ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : સુંદરતાનું સાયન્સ : કથ્થઈ આંખોવાલી એક લડકી…

રાજ ગોસ્વામી

થોડા દિવસ પહેલાં પ્રયાગરાજના મહાકુંભમાંથી એક બેહદ ખૂબસૂરત યુવતીની તસ્વીરો અને વીડિયો દેશ-દુનિયામાં વાઈરલ થયા હતા. દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરથી પોતાના પરિવાર સાથે મહાકુંભ પહોંચેલી મોનાલિસા નામની આ છોકરી ત્યાં દ્રાક્ષની માળાઓ વેચી રહી હતી ત્યારે અમુક યાત્રાળુઓનું એના પર ધ્યાન ગયું હતું.

આ પણ વાંચો : સૈફ અલી ખાન પટૌડી પરિવારને 15 હજાર કરોડનો ફટકો

કથ્થઈ આંખોવાલી’ આ છોકરીના ઘાટીલા નાક-નકશા, શ્યામ ત્વચા અને વિશિષ્ઠ રીતે બોલવાની શૈલીથી લોકોએ એની સરખામણી લિઓનાર્ડા દ વિન્ચીના જગપ્રસિદ્ધ પેન્ટિંગમોનાલિસા’ સાથે સરખામણી કરી હતી. જે લોકો એ છોકરીની વીડિયો ક્લિપ્સ જોતા હતા એ બધા એની અસાધારણ સુંદરતાના પ્રેમમાં પડી જતા હતા. કુંભમાં લોકો એની સાથે સેલ્ફી પડાવતા હતા અને એની પાછળ પાછળ જતા હતા.

મોનાની સુંદરતા જોઈને એક યુઝરે લખ્યું હતું, સુંદર છોકરીઓ ગરીબ ઘરોમાં જ જન્મે છે.’ અન્ય એક યુઝરે લખ્યું :એની આંખો છે કે સમંદર! અભિનેત્રીઓ પણ પાણી ભરે.’ ત્રીજા યુઝરે લખ્યું હતું : `ઉપરવાળો આટલી ખૂબસૂરતી કોઈક ગરીબને જ આપે.’ અમુક લોકોએ એને સ્વર્ગની અપ્સરા ગણાવી હતી.

મોનાએ એક વીડિયોમાં કહ્યું હતું :`મેં જીવનમાં પહેલીવાર મારી આસપાસ આટલી ભીડ જોઈ છે. હું બે ડગલાં ચાલુ તો પણ લોકો ઘેરી વળે છે અને બૂમો પાડે છે. હું તો ડરી ગઈ કે આટલા બધા લોકો માં નામ લઈને ચીસો પાડે છે…. હું તો દ્રાક્ષ વેચવાવાળી એક સામાન્ય છોકરી છું.’

કોઈને આમાં ગાંડપણ લાગી શકે, પરંતુ સુંદરતા તરફ આકર્ષિત થવું ઈન્સાની ફિતરતમાં છે. સુંદર ચીજો આપણું ધ્યાન ખેંચે છે, ચાહે તમે ઈચ્છો કે ના ઈચ્છો. અંગ્રેજીના મશહૂર કવિ જ્હોન કીટ્સે એમની એક કવિતામાં લખ્યું હતું કે A thing of beauty is joy forever એક સુંદર વસ્તુ સદૈવ સુખદ હોય છે.

ગદ્ય હોય કે પદ્ય, પ્રાચીન હોય કે આધુનિક, સ્ત્રીઓની સુંદરતા વિશેની વાર્તાઓથી સાહિત્ય ભરેલું પડ્યું છે. આજના યુગમાં શારીરિક સુંદરતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. વિશ્વભરમાં તેની સ્પર્ધાઓ યોજાય છે. એમના માટે સૌંદર્યનાં ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. એટલા માટે, મોના જેવી સહજ અને પ્રાકૃતિક ખૂબસૂરતીથી લોકો અંજાઈ જાય તે પણ સ્વાભાવિક છે.

એવું કેમ થતું હશે?

`યુનિવર્સિટી કોલેજ લંડન’ ના બે વિજ્ઞાની, તોમોહિરો ઈશિઝૂ અને સેમિર ઝેકીએ, એકવાર તેનો ન્યુરોલોજીકલ જવાબ શોધવા પ્રયાસ કર્યો હતો. એમણે એક પ્રયોગમાં 21 સ્વયંસેવકોના મગજના MRL સ્કેન લીધા હતા. સ્કેનિંગ મશીનમાં દરેકને વારાફરતી 30 પેન્ટિંગ બતાવવામાં આવ્યાં હતાં અને કાનમાં 30 પ્રકારના સંગીતના સૂર વગાડવામાં આવ્યા હતા. તે વખતે એમના મગજમાં રક્તચાપ કેવો થાય છે અને મગજનો કયો હિસ્સો સક્રિય થાય છે તે નોંધવામાં આવ્યું હતું. સ્વયંસેવકોએ પોતે જે જોતા હતા અને સાંભળતા હતા તેને ત્રણ શબ્દોથી વર્ણવવાનું હતું: સુંદર- મામૂલી અને અચિકર.

સ્કેનરે નોંધ્યું હતું કે જ્યારે સુંદર ઈમેજ જોવામાં આવતી હતી અથવા મધુર ધૂન સાંભળવામાં આવતી હતી ત્યારે મગજનો એક નિશ્ચિત હિસ્સો સૌથી વધુ ચમકી જતો હતો- તેને `ઓર્બોટોફ્રન્ટલ કોર્ટેક્સ’ કહે છે. કપાળની વચ્ચે પાછળના ભાગમાં આવેલું કોર્ટેક્સ નિર્ણયશક્તિ, એકાગ્રતા અને એક્શન સાથે જોડાયેલું છે. આ અંગ લાગણીઓ, અનુભૂતિઓ અને આનંદ સાથે પણ સંકળાયેલું છે.

આ પણ વાંચો : તમસો મા જયોતિર્ગમય

ટૂંકમાં, સુંદરતાનો સીધો સંબંધ આપણી ન્યુરોલોજી સાથે છે. સુંદરતા જોનારની આંખમાં છે તેવા એક જાણીતા કથનને બદલીને એવું કહી શકાય કે સુંદરતા જોનારના મગજમાં છે. અર્થાત, મોનાને જોયા પછી મગજમાં `ઘંટડી’ ના વાગે તો જ નવાઈ!

અહીં એક પ્રશ્ન થાય છે : કુદરતે જગતમાં સુંદરતા કેમ મૂકી છે? ચાહે પ્રકૃતિનો વૈભવ હોય અથવા માનવીય સંસાર હોય, તેમાં સુંદરતાનું અસ્તિત્વ કેમ છે? ચિંતકો, કલાકારો અને વિજ્ઞાનીઓ સદીઓથી આ પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યા છે.

આપણે કેમ ખાઈએ છીએ તેનો જવાબ સ્પષ્ટ છે: તેનાથી કેલરી મળે છે અને તે આપણા જીવતા રહેવા માટે જરૂરી છે, પરંતુ સુંદરતાને જોવાથી આપણને કોઈ પોષણ નથી મળતું. સુંદરતા એક ચીજ કરે છે: આપણે આંખનું મટકું માર્યા વિના તેને તાક્યા કરીએ છીએ.

વિજ્ઞાનીઓ કહે છે કે ના, સુંદરતા પણ આપણા જીવતા રહેવા (સર્વાઈવલ) માટે છે. એમનો તર્ક એવો છે કે સુંદરતા વાસ્તવમાં તંદુરસ્તીની નિશાની છે. માણસ જ્યારે જંગલમાં રહેતો હતો ત્યારે સુંદર દેખાતાં ફળ-ફૂલ તોડીને ખાતો હતો, કારણ કે તે પાકેલાં અને તંદુરસ્ત હતાં. તે સુંદર દેખાતાં મેદાનો કે પહાડીઓ પર દોડી જતો હતો, જેથી ત્યાં જીવ બચી જાય.

એ જ કારણથી માણસોમાં પણ સુંદરતા છે. ઉત્ક્રાંતિક સાઈકોલોજી કહે છે કે, જે લોકોનાં જીન્સ ઉત્તમ હોય એ લોકો દેખાવે આકર્ષક પણ હોય. શારીરિક સુંદરતા તંદુરસ્ત જીન્સ અને બુદ્ધિનો બાહ્ય સંકેત છે. અને પુષનાં જીન્સ હંમેશાં તંદુરસ્ત `કેરિયર’ ની શોધમાં હોય છે એટલે એમના માટે સ્ત્રીને જોઇને પ્રભાવિત થવું કુદરતી છે. સ્ત્રી જેટલી વધુ સુંદર, એના તરફ એટલું ધ્યાન વધુ.

જીવશાસ્ત્રમાં `બાયોલોજીકલ ઓર્નામેન્ટ્સ’ નામનો શબ્દ છે. ધારણા એવી છે કે પ્રાણીઓ શારીરિક સજાવટ જોઈને એકબીજા પ્રત્યે આકર્ષાય છે, જેમ કે રંગ, કેશવાળી, પૂંછડીઓ, પીંછાં વગેરે. સુંદરતા એક પ્રાકૃતિક સંકેત છે કે આ ઓર્નામેન્ટ્સ પેદા કરનાર વિજાતીય જીવનું શરીર તંદુરસ્ત છે અને જીન્સને બીજી પેઢીમાં સફળતાપૂર્વક લઇ જવા સક્ષમ છે. સ્ત્રીની એટે્રકટિવનેસ એના સ્તન અને હિપ્સ-નિતંબમાં છે, જ્યારે પુષની એટે્રકટિવનેસ હોય છે એના અવાજ, ઊંચાઈ અને ત્વચાના રંગમાં. આપણે ફેશન પણ એટલા માટે જ કરીએ છીએ. સમગ્ર પ્રાણી જગતમાં સેક્સુઅલ સિલેકશન અથવા મેટ સિલેકશન બાયોલોજીકલ ઓર્નામેન્ટ્સના આધારે થાય છે. જીવોમાં શારીરિક સુંદરતા પેદા થવાનું આ એક માત્ર ઉત્ક્રાંતિક કારણ છે.

ઘરમાં એક સંતાન રૂપાળુ હોય અને બીજું કુરૂપ તો રૂપાળા પર સૌનું વધારે ધ્યાન હોય તે શક્ય છે. સોશ્યલ મીડિયા પર સેલ્ફીઓ એટલે જ સૌથી વધુ પ્રચલિત છે.

આ પણ વાંચો : ટ્રાવેલ પ્લસ: શિયાળામાં ગુજરાતનાં વિવિધ ઘાસિયાં મેદાનોમાં કલરવ કરીને થનગનતા મુસાફર જીવ – કુંજ

ટૂંકમાં, સૌંદર્યના છોડ પર પ્રેમનું ફૂલ જલ્દી ખીલે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button