ઉત્સવ

જીવો અને જીવવા ના દો…

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

શું છે કે હવે આપણે ગમે ત્યારે કોઈ પણ પ્રકારના સમાચાર સાંભળવા માટે તૈયાર રહેવું જોઈએ. ઉલ્ટાનું જો કલાક બે કલાકમાં કોઈ ભયાનક બ્લાસ્ટ કે હત્યા કે અકસ્માતના સમાચાર ન આવે તો જ આપણને આઘાત લાગવો જોઈએ. આવું કંઇક ખતરનાક જો સમાચારોમાં ન બને તો એમ સમજવું કે ચોકકસ આપણાથી કંઈક છુપાવવામાં આવી રહ્યું છે.

આમ જોવા જઈએ તો આ એક વિચિત્ર પરિસ્થિતિ છે. જેની પાસે જે હથિયાર છે એને કાયમ એનો ઉપયોગ કરવો હોય છે, જેમ કે જે માણસ પાસે બંદૂક છે તો એ ગોળી ચલાવવા માગે છે. એમાં બસ, એક સ્કૂટર કે બાઈકની જ જરૂર પડે. એ મળી જાય પછી ધાંય.. ધાંય … તમારી પાસે જો કોઈ બેંકના નકસાની અને હાલતની જાણકારી હોય તો જાવ એ બેંકમાં ને તરત
એને લૂંટી લો…. જો કોઈ પૈસાની બેગ લઈને
જઈ રહ્યો છે તો ચાલો, એની બેગ છીનવી
લઈએ. જો કોઈ વૃદ્ધ સ્ત્રી મકાનમાં એકલી રહે છે તો ચાલો, એને પતાવી દઈને એના ઘરમાં લૂંટ ચલાવીએ…
જો કોઈ છોકરી એકલી જતી દેખાય એટલે તરત ચાર જણની બળાત્કાર કમિટી બનાવીને કામે લાગી જાય છે… કંઇ નહીં તો બાળકોનું અપહરણ કરીએ… દલિતોના ગામમાં ઘૂસીને લોકોને જીવતા સળગાવીએ…. કર્ફ્યુ પૂરો થતાં જ છરી લઈને નવી હત્યા કરવા નીકળી પડો… નાનો બોમ્બ સાથે હોય તો કોઇના ઘર પર ફેંકો અને બોમ્બ મોટો હોય તો કોઈ મોટા એરોપ્લેનમાં મૂકો.
ઇન શોર્ટ, તમે જેની જેની સાથે અસહમત છો એ બધાંને મારી જ નાખો!

સમાચારો દરેક પ્રકારના હોય છે અને એ ચારેય દિશામાંથી આવે છે.બીજાને હેરાન કરવાનું- એમનો નાશ કરવાનું માનસિક વલણ આ દેશમાં વિકાસ કરી રહ્યું છે.
સદનસીબે, દરેક લોકો પાસે પિસ્તોલ નથી, પણ એમનું મગજ ધીમે ધીમે પિસ્તોલ જેવું બની રહ્યું છે. ભલે એ લોકો એને ચલાવી નહીં શકે, પણ શિકારનું નિશાન કે હત્યાનું લક્ષ્ય એમના મગજમાં સતત ઘુમતું રહે છે.

બીજાઓ પ્રત્યેની ક્રૂરતામાં આનંદ માણવાની વૃત્તિ દરેક સ્તર પર વધી રહી છે. કશેક ઝૂંપડપટ્ટી જોઈ નથી કે ચાલો, એને હટાવી નાખીએ.

જે લોકો ન્યાયની ખુરશી પર બેઠા છે, એમનું પણ માનસિક વલણ તો ક્રૂરતામાં આનંદ માણવાવાળું જ છે. આસપાસ અન્ય જાતિ, પ્રદેશ કે ભાષાના લોકો છે, તો ચાલો, એમને હેરાન કરીએ. એ બિચારાંઓની આગળ વધવાની તકને ચાલો, ખતમ કરીએ. એ લોકોને એટલા બધા હેરાન કરીએ કે એ બધા છેવટે આત્મહત્યા કરી લે અથવા જગ્યા છોડીને જતા રહે.

ઇન શોર્ટ, અમે જ જીવીશું અને એમને જીવવા નહીં દઈએ. પછી એ આપણો વિરોધી હોય કે ગરીબ ઘરની વહુ, એને મારી નાખો- સળગાવી નાખો. બસ, દરેક વસ્તુનો નાશ કરો, ગોળી મારો, છૂરો ભોંકો, બોમ્બ મૂકો અને બધાનો વિનાશ કરી નાખો….
જીવવા માટે બીજાનું મૃત્યુ કરવું આપણું માનસિક વલણ બની ગયું છે. જ્યાં સુધી આપણે પોતે સમાચાર નહીં બનીએ ત્યાં સુધી આપણે દરેક પ્રકારના સમાચાર વાંચવા – સાંભળવા માટે તૈયાર રહેવાનું છે. જંગલો
કપાઈ ગયાં. ત્યાં શિકાર માટે હવે પ્રાણીઓ બચ્યાં નથી, પણ હથિયારો તો છે! માટે જ આખો દેશ, જંગલ બની ગયો છે. હવે માણસ જ માણસનો શિકાર કરી રહ્યો છે..
આજે આ દેશમાં બે જ પરિસ્થિતિ છે. શિકારી અથવા નિર્દોષ પ્રાણીની… સમડી- કાગડાઓ -ગીધડાંઓ સતત આકાશમાં ઊડી રહ્યા છે. કોણ જાણે ક્યારે, કઈ દિશામાં જવું પડે?
પૂરમાં ડૂબીને ૨૦૦ મરી ગયા’ કે
કે ‘પછી બસ અથવા રેલવે અકસ્માત થયો’ કે પછી ‘હોડી ડૂબી ગઈ’
કે પછી ‘આખેઆખું પ્લેન જ ગાયબ થઇ ગયું કે પછી , ઈત્યાદિ -ઈત્યાદે…
જેવા બીજા બધા દુ:ખદ સમાચાર સિવાયના આ ચીખતા ચિલ્લાતા જાલિમ અને નવા બ્રેકિંગ ન્યૂઝનો જમાનો આવ્યો છે આજે, જેમાં ‘જીવો ને જીવવા દો’ નહીં,પણ ‘જીવો અને બીજાને જીવવા ના દો’ વાળી વૃત્તિ છે..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…