ઉત્સવ

ખાખી મની-૮

‘મહેન્દરસિંઘ બસરા આપણા માટે જોખમ છે. એ મોં ખોલે એની પહેલા આપણે ત્રીજું નેત્ર ખોલવું પડે’

અનિલ રાવલ

ઓહ, તો તું મહેન્દરસિંઘ બસરા છો’ સોલંકીએ રાંગણેકરની સામે જોતા કહ્યું.

પાઘડી, દાઢી-મૂછ વગરનો મહેન્દરસિંઘ બસરા. અચરજ પામી ગયેલા રાંગણેકરે ઉપરથી નીચે સુધી બસરાને જોયો ને ખુરસી ખેંચીને એની બાજુમાં બેસી ગયો.
‘તું ખરેખર મહેન્દરસિંઘ બસરા છો….કેમકે પાઘડી નથી પહેરી, દાઢી-મૂછ રાખ્યા નથી.’ રાંગણેકરે શંકા સાથે પૂછ્યું.

‘હું સરદાર છું, પણ પાઘડી પહેરતો નથી ને દાઢી-મૂછ રાખતો નથી, પણ હું જ કારનો માલિક છું. ટીવીમાં ન્યૂઝ જોઇને આવ્યો.’
‘ક્યાંથી આવ્યો.?’

‘અમદાવાદથી.’

‘કાર ચોરાઇ એની ફરિયાદ અમદાવાદમાં નોંધાવી છે.?’

‘હા. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં’
‘એની કોપી ક્યાં છે.?’

‘કોપી નથી લાવ્યો, સાહેબ.’

‘કેમ. ફરિયાદ નોંધાવી એની કોપી તો અમારે જોવી પડેને.’

‘મને થયું કે મારી કાર પાછી મળી જાય…એટલે સીધો અહીં જ આવ્યો.’

‘ફરિયાદની કોપી લીધા વગર, અમદાવાદ પોલીસને બાયપાસ કરીને સીધા આવવાનું કોઇ કારણ તો હશેને’
‘કારણ એટલું જ કે મારે મારી કાર છોડાવવી છે.’

રાંગણેકરને પાકી ખાતરી થઇ ગઇ કે કોઇ ચોક્કસ કારણ છે કાર છોડાવવાનું…એટલે જ બસરા અમદાવાદથી અહીં સુધી લાંબો થયો છે.

‘ચાલ બહાર.’ રાંગણેકરે કહ્યું. બસરા અને સોલંકી કાર પડી હતી ત્યાં ગયા.

‘આ તારી જ કાર છે.?’ રાંગણેકરે પૂછ્યું.

‘કાર ક્યાંથી ચોરાઇ?’ સોલંકીએ પૂછ્યું.

‘ચાંદખેડાના દુલારી મેટરનિટી હોમ પાસેથી….હું મારી વાઇફને ડિલિવરી માટે ત્યાં દાખલ કરવા ગયો હતો.’

‘લાઇસન્સ છે.?’

‘હા.’ બસરાએ લાઇસન્સ કાઢીને રાંગણેકરને આપ્યું. એણે ચેક કરવા સોલંકીને આપ્યું. સોલંકીએ બસરાનો દાઢી-મૂછ વગરનો ફોટો, સરનામું વગેરે ચેક કર્યું.
‘આરસી બુક ક્યાં છે.?’ રાંગણેકરે પૂછ્યું.

‘કારમાં જ હશે.’

‘ક્યાં છે બતાવ મને.’

બસરાએ ડ્રાઇવરની સીટ ઊંચી કરીને એના ખાલી પોલાણમાં જોયું. ત્યાં નહતી. સીટની નીચે નજર કરી. ત્યાં પણ નહતી. ‘યાદ નથી આવતું ક્યાં રાખી દીધી’ કહીને એણે ડેસ્ક બોર્ડ ખોલીને જોવાનો ઢોંગ કર્યો.

‘હા, કદાચ ડીકીમાં મુકાઇ ગઇ હોય’ એણે ઝટ દઇને ડીકી ખોલી. બસરાએ ઝડપથી નજર કરીને જોઇ લીધું કે ડીકીમાં પૈસાની બેગ નથી ને સીટ નીચે રાખેલી આરસી બુક ગાયબ છે. કોઇએ બેગ લૂટીને અનવરને પતાવી દીધો. આરસી બુક પણ ગુમ કરી. નક્કી કોઇ ગેમ કરી ગયું. કદાચ પોલીસે જ બેગ લઇ લીધી હોય. આરસી બુક પણ એની પાસે જ હોય….અને તેઓ માત્ર નાટક કરતા હોય….બસરાને આવો જલદ પણ વિચાર આવ્યો.

‘આરસી બુક કારમાં ક્યાંય નથી.’ બસરા બોલ્યો.

‘હજી એકવાર ચેક કરી લે. બીજું કાંઇ ગૂમ થયું નથીને.’ રાંગણેકરે કહ્યું.

‘ના. કારમાં બીજું કાંઇ જ નહતું.’

‘આને ઓળખે છે.’ સોલંકીએ મોબાઇલમાંથી અનવરનો ફોટો કાઢીને બતાવ્યો. એણે કાર મળી ત્યારે સ્ટીયરિંગ પરથી અનવરનું માથું ઊંચું કરીને ફોટો પાડી લીધો હતો.
‘ના. કોણ છે આ.?’ આઘાત પામી ગયેલા બસરાએ ડોકું હલાવ્યું.

‘અમને પણ નથી ખબર, કારણ કે એના ખિસ્સામાંથી લાઇસન્સ નથી મળ્યું.’ સોલંકીએ કહ્યું.

‘બસરા, કારમાં આરસી બુક નથી ને એના ખિસ્સામાંથી લાઇસન્સ નથી મળ્યું. એનો મતલબ એ કે કારમાં એવું કાંઇક તો હતું જે ખૂબ કિંમતી હતું.’ રાંગણેકરે કહ્યું.

‘સાહેબ, આ માણસે કયા ઇરાદે મારી કાર ચોરી એની મને કેમ ખબર પડે. કદાચ કોઇ વસ્તુની હેરાફેરી કરવા મારી કાર ચોરી હોય.’

બોલીને બસરા ચૂપ થઇ ગયો. રાંગણેકર અને સોલંકી એના ચહેરાના હાવભાવ જોતા રહ્યા.

‘સાહેબ, હું એટલું જાણું છું કે મને મારી ચોરાઇ ગયેલી કાર પાછી જોઇએ છે…એના માટે આવ્યો છું.’ બસરા ગરીબડો થઇને બોલ્યો.

‘સાહેબ, જરા એક મિનિટ આ તરફ આવોને..’ સોલંકી રાંગણેકરને થોડે દૂર લઇ ગયો.

‘મને લાગે છે કે સાહેબ, આ નાટક કરે છે…ફોટો જોતી વખતે તમે એનું મોઢું જોયું…આને બધી ખબર છે…એની અટક કરી લઇએ. ધોકા પડશેને તો બધું ઓકી નાખશે.’

‘ના, હમણાં નહીં. થોડી ઢીલ આપીએ.’ રાંગણેકરે માથું ધુણાવ્યું. બંને પાછા ફર્યા. પ્રોસીજર કરવી પડશે એવું કારણ આપીને બસરાને રવાનો કરી દીધો. બસરા અમદાવાદ જતી બસમાં વિચારતો રહ્યો કે કારમાં પૈસાની બેગ નથી, આરસી બુક અને અનવરનું લાઇસન્સ ગુમ છે. આ કામ કાંતો અલિયાપુર પોલીસનું છે અને કાં કોઇ જાણભેદુનું…અગર પોલીસનું કામ હોય તો ઇમામ અને હરપાલસિંઘને કહીને મામલો પતાવવો પડે….ને જો જાણભેદુનું કામ હોય તો….આનો જવાબ પણ ઇમામ અને હરપાલસિંઘ પાસેથી જ મળે…એમણે કોઇને પૈસાની ડિલિવરીની જાણ કરી હોય અથવા કોઇ જાણી ગયું હોય…કદાચ અબ્દુલ્લા …હા, બેગ લઇને એ જ તો આવેલો. બસરા બસમાં બેઠો બેઠો વિચારી રહ્યો હતો એ જ વખતે અબ્દુલ્લા પાછલી સીટ પર હુડી જેકેટ પહેરીને બેઠો હતો.


જગ્ગીના ધાબામાંથી નીકળ્યા બાદ ઉદયસિંહના દિમાગમાં લીચી અને જગ્ગીના શબ્દો ચકરાવો લઇ રહ્યા હતા. ‘તું વહેવાર જલદી પતાવી દે. હું હાથ ઊંચા કરી દઇશ તો તારો ઊંચો ચડી ગયેલો શ્ર્વાસ સાવ બંધ થઇ જશે.’

‘સર, જોખમનો એક નિયમ છે કે પહેલા જોખમ પછી બીજું જોખમ લેવું પડે, કદાચ ત્રીજું અને ચોથું જોખમ પણ લેવું પડે. તો જ જોખમનું ફળ મળે. હા, ફળ કદાચ મીઠું કે કડવું હોઇ શકે. સર, આપણું જોખમ તો ખાખી મની અને મોતનું છે.’

ઉદયસિંહના એક હાથમાં મોત હતું ને બીજા હાથમાં પૈસા. હથેળી પર પૈસા હતા, પણ હાથ લાંબો કરીને લઇ શકાય એમ નહોતું ને હથેળી પર રમતું મોત કોઇપણ ઘડીએ રામ રમાડી શકે એમ હતું. ‘તમે કોઇ મુશ્કેલીમાં હો અને મારી સાથે શેર કરવા માગતા હો તો અડધી રાતે કોલ કરજો’ ઉદયસિંહને લીચીના આ શબ્દો યાદ આવ્યા. હું મુશ્કેલીમાં છું એની લીચીને ખબર કેમ પડી…મારા મોઢાના હાવભાવ વાંચી લીધા એણે. એને ડ્રગ્સની વાત કરી દઉં, પણ એનો ભરોસો કેટલો. લીચીએ સાથે મળીને કામ કરવાની વાત કરી, જોખમ લેવાની વાત કરી…બસરાનું પગેરું પગ નીચે આવે તે પહેલાં પગને અટકાવવાની વાત કરી…સસ્પેન્સ થ્રીલર વાર્તાઓ વાંચતી લીચીના મનમાં શું રમતું હશે. શું એ મને ફસાવીને બધા પૈસા પોતે હજમ કરી જવા માગતી હશે…..અને જો આવું હોય તો મારે જ મારો માર્ગ મોકળો કરવા જરૂર પડે…એને જ રસ્તામાંથી…

પાછળથી આવી રહેલા હોર્નના અવાજમાં ઉદયસિંહના વિચારો ફુંકાઇ ગયા. ઉદયસિંહે પાછળ જોયું તો લીચી હોર્ન મારી રહી હતી. એણે કાર સાઇડમાં લીધી. લીચીએ બહાર આવીને ઉદયસિંહને કહ્યું: સર, તમને સ્પષ્ટ ભાષામાં જોખમનો નિયમ સમજાવી દઉં. મહેન્દરસિંઘ બસરા આપણા માટે જોખમ છે. એ મોં ખોલે એની પહેલા આપણે ત્રીજું નેત્ર ખોલવું પડે.’ લીચી બોલીને જતી રહી.


બસરાને રવાના કર્યા પછી રાંગણેકર અને સોલંકીએ માની લીધું હતું કે બસરા કાર પાછી લેવા નહીં પણ કારમાં કોઇક કિંમતી વસ્તુ શોધવા આવ્યો હતો.

‘સાહેબ, મને લાગે છે કદાચ કારમાં હીરા કે ડ્રગ્સ હશે’ સોલંકી બોલ્યો.

‘ના, રૂપિયા…બે નંબરના રૂપિયા ભરેલી બેગ.’

‘શસ્ત્રો પણ હોઇ શકેને સાહેબ?’ સોલંકીએ કહ્યું.

‘ના, ગુજરાતથી મહારાષ્ટ્રમાં શસ્ત્રો ન આવે, પૈસા આવે….મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં શસ્ત્રો જાય.’ રાંગણેકરના તારણમાં અનુભવનો નીચોડ હતો.


રાંગણેકરે કંઇક વિચારીને એ જ રાતે અમન રસ્તોગીને ફોન કર્યો. બીજે દિવસે જ અમન રસ્તોગીના અખબારની હચમચાવી નાખતી હેડલાઇન હતી:
‘એ રહસ્યમય કારમાં મહારાષ્ટ્રની બાય ઇલેક્શનમાં છૂટા હાથે વેરવા માટેના કાળાં નાણાં હોવાની પોલીસને શંકા.’

અમન રસ્તોગીએ એની આદત મુજબ સમાચારને એક જલદ એન્ગલ અને અલગ દિશા આપી દીધી. અંગ્રેજી અખબારને કાયમ અનુસરતી ન્યૂઝ ચેનલના પત્રકારો ગોળનું ગાડું લૂટી લેવા કેમેરા લઇને અલિયાપુર દોડી ગયા….લોકલ અખબારો અને ન્યૂઝ ચેનલવાળાઓને ઘણા વખતે રાષ્ટ્રકક્ષાએ ચમકવાની તક મળી. સમાચાર વાંચીને રાંગણેકર અમન રસ્તોગી પર ગુસ્સે થવાને બદલે પોતાની ચાલ પર મનોમન હસી રહ્યો હતો. એણે અમન રસ્તોગીને ફોન કર્યો.

‘મૈંને તો આપકો મહારાષ્ટ્ર મેં હોનેવાલે બાય ઇલેક્શન પર ધ્યાન દેને કી સલાહ દી થી…આપને તો કૂછ અલગ ખબરેં છાપ દી.’

‘રાંગણેકરજી, પોલીસ ફોર્સ મેં આપ જૈસા સોર્સ હો તો ફિર કામ આસાન હોતા હૈ. અબ આપ મેરે સોર્સ હો ગયે…આપને હિન્ટ દી….ઇસ કો પોલિટિકલ કલર દે કર…મૈંને પબ્લિશ કર દિયા….મૈં સેફ હો ગયા…ઔર હાં, હમારી હર બાત રેકોર્ડ હોતી હૈ.’

રાંગણેકર ખડખડાટ હસ્યો. ‘રેકોર્ડ કર રહે હો યહ જાનકર બડી ખુશી હુઇ…મૈને ભી હમારી બાતચીત રેકોર્ડ કર રખી હૈ….ઔર હાં, જિસ કી કોપી પોલીસ કમિશનર કો જાતી હૈ…..અંધેરે મેં તીર છોડને વાલી બાતચીત કી રેકોર્ડિંગ ભી કમિશનર કે પાસ હૈ.’

પેટાવેલા લીલા લાકડાની જેમ ધૂંધવાઇ ગયેલો અમન રસ્તોગી કદાચ ભયાનક આગ પકડે અથવા હોલવાઇ જાય, પણ એણે પોતે કરેલા ઊંબાડિયાની રાજકીય વર્તુળોમાં ઘેરી અસર પડી. શાસક અને વિરોધ પક્ષોએ સામસામે તલવારો ખેંચી લીધી. જેનું અસ્તિત્વ જ નથી એ પૈસાનો મુ્દો બનાવીને આક્ષેપબાજી પર ઊતરી આવ્યા. નાનાં મોટાં અખબારો-ફરફરિયાં…ફુટકુલિયા ચેનલો પર દમ વિનાની દલીલો કરવા લાગ્યા.

બીજી બાજુ રાંગણેકર પોતે સાચવી રાખેલું બીજું પત્તું ઊતર્યો…એણે થાણેમાં પત્રકાર પરિષદ બોલાવી. રાંગણેકરે કરેલા કેટલાક ખુલાસાએ અમન રસ્તોગીના અહેવાલના લીરાં ઉડાવી નાખ્યા.
‘અમન રસ્તોગી કા ન્યૂઝ એક મનઘડંત કહાની હૈ. ઐસી કોઇ બેગ હમેં અબતક મિલી નહીં હૈ…ના ડ્રગ્સ મિલા હૈ, ના શસ્ત્ર મિલે હૈ…હમેં સિર્ફ કાર ઔર એક મૃત આદમી મિલા હૈ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ કે હિસાબ સે ઉસકી મોત એક નેચરલ ડેથ હૈ…વો કૌન હૈ.? કહાં કા હૈ.? હમ ચૌકસી કર રહે હૈ….યહ રહી ઉસકી તસવીર…જિસ કી કોપી પ્રેસનોટ કે સાથ આપ સભી કો મિલેગી. હાં, ઇસ દૌરાન એક આદમીને દાવા કિયા હૈ હૈ કી યહ કાર ઉસકી હૈ….ઔર ચોરી હુઇ હૈ….જિસકી રિપોર્ટ ઉસને અહેમદાબાદ મેં દર્જ કરાઇ હૈ.’

પત્રકાર પરિષદમાં હાજર રહેલા અમન રસ્તોગીનું મોં પરાણે એરંડિયું પીવડાવ્યા જેવું થઇ ગયું…એ ગુસ્સામાં પગ પછાડીને નીકળી ગયો. એની બાજુમાં ઊભેલો લોકલ પત્રકાર અને રસ્તોગીનો સોર્સ ગજાનનભાઉ મનોમન હસી રહ્યો હતો.


અમન રસ્તોગી ઓફિસ પહોંચે એ પહેલાં એના ન્યૂઝ પહોંચી ગયા હતા. એના તંત્રી અને માલિકો એની રાહ જોઇને જ બેઠા હતા. પીળા પત્રકારત્વના રંગે રંગાઇ જવા બદલ તંત્રી અને માલિકોએ એને ઝાટકી નાખ્યો….વાત રાજીનામું આપવા સુધી પહોંચી ગઇ, પણ કાયમ એને છાવરનારા તંત્રીની દરમિયાનગીરીથી બચી ગયો ને વાત લેખિત માફી માગવાથી પતી ગઇ. ત્યાર બાદ અખબારના તંત્રીએ તટસ્થ રિપોર્ટ તૈયાર કરાવીને કાર અને અનવરનો ફોટો છાપીને રસ્તોગીએ ઊંધા વેતરેલા કપડાને ફરી સાંધવાનો પ્રયાસ કર્યો. વિફરેલા અમન રસ્તોગીએ માફીપત્ર લખતી વખતે જ અલિયાપુર કેસમાં ઊંડા ઊતરવાનો નિર્ધાર કરી લીધો હતો. ‘રાંગણેકર, તેં મારી અમનખોરી જોઇ, હવે તું મારી દબંગખોરી જોજે.’ (ક્રમશ:)


કેપ્શન:


Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…