ઉત્સવ

ખાખી મની-૩૭

લીચી… લીચી…. લીચી… તેં રૂપિયાનો ઢગલો નહીં… મુસીબતોનો પહાડ ખડકી દીધો છે.’

અનિલ રાવલ

શબનમ લીલી પટેલને લઇને દિલ્હી રવાના થઇ એની થોડીવાર પછી ડીકે મહેતા લીલીના ઘરે પહોંચ્યા. પ્રધાન હોવા છતાં તેઓ એક સામાન્ય નાગરીકની જેમ ગયા…..ના કોઇ લાલ લાઇટવાળી કાર કે ના સિક્યોરિટીનો કાફલો. એમણે પોતાના ખાસ ડ્રાઇવરને કારનો દરવાજો ખોલવાની પણ ના કહી. પ્રધાનના ઠાઠમાઠ સાથે નહીં જવાનું કારણ એ હતું કે એમણે બેગનો કોઇ રસ્તો કાઢીશ એવું લીલીને કહ્યું હતું. લીલીને ગળા સુધીની ખાતરી હતી કે ડીકે આવશે જ અને બેગને સગવગે કરશે. તાળું જોઇને એમને આંચકો લાગ્યો. કોઇને પૂછવા આસપાસ નજર ફેરવી. કોઇ દેખાયું નહીં. લીલીના મોબાઇલ પર કોલ કર્યો. કોલ નોટ રીચેબલ આવ્યો. ઊંચાઇ પર ઉડી રહેલા હેલિકોપ્ટરમાં નેટવર્ક ન મળે એ સ્વભાવિક હતું…આમેય જો કોલ લાગ્યો હોત તો શબનમ ડીકેનું નામ જાણી જાત. જોકે હેલિકોપ્ટરમાં બેસતી વખતે જ એણે લીલી પાસેથી મોબાઇલ લઇ લીધો હતો. બીજી બાજુ ચિંતિત ડીકેએ કોલ નહીં લાગતા મેસેજ કર્યો.
ક્યાં છો. હું ઘરે પહોંચ્યો…તાળું છે.


લીલીને બ્યુરોના એક રૂમમાં રાખીને શબનમે એની પૂછપરછ આદરી.

આન્ટી, બેગમાં પૈસા છે તે કોના છે.?’

‘ખરેખર મને કાંઇ ખબર નથી. મારે લીચીને મળવું છે. એના અપહરણનું કારણ જાણવું છે.’
‘પોલીસ શોધે છે લીચીને.’
‘તમેય શોધોને એને. મારે એને ઘણું પૂછવું છે.’ લીલી બબડી રહી હતી.

એ જ વખતે શબનમના ખિસ્સામાં રહેલો લીલીનો મોબાઇલ રણક્યો. એણે મોબાઇલ કાઢીને જોયું. રીંગ વાગી એ દરમિયાન શબનમે લીલીની સામે જોયું.
‘આ ડીકે કોણ છે. એનો મેસેજ પણ છે: ક્યાં છો. હું ઘરે પહોંચ્યો…તાળું છે.’

લીલીનું મોં સુકાઇ ગયું. ગળા હેઠળ થૂંક ઊતરતું બંધ થઇ ગયું. શું કહેવું. શું બોલવું. ડીકે મહેતા એક પ્રધાન કક્ષાના માણસ. એની ઓળખ અલગ છે…એનો દરજ્જો અલગ છે. પૈસાની બેગના મામલામાં વિના કારણ ઘસડાઇ જશે. લીલીના મનમાં વિચારોનું પુર ધસી આવ્યું.
ડીકે લીચીના પિતા છે.’ લીલી થોથવાતા બોલી.

લીચીનો બાપ તો સતિન્દરસિંઘ હતોને?’ શબનમને કાંઇક ગરબડ લાગી.

‘ડીકે પાલક પિતા છે.’
શબનમના ગળે વાત ઉતરી નહીં. એક મિનિટમાં આવું છું કહીને એ બહાર ગઇ. એક કોલ લગાડીને કહ્યું: એક નંબર ભેજ રહી હું…કિસ કા હૈ…ઔર ઉસકા લોકેશન બતાઓ…અરજન્ટ.’ દરમિયાન શબનમ લીલીની હિલચાલ જોવા ટ્રાન્સપેરન્ટ કેબીનમાં જઇને બેઠી. લીલી મોટે મોટેથી રડતી હતી.

‘ડીકે આપણી લીચીને કોણ ઉપાડી ગયું…લીચી…લીચી….લીચી…તેં રૂપિયાનો ઢગલો નહીં…મુસીબતોનો પહાડ ખડકી દીધો છે.’
શબનમના મોબાઇલની રીંગ વાગી.

‘હેલો મેડમ, યે નંબર મિનિસ્ટર ડીકે મહેતા કા હૈ…ઇસ વક્ત સુરત કા લોકેશન દિખા હા હૈ.’

‘ઉનકી મૂવમેન્ટ પર નજર રખો.’ કોલ પત્યા પછી શબનમે વિચાર્યું: ‘શું મિનિસ્ટર ડીકે મહેતા પણ આમાં સંડોવાયેલા છે.?’


શબનમ ફરી રૂમમાં ગઇ. લીલીની સામેની ખુરસીમાં બેઠી. ટેબલ પર માથું ઢાળીને બેઠેલી લીલીએ ઊંચું જોયું. એની આંખોના આંસુ હજી સુકાયા નહતા. રડી રડીને આંખો લાલ થઇ ગઇ હતી.
‘આન્ટી, ફરી પૂછું છું. પૈસા કોના છે.?’

‘મને કાંઇ ખબર નથી. લીચીને શોધીને એને પૂછો.’

‘ડીકે મહેતા-કેન્દ્રમાં મહિલા અને બાળ કલ્યાણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન…એમની સાથે તમારો શું સંબંધ છે.?’
એ મારા કાંઇ થતા નથી, પણ એ બધું છે મારા માટે.’ લીલીએ કહ્યું.

‘મને ફિલોસોફીમાં રસ નથી. સંબંધ શું છે એ કહો.’
‘અમારા સંબંધનું કોઇ નામ નથી તો શું કહું.’

‘સંબંધ નથી તો આ મેસેજ શા માટે કે ક્યાં છો…હું ઘરે પહોંચ્યો…તાળું છે.’

‘લીચીએ બેગ માળિયામાં મૂકી હતી. એનું અપહરણ થઇ ગયું…ડીકે બેગની ઝંઝટમાંથી મને છોડાવવા આવ્યા હતા.’ ખોટું બોલતા પહેલાં બે પાંચ સેક્ધડ લાગે, પણ સાચું બોલાનારાને સમય નથી લાગતો. લીલીએ સાચેસાચું કહી દીધું.

વાહ…..તો એક પ્રધાન કક્ષાના માણસ….બેગમાં કરોડો રૂપિયા કોના છે… શેના છે એ જાણવાની દરકાર કર્યા વિના તમારી મદદ કરવા પહોંચી ગયા.?’ શબનમના અવાજમાં વ્યંગ હતો.
‘પૈસા કોના છે એ જાણનાર લીચીનું અપહરણ થઇ ગયું છે.’ લીલીએ કહ્યું.
‘ના, કદાચ પ્રધાન ડીકે મહેતાને ખબર હતી કે પૈસા ખાલિસ્તાન મૂવમેન્ટ માટેના છે. અને એટલે જ તમને મદદ કરવા બહાને…તમને ઝંઝટમાંથી બહાર કાઢવાને બહાને પૈસા દિલ્હી લઇ આવવા માગતા હતા.’
‘ડીકે અલગ જ માણસ છે. તમને બધે ખાલિસ્તાન દેખાય છે, પણ મને હિન્દુસ્તાન દેખાય છે.’
‘અલગ માણસનો એક ચહેરો હિન્દુસ્તાની અને બીજો ખાલિસ્તાની હોઇ શકે છે.’ શબનમ બોલીને નીકળી ગઇ.


કુમારે હેડ કોન્સ્ટેબલ રમેશ પાટીલને રખાયો હતો એ રૂમનો દરવાજો ખોલ્યો. એના કાંડે બાંધેલી પટ્ટી કાઢી. પાટીલ બેઉં કાંડા પસારવા લાગ્યો. એનું મોં ઉતરી ગયું હતું. કુમારને એની આંખો જોઇને થયું કે એ કાંઇક કહેવા માગે છે. કુમારે બેસતાની સાથે એની સામે ટેપ રેકોર્ડર મૂક્યું.

‘આપ કૌન હો..? હમકો કહાં લાયે હો? ક્યું લાયે હો?’ પાટીલે પૂછ્યું.

‘બરસાતવાલી રાત….હાઇવે પર ક્યા હુઆ થા.?’ કુમારે રેકોર્ડર ઓન કર્યું. ટેપ રેકોર્ડરના ખુણે સ્થિર થયેલી લાલ લાઇટ જોઇને પાટીલને ખયાલ આવી ગયો કે સામે બેઠેલો માણસ અપહરણ કરનાર નથી…પણ તપાસ અધિકારી છે. તો પછી પોલીસ ચોકીમાંથી અપહરણ કરવાનું કરવાનું કારણ શું હશે.? પૂછવાની એની હિંમત ન ચાલી.

પાટીલે બોલવાનું શરૂ કર્યું. કુમાર એના હાવભાવ જોતો રહ્યો…..ક્યારેક આશ્ચર્યથી એની આંખોના ભંવાં ઊંચા થયા..તો ક્યારેક આંખો ઝીણી કરીને પ્રશ્નાર્થ બતાવ્યો. ક્યારેક એના ચહેરા પર ગુસ્સાના ભાવ ઉપસી આવ્યા. તો ક્યારેક ચહેરા પર હલકુ સ્મિત છલક્યું. પાટીલના બયાનમાં રહેલા સચ અને ઝુઠને કુમારની કાબેલિયત પકડતી રહી. બોલવાનું બંધ કર્યા પછીય પાટીલ લાલ લાઇટને જોતો બેસી રહ્યો. કુમારે ટેપ સ્વિચ ઓફ કર્યું. હવે પાટીલની નજર લાઇટ પરથી હટીને કુમાર પર ગઇ. થોડીવાર રૂમમાં સ્તબ્ધતા છવાઇ ગઇ. કુમારે પાટીલના બંને કાંડે ફરી પટ્ટી મારી દીધી ને કડક ચહેરે બહાર નીકળી ગયો. બીજા રૂમમાંથી કનુભાનું નિવેદન રેકોર્ડ કરીને બહાર નીકળેલા અભિમન્યુ સિંહે એમના હાથમાં રહેલું ટેપ રેકોર્ડર કુમારને બતાવ્યું અને કુમારે એના હાથમાંનુ ટેપ બતાવ્યું…..લોબીમાં સાથે ચાલી રહેલા બંનેએ કંઇક ગૂસપૂસ કરી.


શબનમ મનપ્રિતને અભય તોમારને મળવાની ઇચ્છા પુરી કરવા એને કારમાં તોમારની ઓફિસે લઇ જઇ રહી હતી.
‘આપ હિના કો કૈસે જાનતી હો.?’ મનપ્રિતે પૂછ્યું.

‘હમ યહાં સાથ મેં પઢતે થે….બાદ મેં વો કેનેડા ચલી ગઇ.’ મનપ્રિત મીઠું હસી. ડ્રાઇવરે મિરરમાંથી એની સામે જોયું.
‘બડી બહાદુર હૈ….આપકી ફ્રેન્ડ.’ એ બોલી. પછી બહાર દિલ્હીનો નજારો જોવા લાગી.


‘સર, યે મનપ્રિત…દલજિત બબ્બર કી વાઇફ..કેનેડા સે હૈ.’ શબનમે ઓળખ આપી. મનપ્રિતે અહોભાવથી બે હાથ જોડ્યા.
‘બતાઇએ.’ અભય તોમારે કહ્યું.

મનપ્રિતે પર્સમાંથી મેપ કાઢીને તોમારની સામે મૂકીને કહેવા લાગી: ‘સર, ખાલિસ્તાનીઓ કા બડા પ્લાન હૈ..’ એણે આખો પ્લાન સમજાવવાની શરૂઆત કરી….જેના વિશે હિનાએ અગાઉ તોમારને વાકેફ કરી જ દીધા હતા. જેને પગલે બધે જડબેસલાખ સિક્યોરિટી ગોઠવી દેવાઇ હતી અને ટોડીસિંઘ સહિતના ત્રાસવાદીઓનો રાતોરાત સફાયો બોલાવી દેવાયો હતો.. અભય તોમાર માટે આમાં કાંઇ નવું ન હતું.

‘ખાલિસ્તાની મૂવમેન્ટ મેં આપકા હસબન્ડ દલજિત બબ્બર ભી થા.’ તોમારે કહ્યું.

સતિન્દર સિંઘ કે બહેકાવે મેં આ ગયા થા…..મેરે બેટે યશનૂર કો ભી ઉસને બહેકાયા થા….સતિન્દર સિંઘ કે કારન મેરે દલજિત કી મૌત હુઇખાલિસ્તાન વિરોધીઓને મેરે બબ્બર કો માર ડાલા ઔર મૈને હિના કી મદદ સે બદલા લિયા. ‘વૈસે હિના ભી ખાલિસ્તાની મૂવમેન્ટ સે નીકલ કર દિલ્હી આને વાલી હૈ.’
તોમાર અને શબનમની આંખો મળી. બંનેને મનપ્રિતની વાતથી સંતોષ થયો કે હિનાની અસલિયત વિશે મનપ્રિતને કાંઇ ખબર નથી.

ઔર ક્યા જાનતી હો ખાલિસ્તાની મૂવમેન્ટ કે બારે મેં.?’ તોમારે પૂછ્યું.

સર, ગુજરાત સે બડા રૂપિયા દિલ્હી આને વાલા થા…..ઉસ પૈસો સે પાકિસ્તાન સે શસ્ત્ર ખરીદને કા પ્લાન થા…..બબ્બર ખુદ દિલ્હી આ કર આતંક મચાને વાલા થા.’ તોમાર અને શબનમની નજરમાં ચમક ાવી ગઇ.

‘ગુજરાત મેં કહાં સે પૈસા આનેવાલા થા.?’ તોમારના સવાલમાં ઝડપથી
જાણી લેવાની ઉતાવળ નહતી.

અમદાવાદ કે ગુરુદ્વારા કે ગ્રંથિ હરપાલસિંઘ ઔર કોઇ ઇમામને મિલ કર પૈસે ઇક્કઠે કિયે થે….તોમાર અને શબનમની આંખો ફરી એકવાર સામસામે થઇ.
‘આપ કો કૈસે પતા યે સબ.?’

‘ફોન પર બબ્બર કી બાતેં સુની હૈ’ મનપ્રિતે શબનમની સામે જોતા કહ્યું.

‘દિલ્હી મેં પૈસે કિસ કો પહોંચનેવાલે થે.?’ તોમારે પૂછ્યું.
‘સીએમ કો..’ મનપ્રિતે ધીમા અવાજે કહ્યું.

‘યે સબ હમેં ક્યું બતા રહી હો.?’ તોમારે કહ્યું.
‘ક્યો કી મૈં ખાલિસ્તાન સે નહીં, હિન્દુસ્તાન સે હું.’


ડીકે મહેતા પરેશાન હતા. લીચી અને બીજા પોલીસ સાથીઓનું અપહરણ…ત્યારબાદ લીલીનું ગૂમ થઇ જવું. સુરતના બંગલામાં રાતે ઝાકળભીના હરિયાળા ઘાંસ પર…ભુલા પડેલા કોઇ મુસાફરની જેમ આંટા મારી રહેલા લાચાર ડીકેને પ્રધાન હોવા પર પહેલીવાર ગુસ્સો આવી રહ્યો હતો. શું કરવું? કોને કહેવું? ક્યાં શોધવા? ક્યાં તપાસ કરવી? પ્રધાન હોવા છતાં એ વિવશ હતા. અચાનક એમના પગ થંભી ગયા. મોબાઇલ લઇને એક કોલ લગાડ્યો.

‘હેલો.’

‘ડીકે સાહેબ, અત્યારે રાતે કોલ કર્યો…બધું બરાબર તો છેને.?’ સુરતના પોલીસ કમિશનર વિજય સહાયના અવાજમાં ગંભીરતા હતી.

‘લીલાસરી પોલીસ ચોકીના અપહરણના કેસની તપાસ તમે કરી રહ્યા છો..રાઇટ.?’

‘હા, ધેટ્સ રાઇટ. કેમ શું થયું.?’

‘દોસ્તીદાવે પૂછું છું….એ કેસમાં કોઇ ડેવલપમેન્ટ.?’

‘ડીકે, હું પણ તમને દોસ્તીદાવે કહું તો….હજી તપાસ ચાલુ છે, પણ બહુ જલ્દી નિવેડો આવી જશે.’ વિજય સહાય હકીકત જાણતા હોવા છતાં ખોટું બોલ્યા.
‘ડીકે…તમને કેમ આ કેસમાં રસ પડ્યો.?’ સહાયે પૂછ્યું.

‘સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલની મા લીલી સાથે મારે…હું પ્રધાન નહતો ત્યારના ખૂબ સારા સંબંધ છે. લીચી મારી દિકરી છે એમ સમજો.’

ડીકેની વાતે સહાયને વિચારતા કરી દીધા. એક તરફ દેશની મોટી ગુપ્તચર એજન્સી લીલાસરી પોલીસ ચોકીની પોલીસ પાર્ટીને ઊચકીને લઇ ગઇ છે..જેનું પગેરૂં ક્યાં નીકળશે એનું રહસ્ય હજુ અકબંધ છે ત્યારે પ્રધાન ડીકે મહેતા એમ કહે છે કે લીચી મારી દિકરી છે એમ સમજો. સહાયને રહસ્યમય પગેરાનું એક પગલું ડીકે તરફ જતું દેખાયું.

‘આ કેસમાં અત્યારે કાંઇ કહી શકાય એમ નથી ડીકે.’ સહાયે કહ્યું.

‘સહાય, હવે જે કહું છું એ વાત તમારી અને મારી વચ્ચે રાખજો….લીચીની મા લીલી પણ ગૂમ છે. હું એના ઘરે ગયો..તાળું હતું…ફોન કર્યો….પહેલા રીંગ વાગી…હવે મોબાઇલ બંધ આવે છે.’
સહાયના મનમાં ઘુમરાઇ રહેલું લીલાસરી પોલીસ ચોકીના કેસનું રહસ્ય વધુ ઘેરું બન્યું.

‘ડીકે, ઇન ધીસ કેસ..તમારે પોલીસમાં ફરિયાદ કરવી જોઇએ.’ સહાયે કહ્યું.

‘એટલા માટે તમને કહું છું….કારણ કે તમે જે કેસની તપાસ કરી રહ્યા છો એની સાથે લીલીના ગૂમ થવાને કોઇ સંબંધ હોવો જોઇએ.’
‘ડીકે હું તમારા મુદ્દાને ધ્યાનમાં લઇશ. બાય ધ વે….તમે આ મા-દિકરી વિશે બીજું શું જાણો છો.?’

એ હું સમય આવ્યે કહીશ. અત્યારે મારે તમારી એક મદદ જોઇએ છે. ‘લીચી અને લીલી-બંનેના લોકેશનની તપાસ કરીને મને કહી શકો તો આઇ વિલ બી વેરી થેન્કફુલ ટુ યુ સહાય.’
પ્રધાન કક્ષાનો આ માણસ પોતે પણ આ કામ કરાવી શકે એમ છે છતાં મને શા માટે કહી રહ્યો હશે.? સહાયનું દિમાગ ચકરાવે ચડી ગયું. બલદેવરાજ સાથેની છેલ્લી વાતમાંથી સુરતના પોલીસ કમિશનર વિજય સહાયને મળેલી હકીકત બાદ હવે એમણે મોં સીવી લેવા સિવાય કાંઇ કરવાનું રહેતું નહતું. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button