ઉત્સવ

જીવન કામ છે ને કામ જીવન છે!

કામ વિશે વ્યવહારુ અભિગમ એ છે, જેમાં કામ જીવન હોય ને જીવન કામ હોય. કામ જો જીવન ના હોય તો તે શા માટે કરવું જોઈએ?

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

ઉત્તર પ્રદેશના બિજનોર શહેરમાં એક ખાંડ મિલમાં કામ કરતા તેજપાલ સિંહ નામના માણસના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. એ દાવો કરે છે કે પોતાની ૨૬ વર્ષની કારકિર્દીમાં એણે માત્ર એક જ રજા લીધી છે.

તેજપાલે હોળી-દિવાળી હોય કે રવિવાર હોય, બધા દિવસોમાં કામ કર્યું છે. ૧૯૯૫થી નોકરી શરુ કરનાર તેજપાલે ૨૦૦૩માં ભાઈના લગ્નમાં માત્ર એક જ દિવસની રજા લીધી હતી. કર્મના પૂજારી તેજપાલનો આ રેકોર્ડ ગયા અઠવાડિયે ‘ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સ’માં નોંધાઈ
ગયો છે.

તેજપાલ સિંહે ૨૬ ડિસેમ્બર, ૧૯૯૫ના રોજ ‘દ્વારિકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’માં ટ્રેની કારકુન તરીકે નોકરી શરૂ કરી હતી અને હાલમાં એ એડિશનલ મેનેજર (પર્સનલ) તરીકે કાર્યરત છે. એ કહે છે કે હું હંમેશાં મારા કામ પર સમય પહેલાં પહોંચું છું…. કંપની તરફથી સાપ્તાહિક રજા, તહેવારની રજા ઉપરાંત વર્ષમાં ૪૫ રજાની જોગવાઈ છે, પણ એ કદી આ રજાઓ ભોગવતા નથી.

સોશિયલ મીડિયા પર તેજપાલને લઈને સામા છેડાના અભિપ્રાય પણ જોવા મળ્યા હતા. એક ભાઈએ લખ્યું હતું : ‘આ માણસ પાગલ છે. એની નિંદા થવી જોઈએ. એક માણસ પાગલ હોય તો બધા લોકોએ પાગલ થઇ જવું જોઈએ?! રજા ન લેવી તે વાતનું મહિમા મંડન કેવી રીતે થાય?’ બીજા કોઈકે મજાક કરી કે, ‘પત્નીથી ત્રાસેલો હશે!’
એક તરફ દુનિયામાં કર્મચારીઓની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે સપ્તાહમાં ૩ દિવસ રજા રાખવાની વિચારણા ચાલી રહી છે ત્યારે તેજપાલના રેકોર્ડે નવી ચર્ચાને જન્મ આપ્યો છે: ‘વર્કોહોલિઝમ ખરાબ છે કે સારું?’

મોટા ભાગના લોકો સંમત થશે કે વર્કહોલિક હોવું એ ખરાબ છે. આલ્કોહોલિક (આલ્કોહોલ-દારૂના બંધાણી) શબ્દમાંથી બનેલો આ શબ્દ પોતે જ એક વ્યસનનો ઘોતક છે, પરંતુ હકીકત એ પણ છે અમેરિકન જેવા વ્યવસાયિક દેશમાં તે સામાજિક રીતે સ્વીકાર્ય છે-પુરસ્કૃત પણ છે.

આપણે વર્કહોલિક વ્યક્તિની એવી કલ્પના કરીએ છીએ જે વેરણછેરણ ઓફિસમાં એના ટેબલ પર માથું નમાવીને પસીને રેબઝેબ હિસાબ કરતો હોય અને આખી ઓફિસ ખાલી થઇ ગઈ હોય તો પણ એક વાર માથું ઊંચું કરીને ઘડિયાળમાં ના જુવે! એને હાઈ બ્લડ પ્રેસર હોય, વારંવાર બાથરૂમ જવું પડતું હોય અને એ ક્યારેય હસતો ના હોય. -પરંતુ લાંબા સમય સુધી કામ કરવું વર્કહોલિક હોવાની નિશાની છે? હકીકતમાં, એવા કર્મચારીઓના પણ દાખલા છે, જે લાંબા કલાકો સુધી કામ કરતા હતા, પરંતુ રાતોરાત માનસિક રીતે ‘રિચાર્જ’ કરવામાં સક્ષમ હતા અને એ પોતાના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકતા ન હતા. જો કે જે લોકો લાંબા કલાકો સુધી કામ કરતા હતા અને ફરજિયાત કામ કરવાની માનસિકતા ધરાવતા હતા એમને ‘મેટાબોલિક સિન્ડ્રોમ’ થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું હતું.

જો તમે લાંબા કલાકો સુધી કામ કરતા હો- સતત કામની ચિંતા કરતા હો- તેમાં સ્વીચ-ઓફ કરી શકતા ના હો-
રાતે જલ્દી ઊંઘી શકતા ના હો તો કામ કરવાની આ બિનતંદુરસ્ત ટેવ છે.

વર્કહોલિક્સ બે પ્રકારના હોય છે. એક, જે પોતાના કામથી સંતુષ્ઠ ના હોય અને મજબૂરીમાં ઢસરડો કરતા હોય. હાઈ બ્લડ પ્રેસર, હાઈ બ્લડ સુગર, ઊંચું કોલેસ્ટ્રોલ, મેદસ્વી કમર જેવાં મેટાબોલિક સિન્ડ્રોમની દ્રષ્ટિએ આ એમનામાં નબળા સ્વાસ્થ્યના સંકેત હોય છે.

જે વર્કહોલિક્સ પોતાનાં કામમાં ખૂબ મગ્ન અને પરિપૂર્ણ હોવાનો અહેસાસ કરતા હોય એ તંદુરસ્ત હોય છે. એ લાંબા કલાકો કામ કરે કે ખુબ મહેનત કરે કે કામને લઈને દબાવમાં રહે તેનાથી એમને કોઈ ફરક પડતો નથી. એમનામાં મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ એટલું જ હોય છે જેટલું તે એક ૯ થી ૫ની નોકરી કરતાં કોઈ બિન-વર્કહોલિક કર્મચારીમાં હોય.

હકીકતમાં, વર્ક અને લાઈફ વચ્ચે સંતુલન જેવું કશું હોતું નથી. આપણે જે સમયમાં જીવીએ છીએ તેમાં રોજે ચોક્કસ સમયે મગજને કામ કરવામાંથી બંધ કરી દેવું શક્ય નથી. અસલમાં, કોરોનાની મહામારી તો કામને ઓફિસમાંથી ઘરે લઇ આવી હતી.

એ સાચું કે કામની સાથે પારિવારિક જીવનનું પણ એટલું જ મહત્ત્વ જાળવવું જોઈએ, પરંતુ કામનું જીવન ક્યાં પૂરું થાય છે અને પરિવારનું જીવન ક્યાંથી શરૂ થાય છે તેની કોઈ નિશ્ર્ચિત સીમા રેખા નથી. આપણે પરિવાર સાથે હોઈએ અથવા પાર્ટી કરતા હોઈએ ત્યારે પણ મગજના બેકગ્રાઉન્ડમાં ક્યાંક કામના પ્રશ્ર્નો કે મુદ્દાઓ ચાલતા જ હોય છે અને તે ખોટું પણ નથી.

અસલ જીવનમાં દરેક વ્યક્તિની આગવી પરિસ્થિતિ અને જરૂરિયાતો હોય છે અને તે રીતે એ પોતની જિંદગી અને કામ સાથે મેળ બેસાડે છે. એમાં બીજા કોઈનાં ઉદાહરણો કામ આવતાં નથી. કામ એ આપણા પરિવારો, મિત્રો, શોખ વગેરે જેટલું જ જીવનનો એક ભાગ છે. આ બધી વાતને સંતુલિત કરવાથી જ આપણે ખુશી મેળવીએ છીએ.

હવેની દુનિયામાં તો કામ કરવાની, કશું શીખવાની અને કશું બદલવાની એટલી જુદી જુદી રીતો ઉપલબ્ધ છે કે કામને નફરત કરવી કે પછી કામ માટે અંગત જીવનનું બલિદાન આપવું એ કોઈ અસલી સમસ્યાને બદલે માનસિકતાનો પ્રશ્ર્ન વધુ છે.

વધુ વ્યવહારુ અભિગમ એવો હોવો જોઈએ, જેમાં કામ જીવન હોય અને જીવન કામ હોય. કામ જો જીવન ના હોય તો તે શા માટે કરવું જોઈએ? અને જીવનને આપણે એક કામ તરીકે ના લઈએ તો તેમાં સફળતા કેવી મળે?

કોઈપણ કામ હોય અને એમાં માત્ર પૈસા કમાવાની વાત નથી. તે જીવનનો જ હિસ્સો છે.

આપણે શારીરિક અને માનસિક તંદુરસ્તીને કે ઘર-પરિવારને અવગણીને કામમાં રચ્યાં પચ્યા રહીએ (જો કે એવી આર્થિક મજબૂરીવાળા પણ લાખો લોકો છે), તો એ નિશ્ર્ચિતપણે હાનિકારક છે, પરંતુ કામ કરવાની માનસિકતા હોવી, કામમાંથી આનંદ મેળવવો, કામ કરીને આપણી આવડતને વધુ બહેતર બનાવવી, કામ કરીને કેરિયરમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી એ એકદમ ઇચ્છવા યોગ્ય સ્થિતિ છે.
વર્કોહોલિઝમ ત્યારે ખરાબ કહેવાય, જ્યારે એમાંથી ખુશી મળતી બંધ થઈ જાય અને ઘાંચીના બળદની જેમ આપણે ગળામાં કામનો ઘંટ પહેરીને નિરુદ્દેશ ગોળ-ગોળ ફરતા રહીએ. આપણે જે કામમાં સૌથી વધુ ખુશ રહેતા હોઈએ અને એ કામ જો આપણી આસપાસનાં ચાર કે ચારસો લોકોના જીવનને સકારાત્મક રીતે પ્રભાવિત કરતું હોય તો તેનાથી ઉત્તમ બીજું કશું નથી. કામ આપણને આપણા વિચારો અને લાગણીઓના સીમિત દાયરામાંથી બહાર કાઢે છે અને મોટા લક્ષ્ય સાથે જોડે છે. કામ આત્મસન્માન અને આત્મસંતુષ્ટિનો મહત્ત્વનો સોર્સ-ઉદગમસ્થાન છે. એવા વર્કોહોલિક હોવું સારું કહેવાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…