લક્ષ્મીજી પધાર્યાં
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
ધનતેરસના શુભ દિવસે સવારે મહાલક્ષ્મી માતાની પૂજા કરવા બેઠેલા મેહુલ અને સ્નેહાએ બે હાથ જોડીને પ્રાર્થના કરી:- ‘હે પ્રભુ, અમે ધર્મના પંથે ચાલીએ, સત્કર્મ કરીએ એવી કૃપા કરજો.’ જો કે મેહુલની નજર તો લાલ રંગની સાડીમાં સજ્જ થઇને બાજુમાં બેઠેલી સ્નેહા પર ઠરેલી હતી. એણે મજાકમાં કહ્યું, – ‘દેવી, મારા પર સદાય પ્રસન્ન રહેજો.
તારા સતત વરસતા આ પ્રેમના વરસાદમાં આ સ્નેહા રગેરગ ભીંજાઈ જ ગઈ છે. લગ્ન પછીની આ આપણી પહેલી દિવાળી- મેહુલ, પ્રભુની કેટલી કૃપા છે કે મને પ્રેમાળ અને સમજુ એવો તું મળ્યો છે – સ્નેહાએ કહ્યું.
બીજી બાજુ મૂછમાં હસી રહેલા ગોરમહારાજે કહ્યું- આપણે પૂજા આગળ કરીએ જુઓ, પ્રભુકૃપા અને માતા-પિતાના આશિષ સદાય સંતાનો સાથે જ હોય છે. – ગોરમહારાજે આગળની પૂજાવિધિ શરૂ કરી.
Also read: ગામડામાં જ નહીં, હવે તો શહેરોમાં પણ ઉગાડવામાં આવે છે ફળ ને શાકભાજીઓ
સ્નેહા અને મેહુલના લગ્ન હમણાં ચાર મહિના પહેલાં જ થયાં છે. મેહુલના ઘરમાં સ્નેહાનાં પગલાં પડ્યાં જાણે આખા ઘરમાં નવો પ્રાણ પુરાયો. મેહુલના જીવનમાં એક અદ્ભુત ચેતના જાગી. કોલેજમાં ભણતો મેહુલનો નાનો ભાઈ આનંદ તો ભાભીનો ખાસ મિત્ર થઈ ગયો. ભાભીએ મા ની ખોટ જાણે પૂરી દીધી.
સાંજે આંગણામાં સ્નેહાએ રંગોળી કરી, ઉંબરા પર મહાલક્ષ્મીના પગલાં પાડ્યાં. પછી દીવડાં મૂકી રહેલી સ્નેહાને જોતાં જ મેહુલે કહ્યું- યા દેવી સર્વ ભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ:. હવે આગળ બોલતાં એનો અવાજ ભીંજાયો-યા દેવી સર્વભૂતેષુ માતૃ-રૂપે-ણ
સ્નેહાએ તરત જ મેહુલનો હાથ હાથમાં લેતાં કહ્યું- મેહુલ, હું છું ને તારી સાથે-આમ મમ્માને યાદ કરીને દુ:ખી ન થા. એમની યાદમાં કોઈ દુખિયારાને મદદ કર. એમના અધૂરાં કામ પૂરાં કર.
પણ, સ્નેહા આમ અચાનક જ મારું બધું જ લૂંટાઈ ગયું. હું અને મારો ભાઈ સાવ નોંધારા એકલા થઈ ગયા. કોરોના એટલો ભયાનક નીવડશે, એવું તો કોઈએ ય જાણ્યું નહીં હોય. સ્નેહા, કોરોના મારા મા-બાપને ગ્રસી ગયો. મેહુલે રડમસ અવાજે કહ્યું.
સ્નેહા બોલી, આપણા લગ્ન જો કોરોના ફેલાયો તે પહેલા થયા હોત તો મને એમની સાથે રહેવાનો લ્હાવો મળ્યો હોત. મને પણ એમનું વાત્સલ્ય ન મળ્યું. પણ, લાઈફ મસ્ટ ગો ઓન.
Also read: ડોનલ્ડ ટ્રમ્પની જીત અમેરિકનોની ખરી માનસિકતા છતી થઈ ગઈ છે !
કોરોના કાળના દૈત્યે જગતભરમાં ભરડો લીધો હતો. પોતાના જ ઘરમાં બંદી બનીને મૃત્યુના સોદાગરના પડઘા સતત સંભળાતા હતા. આ કપરા કાળમાં સમાજસેવકો, હોસ્પિટલોની સેવા, ઓનલાઈન મળતી મેડીકલ સલાહ, વેકસીન રસીની શોધ માટે મથતા જગતભરના વૈજ્ઞાનિકોએ કરેલો યજ્ઞ કેમ ભૂલી શકાય? પણ સ્નેહા, મોતનું એ તાંડવ મેં નજરે જોયું. મારી નજર સામે જ એ દૈત્ય મારાં — બોલતાં મેહુલ સ્નેહાના ખભે માથું મૂકીને ડૂસકે ડૂસકે રડવા લાગ્યો.
સ્નેહા એને હાથ પકડી બેડરૂમમાં લઈ ગઈ. એને પલંગ પર બેસાડતાં કહ્યું- લે, થોડું પાણી પીલે. મમ્મી-પપ્પાનું આમ અચાનક કોરોનામાં હોમાઈ જવું એ કોઈનાથી સહન ન જ થાય. પણ, હિંમત રાખ-હવે તું એકલો નથી. હું તારી સાથે છું. પપ્પાની કંપનીને આપણે મલ્ટીનેશનલ બનાવવાની છે, ને!
જો, આજે મમ્મી-પપ્પા હોત તો આપણે બધા સાથે કેટલી મજા કરત. પણ, મેહુલ, આપણે તારા નાના ભાઈ આનંદને ખૂબ પ્રેમ આપવાનો છે, એને તો એમ.એસ.કરવા યુ.એસ. મોકલશું. તારે આનંદનું ધ્યાન રાખવાનું છે. સ્નેહાએ સહૃદયભાવે કહ્યું.
પણ મેહુલના મનમાંથી કોરોના હટતો ન હતો. એની નજર સામે અંધારૂ છવાઈ ગયું. પેલા ગોઝારા દિવસની યાદ તાદૃશ થઈ ગઈ.
સ્નેહા, મને બધું યાદ આવે છે, મમ્મી પપ્પા બંનેને કોરોના થઈ ગયો હતો. એટલે એ બંને જણા એમના બેડરૂમમાં પુરાઈ રહેતા હતા, હોમ કોરોનટાઈનમાં હતા. હું અને મારો નાનો ભાઈ, આનંદ હોલમાં બેસી રહેતા. આવું લગભગ આઠ દિવસ ચાલ્યું. મમ્મી અને પપ્પા બંને બેડરૂમમાં હોમકોરોનટાઈનમાં હતાં. હું અને આનંદ કૂકરમાં ખીચડી કે મસાલા ભાત બનાવી લેતા. દૂધ- શાક કે ફળફળાદિ સોસાયટીનો વોચમેન આપી જતો.
કોરોનાની તીવ્રતા ઓછી ન થતાં ફેમિલી ડોકટરે મમ્મી-પપ્પાને હોસ્પિટલમાં ખસેડવા કહ્યું. એમ્બ્યુલંસ આવી અને બે નર્સ અને એક વોર્ડબોય મારાં મમ્મી પપ્પાને લઈ ગયાં. હું અને આનંદ રાંક બનીને જોઈ રહ્યાં. એમ્બ્યુલંસમાં બેઠી બેઠી મારી મમ્મી અમને બંનેને ફીકી આંખે અમારા તરફ જોઈ રહી હતી, વહાલ કરવા તડપતી હતી, અમે પણ એમને ભેટવા અધીરા હતા. પણ, પેલો દૈત્ય મોઢું ફાડીને સામે જ ઊભો હતો. એમની પાસે ન જવાય, એમને અડકાય પણ નહીં.
હે, શ્રીનાથજી મારાં છોકરાંનું રક્ષણ કરજે. જતાં જતાં મા બોલી હતી. જો, બેટા હિંમત રાખજે, ગભરાતો નહીં. હું પાંચ-છ દિવસમાં જ આવી જઈશ. પપ્પાએ કહ્યું હતું.એ આખી રાત હું અને આનંદ ખૂબ ગભરાયેલા હતા.
બીજે દિવસે મેં હોસ્પિટલમાં ફોન કર્યો, પપ્પાની એટેંડેટે કહ્યું કે એમની સ્થિતિ ગંભીર છે. પપ્પા બીજે માળે અને મમ્મી પહેલે માળે હતા, કોરોના મચક આપતો ન હતો. અને સ્નેહા, પાંચમે દિવસે હોસ્પિટલમાંથી જ સમાચાર મળ્યા- સોરી, યોર ફાધર ઈઝ નો મોર. એઝ પર પ્રોસિજર તમને એમની બોડી નહીં મળે.
મારી મા દેવયાની કેમ છે હું માંડ માંડ પૂછી શક્યો. જુઓ, એમનો તાવ ઓછો છે, પણ કંઈ કહી ન શકાય. મારી મા-દેવયાનીને તમે જણાવ્યું. મેહુલે પૂછયું. હજુ સુધી કહ્યું નથી. હમણાં જણાવવું યોગ્ય નથી. નર્સે કહ્યું.
ફોન મૂકીને હું અને આનંદ ખૂબ રડ્યા. પછી હિંમત રાખીને કાકા. મામા, ફોઈને જણાવ્યું. એક અઠવાડિયા પછી મારી મા પણ પપ્પાની જેમ અમને છોડીને જતી રહી. બોલતાં મેહુલ સૂનમૂન થઈ ગયો.
થોડી વારે સ્વસ્થ થતાં મેહુલે કહ્યુ:- સ્નેહા, તેં મને હંમેશા કપરા કાળમાં સાથ આપ્યો છે. તું મારી જીવનસંગિની બની તેથી હું ધન્ય થઈ ગયો.
Also read: ઔર યે મૌસમ હંસીં… : દિવાળી: સુખ તો વાતોના તડાકામાં છે, ભોગવી લેજો..!
એ પછી ચાર વર્ષે આપણા લગ્ન થયા, અને લગ્ન પછીની આ આપણી પહેલી દિવાળી છે. આપણાં ઘરમાં તું સાક્ષાત લક્ષ્મી થઇને આવી છે. ત્યાં સાંજની પૂજા કરાવી રહેલા ગોર મહારાજ બોલ્યા, -યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા.