ઉત્સવ

નામી નરમાં નમ્રતા જગ કદી કમી ન જોય, જુઓ, ત્રાજવું તોલતાં નમતું જ ભારી હોય!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

મનુષ્ય સાંસારિક જીવ છે અને આ સંસારમાં ભાતભાતના લોગ હોય છે. એ લોકોના સ્વભાવ – વર્તનમાં પણ ઘણો ફરક હોય છે. કોઈ સંપત્તિથી છકી જાય, ગર્વિષ્ઠ બની જાય તો કોઈ જાહોજલાલી હોવા છતાં સ્વભાવે નમ્ર હોય. નમ્રતાના ગુણગાન ગાતું એક સુભાષિત છે કે નામી નરમાં નમ્રતા જગ કદી કમી ન જોય, જુઓ,ત્રાજવું તોલતાં નમતું ભારી હોય. મનુષ્ય કામ, નામ અને દામથી મોટો બન્યા પછી પણ નમ્રતાનો ગુણ જાળવી રાખે તો જગમાં પ્રિય બને છે. નમતું ત્રાજવું હંમેશાં ભારે હોય છે એ જીવનનું સત્ય છે. નમ્યો એ સૌને ગમ્યો એ બહુ જાણીતી વાત છે. આ સંદર્ભમાં કૃષ્ણ ભગવાન અને તેમનાં પટરાણી સત્યભામા – રુક્મિણીની એક મજેદાર કથા છે. નારદ મુનિ ભગવાન શ્રી કૃષ્ણને સ્વર્ગમાં લઈ ગયા પછી સત્યભામા અને રુક્મિણીને એકલવાયું લાગતું હતું. બંનેએ નારદ મુનિને કૃષ્ણને પાછા ધરતી પર લાવવા વિનંતી કરી. નારદે કહ્યું કે જો કૃષ્ણ પાછા જોતા હોય તો તેમના વજનને ભારોભાર કોઈ વસ્તુ સ્વર્ગના દેવતાઓને આપવી પડશે. સત્યભામા તરત મોટું ત્રાજવું અને સાથે કૃષ્ણએ તેમને આપેલાં ઘરેણાં અને અન્ય ઝવેરાત લઈ આવ્યાં. કૃષ્ણ આવ્યા અને ત્રાજવાના એક પલડામાં બિરાજમાન થયા. પટરાણી સત્યભામા બીજા પલડામાં પોતાના સોના – ચાંદીના મોંઘાદાટ ઘરેણાં અને ઝવેરાત મૂકવા લાગ્યાં. તેમને એમ કે પલડું નમી જશે, પણ જોવા શું મળ્યું? સત્યભામા જેમ જેમ જર – ઝવેરાત, ઘરેણાં મૂકતા ગયાં એમ એમ તેમનું પલડું વધુ ને વધુ હલકું થઈ ઉપરની બાજુએ રહ્યું. બીજી તરફ કૃષ્ણનું પલડું ભારે થઈ નમેલું રહ્યું. મતલબ કે પટરાણીના બધા મોંઘદાટ ઘરેણાં – ઝવેરાત વામણા સાબિત થયા. ક્રોધિત થયેલા સત્યભામાની આંખો આંસુથી છલકાઈ ગઈ. તેમણે રુક્મિણીની મદદ માગી. રુક્મિણીએ સૌ પ્રથમ ત્રાજવામાં રહેલું સોના – ચાંદીનું ઝવેરાત હટાવી દીધું. પછી તુલસીના ક્યારામાંથી થોડા પાન ચૂંટ્યા અને પ્રેમપૂર્વક પલડામાં મૂક્યાં. વજનમાં સાવ હલકા તુલસીના પાન કૃષ્ણ કરતાં વજનદાર સાબિત થયા, તુલસીવાળું પલડું નમી ગયું અને કૃષ્ણ ભગવાન સત્યભામા – રુક્મિણી પાસે પાછા ફર્યા. પ્રેમ અને આદરયુક્ત તુલસીના પાનવાળું પલડું શ્રીકૃષ્ણ કરતાં વજનદાર સાબિત થયું.

માનવીના મનમાં સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એવા ત્રણ ગુણ રહેલા છે. સત્ત્વગુણને લીધે મનમાં વિરાગ, ક્ષમા, ઉદારતા અને શાંતિ આદિ ગુણો ઉત્પન્ન થાય છે. રજોગુણને લીધે કામ, ક્રોધ, લોભ એને કોઈ કામનો આરંભ ઉત્પન્ન થાય છે. અને તમોગુણને લીધે તેમાં આળસ, ભ્રમ અને તંદ્રા આદિ દોષો ઊપજે છે. મનનો મર્મ સમજાવતું એક બહુ જ સુંદર સુભાષિત છે કે મન ઢોંગી, મન ધૂર્ત છે, મન મરકટ સમાન, મન સુધરે તો મિત્ર છે નહીં તો શત્રુ સમાન. મનને મિત્ર બનાવવું કે શત્રુ એ આપણા હાથની વાત છે.

HOMO WORDS

અંગ્રેજી ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે. Homonyms, Homophones and Homographs are very good example of it. હોમોનિમ્સ એટલે બે અથવા વધુ શબ્દ જેનો ધ્વનિ અથવા સ્પેલિંગ સરખા હોય, પણ અર્થ સાવ જુદા હોય. ઉદાહરણ તરીકે Rose. Rose is a flower and past tense of Rise is also Rose. વિલિયમ શેક્સપિયરના જગવિખ્યાત નાટક ‘રોમિયો જુલિયટ’માં સંવાદ છે A Rose, by any other name, would Smell as Sweet: ગુલાબને કોઈ પણ નામથી બોલાવો એની સુગંધ તો મીઠી જ રહેવાની છે. હવે રાઇઝના ભૂતકાળ તરીકે એનો અર્થ જાણીએ. He rolled up and rose up on his elbows. જમીન પર એ છાતી સરસો થયો અને કોણીના ટેકાથી ઊભો થયો. હોમોફોન્સ એટલે એવા શબ્દયુગ્મ જે સાંભળવામાં સાવ સરખા લાગે, પણ એમના અર્થમાં કોઈ પણ પ્રકારની સમાનતા ન હોય. એના સ્પેલિંગ્સ પણ અનેકવાર અલગ પડી આવે. Floor and Flour are homophones. બંનેનો ઉચ્ચાર એકસરખો ફ્લોર જ થાય છે, પણ અર્થ એકદમ ભિન્ન છે. Floor એટલે માળ અથવા જમીન. He is sitting on the floor and watching TV. એ જમીન પર બેસી ટીવી જોઈ રહ્યો છે. My office is on the fifth floor of the building. મારી ઓફિસ બિલ્ડિંગના પાંચમા મળે છે. Flour એટલે લોટ. Many people prefer bread made from wheat flour. ઘણા લોકોને ઘઉંના લોટમાંથી તૈયાર કરવામાં આવેલા પાઉં ખાવા પસંદ હોય છે. હોમોગ્રાફસ એટલે એવા શબ્દો જેના સ્પેલિંગ સાવ સરખા હોય, પણ એના અર્થ એકબીજાથી વિપરીત હોય છે. Close and Close are Homographs. કલોઝનો એક અર્થ બંધ થાય છે The door is close – દરવાજો બંધ છે અને બીજો અર્થ નજીક The school is close by – નિશાળ નજીકમાં છે એવો થાય છે.

गुजराती प्रयोग हिंदी में

ભાષા વચ્ચે બહેનપણાં ગજબના હોય છે. ક્યારેક એક જ લાગણી કે ભાવ બે ભાષામાં સાવ અલગ રીતે વ્યક્ત થતો જોવા મળે છે તો ક્યારેક શબ્દો પણ એના એ જ અને માત્ર ભાષાનું અંતર તેમની વચ્ચે જોવા મળે છે. કહેવત હોય કે રૂઢિપ્રયોગ, આ વાત બંનેને લાગુ પડે છે. આર્થિક ભીંસ ધરાવનાર વ્યક્તિ ગરીબ, રાંક અથવા દરિદ્ર તરીકે ઓળખાય છે. જેમને બે ટંક ભોજનના પણ સાંસા હોય એ લોકો અતિ દરિદ્ર કહેવાય છે. હિન્દીમાં આ વાત दाने दाने को मोहताज होना પ્રયોગ દ્વારા કહેવાઈ છે.  કોઈ કામ સૌ સહેલું હોય, અતિ સરળ હોય તો આ તો ડાબા હાથનો ખેલ છે એમ પણ કહેવામાં આવે છે. માત્ર ભાષાફેર સાથે હિન્દીમાં बाएं हाथ का खेल સ્વરૂપે રજૂ થાય છે.  કોઈ લડાઈ – ઝઘડામાં વાત મારામારી પર આવી જાય ત્યારે લોકોના ટોળાએ ચોરને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો એમ કહેવાય છે. હિન્દીમાં આ વાત कचूमर निकालना પ્રયોગ દ્વારા રજૂ થાય છે. ગુજરાતીમાં પણ કચુંબર કરી નાખ્યું એમ કહેવાતું હોય છે. આધિપત્યની કે અધિકાર સ્થાપવાની વાત વ્યક્તિગત સંબંધોમાં, સંસ્થાકીય વ્યવહારમાં કે પછી બે દેશ વચ્ચે પણ જોવા મળે છે. હિન્દીમાં झंडा गाढ़ना કહેવાય છે. કોઈ ઈચ્છા – આકાંક્ષા – મનોકામના – અભિલાષા પૂરી ન થાય, અધૂરી રહી જાય એવું જીવનમાં બનતું હોય છે. दिल की दिल में रह जाना या मन की मन में रह जाना દ્વારા એ વ્યક્ત થાય છે.

विस्मृतीत गेलेल्या म्हणी

દરેક ભાષામાં કાળક્રમે અનેક વાતો વિસરાઈ જતી હોય છે. અનેક કહેવતો અને રુઢિપ્રયોગો હવે સ્મૃતિમાં નથી રહ્યા અને એટલે વપરાશમાં નથી જોવા મળતા. મરાઠીમાં પણ તળપદા પ્રયોગો છે જેનાથી આજની પેઢી અજાણ છે. એનું પહેલું ઉદાહરણ છે नाय निर्गुड माका सर्व औषंधाचा काका. ઘરગથ્થુ ઉપચાર અથવા વનસ્પતિને ઔષધ તરીકે પ્રાધાન્ય મળતું એ સમયની વાત છે. નાય, નિર્ગુડ અને માકા એ ત્રણ વનસ્પતિ છે જે ઔષધ તરીકે ગુણકારી માનવામાં આવતી હતી. એનું સેવન કર્યા પછી બીજી કોઈ દવા લેવી ન પડે એવું કહેવાતું. હવે તબીબી ક્ષેત્રે હરણફાળ ભરી હોવાથી આ કહેવત અને એનું મહત્ત્વ વિસરાઈ ગયા છે. કેટલાક લોકોને કોઈ નિસ્બત ન હોવા છતાં સંબંધ જોડી દેવાની આદત હોય છે. આપણે ત્યાં આ વાત બાદરાયણ સંબંધ તરીકે ઓળખાય છે. મરાઠી કહેવત पान ना फुल कमळी माझी सून દ્વારા એ સુપેરે પ્રગટ થાય છે. ज्याचे खिशात सुर्ती तो मंगलमूर्ति કહેવત જેનું ખિસ્સું ભારે એનો મોભો મોટો જેવો ભાવ દર્શાવે છે. અહીં સુર્તી શબ્દને બ્રિટિશ રાજ દરમિયાન સુરત શહેરમાં તૈયાર કરવામાં આવતા કંપનીના રૂપિયા સાથે સંબંધ છે. શ્રીમંત લોકોને વધુ માનપાન મળે, એમના ગુણગાન ગાવામાં આવે એ ભાવ છે. बारा बंदरी, पाच पुणेरी, एक जव्हारी કહેવતમાં સરખામણી જોવા મળે છે. બંદર કિનારે રહેતા બાર લોકો સાથે પુણેના પાંચ રહેવાસીઓ બરોબરી કરી શકે, પણ એક ઝવેરી એ બધાને પૂરો પડે એવો હોય છે. ટૂંકમાં બંદર કિનારે રહેતા લોકો લુચ્ચા હોય છે, પુણેવાસીઓ એનાથી વધારે લુચ્ચા હોય છે, પણ ઝવેરી એ બંનેને ટપી જાય એવો લુચ્ચો હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…