ખાખી મની-૫
‘રિપોર્ટિંગમાં જે થ્રીલ છે એ ચીફ રિપોર્ટરના કામમાં નથી. સરકસનો સિંહ બનવામાં જે મજા છે તે રિંગમાસ્ટર બનવામાં નથી.’
અનિલ રાવલ
લીલાસરી પોલીસ ચોકીની પોલીસ પાર્ટી રૂપિયાની બેગ જપ્ત કરીને અનવરને ચોકીએ લઇ ગઇ ત્યારે પાછળથી પસાર થઇ ગયેલી કાર વહેલી સવારે અંધેરીના એક હાઇરાઇઝ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં ઊભી રહી. કારમાંથી બહાર આવીને રાધિકાએ કલાકો સુધી સતત કાર ડ્રાઇવ કરીને જકડાઇ ગયેલા પોતાના બોડીને સ્ટ્રેચ કર્યું. ઊંડો શ્ર્વાસ લીધો. માથું ઝકઝોળ્યું. હેન્ડબેગ અને લેપટોપ બેગ લઇને ૧૮મા માળે પહોંચી. બેલ મારે તે પહેલાં જ દરવાજો ખુલી ગયો. સામે રાધિકાનો લિવ-ઇન-પાર્ટનર-કમ-જર્નાલિસ્ટ ફ્રેન્ડ અમન રસ્તોગી બંને હાથ ફેલાવીને ઊભો હતો.
‘માય લલલ…..વ, રાત આખી તારી રાહ જોતો બેઠો રહ્યો.’ એણે રાધિકાને ભીંસી નાખતું હગ કર્યું. રાધિકાને ગમ્યું. એને શરીરની કળતર દૂર થતી લાગી.
‘આટલું મોટું જોખમ ખેડીને આવવાની શું જરૂર હતી, માય લવ. બીજે દિવસે વરસાદ રહી જાય પછી નીકળી હોત તો.?’
‘ઓહ, નો બેબી નો.’ બાહુપાશમાં જકડાયેલી રાધિકા અમનની મજબૂત પક્કડમાંથી કમને બહાર આવતા બોલી: તને ખબર છે ને કે આજે નવી પ્રોડક્ટ લોન્ચ થાય છે…એનું સોશ્યલ મીડિયા કવરેજ, મારા ફોલોઅર્સને નવી પ્રોડક્ટ વિશે ઇન્ફોર્મ કરવા…એન્ડ સો મેની અધર થિન્ગ્સ..હું તારી જેમ એસ્ટાબ્લિશ્ડ જર્નાલિસ્ટ નથી…મારા ફોલોઅર્સની સંખ્યા હજી માંડ લાખે પહોંચી છે.’ મુંબઇની પોપ્યુલર ઇન્ફ્લ્યુએન્શિયર રાધિકાએ લેપટોપ બેગ ટેબલ પર મૂકી.
‘અને હા, મારે તને એક ઇન્ટરેસ્ટીંગ વાત કહેવી છે.’ બોલકી રાધિકાના પેટમાં કોઇ વાત ટકે નહીં. એ ફ્રેન્ડ્સને, ફોલોઅર્સને કે અમનને કહીને જ રહે….
‘વાત આમ તો તારા કામની છે, પણ હું આ બ્રેકિંગ ન્યૂઝ મારા ફોલોઅર્સને આપીશ.’
‘શું ન્યૂઝ છે.?’ જર્નાલિસ્ટનો જીવ જાણવા માટે અધીરો બન્યો.
‘હાઇવે પર ધોધમાર વરસતા વરસાદમાં પોલીસ પાર્ટીએ એક કારને રોકીને ચેકિંગ કર્યું…કાર અને એના ડ્રાઇવરને કબ્જે લઇ ગઇ. પછી શું થયું ખબર નહીં, પણ હું સોશ્યલ મીડિયાના મારા ફોલોઅર્સને કહીશ કે આપણી પોલીસ કેવી કપરી પરિસ્થિતિમાં કામગીરી બજાવે છે. આઇ થિન્ક, એમાં એક મહિલા પોલીસ હતી…આઇ સેલ્યુટ ધેટ લેડી.લેડીઝ ફોલોઅર્સની સંખ્યા એક ઝટકામાં વધી જશે જોજે તું.’ રાતભર રાધિકાની રાહ જોવામાં કરેલો અમનનો નશો પળવારમાં ઊતરી ગયો.
‘આ ઘટના ક્યાં બની?,’ એણે પૂછ્યું.
‘ખબર નથી. વરસાદ બહુ હતો, કાંઇ દેખાતું નહતું.’
‘વાહ રે તારો નકરો નારીવાદ…તું ધોધમાર વરસાદમાં, કાંઇ નજરે નહોતું પડતું ત્યારે લેડી પોલીસને જોઇ શકી ને ઘટના ક્યાં બની એની ખબર નથી. ફોટા પાડ્યા.? વીડિયો ઉતાર્યો.?’
ના, એ જ તો કહું છું કે કાંઇ જોઇ શકાય એમ નહતું. પિક્ચર ક્લિયર આવત નહીં.’ પત્રકારનો જીવ થોડીવાર વિચારે ચડી ગયો.
‘રાધિકા માય લલલ..વ, તું આ પ્રોડક્ટ મારા માટે રહેવા દે. આની પૂરેપૂરી તપાસ કરીને હું એ સમાચાર છાપીશ. આમેય મેં ઘણા વખતથી કોઇ ધાંસુ સ્ટોરી આપી નથી.’
‘ઓકે એઝ યુ વિશ.’ રાધિકા ખભા ઉછાળીને ન્હાવા જતી રહી. અમન વિચારતો રહ્યો કે મધરાતે વરસતા વરસાદમાં વાહનો રોકીને આપણી હાઇવે પોલીસ ચેકિંગ કરે એ વાત સહેજેય ગળે ઊતરે એવી નથી. સિવાય કે એની પાસે કોઇ ચોક્કસ બાતમી હોય. નક્કી કોઇ મોટી ઘટના બની હોવી જોઇએ ને પોલીસને બાતમી મળી ગઇ હશે. રાધિકાએ એ દ્રશ્ય જોયું, પછી એને ઘરે પહોંચતા સહેજેય ચારેક કલાક થયા..વરસાદમાં હાઇવે ધોવાઇ ગયો હોય, રસ્તા ખરાબ હોય, આપણી સ્પીડે કાર ચલાવી ન શકાય…આ બધું જોતાં પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક કોઇ જગ્યાએ ચેકિંગ કર્યું હોઇ શકે. તપાસ કરવી પત્રકારનો ધર્મ છે. રાધિકા ઘાંસની આખી ગંજી લાવી છે, મારે એમાંથી સોય શોધવાની છે, જેમ લક્ષ્મણ માટે સંજીવની લાવવા ગયેલા હનુમાનજી આખો પહાડ લાવેલા ને રામે એમાંથી સંજીવની શોધવાનું કષ્ટદાયક કામ કરવું પડેલું.
રાધિકા અમનને અગિયાર વાગ્યે ઉઠાડવાનું કહીને થોડીવાર સૂઇ ગઇ. અમન સૂતો નહીં. પત્રકારનો જીવ હાઇવે પર ભૂતની જેમ ભમતો હતો. એણે રાધિકાને અગિયાર વાગ્યે ઉઠાડવાના રિમાઇન્ડર માટે એલાર્મ સેટ કર્યો ને ઘાંસની ગંજીમાંથી સોય શોધવાના પ્રયાસમાં પોતાના સોર્સલોગને ફોન કરવાનું શરૂ કર્યું.
‘બચુભાઇ, સીધી મૂળ વાત પર આવું છું.’
‘બોલો, બોલો અમનભાઇ, અરજન્ટ હોય તો જ તમે સવારસવારમાં ફોન કરો….હું જાણુંને તમને.’
‘કાલે રાતે ભારે વરસાદમાં હાઇવે પોલીસે બહુ મોટી કામગીરી બજાવી. મને ખબર પડી.’
‘આપણી પોલીસ આમેય કામ નથી કરતી. એ જોરદાર વરસાદમાં રાતે કામ કરે. બોગસ માહિતી મળી તમને.’ બચુભાઇ હસ્યો.
‘તપાસ કરો…માહિતી સો ટકા સાચી છે.’
‘મામલો શું છે જરા ફોડ પાડોને યાર.’ બચુભાઇ બોલ્યા.
‘મામલો તમારે શોધવાનો છે….હા, એટલું કહું કે મામલો ગંભીર છે.’
‘તપાસ કરીને કહું તમને.’ ફોન કટ કરીને અમને બીજો કોલ કર્યો.
‘ગજાનન ભાઉ, એક માહિતી હવી હોતી…કાલ રાત્રી હાઇવે પોલીસની એવડા પાવસા મધ્યે હાઇવે વર ચેકિંગ કેલ હોત.’
‘મગ કાય સાપડલા ડ્રગ્સ.?’ ગજાનન ભાઉએ પૂછ્યું..
‘માઇત નાહીં, મલા ફક્ત એવઢીચ જાણીવ આહે.’ અમને કહ્યું..
‘ચૌકશી કરુન બગતો’ ગજાનન ભાઉએ ફોન કાપ્યો.
‘રિપોર્ટરથી ચીફ રિપોર્ટર સુધીની મજલ કાપી ચુકેલા અમન રસ્તોગીનો મૂળ જીવ રિપોર્ટરનો જ રહ્યો હતો…હજી પણ મોટી સ્ટોરી કે સ્કૂપ હોય તો પોતે, જાતે તપાસ કરીને છાપે. એ કાયમ કહે: રિપોર્ટિંગમાં જે થ્રીલ છે એ ચીફ રિપોર્ટરના કામમાં નથી. સરકસનો સિંહ બનવામાં જે મજા છે તે રિંગમાસ્ટર બનવામાં નથી. રિપોર્ટરને ન્યૂઝની ગંધ આવવી જોઇએ….સૂંઘતો રિપોર્ટર સદા સુખી.’
‘આદિત્ય અવસ્થી સાહબ, મૌસમ ખરાબ હૈ, વૈસે ભી મૌસમ હમારી મરઝી પર કહાં ચલતા હૈ. આજ કી હેલિકૉપ્ટર સેવા કૈન્સલ કર દો…..મેરે અગલે ફોન કા ઇન્તેઝાર કરો.’ ઇમામે સામે બેઠેલા હરપાલસિંઘની સામે જોતા જોતા કહ્યું.
‘ઓ કે..’ અવસ્થીએ કોલ કટ કર્યો….ને તરત સંબંધિતોને ઇમામે કહેલા શબ્દોનો પુનરોચ્ચાર કર્યો. અવસ્થી મહારાષ્ટ્રના મંત્રાલયનો એક આઇએએસ ઓફિસર……જેના હસ્તક દિલ્હી પૈસા મોકલવાના હતા. અવસ્થી ટોચનો સરકારી અધિકાર હોવાથી સરકારી કામકાજ કાઢીને હેલિકૉપ્ટરમાં બેરોકટોક આવ-જાવ કરી શકે..કોઇ જાતનું ચેકિંગ ન થાય ને પૈસાની સરળતાથી ડિલિવર થઇ જાય. સાદી ભાષામાં અવસ્થી બસરા કે અનવર જેવો એક ખેપિયો હતો. જેણે દિલ્હીમાં એક ચોક્કસ જગ્યાએ બેગ પહોંચાડવાની હતી..
‘ઇમામનો ફોન પત્યા પછી હરપાલસિંઘે દિલ્હી કોલ લગાવ્યો. સતશ્રીઅકાલ.’
‘સતશ્રીઅકાલ વાહે ગુરુજી દા ખાલસા…વાહે ગુરુજી દી ફતેહ.’ પંજાબના એક સક્રિય ખાલિસ્તાની ત્રાસવાદી ગુરચરનસિંઘનો અવાજ આવ્યો.
‘મોસમ બડા ખરાબ ચલ રહા હૈ જી,…બારીશ…તૂફાન…તેઝ હવા’ હરપાલસિંઘે કહ્યું.
‘હમારા તો કામ હી હૈ તૂફાનો સે લડના’ ગુરચરનસિંઘના અવાજમાં તાજું ત્રાસવાદી ગુરૂર હતું.
‘કામ કેસે ચલ રહા હૈજી?’ હરપાલસિંઘે પૂછ્યું.
‘ચંગા સબ ચંગા….બસ, કેનેડે સે મદદ મિલના મુશ્કિલ હુઇ હૈ.’
‘હમારી કોશિશ ઝારી હૈ..બસ, ઉસી મે લગે હૈ’ હરપાલ સિંઘે ઇમામની સામે જોતા કહ્યું.
‘વાહે ગુરુજી દી કિરપા….રખતા હું….લુધિયાણે જા રહા હું.’
ફોન મુકાયા પછી ઇમામે કહ્યું: ‘હમારે લોગોંને હમદોનોં પર ભરોસા કિયા હૈ….રકમ બડી હૈ ગ્રંથી સાહબ.’ ઇમામ બોલ્યા ત્યારે હરપાલસિંઘ બારીમાંથી ખુલ્લા આકાશનો ઉઘાડ જોઇ રહ્યા હતા. બહારનું હવામાન તો ચોખ્ખું થવા લાગ્યું હતું, પણ ઇમામ અને હરપાલસિંઘના મનની મૌસમ બગડી ગઇ હતી.
કનુભા અને રમેશ પાટીલ સવારે ઘરે જતા પહેલાં લીલાસરી ગામની ચાની ટપરીથી જરા દૂર ઊભા રહ્યા. રોજ કટિંગ પીનારા બાપુએ બે આખી કડક મીઠી ચાનો ઓર્ડર આપ્યો. બાપુના ખિસ્સામાં પૈસા ભલે આવ્યા નહોતા, પણ મગજમાં ખણખણતા હતા.
‘યાર રમેશ, મારે તને મારા મનની વાત કેવી છે.’ કનુભાએ બીડી પેટાવી.
‘બોલો બોલો કનુભા બાપુ શું વાત છે.’ ચા આવી. વાત અટકી. છોકરો બે પ્યાલી આપીને ગયો ને વાત ફરી શરૂ થઇ.
‘મને શંકા છે આપણા બેઉ સિનિયરો ઉપર.’ કનુભાએ ગરમ ચાની ચુસ્કી મારી. સાંભળીને ચાની ચુસ્કી મારી રહેલા રમેશ પાટીલના હોઠ દાઝી ગયા.
‘શંકા.? સમજાયું નહીં.’
‘તેં જોયું….મેડમ વારેવારે એનો મોબાઇલ ચેક કરતા તા…બે વાર બાથરૂમ ગ્યા’તા. અને લેન્ડલાઇન બંધ હતી તો પરમાર સાહેબનો જીવ ઊંચો ચડી ગ્યો તો…વારેવારે ચેક કરી લેતા’તા. બંનેનું વર્તન ભેદી લાગ્યું. તને ન લાયગુ.?’
‘બાપુ તમારી વાતમાં દમ તો છે. બધું ગોઠવેલું હતું. બંને પાસે કેશ લઇને નીકળનારાની નક્કર માહિતી હોવી જોઇએ,’ પાટીલ બોલ્યો.
‘લોકઅપમાં અનવર મરી ગ્યો તો મને ફસાવવાની ટ્રાય મારી…..મને કહે તમે પેટમાં લાતોપાટું મારી એટલે મરી ગ્યો. જોયું ને તેં…પછી ફેરવી તોળ્યું.?’ કનુભા બાપુ વકીલની જેમ દલીલ કરતા હતા.
‘પરમાર સાહેબ મેડમને અંદર લઇ જઇને શું વાત કરી આવ્યા એ તો રામ જ જાણે. બધું ગોઠવેલું હતું.’ પાટીલ બોલ્યો.
‘ચિઠ્ઠી નાખવાનો આઇડિયા મેડમનો, એણે જ ચિઠ્ઠી ઉપાડી….એનું જ નામ નીકળ્યું…ને પૈસા ભરેલી બેગ પણ એ જ લઇને નીકળી ગ્યા.’ કનુભાની સામે રાતના દ્રશ્ય તરવરવા લાગ્યા. એને ગળે ચા ઊતરતી નહતી.
‘મેડમ આ બધું સસ્પેન્સ વાર્તાઓ વાંચી વાંચીને શીખી ગયેલા છે ને આપણી પોલીસ ચોકીમાં અજમાયવું. હવે એ બંને પૈસાના ભાગ પાડી લેશે ને આપણને ઠનઠન ગોપાલ. આપણને એકેય ફદિયું નહીં મળે…બધું ગોઠવેલું હતું.’ બોલતા પાટીલનો જીવ નીકળી ગયો.
‘હવે કરશું શું રમેશ?’ કનુભા બાપુની ચા કડવી થઇ ગઇ.
‘બાપુ તમે ચિંતા ન કરો….આપણી એક કહેવત છેને જે સૌનું થશે એ વહુનું થશે.’
‘સરખા ભાગે, સરખા ભોગે.’ કનુભા બાપુને ઉદયસિંહ પરમારનું વાક્ય યાદ આવી ગયું.
લીચી પટેલના મનમાં પૈસાને લઇને ઘણા સવાલો હતો. જેની ચર્ચા એ ઉદયસિંહ સાથે કરવા માગતી હતી. પોલીસ ચોકીમાં ચર્ચા કરવાનો મોકો મળ્યો નહીં. જોકે હકીકીત એ હતી
કે લીચી કોઇ અકળ કારણસર કનુભા અને પાટીલની સામે ચર્ચા કરવા માગતી નહતી. બપોરે ઊંઘી ઉઠ્યા પછી એણે ઉદયસિંહને ફોન કરવા મોબાઇલ ઉઠાવ્યો, પણ માંડી વાળ્યું. મેસેજ કરવાનું વિચાર્યું, પણ સસ્પેન્સ અને જાસૂસી વાર્તા વાંચનારી લીચી કોઇ વાત લખાણમાં આપવામાં માનતી નહીં. એણે લેન્ડલાઇન પરથી ઉદયસિંહને કોલ કર્યો..
‘હેલો’ ઉદયસિંહનો અવાજ ભારે હતો..કદાચ હજી ઊંઘતા હશે. લીચીએ વિચાર્યું.
‘સોરી સર તમને ડિસ્ટર્બ કર્યા.’
‘નહીં હમણાં જ ઉઠ્યો…કાંઇ વાંધો નહીં.’
‘સર, આપણે થોડી વાત કરવી જરૂરી છે…તમને સમય હોય તો’
‘હા બોલોને મેડમ હું ફ્રી જ છું.’
‘ફોન પર નહીં, રૂબરૂ વધુ સારું રહેશે.’
‘અરજન્ટ છે.?’ ઉદયસિંહે પૂછ્યું.
‘માનો તો અરજન્ટ છે, સર’
‘ઓકે ક્યાં મળીએ.?’
‘તમે દાદરા નગર હવેલી અને હું દમણ..વચ્ચેની કોઇ જગ્યાએ’ લીચીએ વાક્ય અધૂરું છોડ્યું.
‘હમમમમમમ’ ઉદયસિંહ થોડું વિચારીને બોલ્યો: ‘જગ્ગી દા ધાબા સારી જગ્યા છે.’
‘ઓકે…મળીએ.’ લીચીએ કહીને ફોન મુક્યો.
(ક્રમશ:)