ઉત્સવ

લાવ, હથેળી પર તારું નામ લખી દઉં..

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: નામ ભૂંસાઇ જાય છે.. કામ, કાયમ રહે છે.
(છેલવાણી)
‘નામમાં શું રાખ્યું છે?’ એવું મહાન લેખક શેક્સપિયરે કહ્યું છે, પણ આ વાક્ય એમના નામે ચઢાવાયું છે, એમ પણ કહેવાય છે! હમણાં સાંભળીને ચક્કર આવી જાય એવું લાંબું
નામ જાણવા મળ્યું. સ્પેનનાં રાજવી પરિવારની પુત્રીનું નામ-‘સોફિયા ફર્નાન્ડા ડોલલોરેસ કેયટાના ટેરેસા એન્જેલાડેલા ક્રૂઝ માઈકેલા ડેલ સેનિટસિમો ડેલ પેરપેતુઓ સોકોરો ડે લા સેન્ટિસિમા ટ્રિનિડેડ વાય ડી ટોડોસ લોસ સેન્ટોસ’ રાખ્યું છે! ૧૩૫ અક્ષરોવાળા લાંબા નામમાં રાજકુમારીના મમ્મી-પપ્પા ઉપરાંત નાના-નાની, દાદા-દાદી, ફઇબા-ફુઆ, કાકા-કાકી એમ આખી ફેમિલીવાળાઓનાં નામોને સમાવી લેવામાં આવ્યાં છે…પણ ડોંટ વરી, રાજકુમારીને ‘ડેલ-૩’ના પેટ-નેમ કે હુલામણા નામથી બોલાવાય છે….હાશ !

હમણાં જાપાનમાં જુવાનિયાઓમાં એમનાં વિચિત્ર નામને કારણે માથાંનો દુ:ખાવો ઊભો થયો છે. ૨૪ વર્ષના એક છોકરાનું નામ યુની માત્સુમોટો’ હતું. જાપાનીઝમાં માત્સુમોટોનો અર્થ, ‘કિરા-કિરા’ એટલે કે ચમકદાર થાય છે. માત્સુમોટો જ્યારે સ્કૂલમાં હતો ત્યારે વિચિત્ર નામને કારણે સ્કૂલનાં છોકરાંઓ એની સતત મજાક ઉડાવતા. છોકરો એટલી હદ સુધી કંટાળી ગયો કે એણે સ્કૂલ જ છોડી દીધી. આખરે કોર્ટમાં જઈને સત્તાવાર રીતે નામ બદલાવી નાખ્યું.

જાપાનમાં મોટા ભાગના નામ પરંપરાગત હોય છે, જેને ‘કાન્જી’ તરીકે ઓળખવામાં આવે છે ( જેમ બંગાળીમાં ‘બબલુ’) અહીં જાપાનીમાં ‘કાન્જી’ એટલે કે બાળક મોટું થાય ત્યારે કશુંક બનશે’ એવી મા-બાપ આશા રાખે છે. ‘કાન્જી’માં એક અક્ષર જોડીને અનેક નામ બનાવી શકાય છે કે ‘કાન્જી’ના અક્ષરોના જુદા જુદા ઉચ્ચારો પણ થતા હોય છે. આમ મા-બાપો, અજાણતાં બાળકને કોઇ વિચિત્ર નામ આપી બેસે છે. ઇવન, હવે જાપાનની સરકાર આવા વિચિત્ર નામો પર રોક લગાવવાના પ્રયાસો કરી રહી છે. જાપાનમાં કાયદો બન્યો છે કે- જ્યારે માતા-પિતા, બાળકોનું નામ રજિસ્ટર કરાવે ત્યારે માત્ર નામ જ નહીં પણ એનો ઉચ્ચાર પણ કેવી રીતે કરવો એ પણ લખી આપવાનું! કહે છે કે ૧૫૦૦ વર્ષ પહેલાં જાપાને, ચાઈનીઝ લેખનને અપનાવેલું- જેને લીધે આ વિચિત્ર નામોની મુશ્કેલી ઊભી થાય છે. આપણે ત્યાં ‘મફતલાલ’ કરોડપતિ ને ‘ધનલક્ષ્મી’ રેશનિંગની દુકાને ધક્કા ખાય છે.

ઇન્ટવલ:
હરિ તારા હજારો નામ
કયા નામે લખું કંકોતરી?
આપણે ત્યાં લગ્ન પછી ઘણા પતિઓ, પત્નીનું નામ બદલી નાખે છે. પરણીને ‘રૂપા’, ‘રૂપલ’ બની જાય છે. એનાથી રૂપલનું રૂપ કે રસોઇ બદલાતી જતી નથી ,પણ પતિનો અહમ્ સંતોષાય છે કે જોયું? મેં બૈરીને મારી બનાવી દીધી!’

તેજાબી ને વિવાદાસ્પદ ચિંતક રજનીશજીનું મૂળ નામ ‘ચંદ્રમોહન રજનીશ’ હતું. પછી ટૂંકાણમાં રજનીશ’ કર્યું…પછી ‘આચાર્ય રજનીશ’ બન્યા પછી ભગવાન રજનીશ’ કર્યું, પછી ‘ઝોરબા ધ બુદ્ધ’ કર્યું અને છેવટે ‘ઓશો’ કર્યું. જેમ જેમ રજનીશની ફિલોસોફી બદલાતી ગઇ એમ એમ નામ પણ બદલાતાં ગયાં.

ફિલ્મ લાઇનમાં એવા ઘણા અભિનેતા છે જેમણે નામ બદલતાં જ કિસ્મત બદલાઈ ગઇ હતી. જેમ કે જતીન ખન્નામાંથી ‘રાજેશ ખન્ના’ બનીને એ સુપર-સ્ટાર બન્યા..
એ જ રીતે હરિભાઇ જરીવાલામાંથી ‘સંજીવકુમાર’ ….રવિ કપૂરમાંથી ‘જીતેન્દ્ર’ થયા, પરંતુ દિગ્ગજ અભિનેતા બલરાજ સહાનીના દીકરા અજય સહાનીએ હીરો તરીકે ૩-૪ ફ્લોપ ફિલ્મો આપ્યાં પછી પોતાનું નામ ‘પરીક્ષિત સહાની’ બદલીને જોયું પણ તો યે એની ફિલ્મો ખાસ ના જ ચાલી.

ગુલઝારે કિનારા ફિલ્મમાં ગીત લખેલું: ‘નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા..’
તો ઉર્દૂનાં જાણકાર કવિ મજરૂહે કહેલું : ‘વ્યાકરણની દ્રષ્ટિએ નામ ગુમ જાયેગા’ હોય જ ના શકે..‘નામ ગુમ હો જાયેગા’ હોય! વાત તો સાચી હતી પણ તો યે ગીત હિટ થયું!
ફિલ્મોમાં નામ, હંમેશાં વિવાદ કે વ્યાપારનો વિષય રહ્યા છે..બોલીવૂડમાં અંગ્રેજી (વાય) પર ફિલ્મો નથી ચાલતી એવું મનાય છે. અમે શાહરૂખની એક ફિલ્મ લખેલી અને નામ આપેલું: ‘યેસ બોસ’.. જેને નિર્માતા-વિતરકો સામે પાસ કરાવતાં કરાવતાં અમારે સંતોષીમાતાનાં વ્રત કરવા પડે એવી હાલત થઇ ગયેલી ને આખરે ફિલ્મ સારી ચાલેલી.

એક જમાનામાં સૌ માનતા કે હિંદી ફિલ્મોમાં અંગ્રેજી ટાઈટલ નથી ચાલતાં, પણ ‘જ્વેલથીફ’ કે ‘ગાઈડ’ ખૂબ ચાલેલી અને સાવ ગ્રામીણ વાર્તાવાળી ફિલ્મનું નામ ‘મધર
ઇંડિયા’ જેવું ઇંગ્લીશ હોવા છતાં યે એ સફળ ને અમર થઇ.

નિર્દેશક મહેશ ભટ્ટે બે ભાઈની વાર્તાવાળી ફિલ્મનું ‘નામ’ રાખેલું. ત્યારે ડિસ્ટ્રીબ્યુટરોએ કહ્યું: નામ? આ નામમાં કોઇ અપીલ જ નથી ત્યારે મહેશ ભટ્ટે કહેલું: ‘હર આદમી અપને નામ સે, અપની પહેચાન સે પ્યાર કરતા હૈ, ઈસ સે અચ્છા ટાઈટલ હો હી નહીં સકતા.’…અને ફિલ્મ હિટ થયેલી. ગુજરાતી નાટકોનાં નિર્માતા, નિર્દેશક-અભિનેતા કાન્તિ મડિયાએ એમનાં નાટકોનાં કાવ્યાત્મક ને લાંબાં નામ રાખેલાં, જેમ કે- આતમને ઓઝલમાં રાખ મા. – ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’- ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘સાવ રે અધૂરું મારું આયખું’ – અમે બરફનાં પંખી’.. ત્યારે બધાં જ કહેતા કે આવાં નામો લોકોને સમજાશે જ નહીં….પણ આ બધાં જ નાટકો સુપરહિટ થયેલાં.

રાકેશ રોશન ‘કે’ પરથી જ એમની ફિલ્મના નામ રાખે છે. જેમ કે-એમની ‘કામચોર’ થી લઇને ‘કહો ના પ્યાર હૈ’ સુધી બધી ફિલ્મો હિટ ગયેલી, માત્ર સુપરસ્ટાર શાહરૂખ સાથેની ‘કોયલા’ મહાફ્લોપ હતી!

એકતા કપૂર પણ બધી સિરિયલ નામ ‘કે’ પરથી જ રાખે છે. ‘કયોંકી સાંસ ભી કભી બહુ થી’ કે ‘કુસુમ’ જેવી સિરિયલમાં એણે ન્યુમોરોલોજી પ્રમાણે ૨-૨ વખત ‘કે’ અક્ષર રાખ્યો હતો, છતાં એકતાની ઘણી ‘કે’ પરથી સિરિયલો ચાલી નહોતી.

   ખેર, આ દેશનું નામ ઇંડિયા હોય કે ‘ભારત’  આપણે સૌ તો દેશને એટલો જ ચાહશુંને?! 

એંડ-ટાઇટલ્સ:
આદમ ને ઇવ: ‘બેઉ છે મળેલા જીવ’!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો