ઉત્સવ

ખાખી મની-૩૩

‘તોમાર, દેશની સામે ખતરો ઊભો કરનારા કોઇપણ હોય મગરમચ્છ કે મગતરાં..એને છોડવાના નથી’

અનિલ રાવલ

અભિમન્યુ સિંહે બહાર ઊભેલા એજન્ટને કહ્યું: ‘ચારોં કો અલગ અલગ રખો.’ કહીને એ બાજુની કેબિનમાં ગયા….જ્યાંથી પોલીસ પાર્ટીને રાખી હતી એ રૂમમાં થતી પૂછપરછ જોઇ-સાંભળી શકાતી હતી, પણ કેબિનમાંથી રૂમમાં જોઇ કે સાંભળી શકાય એવી સિસ્ટમ નહતી. એમણે ખુરસી પર બેઠેલા માણસના ખભા પર હાથ મૂકતા પૂછ્યું: ‘યહી અસલી ચહેરે હૈ લીલાસરી પોલીસ ચોકી કે?’
‘યસ સર.’ રાંગણેકર ઊભો થઇ ગયો…

આપને પૂરે કેસ કી ઇન્ક્વાયરી કી હૈ…આપ કે પાસ સબૂત હૈ…

‘ઇસલિયે આપકો દિલ્હી બુલાયા હૈ…ઔર એક બાત…આપકા સીમકાર્ડ બદલ ડાલો…અબ જો કોલ આયા થા…વો લાસ્ટ કોલ થા…કિસી સે બાત નહીં કરની હૈ આપકો…આઇ હોપ યુ અન્ડરસ્ટેન્ડ રાંગણેકર..’

‘યસ સર.’ રાંગણેકરે મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢતા કહ્યું. અભિમન્યુ સિંહ અને રાંગણેકર બહાર નીકળ્યા..આગળ જઇને એમણે અન્ય એક જણને રાંગણેકરને નવું સીમકાર્ડ આપવાની સૂચના આપી…

‘આપ જાઇએ ઇન કે સાથ..ઝરુરત પડને પર બુલાયેંગેં આપકો’ રાંગણેકરને કહીને લોબીની સૌથી છેલ્લી રૂમમાં ગયા.

‘હેલ્લો જેન્ટલમેન….આપ લોગોં કો રાસ્તે મેં કોઇ તકલીફ તો નહીં હુઇના?’ અભિમન્યુ સિંહે અંદર દાખલ થતા પૂછ્યું.

‘નૈ નૈ તપલિક કૂછ નહીં હુઇ…મસ્ત હવા ખાતે ખાતે આયે..જો પૂછના હૈ વો પૂછ કે લફડા ખતમ કરો સાહબ.’ કુમારની ચાલમાં ફસાઇને દિલ્હી સુધી આવી ગયેલા ભાલેરાવ ભોટ નહોતા…એને એમ હતું કે આઇબી ફાઇબીના આવા ઓફિસરો એનો વાળ પણ વાંકો નહીં કરી શકે…..ઉપરથી એક ફોન આવશે ને પોતે છુટી જશે….પણ અવસ્થીની અવસ્થા જુદી હતી….એ અસ્વસ્થ હતો. પણ આઇએએસ ઓફિસર હતો…..એ પરિસ્થિતિ પામી ગયો હતો…એણે રસ્તામાં ભાલેરાવને નેશનલ સિક્યોરિટીના ચીફ અભય તોમારની કામ કરવાની સ્ટાઇલ સમજાવવાની કોશિશ કરી જોઇ, પણ ભાલેરાવની ચામડી ગેંડાની હતી અને બુદ્ધિ બળદની….

‘અરે મિનિસ્ટરજી જાનતા હું આપકા સમય કિમતી હૈ….આપકો બસ એક દિન રુકના હૈ….હમારે મહેમાન બન કે.’ અભિમન્યુ સિંહ ગદગદ થઇ ઉઠેલા યજમાનની જેમ બોલ્યા ને પછી તરત જ અવસ્થીને જોઇને અવાજ અને હાવભાવ બદલાઇ ગયા અવસ્થી સાહબ, હમારી મુલાકાત પહેલે હો ચુકી હૈ…..હમેં કો-ઓપરેટ કરના….કુમાર, દોનો કી ખાતિરદારી મેં કોઇ કમી નહીં રહેની ચાહિયે….દોનોં કો અલગ અલગ રૂમમેં રખો’


અમન રસ્તોગી લીલાસરી પોલીસ ચોકીએ પહોંચીને સૌથી પહેલાં ગજાનનને મળ્યો…પ્રાથમિક માહિતી મેળવીને તપાસ ઇન્ચાર્જ પોલીસ અધિકારીને મળ્યો.. એણે વિગતો ઘણીબધી એકઠી કરી, પણ લખ્યું અન્ય રિપોર્ટરોથી તદન અલગ…કારણ કે એની પાસે જે મસાલો હતો તે અન્યો પાસે નહતો.

અમન રસ્તોગીએ પોતાના રિપોર્ટમાં પોલીસ અપહરણની ઘટનાને દુ:ખદ ગણાવી ને સાથે સાથે પોલીસને હાથના કર્યા હૈયે વાગ્યા એવું લખ્યું. ‘મેં મારા અગાઉના અહેવાલોમાં ચોખ્ખું લખ્યું હતું કે કારમાં કોઇક કિંમતી વસ્તુ હતી. અને પોલીસના અપહરણની આ ઘટના મારા અગાઉના અહેવાલને પુષ્ટી આપે છે.’

ગુજરાતભરના અન્ય અહેવાલોથી અલગ તરી આવતા આ અહેવાલની કેટલીક ચોંકાવનારી વિગતોમાં એણે આ કેસનો જાતઅનુભવ લખ્યો …લીચી પટેલને મળીને કરેલી વાત…એ વખતનો લીચી પટેલનો પ્રતિભાવ, ઉદયસિંહે પાટીલ પાસે કરાવેલો ફોનકોલ….ઉદયસિંહ અને લીચી પટેલે વ્યક્ત કરેલી મામલાની પતાવટની ઇચ્છા…એણે ત્યાં સુધી લખ્યું કે હું એમના ફોનની રાહ જોતો હતો ને એમનું અપહરણ થઇ ગયું. આખાય કેસનું રહસ્ય લીલાસરી પોલીસ ચોકીમાં હતું…..જે એમના અપહરણની સાથે ગયું.’ આ વખતે એના તંત્રી અને માલિકોનીની સંપુર્ણ સંમતી હતી. અમન રસ્તોગીના અહેવાલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તહેલકો મચાવી દીધો. બીજે દિવસે એણે રિપોર્ટનો પ્રતિભાવ જાણવા રાંગણેકરને ફોન કર્યો. રાંગણેકરનો ફોન સ્વિચ ઓફ આવ્યો.
બીજી..ત્રીજી…ચોથીવારની ટ્રાયનું પણ એ જ પરિણામ. રસ્તોગીએ સોલંકીને કોલ કર્યો.

‘સોલંકી સાહેબ….રાંગણેકર ક્યાં છે.?’
‘કોંકણ…એના ગામ ગયા છે…એવું મને એના ડિપાર્ટમેન્ટમાંથી જાણવા મળ્યું.’ સોલંકીએ કહ્યું. રસ્તોગીએ કોલ કટ-ઓફ કર્યો, પણ મનમાં જાગેલી શંકાને કટ-ઓફ ન કરી શક્યો.


અભય તોમાર પીએમ ઓફિસમાં વડા પ્રધાન અંદર બોલાવે એની આતુરતાથી રાહ જોઇને બેઠા હતા….એ થોડી થોડીવારે ઘડિયાળમાં જોયા કરતા હતા….. અભય તોમારે એમની અપોઇન્મેન્ટ લીધી હોવા છતાં વડા પ્રધાને એમને કદાચ પહેલીવાર બહાર બેસાડી રાખ્યા હતા. પીએમની પર્સનલ સેક્રેટરીને પણ નવાઇ લાગતી હતી….એ પણ સંકોચભાવે અભય તોમારની સામે જોઇ લેતી હતી. અચાનક પીએમની કેબિનનો દરવાજો ખુલ્યો અને ડીકે મહેતા બહાર આવ્યા…બંનેની નજર મળી. ડીકેએ હેલો કહ્યું.

‘સોરી ડીકે સાહબ જરા ઉતાવળમાં છું’ કહીને તોમાર પીએમની કેબિનમાં પ્રવેશ્યા.

‘સર, ટોડીસિંઘ અને એના કેટલાક માણસો ખતમ કરાયા છે….લાલ કિલ્લા, પાર્લામેન્ટ, ગોલ્ડન ટેમ્પલ સહિતના કેટલાક ગુરુદ્વારાઓ પર કમાન્ડોનો સજ્જડ ચોકી પહેરો ગોઠવી દીધો છે.’
‘કેનેડાના શું ખબર છે?’ પીએએ પૂછ્યું.

‘સર, આઇ ગેટબેક ટુ યુ ઓન ધીસ લેટર…પણ બીજી એક મહત્ત્વની વાત… ગુજરાત અને ખાલિસ્તાની મૂવમેન્ટનું કનેક્શન મળી આવ્યું છે…ગુજરાતમાંથી ફંડિંગ પણ થયું છે…અમે કેટલાક લોકોને ઊંચકી લીધા છે.’

‘ગુજરાતનું ખાલિસ્તાની કેનેક્શન…તોમાર, તમને પાકી ખાતરી છે.?’ પીએમએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું….

સર, ઊંચકી લેવાયેલામાં એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ચાર પોલીસ પણ છે….તપાસમાંથી બધી હકીકત બહાર આવશે.’

વડા પ્રધાન ભૃકુટી પર બે આંગળીઓ મૂકીને વિચારતા રહ્યા. થોડીવારે બોલ્યા. ‘તોમાર, દેશની સામે ખતરો ઊભો કરનારા કોઇપણ હોય… મગરમચ્છ કે મગતરાં એને છોડવાના નથી’
‘તોમાર છાતી ચૌડી કરીને બોલ્યા: જય હિન્દ સર’

લીલી પટેલના ઘરના ફોનની ઘંટડી વાગી…એણે ફોન ઊંચકીને હેલો કહ્યું. સામે છેડેથી અવાજ આવ્યો: ‘માજી, હું રતુભા.’ લીલાસરી પોલીસ ચોકીએથી બોલું છું.
‘હાં બોલો’

‘લીચી અને અમારા બીજા ત્રણ પોલીસનું પોલીસ ચોકીમાંથી અપહરણ થઇ ગયું છે.’ લીલી પટેલના પગ ધ્રુજવા માંડ્યા. આંખ સામે અંધારું છવાઇ ગયું. એ સોફા પર બેસી ગઇ. એનું મોં સુકાવા લાગ્યું…..મોંમાંથી એકેય શબ્દ નીકળી ન શક્યો. ધ્રુજતા હાથે એણે ફોન મૂકી દીધો. એ સૂનમૂન બનીને બેસી રહી….કેટકેટલા વિચારો જળોની જેમ મનને વીંટળાઇ વળ્યા હતા.

પોલીસનું અપહરણ કોઇ શા માટે કરે? રોના બે ઓફિસરો પૂછપરછ કરીને ગયા…..એને અને અપહરણને કોઇ સંબંધ હોઇ શકે? લીચીએ ઘરમાં પૈસા ભરેલી બેગ મૂકી રાખી છે….એને અને અપહરણને કોઇ સંબંધ હોઇ શકે? બેગનું રહસ્ય હોઇ શકે? લીચીએ મારાથી શું છુપાવ્યું હશે? લીલીને ડીકેને ફોન કરવાનો વિચાર આવ્યો, પણ માથા પરથી પાણી વહી જાય ત્યારે ડીકેને યાદ કરું તો એ શું કહેશે….ડીકે શું કહેશે એના કરતાં વધુ મહત્ત્વની દીકરીના અપહરણની કટોકટી હતી. એણે ફોન કર્યો પણ ડીકેએ ઉપાડ્યો નહીં.


‘સર, એક લેન્ડલાઇન નંબર ટેપ કરવા માટે વોટ્સ એપ કરું છું.’ બલદેવરાજે મોબાઇલ પર અભય તોમારને કહ્યું.

‘ઓકે….કોનો નંબર છે.?’ તોમારે પૂછ્યું.

‘લીલાસરી પોલીસ ચોકીની સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલના ઘરનો.’

‘પણ એને તો તમે ઊંચકી લીધી છેને.?’

‘હા સર, પણ એની મા લીલી પટેલ સતિન્દરસિંઘ કાલરાની વાઇફ છે…અને હજી સુધી આપણે એને ટચ કરી નથી.’

‘ઓકે’ તોમાર ફોન કાપી નાખીને બલદેવરાજે મોકલેલો નંબર ચેક કરવા લાગ્યા. એમણે ફોન નંબર પોતાની ખાસ સેક્રેટરીને નંબર પાસઓન કર્યો. દરમિયાન લીલી પટેલનો ડીકેને કોલ લાગી ગયો.

‘આટલી મોટી વાત તેં મારાથી છુપાવી.?’ લીલી પટેલની અપેક્ષા મુજબ જ ડીકેનો પહેલો
આકરો પ્રતિભાવ આ હતો….લીલી ચૂપ રહી કારણ કે એની કોઇ દલીલ, કોઇ સફાઇ, કાંઇ જ ચાલે એમ નહતું. અપહરણનો મામલો હતો, પૈસાની બેગ માળિયા પર પડી હતી, રોના
માણસો પૂછપરછ કરી ગયા હતા. દીકરી પર ભરોસો કરવાની પોતે ભૂલ કરી જ હતી
સાથે સાથે ડીકેને પણ જાણ ન કરવાનો વસવસો અને રંજ એને સંતાપી રહ્યો હતો…એને
પોતાની ભૂલ સમજાઇ ચુકી હતી……હવે ડીકે એક માત્ર તારણું હતું….તારણહાર હતો.

‘ડીકે, પ્લીઝ લીચીને બચાવી લો.’
‘હું મારી રીતે તપાસ કરું છું.’ ડીકેએ કહ્યું.
‘પૈસાની બેગ ક્યાં છે..?’ ડીકેએ સવાલ કર્યો.
‘માળિયા પર.’
‘સૌથી પહેલા તો બેગનું કાંઇક કરવું પડે.’
‘ડીકે, પ્લીઝ પૈસાનું જે કરવું હોય તે કરો, પણ લીચીને કાંઇ ન થવું જોઇએ.’

‘હું કોશિશ કરું છું….તું ફિકર ન કર’
એમણે ફોન કટ કર્યો અને એ સાથે સેક્રેટરીએ ફોન નંબર ટ્રેકિંગ ટ્રેક પર ટેપ કરવા મુક્યો….બે મિનિટ પહેલાં નંબર મળ્યો હોત તો લીલી અને ડીકે વચ્ચેની વાતચીત ટેપ થઇ ગઇ હોત.
રોની ઓફિસના એક રૂમમાં વચોવચ મૂકેલા એક ટેબલની એક તરફ ઇમામ અને સામેની બાજુ શબનમ બેઠી હતી. ઇમામના ચહેરા પર કોઇ ફિકર નહતી…એ શાંતિથી તસ્બી ફેરવી રહ્યા હતા. શબનમે નાનું ટેપ રેકોર્ડર ઓન કર્યું…

‘ઇમામુદ્દિન અહમદી ઉર્ફ ઇમામ, સીધી બાત પર આતે હૈ. ખાલિસ્તાની મૂવમેન્ટ કે લિયે તુમને ગુજરાત કે શીખો કો ચંદા ઇક્ઠ્ઠા કરને મેં મદદ કી હૈ.’
‘નહીં…મુઝે ઇસ કે બારે મેં કૂછ નહીં માલૂમ.’

‘મૈં પૂછતી નહીં બતા રહી હું….ઇતના હી નહીં તુમને આદિત્ય અવસ્થી કે સાથ પૈસા દિલ્હી કે સીએમ કો ભેજને કા કામ સોંપા થા.’

‘મૈં કિસી અવસ્થી કો નહીં જાનતા’ ઇમામનું ધ્યાન તસ્બી ફેરવવામાં હતું.

શબનમે ખિસ્સામાંથી કાગળ કાઢીને કહ્યું: ‘યે તુમ્હારા ઔર અવસ્થી કા કોલ રેકોર્ડસ હૈ…..તારીખ પઢું….ઇસ મેં બરસાત વાલી રાત કે અગલે-પીછલે દિનોં કા રેકોર્ડ ભી હૈ. ઇમામ, તુમ ઇમાન કો તો કહીં પીછે છોડ આયે હો…લેકિન કમસે કમ ઝુઠ બોલતે વક્ત તસ્બી કો તો બાજુ પર રખ દેતે.’ શબનમે કાગળ ખિસ્સામાં મૂકતા કહ્યું.

ઇમામ માથું ધુણાંવતા કહ્યું: ‘મુઝે એક કોલ કરના હૈ’
‘અગર તુમ યે માનતે હો કી સીએમ કે એક ફોનકોલ સે આપ બિના સચ બતાયે યહાં સે નીકલ જાઓગે તો તુમ બડી ગલતફેહમી મેં હો ઇમામ.’

‘મુઝે મેરે વકીલ સે બાત કરની હૈ.’ ઇમામે શબનમ સાથે આંખ મિલાવીને વાત કરી.

‘ઓહ..તો તુમ વકીલ કે ઝરિયે ઝુઠ બોલોગે…ખુદ સચ નહીં બોલોગે.’ શબનમે ટેપ સ્વિચ ઓફ કર્યું….ઇમામ તરફ જરા ઝુકીને બોલી: ‘ઇસ ઓફિસ મેં આના ઔર યહાં સે જાના…હમારી મરઝી સે હોતા હૈ….સીએમ તો ક્યા…ખુદા ભી યહાં સે તુમ્હે બાહર નહીં નીકાલ પાયેગા.’ શબનમ ખુરસી પાછી ઠેલીને નીકળી ગઇ.
ક્રમશ:


કેપ્શન:


Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…