ઉત્સવ

ચાલો આજે કુદરતને નવા અંદાજમાં મળીએ અલિપ્ત એવા તરાઈના જંગલ દુધવા-કિશનપુરમાં ફરીએ

કુદરતનો વણખેડાયેલો ખજાનો – એવું દુધવા શું અને ક્યાં છે?

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

કુદરતનો હૂંફભર્યો હાથ આપણા માથે ફરે ત્યારે આપણે સુરક્ષિત છીએ એવો અનુભવ થાય અદ્દલ એ રીતે જ્યારે આપણે સખત મૂંઝવણમાં હોઈએ ત્યારે માનો હાથ માથે ફરે. ભારતની કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં કુદરતનો સાક્ષાત્કાર પ્રકૃતિમાં કોઈપણ રૂપે થયા વિના રહેતો જ નથી. છેક દેશના છેવાડે ઉત્તર પ્રદેશમાં નેપાળથી ખાલી એકાદ ગાઉના અંતરે આવેલ સાવ જ અલિપ્ત એવો પ્રકૃતિનો ખજાનો એટલે દુધવા નેશનલ પાર્ક જેનો મોટા ભાગનો વિસ્તાર નેપાળમાં છે. તરાઈના જંગલોમાં મને ખૂબ જ ગમતું જંગલ છે આ. અહીં હું કેમેરા વગર પણ મહિનાઓ સુધી રહી શકું છું. નજર પહોંચે એટલા ઊંચા સાલ અને સાગના વૃક્ષો, રોહિણી અને જામ્બુના વૃક્ષો, સૂર્ય પ્રકાશે પણ જાણે દરેક પાંદડાઓનો મંજૂરી લઈને ધરણી સુધી પહોંચવું પડે એટલું ગીચ જંગલ છે આ. જ્યાં પણ પગ મૂકીએ ત્યાં સુકાયેલા પર્ણો પર પગ પડે ત્યારે આવતો અવાજ જાણે પ્રકૃતિ સામેથી મને જવાબ આપી રહી હોય એવો જ અનુભવ કરાવે. ઝાડનાં પાનમાંથી અને ડાળીઓમાંથી ગળાઈને આવતો સૂર્યપ્રકાશ અને ક્યારેક પવનથી ઝૂલતી ડાળીઓ અને જાણે આપણા સિવાય પણ જંગલમાં કોઈક હોય એવો અનુભવ કરાવે.
સવાર સવારનો જંગલનો મિજાજ…
સવાર પડતા જ આળસ મરડીને બેઠું થયું હોય એમ જંગલ જાતે જ કોલ આપી રહ્યું હતું. સવારની ચૂલા પરની દૂધની ચા પીધા પછી સીધો જ જંગલમાં દાખલ થયો. પ્રકૃતિ પોતે મારી સાથે સંતાકૂકડીની રમત રમતી હોય એ રીતે વાઘને શોધવાની રમત શરૂ થઇ. એકાદ બે ટ્રેક પર ધુમ્મસછાયા વાતાવરણમાં જંગલ વધારે જ ખુશનુમા લાગી રહ્યું હતું જાણે ઓક્સિજનનો ભંડાર ખુલ્લો મુકાયો હોય. દુધવાના કિશનપુર ઝોનનું મુખ્ય આકર્ષણ એટલે “ઝાડી તાલ. શારદા નદીના પાણીથી બનેલું એક ખૂબસૂરત તળાવ જેમાં અતિશય દુર્લભ અને ખૂબસૂરત એવા ૧૦૦૦ જેટલા બારસિંઘા વસવાટ કરે છે. અહીંયા બે મછાન બનાવવામાં આવેલી છે જેના ઉપર ચઢીને આખા જ ઝાડી તાલને જોઈ શકાય. અહીં લગભગ મોટા ભાગના વિદેશી પક્ષીઓ વિહરતા જોવા મળે છે, તળાવની વચ્ચે ક્યાંક ટાપુઓ જેવું છે એના પર આરામ ફરમાવતા બારાસિંઘાને જોવા એ ખરેખર એક લ્હાવો છે. બારાસિંઘાનું તો આ એક અલગ જ વિશ્ર્વ છે.
દુધવામાં પ્રવેશતા સાથે વાઘની મહેચ્છા કરતા પણ ઘણું વધારે મેળવ્યું, વાઘ તો મળ્યો જ કદાચ વાઘ સાથે મારે ઋણાનુબંધ હશે ખરા. બેલદંડા રોડ તરાઈના વાઘ માટે જાણીતો છે. આમ તો અહીં વાઘ મળવો ખૂબ જ એટલે ખૂબ જ મુશ્કેલ કહી શકાય. ખૂબ જ ઊંચું ઘાસ અને ગીચ જંગલના કારણે ભાગ્યે જ અહીં વાઘ દેખાય. મને આ વખતે વાઘ માંડ માંડ દેખાયો. આ વખતે વાઘે આવીને ખાલી એક કે બે જ ફોટોગ્રાફ લેવા દીધા અને ચપળતાથી સાલનાં જંગલમાં અંધારામાં ઓળો ઓગળી જાય એમ ઓગળી ગયો. સદ્નસીબે આ વખતે પણ મને ફિમેલ ટાઇગ્રેસ જ મળી. ઊંચા સાલની કેનોપી, હિમાલયના પક્ષીઓ ક્યાંય આછેરી ઝલક બતાવે તો ક્યારેક કરતબો બતાવે, દેખાય નહિ તો ટહુકારથી એમની હાજરી વર્તાયા કરે એવું વાતાવરણ તો એ લોકો બનાવે જ. ફેફસામાં ભરાય એટલી શુદ્ધ હવા ભરી લો અહીં, આંખો થાકે ત્યાં સુધીનું પ્રાકૃતિક સૌંદર્ય મનમાં ઠાંસી લો, બાકી કોઈ કેમેરાની સક્ષમતા નથી કે અહીંયાના વિશ્ર્વને કેદ કરી શકે. છેલ્લે હું એટલું કહી શકું કે જે મળ્યું એ ખરેખર ખૂબ જ મહત્ત્વનું હતું.
દુધવાના જંગલમાં રાત્રીનો અનુભવ કેવો હોય છે?
અહીંયાની રાત્રિનો અનુભવ ખૂબ જ મનમોહક છે. સામાન્ય રીતે કોઈ પણ જંગલમાં જાઉં હું રાત્રિના આનંદને માણવાનું ક્યારેય ન ચૂકું. આ વખતે મેં મારા ગાઈડને સાથે લીધો. માંડ વીસેક વર્ષનો છોકરડો પણ જંગલ સાથે આગવો લગાવ. એના હાથમાં ડાંગ અને ટોર્ચ અને મારા હાથમાં કેમેરા અને અમે બંને ચાલી નીકળ્યા શારદા નદીના કિનારે ગાડા રસ્તે, જંગલની ધાર પર પ્રાણીઓનો અવાજ સાંભળતા સાંભળતા. કડકડતી ઠંડી, સાલના વૃક્ષોના પર્ણો સાથે અથડાઈને કાનમાં કશુંક કહી જતો ઠંડો પવન, જંગલના સન્નાટા વચ્ચે કાનમાં અથડાતાં પક્ષીઓના અને રાની પશુઓના અવાજ અને છેલ્લે વાઘનો શિકાર બનેલા કોઈ હરણની કારમી ચીસ. ચંદ્રની રોશનીમાં માર્ગ જોઈ શકાય એવા આછેરા ઉજાસના સહારે શારદા નદીના કિનારે આગળ વધ્યો જ્યાં પોતાના પગરવ સિવાય કાઈ પણ સંભળાય તો પણ ભયની લહેરખી હદયના ધબકારાની ગતિ આપોઆપ વધારી દે. શેરડીના ખેતરનાં પાકનું રક્ષણ કરતા ખેડૂતો ઘાસમાંથી બનાવેલા આડાશમાં બેસીને પ્રાણીને સુર રાખવા કે ચેતવવા માટે આગ પેટાવીને બેઠા હતા. ત્યાં જઈને થોડાક લાકડા લઈને તાપણું કર્યું અને નિરાંતે જંગલની રાત્રિનો આનંદ માણ્યો ત્યારે સમજાયું કે ભયને ભગાડવા માટે પણ ભયની છેલ્લી હદ સુધી જાતે જ જવું પડે છે, ભયની ભયાનકતાને ખૂબ જ નજીકથી અનુભવવી પડે છે. બાકી જંગલની રાત્રીને હંમેશાં લોકોએ અનુભવ્યા વિના જ ડર સાથે જોડી દીધી છે. ખરેખર તો જંગલ એટલે ડરાવણુ જ હોય એવું જરાયે નથી હોતું. પ્રકૃતિ સાથે નિખાલસતા કેળવવાથી પ્રકૃતિ આપોઆપ તમને એનામાં ઓળઘોળ કરી જ મૂકે છે અને તમે પ્રકૃતિના થયા વિના નથી રહેતા.
બળતા લાકડાના એક અવિરત સંગીત થકી હૃદયને શાતા મળી અને પ્રકૃતિની હૂંફ થકી ક્યારે છેલ્લો પ્રહર આવ્યો એ જ ખ્યાલ ન રહ્યો. ચંદ્ર અને તારાઓ ધીરે ધીરે ક્યાંક ઓગળી ગયા અને સવારનું પ્રાકૃતિક સંગીત ફરી મને નવી મુસાફરીનું પ્રલોભન આપી રહ્યું હતું.
જેમ કોઈના દોસ્ત બનવા માટે એ દોસ્ત જેટલા નિખાલસ આપણે બનવું પડતું હોય છે એમ જ પ્રકૃતિના દરેક મિજાજને માણવા એના દરેક રૂપમાં, દરેક પ્રહરમાં અદ્દલ એ જ રીતે આપણે જાતને એમાં ઢાળવી પડે છે, જરાયે બદલાવ વિના. પ્રકૃતિ તમને પોતાના વશમાં કરીને જ રહેશે.
કેવી રીતે પહોંચશો દુધવા?

દુધવા પહોંચવા માટે લખીમપુર ખીરી પહોંચવું જરૂરી છે. દુધવા ભારતના છેવાડે આવેલું જંગલ છે. ફ્લાઇટ કે ટ્રેનથી લખનૌ સુધી અને લખનૌથી લખીમપુર ખીરી થઈને સીધા દુધવા માટે ટેક્સી ભાડે કરીને પહોંચી શકાય છે જે આશરે ચારેક કલાકનું અંતર છે. દુધવા બે વિસ્તારમાં ફંટાયેલું છે – એક દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન અને બીજું કિશનપુર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી. કિશનપુર જવા માટે લખીમપુર આવીને ટેક્સી મારફતે કિશનપુર જઈ શકાય છે. અહીં રહેવા માટે જૂજ રિસોર્ટ્સ ઉપલબ્ધ છે જે ઓનલાઈન બુક થઇ શકે છે. સફારી અને ફોરેસ્ટ રેસ્ટ હાઉસને ઉત્તર પ્રદેશ વનવિભાગ અને ટૂરિઝમની વેબસાઈટ વિિંાંત://ૂૂૂ.ીાયભજ્ઞજ્ઞિીંશિતળ.શક્ષ/ પાર ઓનલાઇન બુક કરાવી શકાશે. આ સિવાય દુધવાની નજીકમાં કર્તન્ય ઘાટ અને પીલીભીત ટાઇગર રિઝર્વની મુલાકાત પણ ચૂકાય એવી નથી. અહીં સાદું અને સરળ ઉત્તર ભારતીય ભોજન મળે છે અને પંજાબી તો લગભગ બધે જ ઉપલબ્ધ હોય છે. દુધવામાં કંદોઈની દુકાનો વધારે જોવા મળે છે એટલે અહીં મીઠાઈ ખૂબ લોકપ્રિય છે.

દુધવા નેશનલ પાર્ક ખરેખર કેવું છે તેનો અનુભવ
કઈ રીતે તમને પ્રકૃતિની નિકટ લઇ જાય?

દૂધવા નેશનલ પાર્કની સફર એટલે ખરા અર્થમાં પ્રકૃતિમાં જ મહાલવું. અહીંના જંગલમાં દુધવા અને કિશનપુર એમ બે અલગ અલગ ઝોનમાં વહેંચાયેલું છે. આ વિસ્તાર કુદરતનો વધારે લાડકો હોઈ શકે એવું હું ચોક્કસપણે કહી શકું કેમ કે અહીંયા કુદરતે ખુલ્લા મનથી પ્રકૃતિનો ખજાનો વેર્યો છે. આખા દેશથી સાવ જ અલિપ્ત અને નિર્જન કહી શકાય તેવો આ વિસ્તાર જરાયે આધુનિક નથી. ચારે તરફ લીલા રાઈના અને જુવારના ખેતરો પર મહાલતા પક્ષીઓ અને ક્યાંક નજરે ચડતા હરણોમાં જાણે પ્રકૃતિ ખુલીને હસતી હોય એવું જ લાગે, એટલે સામે કોઈ હોય કે ન હોય આપો આપ ચહેરા પર સ્મિત આવી જાય. હું અહીં એક આશા લઈને આવ્યો હતો કે દુધવામાં તો વાઘનો ફોટોગ્રાફ મારે પાડવો જ છે. લખનૌથી માંડ માંડ વાહન મળે દુધવા સુધી. મુખ્યત્વે સાલનું જંગલ અને એ પછી સાગના વૃક્ષો. માંડ એકલદોકલ ખેડૂત પરિવાર અહીંયા રહે છે. શેરડીની ખેતી એ જ મુખ્ય આવકનો સ્ત્રોત. અહીં શેરડીના ખેતરમાં જ વાઘ અને દીપડાઓ રહેતા હોય છે એમની સાથે આ લોકોએ સહજતાથી સહજીવન સાધી લીધું છે અને કોઈ જ અજુગતું હોય એવો બનાવ નથી બન્યો હજુ સુધી. અહીંયાના લોકો નિરક્ષર છે પણ વાઘ અને પ્રકૃતિને દેવતા માને છે અને એટલે જ જંગલની હદ પાસે ઝાડ તળે દીવો કરે છે, એમના શબ્દોમાં કહીએ તો એ ઝાડ જેની નીચે એ લોકો દીવો કરે છે એ ઝાડની અમાન્યા જાળવીને પણ વાઘ કે પછી બીજું કોઈ જનાવર પોતાની મર્યાદા નહિ જ ઓળંગે. અહીં મને કુદરતનો સાક્ષાત્કાર અહીંયા રહેતા લોકોમાં જ થયો જેણે મને બે સમય ચા પીવડાવી અને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું કોઈ પણ જાતની અપેક્ષા વિના. ભાગ્યેજ એ લોકોની કમાણી આપણા ખિસ્સાખર્ચી સુધી પહોંચી શકતી હશે. એ લોકોની મુખ્ય મૂડી એટલે બે ગાય, થોડીક બકરીઓ, ચાર પાંચ મરઘીઓ અને આખુંયે જંગલ. જંગલની અમાન્યા જાળવતા મેં એ લોકોને જ જોયાં છે જેવા કદાચ બીજે કશે જ નથી જોયા. હંમેશાં એવું બન્યું છે કે જંગલની આસપાસ વસતા ગરીબ લોકો ખરેખર ખૂબ જ નિર્મળ હોય છે. નાની નાની વાતમાં જંગલને સાક્ષી બનાવે એટલે જંગલ એમના પરિવારનો જ સમય છે કે પછી તેઓ જંગલને માવતર માને છે એવું હંમેશાં એમના વાણી અને વર્તનમાં દેખાય અને અનુભવાય પણ ખરું.

શું મળે છે દુધવાના જંગલોમાં?

અહીં મળતા મિત્રોમાં ૮૦૦ જેટલા રંગબેરંગી હિમાલયન અને વિદેશી પક્ષીઓનો ખજાનો, અતિ દુર્લભ એવા ગેંડાઓ, બારાસિંઘા, ચિત્તલ, મગરમચ્છ, અલગ અલગ વાંદરાઓની પ્રજાતિઓ વગેરે મળીને આશરે ૩૮ જેટલી પ્રાણીની પ્રજાતિઓ, કિંગકોબ્રા, ક્રેટ જેવી ૧૬ જેટલી સરિસૃપ પ્રજાતિઓનો પરિવાર અહીંયા સદીઓથી વસે છે. એક સમયે અહીંયા ગેંડાઓની ખાસ્સી એવી વસ્તી હતી પણ ધીરે ધીરે એના શિંગડાઓને કારણે શિકાર પ્રવૃત્તિના લીધે આ વિસ્તારમાંથી ગેંડાઓ નામશેષ થઇ ગયા હતા. ફરી વાર ૧૯૮૪માં કાઝીરંગામાંથી અહીંયા ગેંડાઓને લાવવામાં આવ્યા અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું. આજે અહીંયા ૩૦ જેટલા ગેંડાઓ મુક્તપણે વિહરીને જંગલને એક નવી જ ઓળખ આપે છે. હાથી અને ગેંડાઓ પ્રત્યે મને અલગ જ પ્રકારનો લગાવ એનું મુખ્ય કારણ તેઓ હંમેશાં તેમના શાંત સ્વભાવના લીધે જ માણસોનાં શોખનો બહુ જ ગાંડો શિકાર બન્યા છે. આડકતરી રીતે આપણે સહુ કોઈ આ પ્રકારના ક્રૂર કાર્યમાં ભાગીદાર નાયા હોઈશું ખરા. હાથીદાંતના લીધે હાથીને ક્રૂર રીતે રહેંસી નાખવામાં આવે છે અને શીંગડાઓ માટે ગેંડાને પણ ખૂબ જ ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. આ સિવાય મોનિટર લિઝાર્ડ એટલે કે ચંદન ઘોને કાળી વિદ્યાના ભાગરૂપે શિકાર બનાવવામાં આવે, નોળિયાને એના શરીર પરના મુલાયમ વાળ માટે મારી નાખવામાં આવે છે જે વાળનો ઉપયોગ પેઇન્ટ બ્રશ બનાવવામાં અને મેકઅપ માટેના બ્રશ બનાવવા માટે વપરાય છે. સાપ અને મગરમચ્છના ચામડાની ડિઝાઇનના અવનવા પાકીટ બનાવીને વેચવામાં આવે છે. આપણી સમૃદ્ધિ અને નવાબી શોખની ભીતર એક લોહિયાળ ચીસ સમાયેલી જ હોય છે.

દુધવામાં જંગલ આસપાસ વસતા લોકો ખૂનખાર જાનવરો સાથે હળીમળીને કઈ રીતે જીવે છે?
રાત્રે તેઓની નાનકડી એવી ઝૂંપડી જેવું ઘર ત્યાં બહાર આંગણામાં મને ખુલ્લા આકાશ નીચે કાથીનો ખાટલો, જાતે બનાવેલું ગોદડું,જંગલના ઘાસમાંથી ઈંઢોણીની જેમ ભરેલું ઓશીકું અને નાનું એવું માટલું આટલું આપ્યું. મેં પૂછ્યું કે બહાર વાંધો તો નહિ આવશે ને? તેઓએ સહજ રીતે જવાબ આપ્યો કે “સાબ, ઉનસે થોડીના હમને કુછ ઉધાર લિયા હૈ? હમ ઉસકે ઘરમેં રહતે હૈ, આયેગા તો ભી મુઆયના કરકે ચલા જાયેગા. બે ભેંસો, કૂતરાઓ મને હિંમત અને નજીકમાં દેશી છાણા અને લાકડા સાથે પેટાવેલું તાપણું શિયાળાની ઠંડીમાં હૂંફ આપી રહ્યું હતું. રાત્રે ઘુવડ અને નાઇટજારના અવાજે મેડિટેશન જેવું કામ કર્યું કે મને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ખુલ્લા આકાશ નીચે કાથીના ખાટલામાં સુવાનો આનંદ વિશ્ર્વની કોઈ પણ વૈભવી પથારીને આંટી મારી શકે. જંગલી કુકડાઓ એટલે જે જંગલફાઉલએ સવારે વહેલા ઉઠાડી દીધો અને એમ જ જંગલ મહાલવા નીકળી પડ્યો આસપાસમાં. ઝાંકળથી આવતી જંગલની મીઠી સુગંધ એટલે જાણે કુદરતે તાજી જ પીરસેલી કોઈ વાનગી હોય, આકાશમાંથી ધીમે પગલે અંધારું પાણીનાં મોજા માફક પાછળ ધપી રહ્યું હોય અને સૂરજ આસ્તે આસ્તે જગ્યા બનાવતો હોય એમ લાલાશ છવાઈ રહી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button