નાળિયેરીની જેમ કેસર કેરીના આંબાઓને પણ નુકસાન કરી રહ્યો છે ‘રોગ’
ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકની કેસર કેરી વિશ્વમાં લોકપ્રિય છે અને દરેક સિઝનમાં હજારો ટન કેરી વિદેશમાં એક્સપોર્ટ થાય છે તેમ જ દેશભરની બજારોમાં પણ જોવા મળે છે. એક બહુ મોટો વર્ગ કેસર કેરીનો ફેન છે. ત્યારે આ કેસર કેરીના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે મધિયો. મધિયો અથવા ગળાના નામે ઓળખાતું આ જંતુ ઇંજ્ઞાાયિ પ્રજાતિનું છે. તે આંબાના પાંદડાનો રસ ચૂસે છે અને તેની લાળ પાંદડા કે કેરી પર મૂકે છે.તે લાળમાં કચરો વગેરે લાગતા કેરી અથવા પાંદડા કાળા થઈ જાય છે અને સમય જતા ફંગસ લાગી જાય છે. આ રોગ ચોરવાડ-વેરાવળની નાળિયેરીમાં ગણા સમયથી જોવા મળે છે.
સ્થાનિક ખેડૂતના જણાવ્યા અનુસાર આ રોગથી કઈ રીતે બચી શકાય તે અંગેની કોઈ જાણકારી ખેડૂતોને આપવામાં આવતી નથી. નાળિયેરીની જેમ હવે આંબાને પણ આ રોગ લાગ્યો છે, જે સરવાળે કેરીના ફળને પણ નુકસાન કરે છે. આ કાળો રંગ સાબુ-બ્રશથી પણ જતો નથી. આ સાથે આ મધિયો આંબા પર આવતા મોરને પણ નુકસાન કરે છે.
આ અંગે અહીંના નિષ્ણાત ખેડૂત સમસુ ઝારીયાએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ રોગ મુખ્યત્વે ગીરના વિસ્તારોમાં જોવા મળે છે. વાતાવરણમાં આવતા પરિવર્તનને લીધે આ રોગ વધારે વકરી રહ્યો છે. આ વર્ષે ઠંડી જોઈએ તેવી પડી નહીં અને હવે ત્યારે ગરમી જોઈએ છે ત્યારે સવારે ઠંડકવાળુ વાતાવરણ છે. આ તમામ બાબતો આંબાને પરેશાન કરી રહી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે જે ખેડૂતો આખું વર્ષ આંબાની બરાબર જાળવણી કરે છે તેમને આ સમસ્યા થોડી ઓછી નડે છે, પરંતુ જેઓ ફક્ત વર્ષે કેરી લેવામાં જ માને છે અને પછી વૃક્ષને દેવામાં નથી માનતા તેમના માટે મોટી
સમસ્યા છે.
આ માટે બજારમાં અમુક જંતુનાશક છે. ખેડૂતોને આ મામલે વધારે જાગૃત કરવાની અને તેમને માહિતી આપવાની જરૂર છે, તેમ તેમણે જણાવ્યું હતું.જોકે વૈશ્વિક સ્તરે થઈ રહેલા હવામાનમાં પરિવર્તન સામે માણસો લાચાર થઈ જાય છે આથી ઋતુઓનું ચક્ર બરાબર ચાલે તે જરૂરી છે.