તમસો મા જયોતિર્ગમય
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
મુંબઈના પશ્ચિમ પરામાં આવેલા કુરાડવિલેજમાં રહેતી સુશીલા નૈયરના જીવનની આ હૃદય વિદારક સત્ય હકીકત છે. મોહિત નૈયર એક કંસ્ટ્રકશન કંપનીમાં સુથારીકામ કરે છે. એક તરફ કારમી મોંઘવારી અને ટૂંકી આવક તો બીજી તરફ કૌટુંબિક જવાબદારી અને જીવનમાં આગળ વધવાના સોનેરી સપનાં. vકોલેજમાં ભણતી હતી ત્યારે સુશીલાએ પણ પોતે ખૂબ ભણીને સારું કમાશે એમ નક્કી કર્યું હતું. પણ,નસીબે સાથ ન આપ્યો, તેના પિતાનું આકસ્મિક અવસાન થતાં માતાએ તેનું ભણતર છોડાવીને પરણાવી દીધી. સાસરીમાં મીના નાની નણંદ, વૃદ્ધ સાસુમા અને ઓછું ભણેલા પણ સમજુ અને પ્રેમાળ પતિ મોહિત.
સંગીત-નૃત્યની વિશેષ તાલીમ લેનાર સુશીલા કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે જ તેના લગ્ન થયાં પરિણામે અભ્યાસ છોડવો પડ્યો. વૃદ્ધ સાસુમાની સેવા અને કૌટુંબિક જવાબદારી એ જ એની દુનિયા. પતિ મોહિતની ટૂંકી આવકમાં એક સુલક્ષણા પત્નીની જેમ રહેતી સુશીલા સાસુની લાડકી વહુ તો નણંદ મીનાની પ્રેમાળ ભાભી બની ગઈ. પતિની ઓછી આવકની સમસ્યા દૂર કરવા બપોરના સમયે સુશીલા ટ્યુશન કરતી.
સુશીલાને હવે સારા દિવસો જાય છે એ જાણીને ઘરમાં બધા ખુશ હતા. સાસુમા તો સુશી વહુને ઓછાવાના કરતા. કોઈએ કહ્યું- મહાલક્ષ્મી માતાની બાધા રાખો, રૂડો-રૂપાળો કાનકુંવર આવશે. સુશીએ કહ્યું- મા, ખોટી બાધા-આખડી કરતાં નિર્મળ ભાવે આપણે પૂજા કરીશું. તેના મનમાં હતું કે મહારાજને બોલાવો, એ કહે તે બધું કરવામાં ખર્ચો થાય એટલે કહ્યું- મા, તમારા આશિષ અમારે માથે છે. પછી શું ચિંતા?
સુશીલા આવનાર બાળક માટે ઘરખર્ચમાંથી વધુ પૈસા બચાવતી. સાતમો મહિનો બેઠો હશે ત્યારે તેને વધુ નબળાઈ વરતાવા લાગી પણ એ કોઈને કહેતી નહીં. એક સાંજે શાક લેવા એ બજારમાં ગઈ હતી ત્યાં એને ચકકર આવી ગયા, એ શાકભાજીની લારી પાસે જ બેસી પડી. એક બહેન તેને રિક્ષામાં બેસાડી ઘરે લાવ્યાં. મીનાએ કહ્યું- ભાભી, હવે તમે કંપલીટ આરામ કરો, હું ઘરનું કામ સંભાળીશ. બીજે દિવસે ડોકટરે પણ કહ્યું- તમે નસીબદાર છો કે બાળક સ્વસ્થ છે, પણ તમારે હવે વધુ શ્રમ લેવો નહીં કે માનસિક ટેન્શન રાખવું નહીં. નવમો મહિનો ઊતરતાં જ સુશીલાએ સુંદર દીકરાને જન્મ આપ્યો જેનું નામ પાડયું શિવમ. નાના શિવમે તો ઘરને ગોકુળ બનાવી દીધું.
શિવમ પાંચ વર્ષનો થયો ત્યારે સુશીલાએ પડોશમાં રહેતા ચાલીમાં રહેતા 15છોકરાંઓ માટે એક મીની પાર્ટી રાખી. તે દિવસે શિવમે ખૂબ મજા કરી. બાજુમાં રહેતા રામુભાઈએ નાના સ્પીકર પર સરસ ગીતો વગાડ્યા, આ બચ્ચા પાર્ટીમાં બધા ખૂબ નાચ્યા. દાદીમાએ પણ ઠુમકા લીધા. શિવમ તો પપ્પાની રાહ જોતો હતો. પપ્પા રાત્રે સાડા આઠ વાગે આવ્યા. તેમના હાથમાં લાલ રમકડાંની બેટરીવાળી કાર જોઈને શિવમ એ કાર ચલાવવા લાગ્યો. મમ્મી-પપ્પાની વચ્ચે ઊભા રહીને બર્થડે બોય રાજકુમાર જેવો શોભતો હતો. શિવમે કેક કાપી ત્યારે એ નાનો ઓરડો હેપી બર્થ ડે ટુ યુના હર્ષોલાસથી ગૂંજી ઉઠયો. એ જ રાત્રે 11વાગે રસોડામાં કામ કરતાં સુશીલાને આંખે અંધારા આવ્યા ને એ ત્યાં જ ઢળી પડી. તેને માંડ માંડ પલંગ પર સુવડાવી, એના હાથ-પગ જકડાઈ ગયા હતા. એ ચકરવકર આંખે જોતી હતી, એને બોલવું હતું પણ તે બોલી શકતી નહીં.vમીના તરત પાસે રહેતા ડોકટર અજય ત્રિપાઠીને બોલાવી લાવી. આવા ચક્કર તમને પહેલાં કોઈ વાર આવ્યા હતા કે આજે જ આવ્યા? મને આ સ્થિતિ જરા ગંભીર લાગે છે. જુઓ, હમણાં હું એક ઈંજેકશન આપું છું. પણ, સુશીબેનને કોઈ મોટા સ્પેશિયાલીસ્ટ ડોકટર પાસે લઈ જવા પડશે.
ડો.ત્રિપાઠીએ મલાડમાં આવેલી મલ્ટીસ્પેશિયાલીસ્ટના ન્યુરોલોજીના ડોકટરને ચિઠ્ઠી લખી આપી. પછી મોહિતને નજીક બોલાવી કહ્યું:- કદાચ, મોટું ઓપરેશન કરાવવું પડે એવું જણાય છે. મોટો ખર્ચ કરવો પડે તો તું મૂંઝાતો નહીં, હું કોઈ ચેરીટેબલ સંસ્થા તરફથી પૈસા લાવીશ. પણ, સુશીબેનને સારી ટ્રીટમેન્ટ આપીશું. મોહિતે પોતાના પાડોશી મિત્ર ડોકટરના ખભે માથું મૂકયું, ત્યારે પોતાના આંસુ ખાળી ન શક્યો. મોહિત તું ચિંતા ન કર, હું તારી સાથે જ છું. vએકાદ કલાક પહેલાં પાર્ટીમાં ઝૂમતું કુટુંબ ચિંતાના વાદળમાં ઘેરાઈ ગયું.vબીજે દિવસે સવારે સુશીલા ઊઠી ત્યારે તેના આંખના પોપચા સુજેલા હતા, તેનું માથું ભમતું હતું. એણે અડધો કપ ચા સાથે બે બિસ્કિટ માંડ માંડ ખાધી. સવારે નવ વાગે મોહિત અને મીના સુશીલાને લઈને મોટા ડોકટર પાસે ગયા.
મોહિતે ઘરમાં હતી એ રોકડ રકમ લીધી. મીનાએ કહ્યું- લે, ભાઈ આ મારા બચાવેલા 5000 રૂપિયા છે. હું તારી સાથે જ છું. મારી ભાભી જલદી સાજી થઈ જશે. ડોકટર જે કાંઈ કહે તે આપણે સમજવાનું, અને ન સમજાય તો પૂછવાનું. ચાલ, હવે રિક્ષા આવી ગઈ. મીનાનો હાથ પકડી સુશીલા માંડમાંડ રિક્ષામાં બેઠી ત્યારે નાનો શિવમ ગંભીર હતો અને માએ સુશીના માથે હાથ ફેરવતાં કહ્યું- મારી અંબામા તારી રક્ષા કરે.ડોકટર મિત્ર ત્રિપાઠી પણ હાજર હતા. મોટી હોસ્પિટલના ડોકટરે સુશીને તપાસતા કહ્યું- કેટલાક રિપોર્ટ કઢાવવા પડશે.
માથામાં સખત દુખાવો, આંખે ઝાંખપ, ચક્કર આવવા અને નેકપેન જેવાં લક્ષણોમાં સુશીલાના સી.ટી.સ્કેન અને એમ.આર.આઈના રિપોર્ટ પરથી સુશીલાના મગજમાં ત્રણ ગાંઠ હોવાનું નિદાન થયું. ડૉકટરે તાત્કાલિક ઓપરેશનની સલાહ આપી.
આ ઓપરેશન મોટું અને ગંભીર છે, અને જલદી કરાવવું જોઈએ. સ્પેશિયાલીસ્ટ ડોકટરે કહ્યું. ઓપરેશન કરતાં લગભગ સાડા ત્રણથી ચાર કલાક લાગશે, આસિસ્ટંટ ડોકટરે કહ્યું. મારી સુશીલા સાજી તો થઈ જશેને મોહિતે તૂટક અવાજે કહ્યું.
આસિસ્ટંટ ડોકટરે જયારે કહ્યું:- લગભગ સાડા ત્રણ લાખ ખર્ચ થશે. આ સાંભળતા મોહિતે કહ્યું-સાહેબ અમને આ ખર્ચ કેવી રીતે પોષાય-
જુઓ, હું થોડી રાહત પેશંટ રીલીફ ફંડમાંથી કરાવીશ. હમણાં તાત્કાલિક અડધી રકમ ભરવી પડે.
ડો. ત્રિપાઠીએ પોતાના ખાતામાંથી તરત દોઢ લાખની રકમ ઓનલાઈન હોસ્પિટલના નામે ટ્રાન્સફર કરી.સોમવારે 8વાગે ઓપરેશન કરવાનું નક્કી થયું.
નાનો શિવમ મંમા. મંમાની રટ લગાવતો હતો, સાસુમા સુશીલા જલદી ઘરે આવે એની રાહ જોતા હતા, જયારે મોહિત અને મીનાએ આ નવા જંગ સામે લડવા તૈયાર રહેવાનું હતું. જયારે હોસ્પિટલના બિછાના પર કુટુંબની લાડકી સુશી ભવિષ્યના અંધકારમાં ભટકી રહી હતી.
આખરે સોમવારે સવારે 8.30 કલાકે સુશીલાના બ્રેનટ્યુમરનું ઓપરેશન શરૂ થયું. મોટા ડોકટર સાથે ત્રણ મદદનીશ ડોકટર અને ત્રણ નર્સ ઓપરેશન થિયેટરમાં હતાં. સામે દરદીઓના સગાવહાલાના કક્ષમાં મોહિત-મીના- મા અને નાનો શિવમ ગંભીર ચહેરે બેઠા હતા.
ઓપરેશન થિયેટરની લાલ લાઈટ મોહિતને આજે ભયાવહ લાગતી હતી એકાદ કલાક પછી અચાનક એક ડોકટર બહાર આવ્યા ત્યારે ડો.ત્રિપાઠીને પણ બાજુની કેબિનમાં લઈ ગયા. બીજી હોસ્પિટલમાંથી કોઈ નિષ્ણાત ડોકટરની મદદ જરૂરી હતી. એ ડોકટરે પંદર મિનિટમાં આવવાનું કહ્યું. ખારની મોટી હોસ્પિટલના એ નિષ્ણાત ડોકટરને આવતાં પોણો કલાક થઈ ગયો. ડો,ત્રિપાઠી ચિંતામાં ડૂબી ગયા.
ઓપરેશન પૂરું થતાં ડોકટરે જરૂરી સૂચના આપી. હવે 6-7 કલાકે પેશન્ટ ભાનમાં આવે એટલે મને જણાવજો.vસાંજે પાંચ વાગે સુશીલા ભાનમાં આવી અને નિષ્પલક નેત્રે મોહિત સામું જોઈ રહી. એના મોઢામાંથી શબ્દો નીકળતા ન હતા. મીનાનો હાથ ઝાલી એ શિ-શિ મ ત્રુટક સ્વરે બોલી.હમણાં આવશે- મીનાએ કહ્યું.
સુશીલા ચકર-વકર જોવા લાગી. મોહિત સામે જ હતો પણ એ કશું જ ન બોલી.સુશી, સુશી તને કેમ છે- બહુ બોલતી નહીં તને થાક લાગશે. મોહિતે કહ્યું.vમોહિત એના ઓશિકા પાસે ઊભો હતો, ત્યારે સુશીએ મીનાનો હાથ ઝાલી રાખતાં પૂછયું-મોહિત કેમ દેખાતા નથી.
ત્યાં જ મોટી નર્સ દવા આપવા આવી એણે જોયું કે પેશન્ટ પાણીનો પ્યાલો પકડવા આમતેમ હાથ હલાવે છે. એની નજર સ્થિર નથી. એણે તરત આસિસ્ટંટ ડોકટરને બોલાવ્યા. એમણે પણ જોયું કે પેશન્ટના વિઝનમાં પ્રોબલેમ છે. ઓપરેશન થયાને આઠ દિવસ થઈ ગયા. સુશીલાનું ઓપરેશન તો સારું થઈ ગયું, પણ એની દ્રષ્ટિ ચાલી ગઈ.
ઓપરેશનના દસમે દિવસે મોટા ડોકટરે સુશીલાને તપાસતાં કહ્યું- ઓપરેશન તો સરસ થયું છે, પણ એમની દ્રષ્ટિ જતી રહી એમનું અમને ભારે દુ:ખ છે.vસાહેબ, સુશીલાના દ્રષ્ટિ શા માટે જતી રહી, હું પણ મેડિકલ પ્રેકટીશનર છું. ડો. ત્રિપાઠીએ પૂછયું.અમે આજે આંખના સ્પેશિયાલીસ્ટને બોલાવ્યા છે. તે જણાવશે.
આંખના ડૉકટરે જણાવ્યું- કે ઓપરેશનના સમય વખતે કોઈ પ્રોબલેમને લીધે તેમના મગજના પાછલા ભાગની એક નસ દબાઈ ગઈ છે. એટલે વિઝન નથી. ઘણી વાર થોડા વખત પછી દેખાવા લાગે. અને ન જ દેખાય તો ઓપરેશન કરી શકાય. પણ, કેટલું- કેવું દેખાય તે કહી ન શકાય. આવામાં પેશન્ટને કોઈ વાતે ટેન્શન ન થવું જોઈએ. આપણે બે મહિના પછી આંખનું ઓપરેશન કરીએ એવી મારી સલાહ છે.હવે સુશીલાની વેદના અકથ્ય હતી. ઘરનું કામ કરી ન શકે. ઓપરેશનનો મોટા ખર્ચ માટે ડો.ત્રિપાઠીના પૈસા પરત કેવી રીતે થશે. ઘરડા મા પર કામનો બોજો કેમ નખાય, મોહિત એક મહિનાથી કામ પર ગયા નથી, કોન્ટ્રાકટર મજૂરી નહીં આપે- મીના એકલી શું કરશે, સૌથી મોટી હૈયું વલોવી નાંખે તેવી વાત મારા શિવમને હું ખવડાવી શક્તી નથી, એ સ્કૂલે જાય, આવે- ભણે, એ રમે-મસ્તી કરે મને કશું ન દેખાય. મારા શિવમને કેવી રીતે જમાડું, હું ખવડાવું ત્યારે જ એ જમે છે..મા, કેટલું સમજાવે છે પણ એ બરાબર ખાતો નથી. હે,પ્રભુ આ તે કેવી સજા.
એક મહિના પછી મોટા ડોકટરને બતાવવા ગયા, ત્યારે મોટા ડોકટરે કહ્યું- સુશીલાને હવે સારી રુઝ આવી ગઈ છે. અને, મારા મિત્ર જે આંખના સ્પેશિયાલીસ્ટ છે, તેઓ સુશીલાનું આંખનું ઓપરેશન કરશે. તમારે એનો કોઈ ખર્ચ આપવાનો નથી. હોસ્પિટલના ડોનર ફંડમાંથી અમે કરીશું.vસુશીલાને એની નેત્રજયોત ફરી મળશે ને? તમસો મા જયોતિર્ગમય.