‘દલબદલુ’ નેતાની દીવાનગી: જાન જાય, પણ ખુરશી ન જાય
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ: સત્તા ને પત્તાંની રમતમાં કંઇ કહેવાય નહીં. (છેલવાણી)
ફિલ્મોમાં ૧૪૪ વાર હંમેશા ઇન્સ્પેક્ટરનો જ રોલ કરનાર અભિનેતા જગદીશ રાજનું નામ ’ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયેલું છે. મજાકમાં કહેવાતું કે જગદીશજી જન્મ્યા ત્યારે ડૉક્ટરે કુટુંબીઓને કહેલું, ’મુબારક હો, તુમ્હારે ઘર ’ઇન્સ્પેક્ટર’ પૈદા હુઆ હૈ!’ એ જ રીતે બિહારના નેતા નીતીશ કુમારજી, જન્મ્યા હશે ત્યારે ડૉક્ટરે કહ્યું હશે, ‘મુબારક હો, તુમ્હારે ઘર ‘દલબદલુ’ પૈદા હુઆ હૈ!’ અમે કસમ ખાધેલી કે પોલિટિક્સ પર નહીં જ લખીએ પણ હમણાં બિહારી મુ.મંત્રી અને પીઢ નેતા, નીતીશ કુમારજીના સત્તા માટેનાં સમરસોલ્ટ્સ જોઇને અમારું દિલ પણ દલબદલુ થઇ ગયું ને નીતીશજીને સલામી આપવા માંગીએ છીએ.
કોઇ જિમ્નેસ્ટની ચપળતાથી આ ઉંમરે નીતીશજી જે રીતે પાર્ટીઓ બદલે છે, એ જોતાં કાલે ખબર પડે કે ‘નીતીશજી, સેક્સ ચેંજ કરીને ’સ્ત્રી’ બનવા માંગે છે’ તો જરા યે નવાઇ નહીં. કારણ કે એમાં પણ ‘સ્ત્રીઓના વોટ’ લેવાની એમની ગણત્રી હશે. નીતીશજીએ ૯વાર સી.એમ.ની શપથ લીધી છે ને એમાં યે ૬ વાર તો ‘સી.એમ. રહીને, સી.એમ.ના જ પદ પરથી રાજીનામું આપવું પડ્યું, જેથી ફરી સી.એમ.ની જ શપથ લઇને સી.એમ જ બની શકાય!’ જાણીતા શેરની પંક્તિ છે: ‘આ ફિર સે, મુઝે છોડ કે જાને કે લિએ આ’ આ એવી વાત છે. ઘણાં કહે છે: ‘બિલાડીની જેમ નીતીશજી પાસે નવ જિંદગીઓ છે, કાચીંડાની જેમ રંગ બદલે છે.’ તો હે પશુપ્રેમીઓ, જાગો. આમાં તો પશુઓનું અપમાન છે.
નાટકની એક અભિનેત્રીને મોટા સ્ટાર-નિર્દેશક અભિનેતાએ કેળવીને, સારા રોલ આપીને બહુ મોટી અભિનેત્રી બનાવી અને બેઉમાં પ્રેમ થતાં પરણી ગયા. પછી સ્ટાર અભિનેતાનું નાની વયે અવસાન થઇ ગયું અને અભિનેત્રીએ છ જ મહિનામાં બીજા જુવાન અભિનેતા સાથે અફેર શરૂ કર્યું. ત્યારે એક મિત્રએ પૂછયું: ‘પતિના મોતને હજી છ જ મહિના થયા છે ને આટલીવારમાં બીજો પ્રેમી પકડી લીધો?’
તો અભિનેત્રીએ કહ્યું, ‘જે ગયો એ મારા માટે ‘ભગવાન’ હતો હવે મને દરેક પુરુષમાં મારો એ જ મને ‘ભગવાન’ રૂપે દેખાય છે!’ નીતીશને પણ દરેક પાર્ટી, નેતા કે માણસમાં ‘ખુરશી’ જ દેખાતી હશે.
સ્કૂલમાં નિબંધનો વિષય આવતો- “મોટા થઇને શું બનશો? લગભગ બધાં બાળકો ડૉક્ટર, વૈજ્ઞાનિક, ક્રિકેટર બનવાનું વગેરે લખે. આજે અમે જો બાળક હોત તો લખત: ‘મારે મોટા થઇને નીતીશ બનવું છે.’ કારણ કે આટલીવાર પાટલી બદલવી એ ગહન સાધના છે, દિલ-જીગર-કિડની-લીવરનું કામ છે. વળી પાટલીપુત્રના “પલટીપુત્ર કે “પલટુરામ જેવી ગાળો ખાવી, એ કંઇ ખાવાનો ખેલ નથી. આ છે ખરી ’ખુરશી-ભક્તિ’, જેમાં દેશભક્તિના કોઇ દાવા જ નહીં. જે પક્ષના દરવાજા સદા માટે બંધ હોય ત્યાં હવાબારીમાંથી ભૂત જેમ ઘૂસવું એ અદ્ભુત આર્ટ છે. કહે છે કે આજકાલ નીતીશને “અલ્ઝાઇમરનામની ભૂલવાની બીમારી છે. કદાચ ક્યારેક પોતાનું નામ ભૂલી જતા હશે પણ એક શબ્દ નહીં ભૂલતા હોય: ‘ખુરશી!’ આપણને તો કોઇ પાર્ટીમાં જવા માટે ક્યા કપડાં બદલવા?’ એ વિચારવામાં જેટલી વાર લાગે છે એટલી વારમાં તો નીતિશ ૨-૪ પાર્ટી બદલાવી નાખે છે.
ઇન્ટરવલ:
ક્યા નેતા, ક્યા અભિનેતા, દે જનતા કો જો ધોખા,
પલ મેં શોહરત ઉડ જાયે, જ્યોં એક પવન કા ઝોંકા. (આનંદ બક્ષી)
ટી.વી.નાં એક સફળ એકટર-એંકર, બિહારનાં પટણામાં કૉંગ્રેસની સીટ પરથી ચૂંટણીમાં ઊભેલા. નીતીશજીએ, એક્ટરને ફોન પર કહ્યું: ’અમારી પાર્ટીથી લડો.’
એકટરે કહ્યું, “મૈંને ઝુબાન દી હૈ, કમિટમેંટ હૈ.
ત્યારે નીતીશજીએ કહેલું, ’કાહે કી ઝુબાન? કાહે કા કમિટમેંટ?’ જોયું? આને કહેવાય સિદ્ધાંત! જેવી તકવાદી રાજનીતિ કરી, એ જ એમની જુબાન પર. જો કે આજકાલ નીતીશજીની જુબાન બહુ ફિસલે છે ને વિધાનસભામાં સ્ત્રીઓ અને ’સેક્સ’ વિશે જેમ તેમ બોલે છે પણ નીતીશની જીભ શું, પોતે આખેઆખા લપસશે તો યે પડશે તો ‘ખુરશી’ પર જ. ૧૯૯૧-૯૨માં અમે હિંદી ફિલ્મોમાં લેખક બનતા પહેલા આસિસ્ટંટ ડિરેક્ટર હતા. ત્યારે માધુરી દીક્ષિતનાં સેક્રેટરી પાસે માધુરીની શૂટિંગ માટે તારીખો મેળવવા ધક્કા ખાતા. ત્યારે માધુરીનો સેક્રેટરી, પોતાની ડાયરીમાં બધા નિર્માતાઓના શૂટિંગની તારીખો પેન્સિલથી લખી મૂકતો ને પછી ગમે ત્યારે એક નિર્માતાની તારીખો છેંકીને, બીજા નિમાર્તાને આપી દેતો. જ્યારે પહેલો નિર્માતા પૂછે તો સેક્રેટરી ડાયરી બતાવે, ‘આમાં ક્યાં તમારું નામ છે?’ પછી એ જ નિર્માતાના શૂટિંગ માટે બીજા કોઇનું નામ છેંકીને તારીખો આપી દે! નીતિશ અને એમને ફરીફરી આવકારનારી પાર્ટીઓ, સહુનાં સિદ્ધાંતો પણ પેન્સિલથી લખાયેલા જુઠાણાં છે. કોણ કયો સિદ્ધાંત ક્યારે ભૂસી નાખશે, કંઇ કહેવાય નહીં. પણ હા, ’દલબદલુ નં.૧’ તરીકે નીતીશનું નામ ભારતના ઇતિહાસમાં પેંસિલથી નહીં, પરંતુ સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે એ પાક્કું.
ખરેખર તો હવે નીતીશ જેવા દલબદલુ નેતાઓને પાર્ટી બદલવા ખુલ્લી કાયદેસરની છૂટ મળવી જોઇએ જેથી પબ્લિક તો વારેવારે મૂરખ ના બને. માત્ર દલ બદલવા પર સરકારે મોટો ટેક્સ લગાડવાનો, જે પૈસામાંથી ભૂખી-નંગી પ્રજાને સારું ‘જીવન’ તો નહીં પણ મફત ‘કફન’ તો આપી જ શકાયને? અથવા તો નીતીશજીને સલાહ છે કે એમણે આધુનિક મેડિકલ વિજ્ઞાનની મદદથી, પોતાના જેવા ૭-૮ ’ક્લોન’ અર્થાત્ ‘ડુપ્લિકેટ’ બનાવીને દરેક પાર્ટીમાં ૧-૧ નીતીશ મૂકી દેવા જોઇએ એટલે વારેવારે પાર્ટી બદલવાની બુઢાપામાં કવાયત જ કરવી ના પડે.
(નોંધ: આ છપાશે ત્યાં સુધી નીતીશજી હજુ બે-ચાર પાર્ટીઓ બદલી નાખે તો પણ કમજોર હાર્ટવાળાઓએ ઝટકો ખાવો નહીં.)
એંડ-ટાઇટલ્સ:
ઇવ: તું લગ્નનો વિચાર બદલી તો નહીં નાખેને?
આદમ: કોની સાથે?