સુખમાં રહેવાની કરીએ ભૂલઆજે રહીએ હળવા ફૂલ
આજે આટલું જ -શોભિત દેસાઈ
મગજનું તો સત્યનાશ વળી જતું’તું રીક્શાવાળાને સમજાવવામાં કે ક્યાં જવાનું છે… થાકીને મેં ઉબર-ઓલાનો ઉપયોગ શરૂ કર્યો… હવે ય મગજનું તો સત્યાનાશ વળી જ જાય છે, ઉબર-ઓટો ડ્રાઈવરને સમજાવતાં કે એણે ક્યાં આવવાનું છે…
--
આ ખોદાયેલા… સદાના ખોદાયેલા અને એ ય પાછા ધોરી રસ્તાઓ, ૮ વરસ ખોદાઈને સાવ સુષુપ્ત પડી રહેલા અને હવે જેના પર ગોકળગાય કરતાં ય ધીમી ગતિથી કામ થઈ રહ્યું છે એવા મેટ્રોજન્ય રસ્તાઓ, તમાકુ હથેળીમાં ઘસવાવાળા કાયમના લાંચિયા કોર્પોરેશનના ક્લાર્કો-બાબુઓ અને મહાલબાડ ફેરિયાઓના મનમેળના પરિણામરૂપના, એક પણ અસ્પૃશ્ય ન રહ્યો હોય એવા બધા જ ફેરિયાઓથી ખરડાયેલા રસ્તાઓ, ઓછામાં ઓછા દસ રિડેવલપમેન્ટના કામ ચાલતા હોય એવા સિમેન્ટ-ઇંટ-મશીનોના અવાજના સતત પ્રદૂષણથી ગ્રસ્ત શહેરનાં નાનામાં નાના થી લઈને મોટામાં મોટા રસ્તાઓને પોતાની જિંદગીનું અવિભાજ્ય અંગ ગણીને ડગ ભરતો નહીં પણ કુદાકડા મારતાં જીવતો મુંબઈગરો અને ભારતીય જનતા પાર્ટી શાસિત અન્ય રાજ્યોમાં પેટ્રોલ ડિઝલ રૂ. ૧૦ સસ્તું હોવાની સામે મહારાષ્ટ્ર પણ ભારતીય જનતા પાર્ટી શાસિત હોવા છતાં ય રૂ. ૧૦ પ્રતિ લીટર ચૂં કે ચાં કર્યા વગર વધુ આપતો મહારાષ્ટ્રવાસી રક્તદાનથી ય આગળ વધીને વીર્યદાન કરી આવ્યો છે? કે એનામાં સમભાવનાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થયું છે?- એ વિષય ઉપર જો હું પરિસંવાદનું આયોજન કરું તો તમે બધા આવશો ને? સાંભળવા? બોલવાનો તો ક્યાં સવાલ જ ઊભો થાય છે? તમે ક્યાં – ક્યારે – કશેય કાંઈ પણ બોલ્યા છો? બોલી શક્યા છો? પરમ આદરણીય તમને (અને મને પણ) એટલે જ તો સલામ ઠોકવાનું મન થાય છે…
આ બહુ મોટું નગર
છે દિવસ ને રાતના જેવું કશું
કોણ કોનું સાંભળે કહેવાય ના
પણ બધા ઘડિયાળને ટકટકને વશ
જોઈ સૂરજને હસે છે અશિ ઈજ્ઞજ્ઞહયતિ
અહીં ઋતુને સ્વીચમાં જીવવું પડે
ટાઈપ થયેલા પત્ર જેવા માણસો
સ્મિતનું પૃથક્કરણ કરવું પડે
મૂંગા મૂંગા માણસો ચાલ્યા કરે
હાથ પોલીસનો સતત હાલ્યા કરે
લાલ-લીલી લાઈટ પર સૌની નજર
સિગ્નલોના શ્ર્વાસથી જીવતું નગર
હા બહુ સંભાળજો, આ ભીડમાં
કોઈનો ધક્કો જરા વાગે નહીં
આંખ ઢાળી ચાલતા સજ્જન તણી
આંગળીઓ ભૂલથી જાગે નહીં
આ બહુ મોટું નગર…
કવિ કૈલાસ પંડિતની આ કવિતા, જેમની વર્ષગાંઠ હતી ૨૩ ડિસેમ્બર. અમારા એ પરમ ચરમ મિત્રની યાદ તાજી થઈ હમણાં ગુજરાતી સાહિત્ય પરિષદના નવા વરાયેલા પ્રમુખ હર્ષદ ત્રિવેદી સાથે. હર્ષદ અને હું તુકારે છીએ અને રહીશું. તે ૧૯૭૯માં હર્ષદ ૨૨-૨૩ વર્ષનો અને પહેલી વખત મુંબઈ આવે. હર્ષદ અને કૈલાસ મિત્રો ખરા પણ પરોક્ષ, પોસ્ટકાર્ડિયા… (પાંચ પૈસાનાં પોસ્ટકાર્ડ સેલફોનના પૂજ્ય પિતાશ્રી હતા એ વાત તો જવા જ દઈએ) અને પાછા કૈલાસ પંડિત ૧૪ વર્ષ ઉંમરમાં અને અમુક/અનેકગણા પ્રસિદ્ધિમાં મોટા. પણ જેવો હર્ષદનો મુલાયમ પોસ્ટકાર્ડિયો હુકમ થયો કે હર્ષદની તદ્દન જાણબહાર અને અપેક્ષા બહાર કૈલાસ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર હાજર! કદાચ એ વખતે જ થર્ડ ક્લાસને પ્રમોશન મળી ગયું હતું સેક્ધડ ક્લાસનું ટ્રેનોમાં, તે હવેનો એટલે કે ત્યારનો ઓટોમેટિક અપગ્રેડેડ હર્ષદ ડબ્બામાંથી એન્ટ્રન્સ ઉપર આવે છે બહાર નીકળવાના, ત્યાં એના નામની કોઈક બૂમ પાડી રહ્યું છે. હર્ષદ ‘કવિતા’ સામયિકના ફોટા પરથી ઓળખી પાડે છે કૈલાસને, બંને ભેટે છે એકબીજાને, ‘તને ક્યમ સાંભરે રે! મને ક્યમ વીસરે છે!’ ભજવાય છે આંખ દ્વારા બંને વચ્ચે અને કૈલાસ તાણી જાય છે પોતાનાથી ૧૪ વર્ષ નાના અનુજને પોતાને ઘેર માટુંગા- કશું જ નિયત ન થયું હોવા છતાંય. સવાબસો સ્ક્વેર ફિટની રૂમના આગલા ભાગના ખાટલા પર કૈલાસના દાઝી ગયેલા બીમાર પત્ની સાથે ઓળખાણ કરાવે છે કૈલાસ, કૈલાસ સ્વ અને હર્ષદને ભોજન પીરસે છે, બન્ને જમે છે, થોડો આરામ ફરમાવે છે બન્ને એકબીજાના સુખદુ:ખની લેતીદેતી કરતાં, કૈલાસ ત્યાંથી હર્ષદને મનહર ઉધાસનાં કાર્યક્રમમાં કે જ્યાં મનહર એની ગઝલ ગાવાના છે, લઈ જાય છે અને રાત્રે કૈલાસ હર્ષદને ઉતારે ઉતારીને છૂટો પડે છે.
આમાં તમારે ધ્યાનમાં રાખવા જેવા તો ઘણા મુદ્દા છે, જેમ કે બંનેની ઉંમરનો તફાવત, એક સાવ જ નવશીખીયો અને બીજો લોકભોગ્યતાને પુષ્કળ વરેલો, સવા બસો સ્ક્વેરફીટમાં સમાતું એન્ટીલાનીય ઉપરના આભ જેવડું દિલ, આખીય સમયપટ્ટીમાં અનુજના અવાચક થઈ જવાને વધુ ને વધુ બોલકું બનાવવાની કોશિશમાં રત પૂર્વજ, અજાણ્યું શહેર – અજાણ્યો જાણકાર અને અજાણ્યા અણધાર્યા સમયથી ડઘાઈ જવું છુપાવવાની કોશિશમાં રત અનુજ અને આ બધાથી બંને વચ્ચે બનતો અદૃશ્ય પાયા સાથેનો મજબૂત પુલ. પણ એ બધાને નાખી ચૂલામાં અને એ ચૂલાથી તાપીએ તો બે તારણ ફલિત થાય. ૧) કૈલાસ પંડિત નામનો એક અતિસરળ સહજસાલસ જણ અને ૨) એક સુષુપ્તિની માન્યતાથી ગ્રસ્ત સંસ્થાના પ્રમુખ, જે સ્થાન ગ્રહણ કર્યા પછી પણ એવા ને એવા હર્ષદ ત્રિવેદી રહી શક્યા છે, જૂના હર્ષદ જેવા. તા. ક. આ વાત હર્ષદ પાસેથી સાંભળો અને તમારું હૃદય ઉછાળા ન મારે તો જ નવાઈ. મેં મારા ભાષાકીય ચાતુર્યથી વાતને હાનિ ય પહોંચાડી હોય…
--
શું લાગે છે તમને? ૨૦૨૪નું? સારું જશે જ, ખાત્રી રાખો ને યાર! કાલથી તો વર્તમાનમાં જ કહેવાનું: સારું છે જ…
આજે આટલું જ…