ઉત્સવ

લેટ અસ લીવ વીથ ડિગ્નીટી

આકાશ મારી પાંખમાં -કલ્પના દવે

૩૮ વર્ષીય સીંગલ – પ્રોફેશનલ કિંજલ શાહ એટલે એક આત્મનિર્ભર સફળ સુશિક્ષિત નારી. મુંબઈના ધનાઢ્ય વિસ્તારમાં ઉછરેલી અને યુ.એસ.એ.ની આઈ.ટી કંપનીમાં પ્રોજેકટ મેનેજર તરીકે કામ કરે છે. કિંજલના વ્યવસાયિક જીવનમાં ગ્લોબલ વર્લ્ડની સફળ કારકિર્દી છે, સંધર્ષ છે, તો પડકાર પણ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં પ્રગતિના પંથે આગળ વધવાની તક સાથે હિંમત પણ છે.

મુંબઈમાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરી આઈ.ટી. ક્ષેત્રે રિસર્ચ કરવા બેંગલોર યુનિવર્સિટી ગઈ, ત્યારે જ જાણે એને વિશ્ર્વમાં ઉડવાની પાંખ મળી ગઈ. આજે કિંજલ એની યુ.એસ.ની કંપનીને સંલગ્ન દિલ્હી, બેંગલોર. પૂના, અને મુંબઈની એલીયંસ કંપની સાથે નવા પ્રોજેકટનું ડેમોન્સ્ટ્રેશન અને પ્રેઝન્ટેશન કરીને મુંબઈથી યુ.એસ. પાછી જઈ રહી હતી. ચેકિંગનું કામ પતાવી કિંજલ લોન્જ એરિયામાં બેઠી હતી.

કંપનીના પ્રોજેકટને સફળતાથી લોંચ કરીને પોતાને ઘરે અમેરિકા જવાનો તેને ઉત્સાહ તો હતો, વળી બે વર્ષે મુંબઈમાં માતા-પિતા સાથે પંદર દિવસ રહેવા મળ્યું તેની હૂંફે પણ કિંજલના હૈયે નવું જોમ ભરી દીધું હતું. મોમ-ડેડની અમીદ્રષ્ટિની એ શક્તિ કેમ ભૂલાય ?

કિંજલનું હૈયુ ભરાઈ આવ્યું. જો, આદિત્ય સાથે ડાયવોર્સ ન થયા હોત તો મારી પણ ફેમિલી હોત, મોમ-ડેડ ગ્રાન્ડ પેરેન્ટસ હોત-
ભૂતકાળની સ્મૃતિને દબાવી દેવા કિંજલે મોબાઈલમાં ફોટો ગેલેરીમાં નજર ફેરવી. કિંજલને યાદ આવી ગયું કે મારી એમ.બી.એ.ની ફી ભરવા અમે એજયુકેશનલ લોન લીધી હતી ત્યારે મેં પપ્પાને કહ્યું-
પપ્પા, હું પાર્ટ ટાઈમ જોબ કરું તો લોનના હપ્તા ભરવામાં અને ઘરખર્ચમાં પણ મદદ કરી શકું.

પપ્પાએ તરત કહ્યું- એવું કરવાની જરા ય જરૂર નથી. તારી આ પરીક્ષા ખૂબ ટફ અને મહત્ત્વની છે. તું ધ્યાન આપી અભ્યાસ કર. એટલે હું એમ,બી.એ. કરી શકી. ખરેખર મારા મોમ-ડેડ ઓલવેઝ મને સપોર્ટ કરે છે. હિંમત આપે છે. આજે હું જે કાંઈ કરું છું તે એમના આશિષ થકી જ કરી શકું છું.

તે દિવસે મોમ પણ મને રીમેરેજ માટે સમજાવતી હતી. ચિંતિત અને આર્દ્રસ્વરે મોમે કહ્યું હતું કે શું બેટા, એક વાર ડાયવોર્સ થાય તો આમ આખું જીવન એકલા રહેવાનું? કોઈ જીવનસાથી શોધી લે ને. આ અમારા માલતીબેનની દીકરીએ ફરી લગ્ન કર્યા અને કેનેડા સેટલ પણ થઈ ગઈ. તું તો ભણેલી છે, સારૂં કમાય છે. મને તો એક જ ચિંતા છે કે અમે ન હોઈએ તો તારૂં કોણ. બેટા, તું કહે તો હું જશુફોઈને વાત કરું એમના ધ્યાનમાં એક ભણેલો અને યુ.એસ.માં સેટલ થયેલો
મૂરતિયો છે.

ત્યારે મોમને સમજાવવાને બદલે મેં અકળાઈને કહી દીધું- મોમ, આય કેન લીવ લાઈક ધીસ. મારી આ સિંગલ લાઈફમાં હું મુક્ત પંખી છું. હું ખુશ છું, મને કોઈ અફસોસ નથી. રીમેરેજ નો, નો, નેવર. નોટ અગેન.

આંખમાં આંસુ લાવતાં મોમે એટલું જ કહ્યું- ભલે બેટા. જેવી તારી મરજી. આય રીસ્પેકટ યોર ડિસિઝન. હું તને કોઈ દબાણ નહીં કરું.
(મોમનો એ ચહેરો કિંજલને યાદ આવી ગયો.)

શિક્ષણ, પૈસો, સમૃદ્ધિ, રૂપ-યૌવન બધું હોવાં છતાં કિંજલ ઝંખે છે, સાચો પ્રેમ- જીવનસાથી. પોતે એક માત્ર સંતાન હોવાથી માતા-પિતા પણ તેના માટે ઝૂરે છે.

વિચારોના વમળમાં ફસાયેલી કિંજલનું મન આજે પૂર્વ પ્રેમી-પતિ આદિત્યની સ્મૃતિમાં ખોવાઈ ગયું.

કોલેજમાં યુથ ફેસ્ટિવલની એકાંકી નાટ્યસ્પર્ધામાં કિંજલે પાર્ટ લીધો હતો. ઓડિશન ટેસ્ટમાં કિંજલ અને આદિત્યની પસંદગી થઈ. રોમિયો-જુલિયટના પાત્રના શ્રેષ્ઠ અભિનયે કોલેજને ટ્રોફી અપાવી અને એ જ નાટકે આદિત્ય અને કિંજલને પ્રેમનું વરદાન પણ આપ્યું.

લેટ અસ એચીવ અવર ગોલ. આદિત્ય અને કિંજલ યુવામસ્તીની મોજ કરતાં એમ.બી.એ. પણ સાથે જ કર્યું, મુંબઈની મલ્ટિનેશનલ કંપનીમાં પણ સાથે જ જોડાયાં.

આદિ, પાંચ વર્ષની તપસ્યા પછી આપણે સાત જનમના બંધનમાં જોડાયાં, રિયલી ઈટ વોઝ અવર ગોલ્ડન ટાઈમ.

કિંજલ આદિત્યને યાદ કરતી હતી ત્યાં જ તાજેતરમાં જ મેરેજ કરેલું કપલ એની સામે જ આવીને બેઠું. પતિ ભાવુકતાથી પત્નીના હાથની મહેંદી જોઈ રહ્યો હતો. નવોઢા નાજુક વેલની જેમ શરમાઈ રહી હતી.

આદિ, રિયલી વી બોથ ફિઇલ્ડ ટુ અંડરસ્ટેન્ડ ઈચઅધર. બબડતાં કિંજલે એક નિ:સાસો નાખ્યો.

લગ્ન પહેલાંનો પ્રેમી, લગ્ન પછી અહંકારી પતિ કેમ બની જાય છે. પત્નીની સફળતા કેમ સાંખી શકતો નથી. કિંજલના મનમાંથી આગના તણખા ઝરી રહ્યા હતા. સાત જન્મ તો શું આપણે એક જન્મ પણ એકબીજાને સાથ ન આપી શક્યાં.

હા, આદિ હું તને ભૂલી શકતી નથી,પણ તને પ્રેમ પણ કરી શકતી નથી, આદિ, તને શું, હું હવે કોઈને પ્રેમ ન કરી શકું.

આદિ, મારા હાથમાંથી પ્રોજેકટ છીનવી લેવા તેં બીજી કંપનીના ડાયરેકટર સાથે પેકેજ લીધું ? તે મારા ચારિત્ર્ય પર શંકા કરી?

સોરી, આય કાન્ટ બેર ધીસ.

મોબાઈલમાંથી મેરેજની વીડિયો ક્લીપ જોતાં કિંજલને થયું- પ્રેમ વિશ્ર્વાસ વિના પાંગળો છે. ચાર વર્ષમાં જ દાંપત્ય જીવન ખંડિત થયું કારણકે હું એક પ્રતિભાશાળી અને મહત્ત્વાકાંક્ષી છું, જે આદિ સ્વીકારી ન શક્યો.. પરંપરાગત હાઉસવાઈફ થઈને નથી રહેવું. મારે આઈ.ટીમાં સંશોધન કરવું છે. આદિ,તારા અહમ્ અને શંકાશીલ સ્વભાવને કારણે જ આપણો સાથ છૂટ્યો- પણ બધાના નસીબમાં દાંપત્ય સુખ નથી હોતું, આમ તો મારે વિલિયમ, આકાશ, રાજેશ વગેરે ઘણા
મિત્રો છે.

ત્યાં જ મોમનો ફોન આવ્યો- બેટા ચેકિંગ થઈ ગયું? ટેક કેર, લવ યુ.

જીવનની કેડી પર મકકમ પગલાં ભરતી કિંજલ નિજી સુખ માટે વલખાં મારતી હતી. ભૌતિક રીતે સમૃદ્ધ છે, પણ લાગણીના ઝરણાં માટે વલખાં મારે છે. આંખો મીંચીને ભૂતકાળમાંથી છટકવાના તે ઠાલા પ્રયત્ન કરતી હતી.

ત્યાં જ દૂરથી એક મીઠો સાદ સંભળાયો- હાય, કિંજલ વોટ એ ગ્રેટ સરપ્રાઈઝ.

કોલેજમાં સાથે ભણતી ખાસ સખી વિજયાનો અવાજ સાંભળીને કિંજલે મંદસ્મિત સાથે કહ્યું- હાય, વિજી, રિયલી ગ્રેટ. પંદર વર્ષે આપણે મળ્યા. વિજી તું ટ્રેડિશનલ પણ ક્યુટ મોમ લાગે છે. કયાં જવાનો પ્લાન છે, એકલી જ ટ્રાવેલ કરવાની છે કે કોઈ સાથે છે.

મારા પતિ છે, જો સામે, એમના સેક્રેટરી અને કસ્ટમર સાથે બેઠા છે. અમે સિંગાપુર જઈએ છે. વિજીએ કહ્યું.

વેરી ગુડ. તને જોઈને ખૂબ આનંદ થયો. વિજી તું જોબ કરે છે કે હાઉસવાઈફ – કિંજલે પૂછ્યું.

આય એમ સીમ્પલ-ટ્રેડિશનલ હાઉસવાઇફ ઓનલી. નો ચેલેન્જ, નો પ્રોગ્રેસ. અમારા બોસ હસબંડ કહે તેમ કરવાનું. બાળકોનો ઉછેર અને વ્યવહારિક સંબંધો સાચવવાના. વિજીએ કહ્યું.

વિજી તું કોલેજમાં બ્રાઈટ સ્ટુડંટ હતી, પણ કોલેજના બીજા વર્ષમાં જ તારા પિતાએ તારાં મેરેજ કરાવી દીધા અને તેં અભ્યાસ છોડ્યો. તને એ વાતનો કોઈ અફસોસ છે. કિંજલે પૂછ્યું.

ઉચ્ચ અભ્યાસ કર્યો હોત તો સારૂં થાત, પણ અમારા કુટુંબમાં છોકરીઓને જલદી પરણાવી દે છે. લગ્ન બાદ હું ઘરની મોટી વહુ હોવાથી ઘરની જવાબદારી મારા માથે આવી, જો કે મારા પતિ અશોકે તો મને આગળ ભણવા કહ્યું જ હતું, પણ મેં જ ફેમિલીને મહત્ત્વ આપ્યું. સાચું કહું તો હું ખુશ છું, પણ પેલા સોનાના પિંજરમાં પુરાયેલા પોપટ જેવું જીવન છે. (પછી થોડી વારે )
કિજલ તું ખૂબ સ્માર્ટ અને મોડર્ન લાગે છે. કોઈ મોટી કંપનીમાં કામ કરે છે, તારી ફેમિલીમાં કોણ કોણ છે? વિજીએ પૂછ્યું.

કિંજલ હું યુ.એસ.ની એક મોટી આઈ.ટી કંપનીમાં મેનેજર છું. કંપનીના કામે ઈંડિયા આવી હતી. હવે પાછી જઉં છું. કિંજલે કહ્યું.

તારી ફેમિલીમાં કોણ કોણ છે, વિજીએ સહજભાવે પૂછ્યું.

ઊંડો નિ:શ્ર્વાસ નાખતાં કિંજલે કહ્યું- આમ મારી પાસે બધું છે,પણ આમ એકલતાના જંગલમાં ભટકી રહી છું. લવમેરેજ કર્યા હતા પણ ન તો લવ રહ્યો, ન તો મેરેજ ટક્યા. જિંદગી બહુત કઠિન હૈ, પણ
વો હી જિંદગી હમે કઠિન રાસ્તે પર ચલના શિખાતી હૈ.

હું માનું છું કે જિંદગીની દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી તેનો હિંમતપૂર્વક સામનો કરો. યોગ્ય સમયે કપરાં હોય છતાં યોગ્ય નિર્ણય લેવા જ પડે. દરેકને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે.
યસ, લેટ અસ લીવ વીથ ડિગ્નીટી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button