ખાખી મની-૩
ક્રાઈમ સીન – અનિલ રાવલ
‘ચોરીના માલને ગણવા ન બેસાય. રૂપિયાની થપ્પીઓ અડસટે વહેંચી લેવાની.’ ઉદયસિંહે કહ્યું
‘ઓહ માય ગોડ…’ ખુરસીની પાછળ અનવરનું ઢળેલું માથું અને ખુલ્લી રહી ગયેલી આંખો જોઇને લીચી પટેલ ચિત્કારી ઊઠી. એ અનવરના નાક નજીક આંગળી લઇ ગઇ.
અનવરનો શ્ર્વાસ બંધ થઇ ગયો હતો. ચારેયના ધબકારા તેજ થઇ ગયા. લોકઅપમાં એક સુનકાર છવાઇ ગયો ને ચારેયના મનમાં અંધકાર. મોતનું કારણ શોધવા લીચી પટેલે કનુભા પાસેથી ટોર્ચ લઇને અનવરના માથા પરથી લઇને પગના અંગૂઠા સુધી લાઇટ ફેંકીને ચેક કર્યું. છાતી પર હાથ મૂક્યો.
‘અનવરનું રહસ્યમય મોત આપણા શ્ર્વાસ અધ્ધર ચડાવતું ગયું,’ લીચી પટેલ નિ:સાસો નાખતાં બોલી.
‘આ માણસ આપણને મુસીબતમાં નાખતો ગ્યો,’ કનુભા બબડ્યા.
‘મુંઝાવાની જરૂર નથી. કાંઇક રસ્તો કાઢશું. ચાલો અંદર. હજી રાત ઘણી બાકી છે,’ ઉદયસિંહે હિંમત બતાવી.
કનુભાએ લોકઅપને આગળિયો માર્યો. ચારેય જણ રૂમમાં ગયાં. બધા બેઠાં એટલે ઉદયસિંહે શરૂઆત કરી.
‘મેડમ, તમે અનવરને છેલ્લીવાર પૂછવા માગતાં હતાં, પણ હવે એ શક્ય નથી. કોના પૈસા છે એના સગડ મળવાના હવે કોઇ ચાન્સ નથી. અનવર મરી ગયો છે. જીવતો હોત તો પણ એ સાચું કહેત એવું હું માનતો નથી… નિર્ણય આપણે જ લેવાનો હતો અને છે…’
ઉદયસિંહ થોડા અટક્યા. દરમિયાન પાટીલ, કનુભા અને લીચી પટેલ લોકઅપમાં પડેલી અનવરની લાશ વિશે વિચારતા રહ્યાં.
‘કનુભા, એક બીડી પેટાવો ને મને કશ મારવા દો.’
ઉદયસિંહ ક્યારેય બીડી પીવે નહીં… એમની સિગારેટનું પેકેટ ખાલી થઇ ગ્યું તોય આખા ‘દિમાં બીડી માગી નહીં… આ એમને શું થઇ ગ્યું… કનુભાએ ઉદયસિંહના મનને તાગવાના વિચાર અને ઝૂડીમાંથી એક બીડી ઓછી થઇ જવાના વસવસા સાથે બીડી સળગાવીને આપી. ઉદયસિંહે એક ઊંડો કશ માર્યો… કડક બીડીની લિજ્જત માણતા વાત આગળ ચલાવી…
આમેય અનવર જીવતો હોત તો પૈસા માટે આપણે એને પતાવી દેવો પડત… રહસ્ય જાણી જનારાને જીવતદાન આપવું એ મોતને નિમંત્રણ આપવા બરાબર છે. સારું થયું કનુભાએ આપણા ચારેય વતી એ કામ પતાવી નાખ્યું.
એ જ ક્ષણે ત્રાટકેલી વીજળી ઝબકારો કરીને અદ્રશ્ય થઇ ગઇ… કનુભાને લાગ્યું કે પોતાના પર વીજળી ત્રાટકી.
‘મેં… તમે માનો છો સાહેબ, કે મેં અનવરને મારી નાયખો… મેડમે કહ્યું એટલે હું એને લેવા ગ્યો… ઇ તો પહેલાં જ મરી ગ્યો’તો.’
‘ના કનુભા, તમે એનું મર્ડર નથી કર્યું… તમે એને પેટમાં લાતો મારી કદાચ એને લીધે એનું મોત થયું હોય એમ કહું છું,’ ઉદયસિંહે કહ્યું.
‘એક મિનિટ સર, કદાચ એનું મોત હાર્ટ અટેકથી પણ થયું હોઇ શકે…’ લીચી પટેલે દલીલ કરી.
‘કોઇ એનો પીછો કરતો હોય ને એણે અનવરને પતાવી દીધો હોય… એવું ન બને સાહેબ?’ પાટીલે કહ્યું.
‘મેડમે ચેક કર્યુંને. કોઇએ એને છરી નથી મારી, ગોળીએ નથી દીધો, મોંઢામાંથી ફીણ નથી નીકળતા… મર્ડર કઇ રીતે કર્યું હોય?’ ઉદયસિંહે કહ્યું.
‘સર, અનવરનું પોસ્ટમોર્ટમ થાય તો જ એના મોતનું ખરું કારણ જાણી શકાય… જે શક્ય નથી… એટલે આપણે આ વાતનું પોસ્ટમોર્ટમ કરવાનું રહેવા દઇએ,’ લીચી પટેલ મક્કમ અવાજે બોલી. કનુભાને પોતાની તરફેણમાં દલીલ કરનારાં મેડમ પર માન થયું.
‘સાહેબ, પાછલો ગેટ ખુલ્લો જ હોય છે. આપણે લોકઅપને તાળું નથી મારતા, બહારથી આગળિયો મારીએ છીએ… કોઇ બહારના માણસનું કામ હોય…’ કનુભા બોલ્યા.
‘પાટીલ, તમે હમણાં બોલ્યા કે કોઇ પીછો કરતું હોય… તમને કેમ એવું લાગ્યું…’ ઉદયસિંહે પૂછ્યું.
‘આપણી ગાડીઓ નીકળી પછી તરત જ મેં એક કારને પસાર થતા જોઇ હતી…’ પાટીલે કહ્યું.
‘તમે એ વખતે કેમ ન કહ્યું?’ લીચી પટેલે કહ્યું.
‘મેડમ, હું પૈસાના નશામાં ડૂબેલો હતો… ભાન ભૂલી ગયેલો….’
‘સર, શક્ય છે કે અનવરના એસ્કોર્ટ તરીકે પાછળ બીજી કાર હોય… અથવા પાછલી કારમાં વધુ પૈસા હોય… આગલી કાર પકડાય તો પાછળની બીજી કારને તરત જ કોઇ અટકાવે નહીં… એ છટકી જઇ શકે…’ લીચી પટેલની વાતમાં બધાને તર્ક લાગ્યો.
‘મેડમ, અનવરનાં મોત સાથે આપણા પરનો ખતરો વધી ગયો છે… પૈસા ભરેલી બેગ અને ડ્રાઇવર હતો ત્યાં સુધી જોખમ ઓછું હતું.’ પાટીલે કહ્યું.
‘સર, આપણે સૌથી પહેલાં લાશને ઠેકાણે પાડવી પડે. પૈસા ભરેલી બેગ કરતા લાશનું વજન વધુ છે.’ લીચી પટેલે શાણપણ બતાવ્યું.
‘અનવર અને કારને મહારાષ્ટ્રની હદમાં મૂકી આવીએ. મહારાષ્ટ્રની પોલીસ ફોડશે… હજી બે પણ નથી વાગ્યા… વરસાદ થોડો ઓછો થયો છે.’ ઉદયસિંહે માર્ગ સૂચવ્યો.
‘હા પણ સાહેબ, આ બેગ ક્યાં મૂકીને જશું?’ રમેશ પાટીલને લાશ કરતા વધુ ચિંતા પૈસાની હતી.
‘હું બેગની ચોકી કરતો બેઠો છું, તમે લાશને ઠેકાણે પાડી આવો,’ કનુભા કદાચ છટકી જવાના ઇરાદે બોલ્યા.
‘ના, જે કરશું એ સાથે મળીને કરશું,’ ઉદયસિંહે કહ્યું.
‘કનુભા, તાળું મારો ચોકીને,’ લીચી પટેલે કહ્યું.
‘મેડમ, શંકરની ડેરી અને પોલીસ સ્ટેશનને કોઇ દિ તાળાં લાગતા જોયાં છે? હાલો, ભોલેનાથને ભરોસે મૂકીને.’ કનુભા આગળ થયા.
ઉદયસિંહ, રમેશ પાટીલ અને કનુભાએ અનવરની લાશને કારની ડીકીમાં નાખી. કનુભા ડ્રાઇવિંગ સીટ પર બેઠા. એની બાજુમાં ઉદયસિંહ અને રમેશ પાટીલ પાછલી સીટ પર ગોઠવાયો. મેડમ લીચી પટેલે જીપ લીધી. ભારે વરસાદને લીધે ધોવાઇ ગયેલા ધોરીમાર્ગ, ઠેર ઠેર પાણી ભરેલા ખાડા અને ઊબડખાબડ રસ્તાઓ વચ્ચેથી કાર અને પાછળ જીપ ધીમી ગતિએ આગળ વધી રહી હતી. મહારાષ્ટ્રની હદમાં થોડે દૂર ડાબી બાજુના કાચા રસ્તા પર કારે વણાંક લીધો. એની પાછળ લીચી પટેલની જીપ પ્રવેશી. ઝાડીઝાંખરાવાળા વિસ્તારમાં કાર થોભી રહી. પાછળ આવતી જીપને પણ બ્રેક લાગી. કનુભા અને રમેશ પાટીલે ઉદયસિંહની ઝીણી નજર હેઠળ ડીકીમાંથી અનવરની લાશ કાઢીને ડ્રાઇવરની સીટ પર ગોઠવી. એ પહેલા કનુભાએ ડીકી, સ્ટિયરિંગ અને આસપાસનું બધું લૂછી કાઢ્યું. આ જોઇને પાટીલ માર્મિક હસ્યો એટલે કનુભા બાપુ બોલ્યા: ‘લીચી મેડમ પાસેથી શીખ્યો છું.’ એ વખતે લીચી પટેલની કાતિલ નજર ચોમેર ફરી રહી હતી. ‘ચાલો જલદી કરો,’ ઉદયસિંહે દબાયેલા સ્વરે કહ્યું. ત્રણેય ઝડપથી જીપમાં ગોઠવાઇ ગયાં.
આખે રસ્તે કોઇ કાંઇ બોલ્યું નહીં. ચારેય જણ શું વિચારતાં હશે? પૈસાની બેગ વિશે…? પૈસાના ભાગ પાડવા વિશે…? લાશ વિશે…? ખેલ ખેલમાં શરૂ થયેલા ખતરનાક ખેલ વિશે…?
લીચી પટેલે મૌન તોડ્યું. ‘હાઇવે પર ગાડિયુંનું ચેકિંગ કરવામાં કેવી મોજ પડી એ કહો… કેવી મોજ આવી એ કહો.’
‘શું ધૂળ ને ઢેફાં મોજ આવી, મારી ફાટી ગઇ… રાડ ફાટી ગઇ… લોકઅપમાં અનવરની લાશ જોઇને.’ કનુભાએ કહ્યું.
‘આ દુનિયામાં પરચૂરણ મળી રહે કનુભા બાપુ, મોટા રૂપિયા જોઇતા હોયને તો મોટા જોખમ ખેડવા પડે,’ ઉદયસિંહ બોલ્યો.
‘કનુભા, સાચી મજા તો પૈસાના… સોરી, રૂપિયાના ભાગ પડશેને ત્યારે આવશે.’ પાટીલ બોલ્યો.
‘સરખે ભાગે ને સરખે ભોગે…’ ઉદયસિંહે કહ્યું.
‘પણ એક વાત યાદ રાખજો… કાંઇપણ થઇ જાય આપણી આ ભાગીદારી તૂટવી નહીં જોઇએ,’ લીચી પટેલે કહીને એક્સેલેટર દબાવ્યું.
જીપ પોલીસ ચોકીના ફળિયામાં દાખલ થઇ. લીચી પટેલ સીધી બાથરૂમમાં ગઇ. બાકીના ત્રણેય રૂમમાં ગયાં. રમેશ પાટીલ સૌથી પહેલાં બેગ સલામત છે કે નહીં એ જોઇ આવ્યો. બેગને હેમખેમ જોઇને એને હાશકારો થયો.
‘કનુભા, મને એક બીડી પીવડાવો એટલે આપણી બે બીડી ઉધાર થઇ,’ ઉદયસિંહે રેઇનકોટ ઉતારીને ખીંટી પર ટાંગતા કહ્યું. કનુભા ઉદયસિંહની બીડી ઉધાર માગવાની સ્ટાઇલ પર હસી પડ્યા. એણે બે બીડી કાઢી. એક ઉદયસિંહને આપી ને બીજી પોતે સળગાવી. એટલામાં લીચી પટેલ આવી. રેઇનકોટ ટાંગવા જતા ખિસ્સામાંથી અનવરનો મોબાઇલ, આરસી બુક અને લાઇસન્સ પડી ગયાં. સૌની નજર એના પર હતી ને અચાનક લાઇટ આવી. લાંબો સમય સુધી અંધકાર આંજીને બેઠેલી આંખો પ્રકાશ ઝીરવી ન શકી. અચાનક આંખોમાં ધસી આવેલી રોશની અને લીચી પટેલના રેઇનકોટના ખિસ્સામાંથી સરી પડેલા મોબાઇલ, આરસી બુક અને લાઇસન્સ એક નવો આંચકો આપી ગયા.
‘મેડમ, તમે આ બધું પાછું કારમાં મૂકવાનું ભૂલી ગયાં,’ પાટીલે કહ્યું.
‘ભૂલી નથી ગઇ… જાણીબૂઝીને કર્યું છે.’ લીચી પટેલે ત્રણેય વસ્તુને ખિસ્સામાં સરકાવતા શાંત ચિત્તે જવાબ આપ્યો.
‘જાણીબૂઝીને? સમજાયું નહીં મેડમ.’ કનુભાએ ભોળાભાવે કહ્યું.
‘મહારાષ્ટ્ર પોલીસને ગોટે ચડાવવાના ઇરાદે કર્યું છે. લાઇસન્સ, આરસી બુક અને મોબાઇલ વિનાના માણસની લાશ મળે ત્યારે પોલીસે સૌથી પહેલાં તો લાશનું નામ-ઠામ, મૂળ અને કુળ શોધવું પડે. કારના નંબર પરથી મૂળ માલિકને શોધવો પડે. લાશને પોસ્ટમોર્ટમમાં મોકલે. એના રિપોર્ટની રાહ જુએ… આ બધામાં ટાઇમ લાગે. અને આપણને પૈસાના ભાગ પાડવાનો પૂરતો ટાઇમ મળી જાય.’ લીચી પટેલને સાંભળીને કનુભા બોલી ઊઠ્યા: ‘ક્રાઇમનું ચોપડિયું વાંચવાનો આ એક મોટો ફાયદો.’
‘કનુભા બાપુ, પોલીસ જ પોલીસને કઇ રીતે ઊંધે રવાડે ચડાવી દે એનો રસ્તો આવી ક્રાઇમ સ્ટોરીમાંથી જ મળે,’ પાટીલે કહ્યું ને લાઇટ ગઇ.
‘પાટીલ અગાઉ પણ તમે મારી સસ્પેન્સ નવલકથા વિશે બોલ્યા ને લાઇટ ગઇ હતી.’ લીચી પટેલ હસી.
‘પૈસાના ભાગ કઇ રીતે પાડવા છે?’ ઉદયસિંહ મુદ્દાની વાત પર આવ્યો.
‘ભાગ પાડતા પહેલાં ગણવા પડે. ઇ બહુ મોટી કડાકૂટ છે.’ કનુભાએ કહ્યું.
‘ચોરીના માલને ગણવા ન બેસાય. રૂપિયાની થપ્પીઓ અડસટે વહેંચી લેવાની.’ ઉદયસિંહે કહ્યું.
‘પણ એટલો ય સમય નથી આપણી પાસે.’ પાટીલ બોલ્યો.
‘આપણામાંથી કોઇ એક જણ બેગ ઘરે લઇ જાય… અને બધું થાળે પડે પછી ભાગ પાડી લઇએ.’ લીચી પટેલે સુઝાવ આપ્યો.
‘સુઝાવ સારો છે. કોણ તૈયાર છે બેગ લઇ જવા?’ ઉદયસિંહે પૂછ્યું. કોઇ રાજી ન થયું. પાટીલે કહ્યું કે મારા જેવા નાના માણસ માટે જોખમ બહુ મોટું છે. કનુભાએ કહ્યું કે આટલા રૂપિયા રાખી શકાય એટલું મોટું મારું ઘર નથી. ઉદયસિંહે કહ્યું કે મારા અગાઉના કારનામાં જોતાં… ઉપરી અધિકારીઓની ચાંપતી નજર મારી પર છે. લીચી પટેલે કહ્યું કે મામલો
પૈસાનો છે… અને પૈસા સાથે વિશ્ર્વાસ જોડાયેલો હોય જ. કાલ ઊઠીને મારા પર તમારામાંથી કોઇ શંકા કરે તો… ના બાબા ના… મને એ ન પોસાય.
તો પછી એક કામ કરીએ. ચારેયના નામ સાથેની ચાર ચિઠ્ઠી બનાવીએ. આપણામાંથી કોઇ એક જણ ચિઠ્ઠી ઉપાડીને ખોલે..જેનું નામ નીકળે એણે બેગ લઇ જવાની. ઉદયસિંહે જોખમ અને જવાબદારીને સરખે ભાગે વહેંચી નાખી.
ગાંધી બાપુની છબીની સાક્ષીએ ચાર ચિઠ્ઠીઓ પડી. ઉદયસિંહે બનાવેલી ચિઠ્ઠી ઉપાડવા માટે લીચી પટેલના નામનું સૂચન થયું. લીચી મેડમે આંખ મીંચીને ભગવાનનું નામ બબડતા ચિઠ્ઠી ઊંચકીને ખોલી. મીણબત્તીના ઝાંખા અજવાસમાં એનું જ નામ ઝળકતું હતું.
‘જે જવાબદારીથી ભાગે એની પર જ જવાબદારી આવી પડે, પણ તમને મારા પર પૂરતો ભરોસો તો છે ને?’
લીચી પટેલે વારાફરતી બધાની સામે જોયું.
‘હા મેડમ, પૂરો ભરો ભરોસો છે. તમે પૈસાને સંભાળીને રાખશો જ એવો અમને વિશ્ર્વાસ છે.’ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઉદયસિંહ, હેડ કૉન્સ્ટેબલ રમેશ પાટીલ અને હવાલદાર કનુભાએ વિશ્ર્વાસનો ઠરાવ પસાર કર્યો.
વહેલી સવારે લીલાસરી પોલીસ ચોકીમાં લાઇટ આવી ગઇ હતી. આકાશમાં વાદળાં ઓઢીને સૂતેલો સૂરજ ડોકું બહાર કાઢે એવી શક્યતા નહીંવત હતી. વરસી વરસીને લોથપોથ થઇ ગયેલા મૂશળધાર વરસાદે ઝરમર વર્ષાનું રૂપ લઇ લીધું. લીચી પટેલે પાટીલ અને કનુભાની મદદથી પોતાની કારની ડીકીમાં પૈસા ભરેલી બેગ મુકાવીને ઘરે જવા દમણનો રસ્તો પકડ્યો ત્યારે સવારના લગભગ સાડા-છ થયા હતા. મોં સુઝણું થઇ રહ્યું હતું. હાઇવે પર થોડાં વાહનોની અવરજવર થવા લાગી હતી. લીચી પટેલની કારનું વાઇપર ધીમે ધીમે કાચ પર પડી રહેલા ઝરમર વરસાદના ટીપાં લૂછી રહ્યું હતું. લીચી પટેલે એક ફોન લગાવ્યો.
‘હેલ્લો… હેલ્લો… સંભળાતું નથી બેટા…’ સામે છેડે લીચીની મા બોલી.
‘મા, ટીવીનો અવાજ ધીમો કરે તો સંભળાયને… શું જુએ છે? સવાર સવારમાં.’
‘તાજા સમાચારો જોઉં છું.’ માએ ટીવી ધીમું કર્યું.
‘મા, રસ્તામાં જ છું, આવું છું. ગરમાગરમ પરોઠાં તૈયાર રાખ અને મા, પ્લીઝ, ટીવી પરના આવા જામખંભાળિયાથી લઇને જલંધર સુધીના બકવાસ સમાચારો જોવાનું બંધ કર.’ લીચીએ હસતા હસતા કહ્યું ને ફોન કાપીને એક્સેલેટર પર પગનો પંજો દબાવ્યો.
અમદાવાદના વૈભવી વિસ્તાર ગુલમહોર ટેકરાના આલીશાન બંગલામાં ટચૂકડા મોબાઇલ ફોનની ઘંટડી વાગી. સવારની પહેલી નમાઝ પઢી રહેલો બુઝૂર્ગ ઇમામુલ્લાહ ઉર્ફ ઇમામ અહમદી જરાય વિચલિત ન થયો. નમાઝ અદા કર્યા પછી ટોપી ટેબલ પર મૂકીને હાથમાં તસ્બી ફેરવતો બેઠો. મોબાઇલની રિંગ ફરી વાગી. એણે કોઇપણ જાતની ઉતાવળ વિના ફોન લીધો. ‘સલામ વાલેકુંમ કુમ.’ જૈફ વયે પહોંચેલો ઘોઘરો અવાજ રૂમમાં ફરી વળ્યો.
‘વાલેકુમ સલામ…’ સામેના અવાજમાં ચિંતા હતી… બુઝૂર્ગનું ચિત્ત શાંત હતું. આંગળીમાં ભેરવેલી પીળા રંગની તસ્બી ફરી રહી હતી.
‘બસરા નહીં પહોંચા… સુબહ પાંચ બજે સે પીરબાબા કી દરગાહ પર ખડા હું.’
‘સબર કરો… બારીશ બહુત થી… શાયદ ગાડી ખરાબ હુઇ હોગી.’
‘જી, બારીશ બમ્બઇ મેં ભી થી. મૈં રાહ દેખતા હું.’ બુઝૂર્ગે બંધાવેલી ધીરજથી સામેના માણસને શાતા મળી. સામેનો અવાજ જરા નરમ પડ્યો.
‘સબર કા ફળ મીઠા હોતા હૈ… બચ્ચા સબર કર.’ બોલીને બુઝૂર્ગે ફોન કાપી નાખ્યો.
બુઝૂર્ગ ફરી તસ્બીમાં તલ્લીન થઇ ગયો. અલ્લાહ તાલ્લાના નામમાં લીન થઇ ગયો. થોડીવાર પછી મોબાઇલ ઉઠાવીને એક ફોન જોડ્યો: ‘પતા કરો બસરા કહાં હૈ.’
ક્રમશ: