દેશમાં આ બધું ચાલ્યા કરે…
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
જુઓ, આપણે ત્યાં થોડી ઘણી ગુંડાગીરી તો થયે જ રાખશે. હવે આપણે એવું સ્વીકારીને ચલાવી લેવું જોઈએ જે પ્રોફેશનલ ચોર છે, એ ચોરી કરશે. ભ્રષ્ટાચાર કર્યા વગર જેમને ચાલતું નથી તેઓ લાંચ લીધા વગર માનશે નહીં. કેટલાક બેંક અધિકારીઓ હેરાફેરી કરવાથી અટકશે નહીં. ક્યાંક ને ક્યાંક હત્યાઓ તો થશે જ ને? કેટલાક લોકો તો કેરોસિન એમની વહુ પર નાખીને બાળશે જ. ક્યારેક રમખાણો પણ થશે. ૧૦-૧૨ વર્ષમાં એક વખત તો કોઈ વિમાન અપહરણ કે આતંકી હુમલો પણ થશે. આમ-તેમ બોમ્બ બ્લાસ્ટ પણ થશે, કારણ કે જેમની પાસે બોમ્બ છે, એ બોમ્બને એના ઘરમાં રાખીને એનું અથાણું તો બનાવશે નહીં. સ્વાભાવિક છે કે એ બોમ્બનો ઉપયોગ ફોડવા માટે જ કરશે.
આપણા દેશના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ, ગુનાઓ પ્રત્યે આવી ઉદાર દ્રષ્ટિ રાખીને ઉદાર, નિર્મોહી, સંત જેવા થઈ જશે તો કેમ ચાલશે? પણ કેટલાકે તો આ દ્રષ્ટિ અપનાવી લીધી છે. તેઓ નકામી માનસિક તાણમાં નથી રહેતા. તમે એમની સાથે વાત કરો તો તેઓ કહેશે કે આવું બધું તો ચાલ્યા કરે!
જેમ કે, હમણાં એક મોટી બેંકના અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું કે નકલી સહી કરીને બીજા લોકોના ખાતામાંથી પૈસા ઉપાડવાના વધતા જતા ગુનાઓ વિશે તમારું શું કહેવું છે? અને તમે એને રોકવા માટે શું કરી રહ્યા છો? ત્યારે એ અધિકારીએ કહ્યું કે આવું તો થતું રહેશે! આમાં કશું કરી શકાય નહીં. બેંકનો ક્લાર્ક તો મૂળ સહી સાથે મળતી આવતી અથવા થોડી આમ-તેમ સહી હોય તો પણ એ ચેક પાસ
કરી દેશે. કેટલાક ખસ કિસ્સાઓમાં તો આવું તો થયે રાખશે.
એવું પણ બની શકે કે જ્યારે તમે તમારો ચેક બેંકમાં લઈને જાઓ ત્યારે ખબર પડે કે કોઈ શ્રીમાન તમારા કરતાં પહેલાં જ ખાતામાંથી પૈસા ઉપાડી ગયા છે. જ્યારે તમે બેંકમાં બેસીને માથું પછાડશો, ત્યારે બેંકવાળા હસ્યા કરશે. હા, ક્યારેક ક્યારેક આવું થઈ જાય છે. ગયા અઠવાડિયે જ એક ખાતાધારકના ૫૦ હજાર રૂપિયા જતા રહ્યા. હા..હા..હા…આવું તો ચાલ્યા કરે! ચાલો, ભૂલી જાવ અને પૈસા જમા કરાવો. અમારી બેંક તમને સેવા આપવા તૈયાર છે. ‘યુ આર ઓલ્વેઝ વેલકમ!’
બેંકના ઉચ્ચ અધિકારી મહોદયે પત્રકારોને કહ્યું કે આ મામલામાં કંઈ પણ નહીં કરી શકાય, કારણ કે કંઈ પણ કરવાથી એ લોકોને જ તકલીફ પડશે જેમની સહી નકલી નથી.
આને કહેવાય અધિકારીઓની ઉદાર, સંત જેવી અવસ્થા. બીજાના દુ:ખથી ઉપર જઈને વિચારો. મરો તમે મરતા હોવ તો. તમારા પૈસા ચોરાઈ ગયા. એમાં અમારા બાપનું શું બગડવાનું? અમારું કામ છે ચેક પાસ કરવાનું. તમારે તમારી સહી છુપાવીને રાખવી જોઈએને. હવે, સહી છુપાવીને કેવી રીતે રાખી શકીએ? માણસ ચિઠ્ઠી લખવાવાળો અને ચેક પર સહી કરવાવાળો પ્રાણી છે. કેટલાક ખાસ જીવો માગવા પર ઓટોગ્રાફ પણ આપી દે છે. એવામાં કોઈની પણ સહી મેળવવી સરળ છે. અને બેંકમાંથી એના નામની ચેક-બુક મેળવવી તો એનાથી પણ વધારે સરળ છે. એ તો બેંક કર્મચારી એના હિસ્સાની ટકાવારી નક્કી થતાં જ આપી દે છે.
હવે ખાતાધારકોએ એમના પૈસા ઘણી બેંકોમાં વહેંચીને રાખે અને ભગવાનને પ્રાર્થના કરતા રહે કે કમસેકમ એક બેંકમાં તો એમના પૈસા સચવાયેલા રહે. બેંકના અધિકારીઓ એમના પૈસાની ગુનેગારોથી રક્ષા નહીં કરી શકે. હવે એ ભગવાન, એ ઉપરવાળો જેણે તમને પૈસા આપ્યા છે, એ જ તમારી રક્ષા કરશે.
અધિકારીનું કહેવું છે કે સહીઓની કડક તપાસ અથવા એના પર શંકા કરવાથી જેમની સહીઓ સાચી છે એમને તકલીફ પડશે. હું કહું છું કે હવે બધાના પૈસા ખોટી સહીથી ઉપાડી લેવામાં આવ્યા હશે તો સાચી સહીવાળા ચેક બેંકમાં આવશે જ કઇ રીતે? અને એકવાર બેંકનો સ્વભાવ જ ખોટી સહીવાળા ચેક પાસ કરવાનો થઈ જશે તો અસલી ખાતાધારકો પણ ખોટી સહી કર્યા વગર પોતાનો ચેક પાસ નહીં કરાવી શકે!