ખાખી મની-૨૬
‘હમ વો હૈ જો કબ્ર સે ઢૂંઢ નિકાલ કે મુરદે સે ભી હિસાબ માંગ લેતે હૈ.’ ઇમામ બોલ્યો
અનિલ રાવલ
‘બેન્ડ, બાજા, બરાત’ સાંભળતા જ સોલંકી ખુરસીમાંથી ઉછળી પડ્યો. રાંગણેકરના હાથ પકડીને અભિનંદન અભિનંદન અભિનંદન બોલ્યો.
‘સાહેબ, આ કેસ તમે સોલ્વ કર્યો….બાકી હું તો સામાન્ય કેસ સમજીને ઝંઝટમાં પડવાનો નહતો.’
‘સોલંકી, ક્યારેક નાની અમથી ઘટનાનું મૂળ સ્વરૂપ વિકરાળ હોય છે. આ કેસમાં પોલીસવાળાઓ જ સંડોવાયેલા લાગે છે. એમને ઊંચકી લેવાનું કામ સહેલું નથી…પૂરતી કાયદેસર કાર્યવાહી કર્યા પછી જ એમને હાથ લગાડી શકાશે.’
‘સાહેબ, પણ અનવરનું મર્ડર તો થયું જ નથી.’ સોલંકી વાક્ય પૂરું કરે તે પહેલાં જ રાંગણેકરે કહ્યું: ‘સવાલ મર્ડરનો નથી. રહસ્ય કારમાં શું હતું અને કોના માટે હતું એ છે.’
‘કડી મળી ગઇ છે…આપણે બેગ શોધવાની છે. અને એકવાર બેગ મળી ગઇ તો એમાં શું હતું એનો ભેદ આપોઆપ ઉકેલાઇ જશે.’
‘સાહેબ, વહેલામાં વહેલી તકે એમની ધરપકડ કરી લેવી જોઇએ. કેસ અટપટો છે. કાંઇપણ બની શકે છે.’
‘મેં મુંબઈમાં ઉપરી અધિકારીઓ સાથે વાત કરી લીધી. કાયદેસર કાગળિયા તૈયાર કરી લીધા પછી આંખના ઝબકારામાં રાતોરાત એમને ઝડપી લઇશું.’
હવાલદાર વડા પાઉં અને ચાય લઇને આવ્યો. ટેબલ પર મૂકતા એ બોલ્યો: ‘સાયબ, એક ગોષ્ટ સાંગું. ત્યાં દિવસાની તુમ્ચ્યા બરોબર આલે હોતેના દોઘે. મલા તી પુલીસ ઇન્સ્પેક્ટર બાઇ ફાર જ હુશિયાર દિસલી.’ (સાહેબ, તમને એક વાત કહું. તે દિવસે તમારી સાથે જે બે જણ આવ્યા હતાને એમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર બાઇ બહુ હોશિયાર લાગી) રાંગણેકર અને સોલંકી હસી પડ્યા.
‘હોશિયાર તો આ દુનિયામાં બધા જ હોય છે, પણ તમે હોશિયારી ક્યાં અને કેવી રીતે વાપરો છો એના પર બધો આધાર છે.’ રાંગણેકર બોલ્યો.
સતિન્દરસિઘ ગુરુદ્વારાની બેઠક બાદ સીધો બબ્બરના ઘરે ગયો હતો. એ દિવસે જે ગણ્યાંગાંઠ્યા લોકો હાજર હતા એમાં બબ્બરનો પુતર યશનૂર અને પત્ની મનપ્રિતની ગેરહાજરી એણે નોંધી હતી. એને બાર વર્ષના યશનૂરમાં સતિન્દરને ભાવિ બબ્બર દેખાતો હતો…..મનપ્રિતનો પણ ઉપયોગ કરીને ખાલિસ્તાની તરફીઓની સહાનુભૂતિ અંકે કરી લેવાની સતિન્દરની મંછા હતી. બેઠકમાં હાજર નહીં રહેવાનું કારણ જાણવાની ઇચ્છા સાથે એ ઘરે પહોંચ્યો હતો. કારણ કે મોટા ભાગના લોકો ડરના માર્યા પોતાનો જીવ બચાવવા માગતા હતા….કમસે કમ મોતનો ભય ઓસરી ન જાય ત્યાં સુધી.
મનપ્રિત અને યશનૂર કેમ આવ્યા નહીં હોય….સતિન્દરે બેલ વગાડી. મનપ્રિતે દરવાજો ખોલ્યો. જાણ કર્યા વિના સતિન્દરનું આ રીતે ટપકી પડવું મનપ્રિતને ગમ્યું નહીં.
‘સત શ્રી અકાલ.’ મનપ્રિતે મન વગર કહ્યું.
‘સત શ્રી અકાલ. સોરી, મૈં બિના બતાયે આ ટપકા.’ એણે કહ્યું.
‘જી, કોઇ બાત નહીં.’
‘આપલોગ આયે નહીં મિટિંગ મેં.’
‘મમ્મી કી તબિયત ઠીક નહીં થી….ઇસ્સલિયે નહીં આયે.’ રૂમમાંથી બહાર નીકળીને સતિન્દરને પગે લાગતા યશનૂરે કહ્યું.
‘ઓહ…ક્યા હુઆ?’ સતિન્દરે મનપ્રિતની સામે જોયું.
‘કૂછ નહીં એસે હી ઝરા તબિયત નરમ હૈજી.’ મનપ્રિતે કહ્યું.
‘હેલ્થ કા ખયાલ રખ્ખો….વો ઝરૂરી હૈ…તું ચલા આતા મિટિંગ મેં.’ સતિન્દરે યશનૂરની સામે જોતા કહ્યું.
‘મમ્મી કી તબિયત ખરાબ હૈ તો ફિર..મૈં કેસે આતા.’
‘થોડા વક્ત ખરાબ ચલ રહા હૈ…ઠીક હો જાયેગા’ સતિન્દરે કહ્યું.
‘જી.’ યશનૂરે મમ્મીની સામે જોતા કહ્યું.
‘વૈસે કિતને લોગ થે મિટિંગ મેં?’ મનપ્રિતે પૂછ્યું.
‘કાફી લોગ આયે થે…લેકિન હમકો બિલકુલ ડરના નહીં હૈ. હમેં તેરે બાપ કી મોત કા બદલા લેના હૈ.’ સતિન્દરે યશનૂરને માથે મૂક્યો.
‘ચલતા હું’ મનપ્રિત પર એક નજર કરીને નીકળી ગયો.
સતિન્દરને મા દીકરાના વર્તનમાં થોડો બદલાવ દેખાયો…સાથે એવો વિચાર પણ આવ્યો કે હાલના ભયજનક માહોલમાં ડર સ્વાભાવિક છે. સમય બધું ઠીક કરી દેશે….પણ મનપ્રિત અને યશનૂરના કેસમાં ઉલ્ટું હતું. મિટિંગની આગલી રાતે મા-દીકરા વચ્ચે વાત થઇ હતી.
‘યશનૂર, હમ મિટિંગ મેં નહીં જાયેંગે…..મુઝે ડર લગ રહા હૈ.’
‘ડર.. કિસ બાત કા ડર?’
‘મોત કા ડર…મૈં તુમ્હારે પાપા કી મોત કે સદમે સે બહાર નહીં આઇ હું…અબ મૈં તુમ્હે ખોના નહીં ચાહતી.’ એક ઊંડો શ્ર્વાસ લેતા બોલી: ‘કિતની બાર મૈંને તુમ્હારે પાપા સે કહા કિ સતિન્દર પાજી કી ગોદ સે ઉઠ જાઓ…વો ખાલિસ્તાન કા સપના દિખા રહા હૈ. આખિર ઉસને ઝુઠમુઠ કે સપને કે લિયે અપની જાન દે દી.’
‘મમ્મી, અબ તક પાપા કા કાતિલ ક્યું પકડા નહીં ગયા….સતિન્દર અંકલકી ઇતની પહેચાન હૈ….વો કૂછ ભી કર સકતે હૈ’
‘કોઇ આમ આદમી હોતા તો પકડા જાતા…..લેકિન ઇન્ટેલિજન્સ એજન્સી કા એજન્ટ મર્ડર કરતા હૈ તો કભી નહીં પકડા જાતા. અપને દેશ કી રક્ષા કે લિયે ઉન કો દેશદ્રોહી કી જાન લેને કી છુટ હૈ.’
યશનૂર થોડીવાર ચૂપ રહ્યો. મેજ પર પડેલી પાપાની તસવીર પાસે જઇને બોલ્યો: ‘મા, તો ફિર પાપા કા અસલી કાતિલ કૌન હુઆ.?’
‘સતિન્દર પાજી હૈ તેરે પાપા કા કાતિલ….તેરે પાપા ઉનકે બહેકાવે મેં આ ગયે થે. મૈંને ઉનકો સમજાને કી બહુત કોશિશ કી…નહીં માને’
યશનૂરે બબ્બરની તસવીર પાસે પડેલું કિરપાણ ઉઠાવ્યું. ‘મા, મૈં પાપા કી મોત કા બદલા લૂંગા.’
નહીં બેટા તુ ઐસા કૂછ નહીં કરેગા.’ દોડીને એણે કિરપાણ ઝુંટવી લીધું.
‘સતિન્દર પાજી…અબ વો તુઝે દુસરા બબ્બર શેર બનાના ચાહતે હૈ…મૈં યહ નહીં હોને દુંગી….નહીં હોને દુંગી.’ એ રાતે મનપ્રિત યશનૂરને વળગીને ખૂબ રડી.
ગ્રંથી હરપાલસિંઘ જગ્ગીને મળ્યા બાદ ખુશ હતા….પૈસાની બેગ મળી જશે એની ખુશી સૌ પ્રથમ તેઓ ઇમામ સાથે શેર કરવા માગતા હતા. એનું એક ચોક્કસ કારણ પણ હતું. મોટાભાગનું ભંડોળ ઇમામની કોમે એકઠું કરી આપ્યું હતું. અને બેગ ગૂમ થઇ પછીના એક તબક્કે ઠંડે કલેજે ઇમામે પૈસાનો તકાજો પણ કર્યો હતો. જોકે દેશ-વિદેશના ખાલિસ્તાનીઓ મુસલમાનોની રકમ પાછી આપવા સક્ષમ નહતા એવું નહતું. વિશ્ર્વાસ અને સંબંધની અહેમિયત સમજતા ગ્રંથી સાહેબ ઇમામ સાથે ખુશી વહેંચવા માગતા હતા, પણ સાવધાનીપૂર્વક. મામલો પૈસાનો હતો…ને બધો આધાર જગ્ગી પર હતો. ઇમામ મૂડમાં હતા. ‘સત શ્રી અકાલ’ કહ્યું અને જવાબમાં ગ્રંથીએ ‘સલામ વાલેકું’ કહ્યું. બંને હસી પડ્યા.
‘જનાબ, આપકી લંબી દાઢી કે પીછે બડી ખુશી દિખ રહી હૈ હમેં’ ઇમામે કહ્યું.
‘ખુશ તો આપ ભી દિખ રહે હો ઇમામ સાહબ..’ ગ્રંથીએ કહ્યું.
‘હમ વો હૈ જો કબ્ર સે ઢૂંઢ નિકાલ કે મુરદે સે ભી હિસાબ માગ લેતે હૈ. અબ્દુલ્લા અંદર આઓ.’ ઈમામે બૂમ મારી. અબ્દુલ્લા આવ્યો.
હમારે દોસ્ત કો બતાઓ….પૈસે કી બેગ કી ક્યા ખબર હૈ.’
‘જનાબ, બહુત ચક્કર કાટે હમ…બહુત તલાશ કી….આખિર મેં લીલાસરી પોલીસ ચોકી જા કર હમ અટકે.’ ગ્રંથી સાહેબના પાઘડીથી અડધા ઢંકાયેલા કાન ઊભા થઇ ગયા. શું જગ્ગી પોલીસવાળા સુધી પહોંચે તે પહેલાં અબ્દુલ્લા પહોંચી ગયો. બંનેને ઊંચકી લીધા….બેગ મળી ગઇ.
‘ક્યા જાનકારી મિલી દોનોં કે બારે મેં.?’ ગ્રંથીએ પૂછ્યું.
‘બરસાતવાલી તૂફાની રાત મેં વો દોનોં પુલીસ ચોકી મેં થે….ખબર પક્કી હૈ.’ અબ્દુલ્લાએ કહ્યું.
‘ઈમામ સાબ, મૈં ભી આપસે યહ કેહને આયા હું કિ અબ્દુલ્લા કી ઇન્ફર્મેશન કે બાદ મૈં જગ્ગી સે મિલ્યા….વો ઉન દોનોં કો જાનતા હૈ. વો કભી ભી ઉનકો ઉઠા લેગા.’
‘નહીં નહીં…યહ કામ આપ ઔર હમ મિલ કર કરેંગે..જાઇન્ટ આપરેશન…જૈસે સાથ મિલ કર ચંદા ઇક્કઠા કિયે થે.’ ઈમામ બોલ્યા.
‘ઉનકો કબર સે નિકાલેગેં…..ઓર ફિર ઉન્હે દફન કર દેંગેં’ ગ્રંથી બોલીને નીકળી ગયા.
નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારની કેબિનમાં રોના ચીફ બલદેવરાજ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ અભિમન્યુ સિંહ બેઠા હતા.
સર, સતનામ સિંઘની વાઇફ ગુલરીને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરી. સતિન્દર મવાલીગીરી કરતો હોવાથી એના મા-બાપે એને બરોડા એના મોટા મામા હરનામસિંઘને ત્યાં મોકલી દીધો હતો…ત્યાં એ એક ગુજરાતી છોકરી લીલા પટેલના પ્રેમમાં પડ્યો…એની સાથે લગ્ન કર્યા….મોટા મામાએ પણ એને લાત મારીને તગેડી મૂકયો તો લીલાને લઇને પંજાબ ગયો, મા-બાપે સ્વીકાર્યા નહીં….થોડો વખત બંને મામા સતનામ સિંઘ અને ગુલરીન મામીના ઘરે રહ્યા…..દરમિયાન સતનામ સતિન્દર અને તજિન્દરને કબૂતર બનાવીને કેનેડા બોલાવી લીધા….પણ પછી સતિન્દરે લીલાને કેનેડા ક્યારેય બોલાવી નહીં. લીલા થોડો વખત ગુલરીન મામી પાસે રહી….એક રાતે એ ઘર છોડીને જતી રહી…ક્યાં ગઇ એની ગુલરીન મામીને પણ ખબર નથી.
અત્યાર સુધી ધ્યાનથી સાંભળી રહેલા અભિમન્યુ સિંહે કહ્યું: ‘સર, મેં તમને કાલે રાતે મુંબઇથી આવીને જણાવ્યું એ રીતે જોઇએ તો પેલી કારમાં પૈસાની બેગ હોવી જોઇએ. સર, કેનેડા, પંજાબ અને ગુજરાત વચ્ચે કનેક્શન છે….કેનેડામાં
સતિન્દર, પંજાબમાં ખાલિસ્તાન અને ગુજરાતમાં લીલા.’
‘બલદેવરાજજી, તમારે લીલા પટેલની લીલા જોવા બરોડા જવું પડશે.’ અભય તોમારે કહ્યું.
ગુલરીનને ચોખ્ખું કહેવામાં આવ્યું હોવા છતાં એણે કેનેડામાં સતનામસિંઘને ફોન કર્યો.
‘સુનિયેજી, દિલ્હી સે કોઇ સિક્રેટ એજન્સીવાલે આયે થે. સતિન્દર, તજિન્દર ઔર આપ કે બારે મેં પૂછ રહે થે. તીનોં સંભલ કર રહેના. રખતી હું.’ પછી તરત જ એણે સતિન્દરને ફોન કર્યો.
‘સતિન્દર, સિક્રેટ એજન્સીવાલે તુમ્હારે બારે મેં પૂછ રહે થે. મુઝસે તુમ્હારી પૂરી કહાની જાન કર ગયે હૈં વો લોગ……બડૌદા મેં તુમ્હારા પ્યારવ્યાર કા ચક્કર…શાદી….કબૂતર….સબકૂછ..’
‘મામીજી આપ ફિકર ના કરો. ઇતને સાલ ગુઝર ગયે. મેરા લીલા સે કોઇ વાસ્તા નહીં રહા. મેરી ઇન્ફર્મેશન સે ઉનકો કોઇ ફાયદા નહીં હોને વાલા. વો લોગ યહાં કેનેડા મેં મેરા બાલ ભી બાંકા નહીં કર સકતે ’
બલદેવરાજ અને શબનમે વડોદરાના અલ્કાપુરી એરિયામાં ખૂબ ચક્કર મારીને સરદાર ડેરી શોધી કાઢી. સરદાર ડેરી હવે માત્ર દૂધની દુકાન રહી નહોતી….દુકાનની અંદરની સાઇડમાં થોડા ટેબલ બાંકડા ગોઠવી દેવાયા હતા જ્યાં લોકો બેસીને લસ્સી કે છાસ પી શકે. બલદેવરાજ અને શબનમ અંદર જઇને બેઠા.
‘લસ્સી પીવડાવો.’ બલદેવરાજે ઓર્ડર આપ્યો.
થડા પર બેઠેલા સરદારજીએ આવકારો આપતા કહ્યું: ‘આવો બેસો…હમણાં બની જશે.’ બાજુમાં ઊભેલી એની પત્નીને કહ્યું: ‘બે લસ્સી તાજી બનાવ.’
દરમિયાન શબનમ દુકાનમાં નજર ફેરવી રહી હતી. બલદેવરાજ સરદારજી અને એની પત્નીને જોઇ રહ્યા હતા.
વરસો પછી તમારી ડેરી પર આવ્યો..બધું બદલાઇ ગયું છે. પહેલાં અહીં ખાલી દૂધની ડેરી હતી.’ બલદેવરાજે કહ્યું.
જૂના ઘરાક હોવાની ખાતરી થતા સરદારજીએ મલકાઇને કહ્યું: ‘તો તમે હવે અહીં નથી રહેતા.?’
‘ના, વરસોથી અમે ઇન્દોર રહેવા ચાલ્યા ગયા છીએ.’
માટીની નાની માટલીમાં વલોણું ફેરવવામાં મગ્ન પત્ની થોડીવારે બોલી: ‘દેશી સ્ટાઇલે લસ્સી અમે જ બનાવીએ છીએ…આવી લસ્સી તમને આખા વડોદરામાં ક્યાંય નહીં મળે.’ થોડીવારમાં ટેબલ પર અસ્સલ પિત્તળના પંજાબી પતિયાલા ગ્લાસમાં લસ્સી આવી. શબનમે લસ્સીનો મોટો ઘૂંટડો માર્યો.
‘વાહ…..અસલી પંજાબી લસ્સીનો સ્વાદ.’ એ બોલી.
‘તમારો દીકરો સતિન્દર અહીં બેસતો…એ નથી દેખાતો.?’ બલદેવરાજ બોલ્યા ને સરદારજીના ભવાં ઊંચા થયા.
‘એ અમારો દીકરો નથી..ભાણો છે.’ સરદારજીના અવાજમાં સતિન્દર પ્રત્યે નફરત હતી.
‘એ દુકાને નથી બસતો…તમારે બંનેએ આ ઉંમરે’ શબનમે કહ્યું.
‘સતિન્દર બહુ દૂર નીકળી ગયો છે….બહુ દૂર’ પત્ની બોલી.
‘હું નાની હતી ત્યારે દૂધ લેવા આવતી ત્યારે મેં સાંભળેલું કે એણે કોઇ લીલા નામની છોકરી સાથે લગન કરી લીધાં હતાં.’
‘હા, લગન કરીને લીલાને પંજાબ લઇ ગયો….ત્યાંથી પોતે એકલો કેનેડા જતો રહ્યો…નાલાયક..પ્રેગનન્ટ છોકરીને રઝળતી મૂકીને.’ પત્ની બોલી
‘અરે…આતે કેવો પ્રેમ..?’ શબનમે બોલી ઉઠી.
‘એક નંબરનો ઉઠિયાણ અને બેજવાબદાર હતો. એટલે જ મેં એને કાઢી મૂક્યો.’ સરદારજીએ ગુસ્સામાં કહ્યું.
‘હવે લીલા ક્યાં છે.?’ બલદેવરાજે પૂછ્યું.
‘કોને ખબર ક્યાં છે….ભાણા સાથે જ સંબંધ નથી રહ્યો ત્યારે અમને એની વાઇફની ખબર ક્યાંથી હોય.’ સરદારજીએ કહ્યું.
‘હા, એક દિવસ દુકાને આવેલા એક ઘરાકે મને કહેલું કે લીલા સુરતમાં છે ને એની દીકરી પોલીસ ઇન્સ્પેક્ટર બની ગઇ છે.’ પત્ની બોલી.
શું નામ કહ્યું એણે એની ઇન્સ્પેક્ટર દીકરીનું.?’ શબનમે પૂછ્યું.
નામ કહ્યું નહોતું એણે’ પત્ની બોલી.
ચાલો, સારું થયું દુખિયારી લીલાના સુખના દિવસો શરૂ થયા.’ બલદેવરાજે કહ્યું. બલદેવરાજ અને શબનમે લસ્સીનો છેલ્લો ઘૂંટડો ભર્યો. મામા હરનામસિંઘ અને મામી કુલવિન્દરે આપેલી માહિતી કલેજાને થોડી ઠંડક આપી ગઇ.
(ક્રમશ:)
કેપ્શન: