લગ્ન મંડપમાં લાઠીચાર્જ: પ્યાર કરના મના હૈ
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ:
લવ ને લાગણી, છાની ભાષા છે. (છેલવાણી)
એક છોકરીના પપ્પાએ, એને છોકરા સાથે કિસ કરતાં પકડી પાડી. પપ્પાએ છોકરાને ખૂબ ધમકાવ્યો ત્યારે છોકરાએ ભોળાભાવે કહ્યું,
‘સર, હું તો ખાલી એના હોઠોમાં ગીત ગણગણી રહ્યો હતો!’
શૃંગાર-શાસ્ત્રમાં ચુંબન, ઊંડો ને રસાળ વિષય છે, પણ એમાં ઊંડા નહીં ઊતરીએ. હમણાં કિસનો કમાલનો કિસ્સો સાંભળ્યો. યુ.પી.ના હાપુડમાં લગ્ન-વિધિ દરમિયાન વરરાજાએ વરમાળા પહેરાવ્યાં પછી દુલ્હનને કપાળ પર વ્હાલથી હળવી કિસ કરી. આ જોતાંવેત જ છોકરીના પરિવારવાળાઓ સખત ભડકી ગયા ને ભારે હોબાળો મચાવ્યો. એ ઝગડા પછી વાત ત્યાં સુધી પહોંચી કે વર-ક્ધયા પક્ષ વચ્ચે ભારતની વિધાનસભાઓની જેમ ખુરશીઓ ઉછળી, બૂફે-જમણની થાળીઓ ફ્ંગોળવામાં આવી. જાનૈયાઓની જાન લેવાની ધમકીઓ અપાઇ. મેરેજ મંડપમાં મારામારી મચી ગઇ. ૨-૪ લોકોને માથામાં ખૂબ વાગ્યું ને હસ્ત-મેળાપના બદલ લોકોના હસ્ત-પગ ભાંગ્યા. પછી પ્રેમ-વિવાહનાં પંક્ચરની વાત, પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ!
આખરે દુલ્હો એની ભાવિ દુલ્હન વિનાં લીલાં તોરણેથી પાછો ફર્યો. જો કે જિદ્દી દુલ્હન બીજા જ દિવસે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે બાબુલને બાય-બાય કહ્યાં વિના ઘરેથી ભાગી ગઇ અને દુલ્હાનાં ઘરે ચૂપચાપ લગ્ન કરી લીધા! પછી પતિ-પત્ની, સંકુચિત સમાજથી કંટાળીને કોઇ હિલસ્ટેશને હનીમૂન માટે મામલો શાંત પડે ત્યાં સુધી નાસી ગયાં.
વેલ, પશ્ર્ચિમી કલ્ચરમાં તો ચર્ચમાં અંગૂઠીની આપ-લે એટલે આપોઆપ પાદરી દુલ્હા-દુલ્હનને સત્તાવાર કિસ કરવાનું કહે છે. જો કે આપણું કલ્ચર, કિસ વગેરે માટે અલગ છે ને અહીં છાકટાં પ્રેમ-પ્રદર્શનનાં સમર્થનની બિલકુલ વાત નથી, પણ જે દેશમાં, સદીઓ અગાઉ વાત્સ્યાયન મુનિના ‘કામશાસ્ત્ર’માં ચુંબન-આલિંગનના અનેક પ્રકારો વર્ણવ્યા હોય ત્યાં આજે ય એક દુલ્હો-દુલ્હનને કપાળે કિસ ના કરી શકે? સામાન્ય રીતે શાલીનતાથી હાથ પર, દોસ્તાના રીતે ગાલ પર, આદરથી માથા પર કે પ્રેમાવેશમાં હોઠ પર ચુંબન કરવામાં આવે છે. પાશ્ર્ચાત્ય જીવનશેલીમાં, કિસ બહુ સહજ છે, પણ આપણે ત્યાં થોડાં વરસો પહેલાં પણ ફિલ્મોમાં યે પ્રેમીઓની કિસ ને કેમેરા વચ્ચે અચાનક ફૂલો-પાંદડાઓ- છત્રીઓ, સેંસર બોર્ડનાં ટપાલી બનીને ટપ્પ દઇને ટપકી પડતાં. વળી, આપણે ત્યાં સમાજમાં ધર્મ-જાતિ-ભાષા પર નફરત ફેલાવવી માફ છે, પણ સહજ પ્રેમ, આપણને અસહજ કરી મૂકે છે.
૧૯૮૦ના દાયકામાં પ્રેમ રોગ- સૌતન કે વો સાત દિન જેવી ફિલ્મોની અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ, મુંબઇમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને જાહેરમાં કિસ કરીને હાહાકાર મચાવી દીધેલો ને લોકો પદ્મિની કોલ્હાપુરેને કોલ્હાપુરી ચપ્પલથી ફ્ટકારવા સડક પર ઊતરી આવેલા! ત્યારે ને આજે ય આપણી સંવેદનાઓ, રોડ પર સૂ-સૂ કે છી-છી કરવાથી લજવાતી નથી , પણ પપ્પીથી લજવાઇ જાય છે. જાહેરમાં હાથ પકડવાથી હલી જાય છે, પણ કૌભાંડમાં હાથ કાળા કરનારા અહીં ભૂલાઇ જાય છે. ફોન, મીડિયા-સોશ્યલ મીડિયામાં દિન-રાત નફરતી ઝેર ઓકનારાઓ ચાલશે પણ પોતાની જ પરણેતરને પ્રેમ કરનારા પીટાઇ જાય છે!
ઇંટરવલ:
હોઠોં સે છૂ લો તુમ,
મેરા ગીત અમર કર દો. (ઇંદિવર)
૧૯૯૭ની હિટ ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’નાં એક લવ-સીનમાં આમિર ખાને હિરોઈન કરિશ્મા કપૂરને કસકસતી કિસ કરવાની હતી. બિચારા પર્ફેક્શનના આગ્રહી આમિરે કિસિંગ સીનનાં અનેક રિહર્સલ્સ કર્યાં કે સતત પ્રેકટિસ કરે રાખી. પછી આખરે એ શૃંગારિક કિસિંગ-શોટને ફરી ફરી શૂટ કરાવીને આમિરે એટલા બધા રિટેક્સ કર્યા કે સેટ પરનાં સૌ કંટાળી ગયા. ત્યારે એ કિસ્સો બહુ ચગેલો અને ફિલ્મનાં એક આસિસ્ટંટે કહેલું: એ દિવસ પછી ફિલ્મ-યુનિટમાંની એકપણ વ્યક્તિને કમસેકમ ૧ વરસ સુધી કિસ કરવાનું મન નહીં થયું હોય!
એક ચાઇનીઝ ફિલ્મમાં એક કપલ એટલું કડકું હતું કે બસ ટિકિટનાં પૈસા નહોતા એટલે કોલેજનું બસ-સ્ટોપ આવતાં જ બસમાં કિસ કરવાની ખોટેખોટી એક્ટિંગ શરૂ કરી, ભડકેલા કંડક્ટરે આ હરકત જોઇને એ કપલને તરત જ બસમાંથી ઉતારી મૂક્યું અને ટિકિટ વિનાં બેઉ કોલેજ પહોંચી ગયા. કિસનો આ પણ કમાલનો કિસ્સો છેને?
કહેવાય છે કે એક કિસ કરવાથી લગભગ શરીરમાંની ૨૦ કેલરી બાળી શકાય. આ રીતે પણ કસરત થતી હશે એની આપણને હમણાં ખબર પડી એટલે વજન ઉતારવાની આ નેચરલ ટેકનિક પણ અજમાવી શકાય. વળી તમે માનશો કે થોડા વરસ આગાઉ દુનિયામાં સૌથી લાંબી કિસ કરવાની સ્પર્ધા પણ યોજાયેલી! એ સ્પર્ધામાં, થાઈલેંડ દેશના એક કપલે સતત ૫૮ કલાક ૩૫ મિનિટ એટલે કે પૂરા ૨ દિવસને ૧ કલાક સુધી લાંઆઆઆબી કિસ કરી ‘ગિનેસ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં ચુંબન-ચેંપિયન તરીકે નામ નોંધાવી નાખેલું! અમને તો થાય છે કે એ કપલ, વચ્ચે વચ્ચે શ્ર્વાસ લેવા કે પાણી પીવા-જમવા માટે રોકાયા હશે કે સતત ચુંબકની જેમ ચુંબનમાં ચોંટેલા જ રહ્યા હશે?
વેલ, આવી કમાલની કિસની લંબાઇ, કુલ કલાકોમાં નહીં પણ કિલોમીટરમાં માપવી પડે! ત્રૂફો નામના જાણીતા ફ્રેંચ નિર્દેશકની ‘ડે ફોર નાઇટ’ નામની ફિલ્મમાં ફિલ્મ એટલે કે ફિલ્મ શૂટિંગની વાર્તા હતી. એમાં ફિલ્મના સેટમાં આસિસ્ટંટ ડિરેક્ટર છોકરો અને ડ્રેસ-ડિઝાઈનર છોકરી વચ્ચે રસીલો રોમાંસ શરૂ થઇ જાય છે. એકવાર એ ફિલ્મમાં ડાયરેક્ટરે એનાઉન્સ કર્યું, ‘હવેના સીન માટે હિરોઇનની આખી હેર-સ્ટાઇલ ચેંજ કરવામાં આવે’ આ સાંભળતાં જ આસિ. છોકરો, પેલી છોકરીને સ્ટુડિઓના ખૂણામાં ખેંચીને કહે છે : જો સાંભળ, હિરોઇનને હેરસ્ટાઇલ ચેંજ કરવામાં કમસેકમ ૧૫-૨૦ તો મિનિટ તો લાગશે, આપણી પાસે ૧૫ મિનિટમાં ૫ કિસ કરવાનો સમય છે! આને કહેવાય સમયનો સુંદર સદુપયોગ: ચુંબન ચોરીને!
એન્ડ ટાઈટલ્સ :
આદમ: એક કિસ કરું?
ઇવ: આટલું બધું પૂછવું હોય તો રહેવા…