણ કુંભ એમ ત્રણ પ્રકારના કુંભમેળા યોજાય છે. અર્ધ કુંભ દર છ વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે. કુંભમેળો દર ત્રણ વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં વારાફરતી યોજાય છે તેથી કોઈ પણ સ્થળે દર 12 વરસે કુંભ યોજાય છે. પૂર્ણ કુંભમેળો દર 12વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. તેને કુંભનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે. મહાકુંભ ચોથો અને સૌથી મોટો કુંભ મેળો છે કે 12 પૂર્ણ કુંભ પૂરા થાય ત્યારે એટલે કે દર 144 વર્ષે યોજાય છે.
મહાકુંભ માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે, કેમ કે પ્રયાગરાજમાં હિંદુ પરંપરામાં પવિત્ર મનાતી ગંગા-યમુના- સરસ્વતી નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે. કુંભમેળાનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ છે. ગંગા-યમુના અને સરસ્વતી નદીનું સંગમસ્થાન મોક્ષની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે તેથી મહા કુંભ પ્રયાગરાજમાં જ યોજાય છે. મહા કુંભમેળાનો દિવસ ગ્રહોની ચોક્કસ સ્થિતિ અને ખગોળીય જોડાણના આધારે નક્કી થાય છે. વિષ્ણુ પુરાણ પ્રમાણે, ગુરુનો કુંભ રાશિમાં અને સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ થાય છે ત્યારે હરિદ્વારમાં કુંભ યોજાય છે. સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં, ગુરુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશે ત્યારે ઉજ્જૈનમાં અને માઘ અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રમા મકર રાશિમાં આવે અને ગુરુ મેષ રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ યોજાય છે. ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક વિશેષ સ્થિતિમાં હોય ત્યારે મહાકુંભ યોજાય છે. આ 13 જાન્યુઆરીએ હિન્દુ કૅલેન્ડર પ્રમાણે પોષ પૂર્ણિમા છે. પોષ પૂર્ણિમાના દિવસે આ સુભગ સંયોગ હોવાથી પોષી પૂનમના સ્નાન સાથે કલ્પવાસ એટલે કે મહાકુંભનો
આરંભ થશે.
કલ્પવાસ એટલે શું?
મહાકુંભને સમજવા માટે કલ્પવાસને સમજવો જરૂરી છે. કલ્પવાસ એક હિંદુ ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે કે જે કોઈ પણ પવિત્ર નદીના કિનારે રહીને કરવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં, કલ્પવાસને સંન્યાસ અને વાનપ્રસ્થ આશ્રમનું સંયોજન કહેવાય છે. કલ્પવાસ કરવાથી મનની ઇચ્છાનું ફળ મળે છે અને જન્મ-જન્માંતરનાં બંધનોથી મુક્તિ મળી જાય છે. ગંગા-યમુના-સરસ્વતીના સંગમ પર કરાતી આખા માઘ માસની સાધનાને કલ્પવાસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે, 9 વર્ષ સુધી કંઈ પણ ખાધા-પીધા વગર તપસ્યા કરો તેનું જેટલું ફળ મળે એટલું ફળ માઘ મહિનાના કલ્પવાસથી મળે છે. કલ્પવાસ એક રાત્રિથી શરૂ કરીને આજીવન હોઈ શકે છે. કલ્પવાસ દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં ઊઠવું, દરરોજ ત્રણ વખત પવિત્ર નદીમાં સ્નાન કરવું, પિતૃનું પિંડદાન, દાન કરવું, જપ, સંકલ્પિત ક્ષેત્રની બહાર ન નીકળવું વગેરે નિયમો પાળવા પડે છે.
કુંભમેળાનો સંબંધ પૌરાણિક કાળ સાથે છે. પુરાણો અનુસાર દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે લક્ષ્મી, કામધેનુ ગાય, પારિજાત વૃક્ષ સહિતની ઘણી અમૂલ્ય ચીજો નીકળી હતી. આ પૈકી સૌથી મહત્ત્વનો અમૃત કલશ હતો કેમ કે અમર થવા માટે જરૂરી અમૃત કલશ મેળવવા જ સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું.
અમૃત મળ્યું પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભારે સંઘર્ષ થયો. રાક્ષસો દેવો પાસેથી અમૃતનું પાત્ર ઝૂંટવીને ભાગ્યા પછી દેવતાઓએ અમૃત કળશ પાછો લાવવાની જવાબદારી ઇન્દ્રના પુત્ર જયંતને સોંપી હતી. જયંત પણ ભારે બહાદુરી બતાવીને રાક્ષસો પાસેથી અમૃતનું પાત્ર ઝૂંટવીને ભાગ્યો ત્યારે સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ પણ તેની સાથે હતા. દેવતાઓએ સૂર્યને અમૃત કલશને તૂટવા નહીં દેવાની જ્યારે ચંદ્રને અમૃત છલકાય નહીં એ જોવાની જવાબદારી સોંપી હતી તો ગુરુ-બૃહસ્પતિને રાક્ષસોને રોકવાનું કાર્ય સોંપાયું હતું, જ્યારે શનિને જયંત એકલો અમૃત ન પી જાય એ જોવાની જવાબદારી સોંપાઈ હતી. દેવતાઓ અમૃતના પાત્ર સાથે સ્વર્ગમાં પાછા ફરતા હતા ત્યારે રઘવાટમાં ચંદ્રની ભૂલથી અમૃતનાં ચાર ટીપાં પૃથ્વી પર પડ્યાં. આ ટીપાં પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પડ્યાં ત્યારથી આ સ્થાનોને અતિપવિત્ર માનવામાં આવે છે અને અહીં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.
ઐતિહાસિક રીતે કુંભમેળો સિંધુ ખીણની સભ્યતાથી પણ પ્રાચીન મનાય છે. કુંભમેળાનું આયોજન ગુપ્ત કાળ (ત્રીજીથી પાંચમી સદી)માં સુવ્યવસ્થિત રીતે શરૂ થયું હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે પણ ઈસવી સન 629થી 645 વચ્ચે સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળમાં યોજાયેલા પ્રયાગરાજના કુંભમેળાનું વર્ણન કર્યું છે. વિશાળ અને ભવ્ય કુંભમેળામાં હજારો સાધુઓ, વિદ્વાનો અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા એવો એમણે ઉલ્લેખ કર્યો છે.
મુસ્લિમોના આક્રમણ પછી શંકરાચાર્યે હિંદુ ધર્મના પુનરુત્થાન માટે કુંભમેળાને ધર્મ અને સમાજને જોડવાનું માધ્યમ બનાવ્યું તેથી કુંભમેળાથી હિંદુ ધર્મ ટક્યો એમ કહી શકાય. કુંભમેળો આધુનિક સમયમાં મૅનેજમેન્ટ ક્ષમતાનું અનોખું ઉદાહરણ છે. દોઢ મહિના સુધી ચાલનારા કુંભ મેળામાં કરોડો લોકો ઊમટશે, છતાં કોઈ પ્રકારની અરાજકતા કે અંધાધૂંધી ન સર્જાય એ બહુ મોટી વાત છે. એકસાથે એક કરોડથી વધારે લોકોની હાજરી છતાં કોઈ અપરાધ નહીં, કોઈ ઝઘડા નહીં એ ખરેખર તો દેશ માટે જરૂરી આદર્શ સ્થિતિનું ઉદાહરણ રજૂ કરે છે. દેશભરમાંથી આવતા અલગ અલગ પ્રકારના અખાડાના સાધુ-સંતો પોતપોતાની રાવટીઓ નાખીને રહે અને શિસ્તબધ્ધ રીતે સ્નાન કરવા જાય એવાં દૃશ્યો કુંભમેળામાં જ જોવા મળે. કુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિનાં અનેક જન્મોનાં પાપ ધોવાઈ જાય છે એવી હિંદુ પરંપરામાં માન્યતા છે. કુંભમાં સ્નાનથી એવી માનસિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિ મળે છે કે જે મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે એવી શ્રદ્ધા છે. મોટા ભાગના હિંદુઓ કુંભમેળામાં એક વાર તો સ્નાન કરવું જ એવી શ્રદ્ધા ધરાવે છે તેથી કરોડો લોકો ઊમટે છે. આ કરોડો લોકોનાં ભોજન, પાણી, શૌચ સહિતની વ્યવસ્થા નિર્વિઘ્ને થઈ જાય તેને હિંદુ શ્રદ્ધાળુઓ ચમત્કાર જ માને છે.
જોકે કુંભમેળો માત્ર એક ધાર્મિક મહોત્સવ નથી, પણ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. ભારતીય સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે. ભારતના અલગ અલગ વિસ્તારોની અલગ અલગ પરંપરાઓ, માન્યતાઓ વગેરેથી ભારતીય સંસ્કૃતિ બની છે. કોઈ પણ ટકરાવ વિના આ પરંપરાઓ અને માન્યતાઓ સચવાઈ છે. કુંભમેળામાં આ અલગ અલગ માન્યતાઓ ધરાવતાં લોકો ઊમટે છે ને એકબીજાને નડ્યા વિના પોતાની આસ્થા પ્રમાણે વર્તે છે એ જોતાં કુંભમેળો ભારતની એકતાનું એક આદર્શ પ્રતીક છે.
કુંભમેળાનું મહા-કૅલેન્ડર….
પોષ પૂર્ણિમાએ કલ્પવાસના પ્રારંભ સાથે મહાકુંભ શરૂ
બીજા દિવસે મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી 2025ના દિવસે પ્રથમ અમૃત સ્નાન કરાશે.
મૌની અમાસ એટલે કે 29 જાન્યુઆરી 2025ના રોજ દ્વિતીય અમૃત સ્નાન કરાશે
વસંત પંચમી એટલે કે 3 ફેબ્રુઆરી 2025ના રોજ તૃતીય અમૃત સ્નાન થશે.
માઘ પૂર્ણિમા એટલે કે 12 ફેબ્રુઆરી 2025ના દિવસે કલ્પવાસનું સમાપન થશે
મહાશિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરી 2025ના દિવસે મહાકુંભ 2025નું સમાપન થશે.