ઉત્સવ

મધમાખી નહીં હોય તો જાણી લો ન તો ફળ હશે અને ન તો પાક હશે..!!

ફોકસ -વીણા ગૌતમ

આપણને મધમાખીમાંથી મધ અને હનીવેક્સ તો મળે જ છે, સાથે તે કૃષિ અને ઇકોસિસ્ટમમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મધમાખીઓ એક વૃક્ષ કે છોડમાંથી પરાગકણોને બીજા વૃક્ષ કે છોડ સુધી પહોંચાડવામાં મદદ કરે છે, જેનાથી વૃક્ષો કે છોડની ગર્ભાધાનની પ્રક્રિયા પૂર્ણ થાય છે, જેને કારણે અનાજ, ફળો અને શાકભાજીનું ઉત્પાદન થાય છે. સમગ્ર વિશ્ર્વમાં ઉગાવેલા તમામ પાકમાંથી ૮૫ ટકા પાકને પોલિનેટ કરવાનું કામ મધમાખીઓ કરે છે.

યાદ રાખજો, જો પૃથ્વી પરથી મધમાખીઓ એક દિવસ અદૃશ્ય થઈ જશે, તો વિશ્ર્વમાં ન તો ફળ હશે કે ન તો પાક. મધમાખીઓ કુદરતી રહેઠાણોનું રક્ષણ કરે છે અને ઇકોસિસ્ટમના એકંદર આરોગ્યને સુધારે છે. પૃથ્વી અને માનવજાત માટે મધમાખીઓની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને, દર વર્ષે ૨૦ મેના રોજ વિશ્ર્વ મધમાખી દિવસ ઉજવવામાં આવે છે. નિ:શંકપણે, આ દિવસની ઉજવણી પાછળનો હેતુ પર્યાવરણ, ખાદ્ય સુરક્ષા અને બાયોડાર્વસિટી માટે મધમાખીઓ અને અન્ય પરાગ રજકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારવાનો છે. સ્લોવેનિયામાં મધમાખી ઉછેરના પ્રણેતા એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ૨૦૧૭ માં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સ્લોવેનિયાની દરખાસ્ત અને ૧૧૫ દેશો તેને સમર્થન આપતા વિશ્ર્વ મધમાખી દિવસની જાહેરાત કરી હતી.

જ્યાં સુધી ભારતમાં મધમાખીઓના મહત્ત્વનો સવાલ છે, તો તે આના પરથી સમજી શકાય છે કે તે ભારતના બહુમતી સનાતન ધર્મની વાત હોય કે પછી ભારતની ધરતી પર જન્મેલા બૌદ્ધ અને શીખ ધર્મ જેવા ધર્મોની. આ બધા ધર્મોમાં મધમાખીઓ દ્વારા બનાવેલ મધને પવિત્ર, ઉપયોગી માનવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે ભારતમાં મધમાખી ઉછેરનો ઉલ્લેખ પ્રાચીન વેદ અને બૌદ્ધ ગ્રંથોમાં પણ જોવા મળે છે. મધ્ય પ્રદેશમાં મેસોલિથિક સમયગાળાના ઘણા ખડક ચિત્રો છે, જેમાં મધનો સંગ્રહ બતાવવામાં આવ્યો છે. જો કે આપણે ત્યાં વૈજ્ઞાનિક રીતે સંગઠિત મધમાખી ઉછેરની શરૂઆત ૧૯મી સદીમાં જ થઈ છે, પરંતુ જો ધાર્મિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં જોવામાં આવે તો હિન્દુ ધર્મમાં મધ વગર કોઈ પણ ધાર્મિક પૂજા પૂર્ણ થતી નથી. સનાતન પૂજા પદ્ધતિમાં મધ ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. મંદિરોમાં, મધ અભિષેક અનુષ્ઠાન થાય છે, જેમાં દેવતાઓ પર મધ ચઢાવવામાં આવે છે. જો કે, વેદ અને અન્ય પ્રાચીન ભારતીય સાહિત્યિક ગ્રંથોમાં, મધને ઔષધીય અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ પણ માનવામાં આવ્યો છે.

બૌદ્ધ ધર્મમાં મધને પવિત્ર અને ઔષધીય માનવામાં આવે છે. ભગવાન બુદ્ધ સવારના ભોજનમાં યાગુ દલિયા સાથે મધનું એક ટીપું લેતા હતા. બૌદ્ધ ધર્મમાં, પાંચ ખાદ્ય પદાર્થોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું સેવન દિવસના કોઈપણ સમયે કરી શકાય છે, તેમાંથી એક મધ છે. જો આપણે શીખ ધર્મની વાત કરીએ તો શીખ ભાષામાં મધને અમૃત અથવા અમૃતનું પ્રતીક માનવામાં આવે છે. ખાલસા દીક્ષા સમારોહમાં પણ મધનો ઉપયોગ કરવામાં આવે છે. શીખોમાં મધનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. કારણ કે તે ખૂબ જ પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. પરંતુ જૈન ધર્મમાં મધનું સેવન પ્રતિબંધિત છે. જૈન ધર્મમાં, મધને મહાવિકૃતિ માનવામાં આવે છે અને તેને ક્યારેય ન ખાવાની સૂચના છે. જૈન ધર્મમાં મધનું સેવન પ્રતિબંધિત છે કારણ કે મધ એકત્ર કરવા માટે મધમાખીઓ સામે હિંસા કરવી પડે છે. તેથી જ જૈન ધર્મમાં કહેવાયું છે કે મધનું એક ટીપું ખાવાથી સાત ગામ બાળવાનું પાપ થાય છે.

જો કે મધ સિવાય મધમાખી ઉછેરના બીજા પણ ઘણા ફાયદા છે. તેના ઉછેરથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું સર્જન થાય છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત બને છે. આર્થિક દૃષ્ટિકોણથી, નિષ્ણાતોના મતે, ભારતમાં ૧૧૦ મિલિયન એટલે કે ૧૧ કરોડ મધમાખી વસાહતોની ક્ષમતા છે, જે ૧૨ મિલિયનથી વધુ ગ્રામીણ અને આદિવાસી પરિવારોને સ્વ-રોજગાર પ્રદાન કરી શકે છે. મધમાખી ઉછેરમાંથી મધ ઉપરાંત હની વેક્સ, મધુગોંદ, રાજ અવલેહ અને રાણી મધમાખીઓનું ઉત્પાદન કરીને પણ પૈસા કમાવી શકાય છે. આપણા દેશમાં દર વર્ષે લગભગ ૧.૩૩ લાખ ટન મધનું ઉત્પાદન થાય છે, જેમાં સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે, કુલ ઉત્પાદનના લગભગ ૩૦ ટકા. ભારતમાં મોટા પાયે લગભગ અડધા જેટલા મધની નિકાસ કરવામાં આવે છે. ભારત વિશ્ર્વના પ્રમુખ મધ નિકાસકર્તા દેશોમાંનો એક છે. વર્ષ ૨૦૨૦માં ભારતે ૮.૭૫૬ કરોડ ડોલરની મધની નિકાસ કરી હતી. અહીંથી લગભગ ૮૦ ટકા મધ અમેરિકામાં નિકાસ થાય છે. ઉત્તર પ્રદેશ પછી ગુજરાત, પંજાબ, બિહાર અને મધ્ય પ્રદેશ મધના અન્ય મોટા ઉત્પાદક રાજ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો