કેવાયસી: મની લોન્ડરિંગ નિયમોની ઐસીતૈસી…
બેફામ રીતે ગ્રાહકો વધારવાની ફિનટેક કંપનીઓની આ ગેમ ઘણી જોખમી પુરવાર થઈ શકે!
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
પેટીએમ પ્રકરણને કારણે પેનિક થવાની જરૂર નથી એવું સરકાર કહે છે, પણ કેવાયસી( નો યોર કસ્ટમર ) ના પાલનનો અભાવ અને મની લોન્ડરિંગ એ સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય ખરો. આના નિયમોની ઐસીતૈસી કરી આડેધડ ગ્રાહકો વધારવાના પેમેન્ટ બેંકો-ફિનટેક કંપનીઓના મનસુબા બધા માટે મોટી મુસીબત ઊભી કરી શકે છે. પેટીએમ સામે રિઝર્વ બેન્કનાં પગલાંનો કિસ્સો તાજો છે ત્યારે હવે કેવાયસીના યોગ્ય પાલનના અભાવે અને મની લોન્ડરિંગની શકયતા ધ્યાનમાં રાખી હાલ વધુ પેમેન્ટ બૅન્કો ચકાસણી હેઠળ આવી ગઈ છે, આશરે હજારો એકાઉન્ટસ કેવાયસી વિનાના હોવાથી શંકાસ્પદ અને અમુક નાણાંની હેરફેર પણ સંદેહનો વિષય બન્યા છે. આવી બૅન્કો તેમના ચોકકસ વ્યવહારો રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહી છે. એમના બેનિફિસિયરી ઓનર્સની વિગતો પણ જાળવતી નથી. સિંગલ પેન-પરમેનન્ટ એકાઉન્ટ નંબરનો ઉપયોગ અનેક લોકો કરી રહયા હોવાનું પણ નોંધાયું છે.
કેવાયસીની ઉપેક્ષા નહી ચાલે…
યોગ્ય કેવાયસી પ્રક્રિયાનું પાલન કર્યા વિના ગ્રાહકોને વધારવા બદલ બેઝિક બૅન્કિંગ સેવાઓ પૂરી પાડવાનું બંધ કરી દેવાનો ભારતીય રિઝર્વ બૅન્કે(આરબીઆઈ) પેટીએમ પેમેન્ટ્સ બેન્કને ૩૧ જાન્યુઆરીએ આદેશ આપીને સૌને ચોંકાવી દીધા હતા. જો કે પછીથી આરબીઆઈએ પેટીએમના ગ્રાહકોના હિતમાં નિર્ણય લઈને પેટીએમની અમુક સેવાઓની સમયમર્યાદા ૨૯ ફેબ્રુઆરીથી વધારીને ૧૫ માર્ચની કરી છે. બૅન્કિંગ રેગ્યૂલેટરે બે વર્ષ પહેલાં પણ પેટીએમને ચેતવણી આપી હતી કે તે કેવાયસી પ્રક્રિયાનું બરાબર પાલન કરે, પણ એ થયું નહીં એટલે આરબીઆઈએ આખરે આંખ લાલ કરવી પડી. કેવાયસી પ્રક્રિયાનું પાલન ન કરવા બદલ આરબીઆઈ ભૂતકાળમાં પણ બીજી અનેક ફિનટેક કંપનીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી ચૂકી છે. આરબીઆઈ ફિનટેક ક્ષેત્રમાં નવીનતા લાવવા માગે છે. પેટીએમ સામે પગલું ભરીને તેણે સેક્ટરને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે કંપનીઓએ નવીનતાઓને ઝડપથી અને સરળતાપૂર્વક અપનાવવાની છે, પરંતુ આ બધું કેવાયસી પ્રક્રિયા કે અન્ય નિયમોના ભોગે તો નહીં જે ! આરબીઆઈ
આ ઉદ્યોગનું મહત્ત્વ સમજે છે તેથી જ તેનું નિયમન મજબૂત બનાવી તેની વિશ્ર્વસનીયતા વધારવા માગે છે.
શંકાસ્પદ વ્યવહાર….
ફિનટેક કંપનીઓના પ્રોડક્ટ્સ અને સેવાઓ પર ચાંપતી નજર રાખતી આરબીઆઈનું કહેવું છે કે અમુક કમર્શિયલ પેમેન્ટ્સને થર્ડ-પાર્ટી ઈન્ટરમીડિયરીઝ મારફત વાળવામાં આવે છે. આ પ્રવૃત્તિ આરબીઆઈએ ઘડેલા પેમેન્ટ અને કસ્ટમર ઓળખને લગતા નિયમોની વિરુદ્ધ છે.
ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટના અભ્યાસ મુજબ આશરે ૫૦,૦૦૦ જેટલા એકાઉન્ટ્સ કેવાયસી વેરિફિકેશ વગરના છે અને તે શંકાસ્પદ સોદાઓ કરે છે, જે મની લોન્ડરિંગની પ્રવૃત્તિઓ હોઈ શકે છે. આ ચેતવણી બાદ આરબીઆઈ વધુ પેમેન્ટ બૅન્ક્સ સામે પગલું ભરે એવી ધારણા છે.
કંપનીઓ સામેના પડકાર…
ડિજિટલ વોલેટ પ્રોવાઈડર્સની એવી દલીલ છે કે એમના બિઝનેસ મોડેલ વિસ્તારિત કેવાયસી અનુપાલનને સપોર્ટ કરતા નથી, કારણ કે એમાં વિક્ડિયો અને વ્યક્તિગત સમર્થન સાથે ખર્ચ વધી જાય છે. વળી, નાના શહેરોમાં ગ્રાહકોને જોડવામાં માળખાગત અનેક પડકાર પણ છે.
બીજી તરફ, સ્વાભાવિક છે કે પેટીએમ સામે પગલું ભરતી વખતે આરબીઆઈએ બિઝનેસ મોડેલ માટે નિયમ-પાલનના બોજના મુદ્દા પર ચોક્કસપણે ધ્યાન આપ્યું જ હશે. સાથોસાથ, આરબીઆઈએ એ વાત ઉપર પણ વિચારવું પડશે કે ટેલિકોમ અને બૅન્કિંગ ઉદ્યોગ ડિજિટલ સોદાઓના તંત્ર માટે ઉત્તમ છે કે
પછી તેના સંચાલકોની કોઈ અલગ કેટેગરી બનાવવાની જરૂર છે….?
વ્યવહારોની સલામતી…
નાણાં મંત્રાલય દ્રારા હાલમાં જ ઉદ્યોગના આગેવાનો સાથે એક બેઠક યોજાઈ ગઈ, જેમાં
કેવાયસીને લગતા મુદ્દાઓ પર તેમજ ઓનલાઈન પેમેન્ટ્સ મારફત છેતરપિંડી રોકવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. સરકારનો હેતુ એવી જડબેસલાક સિસ્ટમ સ્થાપિત કરવાનો છે કે ગ્રાહકોનાં નાણાં વૈશ્ર્વિક ઋઅઝઋ (ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)ના નિયમોને અનુરૂપ રહે. આરબીઆઈ બેન્કિંગ સેક્ટરની નિયામક સંસ્થા છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ મની લોન્ડરિંગના કેસોમાં તપાસ કરનાર સત્તાધારી સંસ્થા છે. કેન્દ્ર સરકારનું ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ અને આવકવેરા વિભાગ પણ મની લોન્ડરિંગના કેસોમાં તપાસ કરે છે.
તદુપરાંત, મૂડીબજારની નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને ઈન્શ્યોરન્સ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પણ એવી તકેદારી લેતી હોય છે કે એમના અધિકારક્ષેત્રમાં આવતી નાણાં સંસ્થાઓ મની લોન્ડરિંગ પ્રતિબંધક નિયમોનું પાલન કરે છે કે નહીં.
મની લોન્ડરિંગનાં દૂષણ….
એફએટીએફ એક આંતર-સરકારી સંસ્થા
છે જેનું મુખ્યાલય પેરિસમાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મની
લોન્ડરિંગના દૂષણનો સામનો કરવા માટે આ સંસ્થાની રચના કરવામાં આવી છે. કોઈ પણ દેશે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંકીય પ્રતિબંધો ટાળવા હોય અને વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત કરવું હોય તો એણે એફએટીએફની ‘ગ્રીન યાદી’માં સ્થાન પ્રાપ્ત કરવું જરૂરી હોય છે. એફએટીએફ સંસ્થા બૅન્કો અને નાણાં સંસ્થાઓ દ્વારા સંચાલિત કેવાયસી દસ્તાવેજને મહત્ત્વ આપે છે, કારણ કે આ દસ્તાવેજને કારણે નાણાંની ગેરકાયદેસર હેરફેર થઈ શકતી નથી. એવા નાણાંનો ઉપયોગ આતંકવાદ કે કરચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરાતો હોય છે.
આ લોકો કેમ જોખમી છે? સજાગ રહો!
પેમેન્ટ બૅન્ક કહો કે વોલેટ કહો, યા ફિનટેક કંપની ગણો, આ લોકોના જોખમ એ છે કે એ બધે બિઝનેસ અને કસ્ટમર્સ વધારવા યેનકેન પ્રકારેણ આગળ વધે છે. અપાત્ર લોકોને લોન આપવા તૈયાર થઈ જાય છે. એ માટેભાગે બધું જ કામ ઓનલાઈન કરે છે. એમનામાં પારદર્શકતાનો અભાવ રહે છે. આ બધી વાત ભારતીય લોકો માટે જોખમી છે, કારણ કે અહીં આર્થિક સાક્ષરતાનો અભાવ અને લાલસાનો અતિરેક હોવાથી એમની ફસાઈ જવાની શકયતા વધુ રહે છે. આમ ન પણ હોય તોય આ માર્ગ કે માધ્યમોનો ઉપયોગ (સાચો કે ખોટો) નાણાકીય ગરબડવાળી પ્રવૃતિઓમાં થવાની શકયતા તો રહે જ છે. આવી કંપની નંબર ગેમની યા ડેટા રમતની સફળતાના નામે મૂડીબજારમાં યા અન્ય માર્ગે ભંડોળ ઊભું કરવામાં ઉસ્તાદ હોય છે, જેથી આ મામલે પણ સાવચેતી જરૂરી બને છે. પેટીએમના સ્ટોકસમાં આગળ શું થશે એ તો સમય કહેશે,પણ તમે પેનિક ભલે ન થાવ, પરંતુ સજાગતા રાખવામાં શાણપણ ખરું.