આપણી આઇટેમ, ફોરેનની માર્કેટ કલા પર અવેલેબલ લેબલ!

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
આ દેશમાં જ્યાં સુધી પાડોશી આંખ ન મારે ત્યાં સુધી લોકોને એમની પત્નીઓ સુંદર નથી લાગતી. એ જ રીતે જ્યારથી વિદેશોમાં ભારતીય કલ્ચર અને કળાકૃતિઓનું વેચાણ વધવા માંડ્યું છે, ત્યારથી ભારતીયોમાં પણ આપણી ભારતીય કળા વિશે શોખ જાગ્યો છે. ઇંડિયનો પણ ભારતીય હસ્તકલાની દુકાનોમાં હવે વધારે આંટાફેરા મારવા માંડ્યા છે. ખાદી અને હસ્તકલાનું ખરેખર તો ત્યારે જ જોરદાર વેચાણ થાય છે, જ્યારે મોટું વાર્ષિક સેલ આવે છે. લોકો આખું વર્ષ રાહ જુએ છે કે ક્યારે સેલ શરૂ થાય અને અમે ચાદર-તકીયા ખરીદીએ. પણ નવાઈ તો ત્યારે લાગે છે જ્યારે વેચનાર પણ એ જ સીઝનની રાહ જોઈને આખું વર્ષ હાથ પર હાથ રાખીને બેઠાં રહે છે.
આપણા દેશમાં પરાણે ખાદી પહેરનારા કહેવાતા નેતાઓ પણ દર વરસે કાગડોળે ખાદી સસ્તી થવાની રાહ જોતા હોય છે. આઝાદી બાદ હવે તો લગભગ નિયમ બની ગયો છે કે ગાંધીજીની ફિલોસોફી ગઇ તેલ લેવા પણ કમસેકમ ખાદીનાં ક્ષેત્રેમાં એમને જીવતા રાખવા હોય તો ખાદીમાં થોડું ડિસ્કાઉંટ આપો, નહીં તો ૧૦-૨૦ વર્ષમાં ‘ગાંધી, ખાદી ને ગ્રામોદ્યોગ’ ક્યાં ગુમ થઈ જશે એ ખુદ ગાંધીને ય કલ્પના નહીં હોય!
છેક ૨૫-૩૦ વરસ અગાઉ મુન્ના નામનું એક ભારતીય રીંછ, પેરિસના કોઇ ફેસ્ટિવલમાં પોતાની કળા દેખાડીને આવેલું ત્યારે આપણા દેશનાં લોકો એ રીંછનાં ડાન્સ તરફ અચાનક આકર્ષાવા માંડેલા, જાણે રીંછ કોઇ હેલન કે ગોપી કૃષ્ણ જેવું વિખ્યાત ડાન્સર ના હોય! અગાઉ પણ ગામેગામ ગલીગલી રીંછનાં ખેલ થતાં જ હતા, રીંછ પહેલાં પણ કમર લચકાવીને નાચતાં જ હતા પણ ત્યારે રસ્તા પર જતા આવતા ઈંડિયન લોકો પાસે મામૂલી રીંછ માટે ઊભા રહેવાનો સમય નહોતો. એક સમયે, એ મુન્ના નામાનં રીંછ પર આર્ટિકલો અને ફોટા, અનેક છાપાઓમાં છપાવા લાગ્યા.
આખી વાતનો સાર એ કે ભારતીય કળાનો જે માલ ભારતમાં જ વેચાતો નહોતો તે હવે વિદેશોમાં યોજાતા મહોત્સવોમાં ઘણો વેચાઈ રહ્યો છે. આમ ને આમ વિદેશીઓ ક્યાંક ધીમે ધીમે આપણાં નકામા કલાત્મક દેસી માલને હજમ કરનારી કચરાપેટીઓ ના બની જાય! ખરેખર સત્ય તો એ છે કે આપણી બજારમાં આપણી કલાનાં માલની ઘટતી માંગને કારણે શુદ્ધ, પ્રાદેશિક કલા હવે સાવ અદૃશ્ય થઈ ગઈ છે. રાજસ્થાની દુપટ્ટા કલકત્તામાં બને છે, બંગાળની બાટિક પ્રિન્ટ મધ્ય પ્રદેશમાં બને છે, કોલ્હાપુરની ચપ્પલ કાનપુરમાં બને છે, આર્ટિફિશ્યલ કોસા સિલ્ક બનાવવામાં આવે છે, ટેરીકોટમાંથી ખાદી ઈફેક્ટ બનાવવામાં આવે છે. કોઈપણ પ્રદેશની કળાની ક્વોલિટી કે એનાં વિશિષ્ટ રંગો, હવે બીજા પ્રદેશો દ્વારા અપનાવાય છે. બંગાળ, આજે જે મીઠાઇ બનાવે છે તેના નમૂના લઈને હવેથી ગુજરાતે બનાવવાનું શરૂ કરશે. આજે દેશમાં પંજાબી ફૂડ આઇટેમો, દેશનાં હાઇ-વેમાં ધાબે-ધાબે એટલી વેંચાય છે, જેટલી તો ખુદ પંજાબમાં પણ નથી વેંચાતી. ઈન શોર્ટ, આપણાં દેશમાં ખાદી હોય કે ખાણીપીણી, બધું અહીંનું તહીં થઇને ભેલસેળિયું થઈ ગયું છે.
આવી સ્થિતિમાં છેતરપિંડી કરવી અને જૂઠું બોલવું સ્વાભાવિક છે અને એ માટે વિદેશ જ શ્રેષ્ઠ જગ્યા કે માર્કેટ છે. વિદેશોનાં મહોત્સવોની મદદથી આપણી સ્વદેશી વસ્તુઓ ગમે તે રીતે ગમે તે ભાવે, ત્યાં વેંચી મારો અને પછી વધેલી આઇટેમોને અહીં ભારતમાં વાર્ષિક સેલ અને ડિસ્કાઉન્ટની મદદથી વેંચી નાખો. મતલબ કે ટૂંકમાં ભારતીય કળાની પ્રગતિ, આ રીતે થઈ રહી છે. ભારતીય બજારોની સ્થિતિ એવી છે કે અહીં બિચારી સસ્તી વસ્તુઓ, અમીર ઘરાકોની રાહ ગમે તે ભાવે જુએ છે અને મોંઘી વસ્તુઓ, ગરીબ ગ્રાહકોની રાહ જુવે છે! હેન્ડલૂમની સાડી ખરીદનાર ગ્રાહકો મર્સિડીસમાં બેસીને આવે છે અને ટેરીકોટન કે નાયલોનના કપડાં ખરીદનાર ગ્રાહકો પગપાળા કે બસમાં આવે છે.
સસ્તા હેન્ડીક્રાફ્ટસનું સદભાગ્ય એ છે કે એના ચાહકો કે ગ્રાહકો, ભારતીય કે વિદેશી એવા અમીર લોકો છે. જો ભારતના ગરીબ લોકો આવી હસ્તકળાની વસ્તુઓ ખરીદે અને ઘરને સજાવવા લાગે તો અમીર લોકો એ વસ્તુઓ તરફ નજર પણ ન નાખે. આપણી કલાનાં કૌશલ કે સ્કિલ તરફ ધ્યાન કોણ આપે છે? જ્યાં સુધી એ વિદેશીઓ આપણી કળાને ચાહીને પણ ખરીદનાર તરીકે આપણને સતત નીચા દેખાડે રાખે છે, ત્યાં સુધી આવું જ ચાલુ રાખશે.