લવ સ્ટોરી મેં લોચા હૈ: પ્યાર કરને સે પહલે સોચા હૈ?
મિજાજ મસ્તી – સંજય છેલ
ટાઇટલ્સ: ક્યારેક મીંઢા મૌનમાં પણ સંમતિ હોય છે. (છેલવાણી)
એક નાના બાળકે પપ્પાને કહ્યું: ‘હું મોટો થઇને પરણીશને તો તમને મારા લગનમાં નહીં બોલાવું!’
બાપે પૂછયું, “કેમ બેટા?
“તમે મને તમારા લગનમાં બોલાવેલો કે હું તમને બોલાવું?, બાળકે ભોળપણથી પૂછ્યું.
આમ તો વાત બાલિશ છે પણ એમાં લોજિક છે. હમણાં થોડા સમય અગાઉ ગુજરાતમાં સિરિયસલી એવી ચર્ચા ચાલેલી કે ‘લવ-મેરેજમાં મા-બાપની સંમતિ હોવી જોઇએ!’ સારી વાત છે પણ અમને એવો સવાલ થાય છે કે જે મા-બાપે ૨૫-૩૦ વરસ પહેલાં પોતે લવ મેરેજ કર્યા હોય એમને એમનું સંતાન પૂછી શકે કે- “તમે તમારા મા-બાપની સંમતિ લીધેલી? કે પછી કોઇ માથાફરેલ એમ પણ પૂછી શકે કે-તમે લગ્ન કરતાં પહેલાં કે મને જન્મ આપતા પહેલા મારી સંમતિ લીધેલી કે હું તમારી લઉં?’ કે ‘વળી એ પણ સવાલ થાય કે એરેન્જ મેરેજમાં શું મા-બાપે, વર-ક્ધયાની સંમતિ લેવાની’ કે ‘તેઓ એકબીજાને પરણવા માગે છે કે નહીં?’ માન્યું કે પ્રેમના નામે અનેક ફસામણીઓ થાય છે અને વડીલોની આમન્યા સર આંખો પર પણ એકવાર મા-બાપની સંમતિથી લવ મેરેજ કર્યા બાદ ના કરે નારાયણ ને લવ મેરેજ પછી છૂટાછેડાં લેવાના સંજોગો આવે તો એમાં પણ મા-બાપની સંમતિ લેવાની? અને લેવાની તો કોની? છોકરાના મા-બાપની કે છોકરીના?
જો કે ‘લવ મેરેજમાં મા-બાપની સંમતિ લેવી રહી’ એ મતનાં ગુજરાતમાં ઘણાંખરાં છે- એવું સોશિયલ મીડિયાની ચર્ચાઓમાં જોયું એટલે આવા અમુક સવાલો જન્મ્યા. બાકી આમે ય પ્રેમ, પ્રેમ-લગ્ન અને એમાં પ્રગટતા પ્રશ્ર્નો વિશે અંત જ નથી. જગતમાં પ્રેમ, નથી કોઇને પૂરેપૂરો સમજાયો કે સમજાશે. બહુ બહુ તો એમાં ‘આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ’- જેવી કવિતાઓથી આશ્ર્વાસન લઇને કામ ચલાવવું પડે.
પ્રેમના અનેક રૂપ હોય છે. સ્વીકૃત અને વિકૃત. રોમાનિયામાં એક પ્રેમીએ એની પ્રેમિકાનાં મૃતદેહમાં કેમિકલ ભરીને ૧૦ વરસ સુધી સાચવી રાખ્યો! જાણે એની પ્રેમિકા જીવતી હોય એમ પેલો પ્રેમી રોજ એની સાથે વાતો કરતો, એને કપડાં પહેરાવતો. પછી એક દિવસ પ્રેમી પોતે જ મરી ગયો. પછી એના ઘરમાંથી ગંદી વાસ આવી ત્યારે આજુબાજુના લોકોએ પોલીસને જણાવ્યું. પોલીસે ઘર ખોલ્યું ત્યારે પ્રેમીની લાશ સડી ગયેલી હતી પણ પ્રેમિકાની લાશ એમની એમ સચવાઇને પડી હતી! પ્રેમી ખતમ થઇ ગયો પણ એનો પ્રેમ એમ ને એમ હતો! છેને અજીબ પ્રેમ હાણી?
ઇંટરવલ:
જો મૈં ઐસા જાનતી, પ્રીત કિયે દુ:ખ હોય,
નગર ઢિંઢોરા પીટતી, ‘પ્રીત ના કરીઓ કોઇ!’ (મીરાંબાઇ)
કહેવાય છે કે ‘લૈલા-લૈલા’નું રટણ કરતાં કરતાં મજનૂ, ગાંડાની જેમ રણમાં ભટકતો હતો ત્યારે અજાણતા એણે નમાઝ પઢી રહેલાં એક ફકીરનો રસ્તો ક્રોસ કર્યો. ફકીરે ગુસ્સે થઈને કહ્યું, દિખતા નહીં હૈ? મૈં ઇબાદત કર રહા હું! તો મજનુએ કહ્યું, કમાલ હૈ! મૈં એક મામૂલી લૈલા કો ઢૂંઢ રહા હું ઔર આપ મુઝે દિખાઇ ભી નહીં દીયે, ઔર આપ હો કિ ખુદા કો ઢૂંઢ રહે હો ઔર મુઝ પે ધ્યાન ચલા ગયા?
જો કે જેને કદીય જોયાં નથી એવા ‘લૈલા-મજનુ’, ‘રોમિયો-જુલિયટ’ જેવા પ્રેમીઓની કરૂણકથાઓ હજી આપણે યાદ કરીએ છીએ પણ જેનાં લગ્નનાં રિસેપ્શનમાં પેટભરીને જમ્યા હોઈએ એમની પરણ્યા બાદ શી હાલત થઇ એની આપણને કોઇ પરવા હોતી નથી.
ફિલ્મોની પ્રેમકહાણીઓમાં જ્યારે પરિવાર કે સમાજ તરફથી પ્રેમીઓને રોકવામાં આવે છે, ત્યારે આપણી સહાનુભૂતિ અચૂક હીરો-હિરોઇન માટે હોય છે, પણ જીવનમાં એ જ આપણે જાણેઅજાણે અચાનક પરિવાર કે સમાજ તરફી બની બેસીએ છીએ! કોઇ ભાગીને લગ્ન કરે તો હાય હાય! એમનાં મા-બાપ પર શું વીતી હશે? વગેરે કહીને પ્રેમીઓને તરત ગુનેગાર માનવા માંડીએ છીએ પણ સિનેમા કે નોવેલનાં પેમલાપેમલીની કથામાં રડવા માંડીએ છીએ. આજે ય જાતિ-ધર્મ-ગોત્રને લીધે ભારતમાં પ્રેમીઓને બેરહમીથી મરાય છે, વોટ ઉઘરાવાય છે. અનેક પ્રેમકથા અધૂરી રહે છે કે અચાનક અનેક લવસ્ટોરીનો લોહિયાળ ‘ધી એન્ડ’ આવે છે.
ફ્રાન્સમાં મેલી નામની ફિલ્મ દિગ્દર્શકે ‘મિસેન-સીન’ નામની એક વાત શોધેલી. મેલીએ પોતાના કેમેરાથી કોઇ દોડતા વાહનને ઝડપવાનો પ્રયત્ન કર્યો પણ એ વાહન કોઇ કારણસર ફિલ્મમાં આવ્યું નહીં પણ એને બદલે દોડતા અશ્ર્વો ઝડપાઇ ગયા. મેલી તો ખુશ થઇ ગયો, એને જે જોઈતું હતું એ અલગ રીતે મળી ગયું. સીનમાં કશુંક અનાયાસે અજાણતાં સર્જાઇ જાય એને એણે ફ્રેંચ ભાષામાં ‘મિસેન સીન’ એવું નામ આપ્યું. પ્રેમ પણ આપણો એવો જ એક ‘મિસેન સીન’ છે, જે અનાયસે, અજાણતા બસ થઈ જાય છે.
ફિલ્મોમાં જીન્સ-ટી-શર્ટમાં હેન્ડસમ દેખાતો હીરો, જુવાન લજવાતી હિરોઈન, હીરોના હાથમાં ગિટાર, બરફના પહાડોનું રોમેન્ટિક વાતાવરણ વગેરે આપણને ગમે છે, કારણ કે એ આપણને નફરતોમાંથી નઝાકત તરફ ખેંચી જાય છે. બોરિંગ, કારમી, એકધારી જિંદગીનાં ટેન્શનોથી આપણે અંદરખાને એટલા તૂટેલા હોઇએ છીએ કે લવસ્ટોરીનો પલાયનવાદ બહુ ગમે છે… અને પ્રેમકહાણીઓમાં પ્રેમીઓ પણ વીમા પોલિસીના પ્રીમિયરની જેમ દર વર્ષે, દર યુગે, મળવાની કમ્પલસરી કસમો ખાય છે. પણ વહેવારૂ જિંદગીની ભાગદોડમાં, ફિક્સ આવક અને ફિક્સ ડિપોઝિટોની ગમખ્વાર ગણતરીઓમાં પ્રેમગીત ગણગણવાનું માણસ ભૂલી જાય છે. ટ્રેન-બસના ટાઇમટેબલોમાં પ્રેમ નામની બસ કે ટ્રેન તો કાયમ માટે ચુકાઇ જ જાય છે. પોકળ પાખંડમાં પેશન કે રોમાંચનો રસદેવતા ક્યાં જતો રહે છે, એની આપણને ખબર પણ નથી પડતી!
એન્ડ-ટાઇટલ્સ
આદમ: કોઈ રોમેન્ટિક વાત કર ને!
ઈવ: આજે ટામેટા ૧૦૦ રૂ. કિલો હતા.