ઉત્સવ

બોમ્બ બ્લાસ્ટની જેમ સાયબર બ્લાસ્ટ સામે દરેકે સતર્ક રહેવું જોઈશે

સરકારી તંત્રો સજાગ બની રહ્યા છે, પરંતુ વ્યક્તિથી લઈ કંપની અને નાણાં સંસ્થાઓ સાવધાન

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

છેલ્લા અમુક સમયથી સાયબર ક્રાઈમના કિસ્સા એકધારા વધી રહ્યા છે, જેનો ભોગ હાલ વ્યક્તિથી લઈ બૅંકો-નાણાં સંસ્થાઓ, નાની -મોટી કંપનીઓ સતત બની રહી છે. આ મામલે માત્ર સરકારી યંત્રણા પૂર્ણપણે સફળ થઈ શકશે નહીં, અગાઉ થતા બોમ્બ બ્લાસ્ટની જેમ હવે સંભવિત સાયબર બ્લાસ્ટ સામે સતત સતેજ-સક્રિય-સજાગ-સતર્ક રહેવું જોઈશે.

હાલમાં અખબારોમાં સૌથી વધુ ચમકતા યા આંચકા આપતા સમાચારો શું છે? હા ભાઈ, શેરબજારની તેજીના તો છે જ, હા ભાઈ હા, રાજકીય ચૂંટણીઓનાં પરિણામોની અને આવનારી સામાન્ય ચૂંટણીના પણ છે, કિંતુ આ બધાં વચ્ચે સૌથી ખતરનાક અને ગંભીર કહી શકાય એવા સતત પ્રકાશમાં આવી રહેલા સમાચાર સાયબર ક્રાઈમ અંગેના છે. રોજેરોજ દેશમાં અનેક સ્તરે, અનેક લોકો તેમ જ સંસ્થાઓ સાથે સાયબર ક્રાઈમ- છેતરપિંડી ચાલી રહ્યા છે. આમ તો આપણે હજી તાજેતરમાં જ આ વિષયમાં ચોકકસ ચર્ચા કરી હતી, પરંતુ આ વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખતા આ ચર્ચા લોકોને સતત જાગ્રત કરવા માટે અનિવાર્ય છે. આ સાથે સરકાર અને સરકારી તંત્રો કે પ્રાઈવેટ એજન્સીઓ પણ આ મામલે શું કરી રહ્યા છે તે જાણવું જોઈએ.

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો જોવામાં આવ્યો હતો, એક દંપતી બગીચામાં મોબાઈલ પર ફોટા પાડતું હોય છે, પતિ તેની પત્નીના ફોટા કલિક કરતો હોય છે, ત્યાં ગરીબ દેખાતું બીજું એક દંપતી પોતાના બાળકને લઈને આવે છે અને પેલાં ફોટા પાડી રહેલાં માણસને તેનો ફોન આપવા વિનંતી કરે છે, કહે છે, મારા ફોનની બેટરી ખલાસ થઈ ગઈ છે અને મારે ગામમાં પિતાને ફોન કરીને માત્ર મેસેજ આપવો છે કે અમે શહેર બરાબર પહોંચી ગયા છીએ. પેલા ભાઈ ફોન આપતા ખચકાય છે, તેથી તેની પત્ની કહે છે, આપી દો ને બે મિનિટનું તો કામ છે, જુઓને બિચારા કેટલાં સીધાસાદા છે, આમ પેલા ભાઈ અજાણ્યા શખ્સને પોતાનો ફોન આપે છે, પેલી અજાણી વ્યકિત જાણે પોતાના પિતા સાથે વાત કરતો કહે છે, પિતાજી હમ પહુંચ ગયે હૈ, આપ ચિંતા મત કરના, આ વાતમાં સમય વિશે વાત થાય છે, કેટલાં વાગ્યે પહોંચ્યા, કેમ મોડું થયું, વગેરે સંવાદમાં ચોકકસ આંકડા બોલાય છે, જેમ કે ૧૨.૩૫ પહોંચ્યા ૩૫ મિનિટ મોડું થયું વગેરે. સામે-સામે જ આટલી વાત કરી પેલું અજાણ્યું દંપતી ત્યાંથી આભાર માની ચાલ્યું જાય છે અને થોડી જ મિનિટમાં પેલા ભાઈના ફોન પર મેસેજ આવે છે, તેના બૅંક એકાઉન્ટમાંથી મોટી રકમ ઊપડી ગઈ હોય છે. આ સમયના આંકડા એ ઓટીપીના ફિગર હતા. આ વીડિયોમાં છેલ્લે એવો મેસેજ અપાયો હતો કે દયા ખાઈને પણ કોઈ અજાણી વ્યકિતને તમારો મોબાઈલ આપવો નહીં. આમ ટેકનિકલ કઈ રીતે થયું એવા સવાલોની ચર્ચામાં પડયા વિના સમજવાનું એ છે કે આપણી સાથે આવી સાયબર છેતરપિંડી કયારે, કોના દ્વારા અને કઈ રીતે થઈ જશે એની ખબર પહેલેથી પડવી મુશ્કેલ છે, એ તો મૂર્ખ બની ગયા યા છેતરાઈ ગયા બાદ જ જ્ઞાન થશે.

દેશભરમાં સતત ડિજિટાઈઝેશન વેગથી વધી રહ્યું છે, તેના પરિણામે મહત્તમ નાણાકીય વ્યવહારો પણ ટેકનોલોજીના માધ્યમથી થવા લાગ્યા છે. આજે હાથમાં રહેલો મોબાઈલ પણ લાખો રૂપિયા લઈને ફરતો ગણાય છે, અર્થાત, મોબાઈલમાંથી પણ લોકોનાં નાણાં ઉપાડી લેવાય એવું બની શકે. બૅંકોમાંથી નાણાં ગુમ કરી જવાના અપરાધ સામાન્ય થવા લાગ્યા છે. આજે સામાન્ય માનવી પાસે મોબાઈલ છે, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, પેમેન્ટ એપ્સ છે. આ સામે અગણિત સંખ્યામાં ફાઈનાન્સ -ફિનટેક કંપનીઓ છે, લેભાગુઓની તેમ જ હેકર્સ લોકોની ટોળકીઓ સતત મોટી થતી જાય છે. ફિલ્મોમાં જેમ પોલીસ બધું લુંટાઈ જાય એ પછી પધારે તો છે, સાયબર અપરાધોમાં તો પોલીસ ચાલે નહીં, કિંતુ તેના અલગ એકસપર્ટ અધિકારીઓ પાછળથી પણ ભાગ્યે જ ચોરોને પકડવામાં સફળ થાય એવા હાલ છે, કારણ કે સાયબર ક્રિમિનલ્સ સરકારી યા ખાનગી સાયબર એકસપર્ટ કરતાં બે ક્દમ જ નહીં, બલકે ઘણાં કદમ આગળ ચાલે છે. ઓનલાઈન કહો કે સાયબર અપરાધની સૌથી મોટી વિશેષતા એ છે કે તે દેશના જ નહીં, કિંતુ વિશ્ર્વના કોઈપણ ખૂણેથી થઈ શકે છે.

આરબીઆઈ-કેન્દ્ર સરકાર એક્શન મોડમાં
સાયબર અપરાધો સહિતની નાણાકીય છેતરપિંડીઓ કરી રહેલા લોકો સામે રિઝર્વ બૅંક અને સરકાર હવે વધારે કડક બની રહી છે. ભારતમાં એવી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લીધે ૭૦ લાખ જેટલા મોબાઈલ નંબરો બ્લોક કરી દેવામાં આવ્યા છે. આવા લેભાગુ નંબરોને બંધ કરાવવા માટે કેટલીક બૅંકો સહકાર આપી રહી છે, પણ કેટલીક નથી આપી રહી. તેથી હવે આરબીઆઈ અને કેન્દ્ર સરકાર પોતાની રીતે પગલું ભરીને આવા એકાઉન્ટ બંધ કરાવે એવી નોબત આવી છે. ટેલિકોમ વિભાગે વર્ષ ૨૦૨૧થી ચકાસણી કરતાં ૭૦ લાખ બોગસ લોકોના ફોન નંબરો એમના ધ્યાનમાં આવ્યા હતા, જે બ્લોક કરી દેવામાં આવ્યા છે.

સાયબર સુરક્ષા ક્ષેત્રે ટેલેન્ટની સમસ્યા
દેશભરમાં એક તરફ સાયબર હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું હોવાની બૅન્કો તરફથી ફરિયાદો થઈ રહી છે. ત્યારે બૅન્કોને જ સાયબર સુરક્ષા ક્ષેત્રે નિષ્ણાત લોકોની ગંભીર કમીની સમસ્યા સતાવી રહી છે. હાલમાં જ યૂકો બૅન્કે ઈંખઙજ (ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ)ને લગતી
એક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એમાં કોઈ અન્ય બૅન્કમાંથી ડેબિટ કર્યા વિના
બૅન્કના અમુક ચોક્કસ ખાતેદારોનાં ખાતાઓમાં રૂ. ૮૨૦ કરોડ જમા કરવામાં આવ્યા હતા. ગઈ ૧૦-૧૩ નવેમ્બર દરમિયાન તે સોદાઓ ધ્યાનમાં આવ્યા હતા. અન્ય બૅન્કોમાંથી નાણાંની વાસ્તવિક પ્રાપ્તિ વિના જ યૂકો બૅન્કના ખાતાઓમાં રકમ જમા થઈ ગઈ હતી. ડિજિટાઈઝેશન વધવાથી અને ફાઈનાન્શિયલ ટેક્નોલોજી કંપનીઓ સાથે સહયોગ વધવાથી સાયબર સિક્યુરિટી મામલે દેશનો બૅન્કિંગ ઉદ્યોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે.

નાણાં મંત્રાલય પણ સક્રિય
ઓનલાઈન ફાઈનાન્શિયલ છેતરપિંડીઓ અને સાયબર ગુનાઓનું પ્રમાણ ખૂબ વધી ગયું હોવાથી દેશના ટોચના નીતિ ઘડવૈયાઓ, અમલદારો, બૅન્ક મેનેજરો અને ફાઈનાન્શિયલ તથા ટેલિકોમ ક્ષેત્રના નિયામકોએ હાલમાં જ ખાસ બેઠક યોજી હતી. એમાં આ દૂષણનો સામનો કરવા માટે આવશ્યક રણનીતિઓ તથા પગલાં વિશે ચર્ચા કરવામાં આવી હતી. એ બેઠકમાં જ એવી નોંધ લેવાઈ હતી કે ડિજિટલ ઈન્ટેલિજન્સ
તરફથી સાવચેત કરાયા બાદ સાયબર ગુનાઓમાં સંડોવાયેલા લાખો મોબાઈલ બંધ કરાયા હતા, આ ઉપરાંત અનેક છેતરપિંડીઓને પકડી પાડીને રૂ. ૯૦૦ કરોડની રકમ બચાવી લેવામાં સફળતા મળી હતી, જેનો ફાયદો સાડા ત્રણ લાખ લોકોને થયો છે.

વ્યવસ્થાતંત્રને મજબૂત બનાવવાનો આદેશ

કેન્દ્ર સરકારે નાણાકીય સંસ્થાઓને સૂચના આપી છે કે તેઓ એમના છેતરપિંડી નિયંત્રણ વ્યવસ્થાતંત્રને વધારે મજબૂત બનાવે. સાયબર ગુનાઓને રોકવા માટે ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા સિટીઝન ફાઈનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ નામના એક પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે અને તેમાં તાત્કાલિક રજિસ્ટર થવાનું સરકારે નાણાં સંસ્થાઓને જણાવ્યું છે. નાણાં સંસ્થાઓમાં રીટેલ તથા કમર્શિયલ બૅન્કો આવે છે. તદુપરાંત, ઈન્ટરનેટ બૅન્ક્સ, ક્રેડિટ યુનિયન્સ, સેવિંગ્સ અને લોન સંસ્થાઓ, ઈન્વેસ્ટમેન્ટ બૅન્ક્સ અને કંપનીઓ, બ્રોકરેજ કંપનીઓ, વીમા કંપનીઓ તથા મોર્ગેજ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. ઓનલાઈન છેતરપિંડીઓના દૂષણ સામે જોરદાર સપાટો બોલાવવામાં આવ્યો છે. અનેક નાણાં સંસ્થાઓમાંથી સંખ્યાબંધ સાયબરક્રાઈમ વોચડોગ સાથે રજિસ્ટર થઈ ચૂકી છે. સાયબર છેતરપિંડીઓને રોકવા હાલ ચારેકોરથી એકશન લેવાઈ રહી છે. બૅન્કોને જણાવવામાં આવ્યું છે કે આ મામલે એજન્સીઓ સાથે સંકલન કરવા માટે તેઓ નોડલ અધિકારીઓની નિમણૂક કરે.

ડિમાંડ વધશે, શિક્ષણ-જાગ્રતિ વધશે
એક વાત નોંધવી મહત્ત્વની છે કે આ સમયમાં સાયબર સિક્યુરિટીની ડિમાંડ સતત વધતી રહેવાની છે. કોમ્પ્યુટરમાં એન્ટી-વાયરસ વિના ન ચાલે તેમ સાયબર સિક્યુરિટી વિના ચલાવવાનું મોંઘું પડી શકે છે, તેથી વધુને વધુ કંપનીઓ આ ક્ષેત્રે ઝંપલાવશે. આમાં વળી લેભાગુઓ પણ ઘૂસી જશે. પરિણામે લોકોને જાગ્રત કરવા આ વિષયના અભ્યાસક્રમ- શિક્ષણ અને પ્રશિક્ષણ તેમ જ તાલીમ વધારવા પડશે. આર્થિક ક્ષેત્રે આ વિષયની જરૂરિયાત અને ગંભીરતા વધી રહ્યાં છે. આની ઉપેક્ષા થઈ શકશે નહીં. વિદ્યાર્થીઓ માટે આ પણ એક કેરિયર અને પ્રોફેશનનું માધ્યમ બનતું જશે. આ બધાં વચ્ચે પણ રિપીટ વેલ્યૂ સાથે કહેવું જરૂરી છે કે દરેક વ્યકિતએ પોતે પણ વધુને વધુ સતર્ક રહેવું જોઈશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button