જીના યહાં, મરના યહાં
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
જીના યહાં, મરના યહાં ઈસકે સિવા જાના કહાં –
૬૪ વર્ષીય પ્રવીણભાઈએ યુટ્યુબ પર રાજકપૂરનું આ ગીત ચાર-પાંચ વાર રીવાઈન્ડ કરીને સાંભળ્યું. લોકો કહે છે કે લાઈફ બિગીન્સ એટ સિક્સ્ટી પણ મારે તો સાઈઠ વર્ષે જ ઝંઝાવાત શરૂ થયા છે. મારી યાતના હું કોને કહું ? પછી પત્ની મનોરમાની તસ્વીર સામું જોઈ નાના બાળક પેઠે ડૂસકે ડૂસકે રડી પડ્યા. મનુ આમ જીવનની મઝધારે મને નોંધારો મેલી કાં જતી રહી? તારા વિનાનું જીવન બહુ વસમું છે, જો હું સાવ એકલો છું, મારું કોઈ નથી. અજિત નોખો થઈ ગયો છે, વડોદરામાં રહે છે. તારી લાડકી દીકરી જયોતિનાં બે બાળકો અને મોટું કુટુંબ છે. એ પણ પિયર આવી શકતી નથી. સાચું કહું તો હું સાવ એકલો થઈ ગયો છું.
મનોરમાબેનની તસવીર જાણે કહી રહી હતી: હું પણ કંઈ આટલું જલદી મરવા માગતી ન હતી. પણ આયખું ખૂટ્યું ને સાથ છૂટ્યો. પણ આમ જીવનથી થોડું હારી જવાય. કામધંધામાં મન લગાડો, સાંજે બગીચે જાઓ. થોડા દિવસ અજિતને ઘેર જવાનું, દીકરાનું ઘર પણ આપણું જ કહેવાય ને.
મનુ તું સાવ ભોળી છે, આ દુનિયા ખૂબ મતલબી છે. અજિતને વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ભણવા મોકલ્યો ત્યારે એ કહેતો હતો કે આપણે અમદાવાદની ડ્રીમસિટીમાં મોટું ઘર લઈશું. વડોદરામાં સેટલ થયો છે, મને અહીં નોંધારો કરી દીધો છે.
આજે પ્રવીણભાઈનું મન ચકડોળે ચઢ્યું હતું.
મનોરમાની માંદગી વખતે રાજપરા ગામની બાપદાદાની જમીન વેચી દીધી અને પૈસા ઊભા કર્યા. એ વખતે ધંધામાં પણ ધ્યાન ન આપી શકાયું. અજિતના કોલેજનું છેલ્લું વર્ષ હોવાથી પ્રવીણભાઈ એકલે હાથે જ બધું સંભાળતા. પાંચ વર્ષ પહેલાં જયોતિના લગ્નમાં ખૂબ ખર્ચો થયો હતો. પ્રવીણભાઈએ જોયું કે બોલવામાં બધા મીઠા હોય પણ આર્થિક રીતે કોઈ મદદ ન કરે.
અજિત અને સોનાલીના લગ્ન થયાં ત્યારે સાસુમા મનોરમાનો ઠસ્સો જોઈને વેવાણ ભારતીબેન બોલ્યાં હતાં કે સોનાલી, તને બહુ સરસ સાસુમા મળ્યાં છે. પ્રેમભાવથી રહેજો. ત્યારે કોને ખબર હતી કે મનોરમાબેન ગંભીર માંદગીમાંથી ઊભા જ નહીં થાય.
અજિત અને સોનાલી લગ્ન બાદ છ મહિના જ રાજકોટના ઘરમાં સાથે રહ્યા. વડોદરામાં રહેતા સોનાલીના પિતા અજિતને પોતાની ફેકટરીમાં પ્રોડકશન મેનેજર તરીકે બનાવવા માંગે છે. અજિતે પહેલાં તો ના જ પાડી કે હું પપ્પા સાથે જ રહીશ. એમના ધંધામાં મદદ કરીશ. પણ, સોનાલીની જીદ, વધુ ઈન્કમ અને બેસ્ટ લાઈફ સ્ટાઈલમાં ખેંચાઈ ગયો એ વડોદરા રહેવા જતો રહ્યો.
પ્રવીણભાઈને દીકરાની હૂંફ ગયાનું દુ:ખ તો હતું. પણ, મનોરમાબેન આખો દિવસ-રાત અજિતને યાદ કરતા.
એક વાર ઢેબરાં બનાવીને આંખમાં આંસુ સારતા બોલ્યાં- મારા અજિતને મારા હાથના ઢેબરાં બહુ ભાવે છે. દૂધપાક બનાવું તો સૌથી પહેલાં અજિતને જ આપવાનો હોય. જમતી વખતે જયોતિ અને અજિત એકી- સાથે દુધપાકના કટોરા મોઢે માંડતા બોલે- મહાલક્ષ્મી માતકી જય.
સ્ત્રીઓ માટે મેનાપોઝની અવસ્થા ઘણી નાજુક હોય છે. શારીરિક અશક્તિ અને હાર્મોન્સ ફેરફારને લીધે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. સંવેદનતંત્ર પર ગંભીર અસર થાય છે. મનોરમાબેન શારીરિક અને માનસિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં હતાં.
યુવાસંતાનોની સાથે રહેવાનો તલસાટ, એકલતા અને શારીરિક અશક્તિને કારણે મનોરમાબેન અસ્વસ્થ રહેવા લાગ્યાં. પ્રવીણભાઈ પોતાના મનને સ્વસ્થ રાખી પત્નીને સમજાવતા હતા. એ જાણતા હતા કે એકલતાના દરિયામાં જ જીવન વેંઢારવાનું છે. ધંધો એકલે હાથે કરવાનો છે, સામાજિક વ્યવહાર સાચવવાના. જુદા રહેતા દીકરાની ઝાઝી આશા ન રખાય.
એવામાં મનોરમાબેન તાવમાં ઝડપાયા, અઢી-ત્રણ જેટલો તાવ રહેતો. એ રાત્રે અચાનક હાથ- પગ ખેંચાઈ ગયા અને પેરેલેટીક એટેક આવ્યો, તેમને સિટી હોસ્પિટલમાં દાખલ કર્યા. પ્રવીણભાઈએ ૨૦,૦૦૦રૂપિયા તો તરત ભરી દીધા. ટ્રીટમેન્ટ શરૂ થઈ પણ મોટા ડોકટરની ફી, દવા, હોસ્પિટલના અન્ય ખર્ચને પહોંચી વળવા હજુ ૩૦થી ૪૦ હજારની જરૂર પડશે. એમણે અજિતને ફોન કર્યો.
અજિતે કહ્યું પપ્પા હું ફેકટરીના કામે બેંગલોર છું, પણ ચિંતા કરતા નહીં, મારી ઓફિસના જેંતીભાઈ આવશે, અને ૨૫હજાર આપી જશે. હું અને સોનાલી બે દિવસ પછી શનિવારે આવીશું. ચિંતા કરતા નહીં. જયોતિ આવી. પ્રવીણભાઈએ કહ્યું- હા, જયોતિ અહીં ત્રણ-ચાર દિવસ રહેશે. તું પણ જલદી આવ તારી મમ્મી યાદ કરે છે. હા, પપ્પા, હું શનિવારે આવીશ.
પ્રવીણભાઈએ મનોરમાને કહ્યું કે શનિવારે અજિત અને સોનાલી આવશે, એ સાંભળીને જ એના ફીકા ચહેરા પર આનંદ પથરાઈ ગયો.
બે દિવસે તાવ ઓછો થયો. ફિઝિયોથેરેપી અને દવાની ધારી અસર થવાથી હવે હાથ-પગ પણ થોડા વાળી શકતા હતા. જયોતિ ખડે પગે મમ્મી પાસે જ હતી. શનિવારે અજિત અને સોનાલી આવ્યા. મનોરમાબેને કહ્યું- બેટા, હવે તારે વડોદરા જવાનું નથી, મને ગમતું નથી. હા, તું જલદી સાજી થઈ જા. અજિતે કહ્યું.
અજિત તેની કારમાં જ આવ્યો હતો એટલે સાંજે સોનાલી સાથે વડોદરા જવા નીકળી ગયો. જયોતિએ ટકોર કરી- પપ્પા જોયું મેડમ આવ્યાં ને ગયાં. ભાઈ પણ રોકાયો નહીં. બેટા, ભાઈ સાથે સોનાલી આવી-, તારી મમ્મી કેટલી ખુશ થઈ.
પપ્પા, મારે પણ કાલે જવું પડશે. જયોતિએ કહ્યું.
કાંઈ નહીં, બેટા. તું નાહકની ચિંતા ન કરતી. ડો.સાહેબે નર્સની વ્યવસ્થા કરી આપી છે, તે સુમનબેન પણ બહુ કાળજી લે છે.
આધેડવયના સુમનબેન દેખાવે જરા સુંદર, જરા નહીં, થોડા વધારે સુંદર હતા. નર્સના યુનિફોર્મમાં હોય ત્યારે આકર્ષક લાગે અને સાડી પહેરીને આવે ત્યારે તો એમના પરથી આંખ હટાવવાનું મન ન થાય, એવાં હતાં.
અઠવાડિયા પછી ડો.યાજ્ઞિકે મનોરમાબેનને હોસ્પિટલમાંથી રજા આપી. મનોરમાબેનને ફિઝિયોથેરેપીની જરૂર હતી. સુમનબેન સારી રીતે સંભાળી શકે તેમ હતાં, એટલે પ્રવીણભાઈએ કહ્યું તમે ઘરે ટ્રીટમેન્ટ આપવા આવશો?
હું આવું તો ખરી પણ એનો ચાર્જ અલગથી દેવો પડશે. મહિનાના પંદર હજાર લઈશ. સુમને પરિસ્થિતિનો લાભ લેતાં કહ્યું.
પ્રવીણભાઈ સુમનબેનની આ રકમ વધુ લાગી પણ એમની મોહક દ્રષ્ટિ સામે કશું બોલી ન શકયા. ભલે, તમે કહો તે મંજૂર, પણ કામ સરસ કરજો.
ઉપરની ઘટનાને ત્રણ મહિના થઈ ગયા, સુમનબેન તો જાણે ઘરના એક મેમ્બર જ થઈ ગયા. મનોરમાબેનને વધુ આરામ મળે એ ભાવના તો ખરી, પણ પ્રવીણભાઈનું મન સુમનબેન તરફ ઢળતું ગયું.
ચાનો કપ આપતાં કે લેતા સુમનના હાથનો સ્પર્શ, પ્રવીણભાઈને ગમવા લાગ્યો હતો.
મનોરમાબેન હવે હરફર કરી શકતાં હતાં, પણ ઘરનું બધું કામ સુમનબેન જ સંભાળતા. પ્રવીણભાઈના બેંકનું કામકાજ પણ એ જ કરી દેતા. પ્રવીણભાઈના કામકાજ માટે સુમનબેને હોસ્પિટલનું કામ પણ છોડી દીધું. એ હવે પ્રવીણભાઈના ઘરે જ રહેવાં લાગ્યાં હતાં
એક રાત્રે બે વાગે અચાનક મનોરમાબેનને છાતીમાં અસહ્ય દુખાવો ઊપડ્યો. સુમનબેન બાજુમાં જ બેઠાં હતાં, ડોકટરને ફોન કર્યો પણ,ડોકટર આવે તે પહેલાં જ એમણે આંખો ઢાળી દીધી.
આ કપરા સમયે પ્રવીણભાઈ જોડે સુમનબેન જ ઊભાં હતાં. પેશન્ટના મૃત્યુ પછીય નર્સની સર્વિસ ચાલુ રહી.
છ મહિના સુધી પ્રવીણભાઈ અને સુમન સાથે જ રહ્યાં, સમજો કે લિવઈન રીલેશનશીપ. છોકરાઓએ પ્રવીણભાઈને ઘણું સમજાવ્યું કે આ ઉંમરે આ બધું છાજતું નથી. એટલે એમણે લોકલાજે લગ્ન કરવાનું નક્કી કર્યું. અજિત, સોનાલી, જયોતિએ પપ્પાને સમજાવ્યા કે સુમનબેન સાથે લગ્ન કરો નહીં., તમારા માટે યોગ્ય નથી.
ના,ના, એણે તમારી મા ની સેવા કરી છે. મારું પણ ધ્યાન રાખશે. તમે જ કહો હું કોના આધારે જીવું.
લગ્ન બાદ છ મહિનામાં જ સુમને પ્રવીણભાઈના દરેક બેંક એકાઉન્ટમાં પોતાનું નામ જોઈન્ટ કરાવી દીધું. અરે, એમના ઘરને પણ પોતાના નામે કરી દીધું.
ધંધાના કામે એક અઠવાડિયા માટે અમદાવાદ ગયેલા પ્રવીણભાઈ પોતાના ઘરે આવ્યા ત્યારે સુમને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા.
મિત્રના બંગલામાં ભોંયતળિયાની રૂમમાં આશરો તો મળ્યો, પણ હવે સ્વજન માટે તલસે છે. છેતરાયેલો બાપ કયાં જાય- દીકરી આવી શકે નહીં, દીકરો સંઘરશે નહીં.
કુપાત્ર સાથે લગ્ન કરે એને કોણ બચાવે?
જીના યહાં મરના યહાં, ઈસકે સિવા જાના કહાં.