સ્પોટ લાઈટ : મડિયાના ભરોસાથી ગદગદિત થઈ ગઈ

-મહેશ્વરી
મારું પોતાનું ઘર હોવા છતાં હું ઘર વિનાની હતી. બિલ્ડર સમયસર ફ્લૅટ તૈયાર ન કરી શક્યો હોવાથી મારે વારંવાર ઘર બદલવું પડી રહ્યું હતું. ઘરવખરી સાથે જગ્યા બદલવી એ માથાના દુખાવાનું કામ છે. એમાં હું તો નવી જગ્યામાં માંડ સેટ થઈ, એની આદત પડવા લાગી ત્યાં નવા ફ્લૅટમાં જવાનો દિવસ આવી ગયો. ખ્રિસ્તી બાઈનાં તેવર જોયાં પછી મને હાંકી કાઢીને જ એને જંપ વળશે એની મને ખાતરી થઈ ગઈ હતી. મારે તો ઘરની ચિંતા કરવાની હતી. ઘર નાનું હોય કે મોટું એની સાથે કોઈ નિસબત નથી હોતી, જ્યાં મીઠાશ ન હોય ત્યાં કીડીઓ પણ નથી જતી.
બિલ્ડરે ગોઠવણ કરી આપી એ ફ્લૅટમાં હું ને મારાં બાળકો ગોઠવાઈ ગયાં. પહેલા માળનો એ ફ્લૅટ વેચાઈ ગયો હતો, પણ એ માલિક હજી રહેવા નહોતો આવ્યો. ક્યારે આવશે એની ખબર બિલ્ડરને પણ નહોતી. મારે તો માથા ઉપર છાપરું જોઈતું હતું અને એટલે ફ્લૅટનો રહેવાસી ક્યારે આવશે એનો વિચાર કર્યા વિના મારો બધો સામાન શિફ્ટ કરી હું તો રહેવા લાગી. શિફ્ટ થયા પછી થોડા દિવસમાં જ મારે મરાઠી નાટકની ટુરમાં ઈન્દોર જવાનું થયું. એ વખતે સમયાંતરે મારે નાટ્ય પ્રવાસે નીકળવું પડતું હતું. મેં પ્રભુનો પાડ માન્યો કે પ્રવાસે નીકળવાનું થયું એ પહેલાં સમસ્યા ઊભી થઈ અને એનો નિકાલ પણ આવી ગયો. મારી ગેરહાજરીમાં જો પેલી ખ્રિસ્તી બાઈ મારા બાળકોને ઘર છોડવા કહેત તો શું થાત એ વિચાર જ ધ્રુજારી પેદા કરનારો હતો. હું નાટક કરવા ગઈ ત્યારે નિરાંત જીવે ગઈ હતી, પણ કોણ જાણે કેમ ઈન્દોરમાં મારો જીવ ચૂંથાતો હતો. બેચેનીનો અનુભવ થયા કરતો હતો. ઝટ ઝટ ઘરે પાછા ફરવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. અલબત્ત નાટ્ય પ્રવાસના જેટલા શો નક્કી કર્યા હોય એ તો પૂરા કરવા જ પડે. સાથી કલાકારોના ધ્યાનમાં પણ આ વાત આવી. તેમણે ચિંતાનું કારણ પૂછ્યું તો મેં કંઈ કહ્યું નહીં.
શો પૂરા થયા અને હું ઘરે પહોંચી તો મારી બેચેનીનો જવાબ મને મળી ગયો. છોકરીઓનાં વીલાં મોઢાં જોઈ મને તો પેટમાં ફાળ પડી. મમ્મી, ફ્લૅટના માલિક આવ્યા હતા અને કહી ગયા છે કે હું રહેવા આવવાનો છું એટલે ઘર ખાલી કરી આપો’, મારી દીકરીએ ધ્રૂજતા સ્વરે મને કહ્યું. જોકે, પછી મને ખબર પડી કે અમુક સ્થાનિક લોકો ફ્લૅટના માલિકને જઈ પિન મારી આવ્યા કેબિલ્ડરે તારા ફ્લૅટમાં કોઈને રહેવાની વ્યવસ્થા કરી આપી છે. માલિક તું છે અને રહે છે બીજું કોઈ. આવું થોડું ચલાવી લેવાય?’ એટલે મારી ગેરહાજરીમાં એ આવીને મારી દીકરીઓને ઘર બને એટલું જલદી છોડવાની ચેતવણી આપી ગયો. મેં બાળકોને સાંત્વના આપી અને આનો રસ્તો જરૂર નીકળશે એવી હૈયાધારણ આપી. મારાં બાળકોનું મનોબળ મારા જેવું જ મક્કમ રહે એવી કોશિશ હું સતત કરતી હતી. હું ગઈ સીધી બિલ્ડર પાસે અને તેમને બધી વાત જણાવી. સાથે એમ પણ કહ્યું કે બીજે રહેવા જવા માટે મારી પાસે કોઈ મૂડી નથી બચી. બિલ્ડર પણ વિચારમાં પડી ગયો અને મારી મૂંઝવણનો ઉકેલ શું લાવવો એ વિશે વિચારવા લાગ્યો.
એ વખતે હું બોરીવલીની આઈસી કોલોનીમાં આવેલી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના મેદાનમાં મોરારી બાપુની કથા સાંભળવા દરરોજ જતી હતી. બાપુની વાણી, એમની કથા સાંભળી મારું મક્કમ મનોબળ વધુ મજબૂત બન્યું હોવાનો અનુભવ મેં કર્યો. અલક ચલાણું બહુ થયું અને મેં નિર્ધાર કરી લીધો કે હવે બીજા કોઈના ફ્લૅટમાં રહેવા જવું જ નથી. કોને ખબર ક્યારે અચાનક ખાલી કરવાનો વારો આવે. હવે બસ મારા જ ફ્લૅટમાં રહેવા જવું હતું. બિલ્ડરને પૂછ્યું કે મારો ફ્લૅટ કેટલો તૈયાર થયો છે? બિલ્ડર દેખાડવા લઈ ગયો તો ખબર પડી કે ફ્લૅટની બાલ્કની તૈયાર નહોતી થઈ. ફક્ત કિચનનું પ્લૅટફૉર્મ અને ટોયલેટ રેડી હતાં. સૌથી મહત્ત્વની વાત એ હતી કે ઘરનો મુખ્ય દરવાજો જ નહોતો તૈયાર. પાણીનું કનેક્શન પણ નહોતું મળ્યું.
આવી બધી તકલીફ હોવા છતાં મારા પોતાના ફ્લૅટમાં રહેવા માટે મનને મનાવી લીધું. સવારે ત્રણ વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં અમે ગૃહપ્રવેશ કર્યો અને બપોરે ત્રણ વાગ્યે સામાન ખસેડી અમે રહેવા પહોંચી ગયાં. અગવડો ઘણી હતી, પણ અહીંથી મને કોઈ કાઢે એમ નહોતું એ વાત નિરાંત આપનારી હતી. પીવાનું પાણી રાતે સાડા નવ વાગ્યે બહાર ભરવા જવું પડતું હતું. વિચાર કરી જુઓ કે એક સ્ત્રી તેનાં ત્રણ બાળકો સાથે ઘરનો મુખ્ય દરવાજો જ નહીં, બાલ્કની પણ નહીં એવા ઘરમાં કેમ રહ્યાં હશે? રાતના ઊંઘ આવતી હશે ખરી? જીવ કેવા ફફડતા હશે?
જોકે, ઈશ્વરની મોટી મહેરબાની કે એક પણ દિવસ બહારથી કોઈ તકલીફ મારા માટે ઊભી ન થઈ. બિલ્ડિંગના બાંધકામમાં મજૂરી કરતા અને ત્યાં જ રહેતા લોકો નાના મોટા કામમાં મદદ કરતા અને ચિંતા ન કરવા સમજાવતા. આવા વાતાવરણને કારણે ભય તો દૂર જ થઈ ગયો અને અગવડો, પરેશાનીનો ત્રાસ પણ ઓછો લાગ્યો. ત્યાં રતિભાઈ નામના કૉન્ટે્રક્ટર હતા અને બિલ્ડરના કહેવાથી મારો ફ્લૅટ દોઢેક મહિનામાં તેમણે તૈયાર કરી આપ્યો. મારે પણ એક ઘર હોય’ની તમન્ના અંતે ફળીભૂત થઈ. પોતાનું ઘર છોડીને આવી હતી અને મારી મહેનતથી પોતાનું ઘર બની ગયું એના હરખ અને આનંદનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. અચાનક એક દિવસ કાંતિ મડિયાએ મેસેજ મોકલી મળવા બોલાવી. વાત એમ હતી કે મડિયા ત્યારેકોઈ ભીંતેથી આયના ઉતારો’ નાટક તૈયાર કરી રહ્યા હતા.
એમાં તેમણે હેમા દીવાન નામની અભિનેત્રીને લીધી હતી. મડિયાની નાટક તૈયાર કરવાની શૈલી અનુસાર આખું નાટક તેમને સંતોષ થાય એ રીતે બરાબર બેસી ગયું ત્યાં સુધી રિહર્સલ થયાં. નાટક ઓપન થવાને દસેક દિવસની વાર હતી ત્યાં હેમા દીવાને બૉમ્બ ફોડ્યો. આ રોલમાં કોઈ દમ નથી. હું કામ નહીં કરું’ એમ કહી નાટક છોડી જતી રહી. નાટકનો મહત્ત્વનો કલાકાર અચાનક ખસી જાય તો કેવી મુશ્કેલી થાય એ હું જાણતી હતી. હું મડિયાને મળી ત્યારે બધી વાતની મને જાણ થઈ.મહેશ્વરી, દસ દિવસ છે આપણી પાસે. તારે આટલા ટૂંકા સમયમાં રોલ માટે તૈયારી કરવાની છે. તું ના નહીં પાડે અને આટલા સમયમાં તું રોલમાં સેટ થઈ જઈશ એની મને ખાતરી અને વિશ્વાસ છે.’ કાંતિ મડિયા જેવા ધુરંધર નાટ્યકારે દેખાડેલા કૉન્ફિડન્સથી હું ગદગદિત થઈ ગઈ અને મડિયાને ફરિયાદનો કોઈ મોકો નહીં આપું એવી ગાંઠ મેં મનમાં વાળી લીધી. રિહર્સલમાં હું જોડાઈ ગઈ અને રોલની ઝીણામાં ઝીણી વિગત પ્રત્યે મારી સભાનતા જોઈ મડિયા પણ ખુશ થઈ ગયા અને નાટક ઓપન થવાનો દિવસ આવી ગયો.
એક જ નાટક, પણ લાખો મેં એક -કોઈ સર્જકની અનેક કૃતિઓ પૈકી કોઈ એક કૃતિ અત્યંત બળકટ કે પ્રભાવી હોય તો એ સર્જન પછી સર્જકની ઓળખ બની જાય છે. અન્ય કૃતિ કે સર્જન ઓછાં યાદ રહે છે. જોકે, હિન્દી સાહિત્ય જગતના બહુમુખી પ્રતિભા ધરાવતા કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને સંપાદક ડો. ધર્મવીર ભારતીએ તેમની લેખન આયુમાં માત્ર એક જ નાટક લખ્યું છે – અંધા યુગ’ (1953), પણ આજે સાત દાયકા પછી સુદ્ધાં એ હિન્દી રંગભૂમિનું એક અગ્રણી નાટક માનવામાં આવે છે.
નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ડિરેક્ટર ઈબ્રાહિમ અલકાઝી, અલ્કાઝી પછી એનએસડીનું સુકાન સંભાળનારા તેમ જ રંગભૂમિ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રમાં પણ યોગદાન આપનારા સત્યદેવ દુબે અને મણિપુરના ખ્યાતનામ પ્રયોગશીલ નટ રતન થિયમ જેવા મહારથીઓ તેમ જ નવોદિત રંગકર્મીઓ પરઅંધા યુગ’ એકસરખો પ્રભાવ પાડવાનું કૌવત ધરાવે છે. અનેક લોકોએ આ નાટકની ભજવણી કરી છે. મહાભારત સાથે અનુસંધાન ધરાવતા આ નાટકનાં મુખ્ય પાત્રો પાંડવો – કૌરવો નથી, પણ ધૃતરાષ્ટ્ર, ગાંધારી, અશ્વત્થામા અને યુયુત્સુ છે. ધર્મવીર ભારતીના નાટકમાં કૃષ્ણનું પાત્ર વિવાદાસ્પદ બન્યું હતું. સદેહે તખ્તા પર લાવ્યા વિના લેખકે કૃષ્ણને પ્રભાવીપણે રજૂ કરવામાં સફળતા મેળવી હતી. ધર્મવીર ભારતીના આ પદ્યનાટકમાં પાત્રાલેખન અને એના ચોટદાર સંવાદો નાટકનું જમાપાસું છે. (સંકલિત)