વલો કચ્છ: જાગીને જો ‘તેજ’, સુખ એટલે તારામાં તું

-ડૉ. પૂર્વી ગોસ્વામી
16મી એપ્રિલ 2021 એટલે કચ્છી મર્મી કવિ તેજપાલ ધારશી શાહ ‘તેજ’ની પુણ્યતિથિ. તેમને યાદ કરવાની તક ઝડપું છું. થોડા સમય પહેલા અબડાસા તાલુકાના તેરા ગામે જવાનું થયું હતું. હેરિટેજ વિલેજ તરીકે જાહેર આ ગામની વાત જ નિરાળી છે. ગામડિયું જીવન શહેરીઓને તો આકર્ષે જ, પણ અહીંની સુવિધા જોઈને વિદેશીઓ પણ આકર્ષાય તેવું છે.
જૂના ઘરનું નવીનીકરણ કરી વાંચન પ્રવૃત્તિને વેગ આપવા સોમૈયા ફાઉન્ડેશને ઊભું કરેલું વાંચનાલય, ગામના મોટાંમોટાં ત્રણ તળાવો, સદી પુરાણી શાળા, દરબાર ગઢ અને તેમાં પણ રાજાના શયનકક્ષમાં દોરેલા રામરાંધના ભીંતચિત્રો; આ બધાની સાથે શિલ્પ-સ્થાપત્ય, આધ્યાત્મ, કળા- કારીગરી વગેરે જોઈને ઉદગાર નીકળે- ‘મેરા ગાંવ તેરા.’ અહીં આવેલા જૈન દેરાસરમાં એક પ્રદર્શન હોલ છે.
જેમાં આ ગામની ખાસિયતોને તસવીરી ઝલક સાથે રજૂ કરવામાં આવ્યા છે, સાથે દરેક તસવીરની નીચે તે સ્થળ અનુસાર કવિ ‘તેજ’ની પંક્તિઓ લખેલી જોવા મળી. જે લગભગ સ્થાનાનુસાર. નમૂના સ્વરૂપ- રાજાશાહી વખતની ગામની શાળાના ફોટો નીચે લખેલું હતું;
આ પણ વાંચો: વલો કચ્છ : લોકગીતોમાં હાસ્ય રસ
ઉન ઇમારત કે ‘તેજ’ મેં જજો મિલે માન, જેમેં ભણીગણી જીયડો પામે તો જ્ઞાન. ત્યારે આવી એ પંક્તિઓએ સ્ફુરિત કર્યા કે એવું તો કવિએ કેવું લખ્યું જે સ્થળ કે વિષય અનુસાર સંદર્ભિત બની રહી છે. અને એ પછી ‘તેજ’ના સાહિત્યથી પરિચય મેળવ્યો અને સમજાયું કે તે તો સહજતાના માણસ હતા! એમની જ પંક્તિઓમાં કહીએ તો ‘ખોદું તો ખાણ ભરેલી છે ‘તેજ’, તેમાંથી ઓળખાણ આપું કેટલી?’
ધાણીફૂટ લખતાં કચ્છી કવિ અને પક્ષીવિદ તેજપાલ ધારશી શાહ. જન્મ 13 જુલાઈ, 1937ના. ‘કવિઓ જન્મે છે, બનાવી શકાતા નથી’, આ ઉક્તિ ‘તેજ’થી સાર્થક છે. એજ અબડાસા તાલુકાના નલિયા જૈન દેરાસરમાં ફરજ બજાવતા આ મહેતાજીએ પ્રાથમિક શિક્ષણ માંડ લીધેલું. છતાંય 40 જેટલાં પ્રકાશિત પુસ્તકો અને નામી પુરસ્કારો તેમની શાન છે. રવિ પેથાણીએ એમના વિષે કહ્યું છે, ‘તેમના સાહિત્યમાંથી પસાર થાઓ એટલે સમજાય કે અદ્ભુત નિરીક્ષણ શક્તિ, રમૂજભાવ, સરળતા તેમનાં લક્ષણો હશે. થોડા શબ્દોમાં ઘણુંબધુ કહી જવાની કવિઓની ખૂબી હોય છે અને ‘તેજ’ એમાં પાવરધા હતા.’
કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’ સહિત અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા ઘણાં માન-અકરામ તથા પુરસ્કાર તેમના નામે અંકિત છે. કવિએ પ્રકૃતિ, એકાંત, રખડવાનો આનંદ, કુદરત, માતૃભાષા તથા માતૃભૂમિ માટેના પ્રેમાદર, કચ્છી માડુ, વૃક્ષો, વિરહ અને પ્રેમ જેવા વિવિધ વિષયો પર ભાવિકોને સાદર કરી છે. મંચનો જરા પણ મોહ નહિ. પોતાની કૃતિઓ સાથી કવિ કે કલાકાર મારફત રજૂ કરાવે અને પોતે શ્રોતાઓના હાવભાવ ઝીલે પોતાનું માપદંડ પોતે જ નક્કી કરે.
આ પણ વાંચો: વલો કચ્છ : એક ક્રાંતિકારની બીજા ક્રાંતિકારને આપેલી શ્રદ્ધાંજલિ
મારા કચ્છી પુસ્તક ‘મિઠે મુલકજ્યુ બાઈયું’ના વિમોચન વખતે તેમના કચ્છી મૌક્તિક સંગ્રહનો ગુજરાતી અને અંગ્રેજીમાં ‘ત્રિનેત્ર’ નામક પુસ્તિકા સાથે પરિચય ડો. કાશ્મીરાબેન મહેતાએ કરાવેલ. અંગ્રેજી અને ગુજરાતીકરણ બદલ સ્નેહીશ્રી કાશ્મીરાબેનને અલગથી બિરદાવવા ઘટે, સૌ વાચકો ખાસ કરી યુવાઓને વિનંતી કે બેનના આ ‘ત્રિનેત્ર’ સંગ્રહને અચૂક વાંચવું. ચાલો, ઉત્સુકતા વધારવા અમુક નમૂના રજૂ કરી દઉં છું.
ધડકી મિંજ લિંગરા સે બીં કે જાણ;
હિકડી જે ઊંઢઈ બિઇ સિભૈ જેં સુજાણ.
અર્થ: ગોદડીમાં ચીંથરા ‘તેજ’ તેની બેને જાણ, એક જેણે ઓઢી બીજી સીવી એ સુજાણ.
સુક્કી ભઠ ભોમકા, સુકા નીર નવાણ;
તય અસાંજે મુલકમેં, નીલપજી નાંય તાણ…!
અર્થ: સૂકી ભઠ ભોમકા, સૂકા નીર નવાણ; તોય અમારા મુલકમાં લીલપની નથી તાણ…!
સંસારીએંકે ‘તેજ’ ચેં કીં સંભરે શિવ,
વિઠાવેં મિંધરમેં ને જોડે મેં વે જીવ.
અર્થ: સંસારીઓને ‘તેજ’ કહે કેમ સાંભરે શિવ, બેઠા હોય મંદિરમાં ને જોડામાં હોય જીવ. તેમનું સરળ-સહજ પદ્ય પળમાં સ્થૂળમાંથી સૂક્ષ્મમાં તેજના અજવાળે લઈ જાય છે.
કો’પંઢ બુડીને બેંકે બોડીએં, કો’ તરીને તારીંધા વિઞેતા,
કોક મરે તેર માડું ચેં છુટાસીં, કો’ મરીને મારીંધા વિઞેતા!
અર્થ: કોઇક જાતે ડૂબીને બીજાને ડૂબાડે, કોઇ તરીને તારી જાય છે; કોઇક મરે તો માણસો કહે, ‘છૂટ્યા’, તો કોઇક મરીને મારી જાય છે…!
કરમેં મીલે કિરતી, ને ધરમેં મિલે સુધ;
‘તેજ’ તત્ત્વકે સમજી ગિનો તાં પાણ થીયું બુદ્ધ…!
અર્થ: કર્મે મળે કીર્તિ ‘તેજ’ ને ધર્મે મળે સૂધ; તત્ત્વને સમજી લૈએ તો આપણે થઇએ બુદ્ધ…!
ન ધનમેં, ન ધરમમેં, ન મોલાતમેં, ન મિધરમેં,
માણે બુજો તાં ‘તેજ’ આય સુખ અંધરમેં.
અર્થ: નહીં ધન, ધર્મ, મહલયમાં કે મંદિરમાં તું, જાગીને જો ‘તેજ’ સુખ એટલે તારામાં તું. અંતમેં કચ્છની વાત એમના જ સર્જનથી કરતા સાહિત્યાંજલિ અર્પું છું.
કચ્છમેં બોરી હિકડી કજા બિઇ ધજા,
તેનું પ જજી આય ભાઇચારેજી મજા.
અર્થ: કચ્છમાં પુષ્કળ આપત્તિ અને ધર્મધજા; એનાથી પણ વધારે છે ભાઇચારાની મજા.