ઉત્સવ

લોકશાહીમાં લોક-ડાઉન? આખર એ વિપક્ષ છે ક્યાં?

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: – સંજય છેલ

એકચ્યુઅલી-હકીકતમાં, આ આખી વાત એક ખોવાયેલા વ્યક્તિને શોધવાની છે.

લોકો એકબીજાને પૂછી રહ્યા છે કે શું તમે આ વ્યક્તિને જોઈ છે? ‘આપણ યાનાં પાહિલા કા?’ (૧૯૭૦થી ૯૦ સુધી મુંબઈ દૂરદર્શન ટી.વી. પર ખોવાયેલી વ્યક્તિ માટે નામ ને ફોટો બતાવીને આવી જાહેરાત આવતી.)
-પણ ખરેખર, જો જગતની સૌથી મોટી લોકશાહીવાળા દેશનો વિરોધ પક્ષ એકાએક ગાયબ થઈ જાય તો સમજાય નહીં કે તમે એની ફરિયાદ કયાં પોલીસ સ્ટેશનમાં લખાવશો? આમ તો આની ફરિયાદ દિલ્હીમાં જ કોઈ પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ, કારણ કે કારણ વિના સામાન્ય રીતે વિરોધ પક્ષ ત્યાં જ જોવા મળે છે. આખા દેશમાં તો એ ક્યાંય હોતો નથી. શું છે કે વિપક્ષનાં નિવેદનો આપવાની અને જાહેરસભાઓને સંબોધિત કરવાની હદ મહાનગર સુધી જ લિમિટેડ હોય છે. ત્યાં એ લોકો જે બોલે છે એ છાપાનાં માધ્યમથી નાનાં શહેરો અને ગામડાંઓ સુધી પહોંચે છે. આપણા દેશની જનતા સમજી જાય છે કે હાશ, વિરોધ પક્ષ હજી જીવિત કે સુરક્ષિત છે. આમ છતાં, અહીંયા કેટલાક ગામડાવાળા એવા પણ હતા જે એમ પૂછતાં જોવા મળ્યા કે ‘સાહેબ, તમે વિરોધ પક્ષને ક્યાંય
જોયો છે?’

મેં એમને સ્વસ્થ લોકશાહીના નામે ઠપકો આપીને કહ્યું, ‘પાપીઓ, તમે વિરોધ પક્ષને વોટ નથી આપ્યો તો પછી તમને આ સવાલ પૂછવાનો શું નૈતિક અધિકાર છે?’ એ લોકો કહેવા લાગ્યા કે અમે ભલે વોટ ન આપ્યો હોય અને કદાચ ભવિષ્યમાં પણ વોટ નહીં આપીએ પણ એક કે બે થોડા વિરોધ પક્ષો તો દેશમાં હોવા જોઈએને?!

આ વાત એ લોકો એવી રીતે કહી રહ્યા હતાં કે જાણે લોકશાહીના રાજમહેલની સજાવટનો પ્રશ્ન હોય. થોડા વિરોધ પક્ષ દેશમાં હોવા જોઈએ.

લોકશાહીમાં વિપક્ષ શોભાના ગાંઠિયા જેવા હોય છે. જો વિરોધ પક્ષ જ નહીં હોય તો લોકો શું કરશે? હાય…આ તે કેવી લોકશાહી છે, જેમની પાસે વિપક્ષ જ નથી?

એ સંશોધનનો વિષય છે કે એક પ્રેમીનાં દિલની જેમ વિપક્ષ ક્યાંક ખોવાઈ ગયો? જાણે ‘અભી અભી યહીં થા કિધર ગયા જી.’ કેટલાંક ચમકતા સુંદર ચહેરાઓ હતા, જે છાપાં કે મેગેઝિનનાં પહેલાં પાનાં પર ક્યારેક ચિંતિત તો ક્યારેક ઘમંડ દર્શાવતા દેખાતા હતા. એક સમયે કેટલાક મોટા નામચીન નેતાઓ હતા. એમનું એક ખાસ કામ રહેતું, જેમ કે- પદયાત્રાઓ કરવી, બજારો બંધ કરાવવાની, કાળા ઝંડાઓ દેખાડવાના, સૂત્રોચ્ચાર કરવાના, પગ પછાડવાના, હડતાલ કરવાની, સરકારનાં નિવેદનોને પડકારવાનાં, સભાઓ યોજવાની, સુપ્રીમ કોર્ટમાં કેસ કરવાનો, ક્યારેક સિદ્ધાંતો પર કે ક્યારેક વર્તન પર લડવાનું.

ઇન શોર્ટ, મોટાભાગે અંદર અંદર જ લડ્યા કરવાનું ,વગેરે વગેરે. એ બધાં સારા દેખાતા અને પ્રેમાળ લાગતા લોકો ગયા ક્યાં?

ગુજરાત હોય કે પંજાબ કે યુ.પી… કોઈ પણ રાજ્ય હોય સમસ્યાઓ તો ઘણી છે, પણ સરકાર સામે સવાલ કરવાવાળા નેતાઓ જ ગાયબ છે. કોણ જાણે ક્યાં ભાગી ગયા?

કેટલાક લોકો કહી રહ્યા હતા કે વિરોધ પક્ષ ગમે ત્યાં હોય એમના સભ્યો તો સત્તાધારી પક્ષના દરવાજે આંદોલનની રાહ જોઈને બેઠા છે. એ બધા જ શરદ પવાર કે નીતીશકુમાર બની બેઠા છે. જો આમ જ ચલ્યું તો લોકતંત્રના આખા મામલામાં ગડબડ થઈ જશે. લોકશાહીની આખી સજાવટ બગડી જશે.

એ તો છોડો, પહેલાં જે કોંગ્રેસી લોકો અંદર-અંદર લડીને સરકાર વિરુદ્ધ બોલી નાખતા હતા એનાથી જ વિપક્ષની મજા આવતી, પણ પહેલાં તો એવું હતું ને કે કોઇ રાજ્યમાં જરાક પત્તું પણ હલે એટલે દિલ્હીમાં સરકાર હલે. હાય, કહાં ગયે વો દિન ઔર વિપક્ષ? ગમે તે હોય, આપણે ખોવાયેલા વિરોધ પક્ષને શોધવો જ જોઈએ. આખરે એ લોકતંત્રની શતરંજમા ખોવાઇ ગયો ક્યાં? કોઇને મળે તો જાણ કરો એના વિના લોકતંત્રની માતા બીમાર છે… બાપાએ ખાવાનું છોડી દીધું છે…વગેરે વગેરે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button