ઉત્સવ

ખાખી મની-૨૫

‘અમન, પોલિટીકલ પાવર, મસલ પાવર અને મની પાવરની સામે કલમ બુઠ્ઠી થઇ હોવાના કિસ્સા મારા કરતાં તું વધુ જાણે છે’

અનિલ રાવલ

‘લીલા પટેલ…બડૌદા.’ બોલીને શબનમે કપાળે ચડાવી રાખેલા ગોગલ્સ પહેર્યા.

‘સતનામ કે બડે ભાઇ સાહબ હરનામસિંઘ અભી ભી બડૌદા મેં હૈ.?’ બલદેવરાજે પૂછ્યું.

‘હાંજી, બરસોં સે વહીં રહેતે હૈ.’

‘ઉનકા એડ્રેસ હમે દે દો.’ શબનમે કહ્યું.

‘સરદાર ડેરી…અલકાપુરી.’ ગુલરીન બાઇજીએ કહ્યું. બલદેવરાજ અને શબનમે એકબીજા સામે જોયું.

‘ઠીક હૈ… ચલતે હૈં…. હમારી ઇસ મુલાકાત કી બાત કિસી સે મત કરના. ના કેનેડા મેં….ના બડૌદા મેં.’ બલદેવરાજ ઉઠ્યા. સાથે શબનમ પણ.


મનના મુંઝારા સાથે દિવસો કાપતી લીલાએ એક દિવસ લીચીના ગયા પછી ડીકે મહેતાને ફોન કર્યો. ડીકે લીલાના જીવનનો વિસામો….ભીની આંખે માથું ઢાળી દેવા માટેનો એક મજબૂત ખભો. વિના ખચકાટ મન ખોલી નાખવાનું મકામ. કાયમ શબ્દો ચોર્યા વિના ડીકેને બધી વાત કરનારી લીલા છેલ્લા કેટલાક દિવસથી કચવાટ અનુભવતી હતી. ટીવી ન્યૂઝમાં સતિન્દરને જોયા પછી ડીકેને વાત કરી દેવાની કોશિશ નહોતી કરી એવું નથી, પણ જે માણસની જીવનમાંથી બાદબાકી કરી નાખી છે…જેના નામ પર ચોકડી મૂકી દીધી છે એના વિશે ડીકેને જણાવીને ડીકેને દુ:ખી કરવાનું લીલીને યોગ્ય નહોતું લાગ્યું…પૈસાની બેગ વિશે પણ ડીકેને નહીં કહેવાનો ડંખ હજી મનમાં હતો….એમાં લીચીના વેણ અને વર્તન એને વ્યથિત કરી ગયું. મા-દીકરી વચ્ચેના સંબંધમાં આવેલી ખટાશ એનાથી જીરવાતી નહોતી. મનનો બોજ હળવો કરવાનો આ એક જ માર્ગ હતો.

‘ડીકે, આઇએમ સોરી..’ લીલાના અવાજમાં ભીનાશ હતી.

‘શું થયું.?’ ડીકેનો ચિંતિત અવાજ સંભળાયો.

‘મેં સતિન્દરને ટીવી ન્યૂઝમાં જોયો…..એ ખાલિસ્તાની ત્રાસવાદી થઇ ગયો છે. મેં તમને જણાવ્યું નહીં… આ વાત કહીને હું તમને દુ:ખી કરવા નહોતી માગતી. આઇએમસોરી….’ એ અટકી.

‘લીલા, હું પ્રધાન છું અને દિલ્હીમાં બેઠો છું. બધી ખબર રાખું છું. મારી પાસે સતિન્દર અને તજિન્દરના ન્યૂઝ હતા, પણ હું તને કહીને દુ:ખી કરવા નહોતો માગતો.’
ડીકે, હું એક ભૂલ કરી બેઠી છું. મેં લીચીને મારા અને સતિન્દર વચ્ચેના સંબંધ વિશે બધું કહી દીધું…..એની સામે મારી ડાયરી ખુલ્લી મૂકી દીધી.’
થોડી ક્ષણો ચૂપ રહીને ડીકે બોલ્યા: લીચીને બહારથી સચ્ચાઇની ખબર પડે એના કરતાં તેં જ કહી દીધું એમાં કાંઇ ખોટું નથી કર્યું.’
‘મને લાગે છે….સચ્ચાઇ જાણ્યા પછી એનું વર્તન બદલાઇ ગયું છે…એનો સ્વભાવ ચીડિયો થઇ ગયો છે.’

‘લીચી હવે નાની રહી નથી. પોલીસ ઇન્સ્પેક્ટર બની ગઇ છે. થોડી આઘાતમાં હશે. સમય આવ્યે બધું ઠીક થઇ જશે.’

પોલીસ ઇન્સ્પેક્ટર શબ્દ સાંભળીને લીલાને પૈસાની બેગ યાદ આવી….લીચીએ કોઇનેય નહીં કહેવાની તાકીદ સાંભરી આવી. એક પળ માટે એને ડીકેને કહી દેવાની ઇચ્છા થઇ, પણ બંને વચ્ચેના સંબંધો વધુ વણસી જશે એવું ધારીને એણે માંડી વાળ્યું.

આપણે કાયમ સાચા અને સારા સમયની જ રાહ જોવી પડે છે…કેવી કરુણતા..’ લીલા બોલી.


‘રાધી, માય લવવવવવવ…..તું કલ્પના કરી શકે છે કે આજે હું કોને મળ્યો હોઇશ.?’

‘રાધીએ ખભા ઉછાળ્યા. તું દિવસમાં કેટલાય નમૂનાઓને મળતો હોય છે…હું કોઇ એકને ઇમેજીન કઇ રીતે કરી શકું.’

‘પ્લીઝ, તોય તું ધારવા ખાતર ધારી લે.’ રસ્તોગીનો ઉત્સાહ ઉછળતો હતો.

‘હમમમમમમ…’ રાધી વિચારવા લાગી. ‘લાગે છે કે તેં પેલી ઇન્સ્પેક્ટર બાઇને શોધી કાઢી છે.’

‘રાધી, માય લવવવવવવવવ.’ કહીને રસ્તોગીએ રાધીને ઊંચકી લીધી.

‘વન્ડરફુલ ગેસવર્ક. તને કેમ ખબર પડી.?’

‘કારણ કે તું એકવાર કોઇ કામની પાછળ આદું ખાઇને પડી જાય પછી એને પૂરું કરીને જ જંપે છે. ન્યૂઝ ક્યારે છાપીશ.?’
‘અત્યારે તો બોલ સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલના ફળિયામાં નાખીને આવ્યો છું. બાય ધ વે એનું નામ લીચી પટેલ છે. મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ નજીકની લીલાસરી પોલીસ ચોકીની સબ ઇન્સ્પેક્ટર.’
‘વેરી ઇન્ટરેસ્ટિંગ નેમ…લીચી પટેલ.’

‘એનો ફોન જરૂર આવશે.’ રસ્તોગી બોલ્યો ને એની લેન્ડ લાઇન રણકી.

‘લે તારો જ ફોન હશે.’ રસ્તોગીએ ફોન ઊચક્યો.

‘હેલો…અમન રસ્તોગી બોલો છો.?’

‘હાંજી બોલું છું. તમે કોણ?’

‘હું રમેશ પાટીલ. લીલાસરી પોલીસ ચોકીમાંથી બોલું છું. સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમાર તમને મળવા માગે છે.’

રસ્તોગીએ રાધિકાને ઇશારાથી કોનો ફોન છે તે કહ્યું. રાધિકાએ થમ્સ અપની સાઇન બતાવતો અંગૂઠો બતાવ્યો.

‘ક્યાં મળવા માગે છે.?’ રસ્તોગીએ પૂછ્યું.

‘એ હું એમને પૂછીને જણાવું.’

‘ઠીક છે. મને જણાવજો. હું મળવા તૈયાર છું.’ રસ્તોગીએ ફોન ક્રેડલ પર મૂક્યો.

‘રાધી, એ લોકો મને મળવા માગે છે. ઉંદરને સપડાવવા જ હું પાંજરામાં ભજિયું મૂકીને આવેલો.’

‘અમન, તું ભલે ઉંદરને સપડાવવા પાંજરામાં ભજિયું મૂકીને આવ્યો, પણ એ લોકો પહેલાં ભજિયું બતાવીને ઉંદરને પાંજરામાં સપડાવવા માગતા હોય એવું લાગે છે.’

‘એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બાઇએ ગુનો કર્યો હશે તો ભજિયું ખવડાવીને મોં બંધ કરવાની કોશિશ કરશે. એટલે જ એણે ફોન કરાવ્યો.’

‘મોં બંધ કરવા માટે ભજિયા સિવાય પણ બીજા ઘણા રસ્તા છે. અમન, પોલિટીકલ પાવર, મસલ પાવર અને મની પાવરની સામે કલમ બુઠ્ઠી થઇ હોવાના કિસ્સા મારા કરતાં તું વધુ જાણે છે અમન.’
અમન રસ્તોગીને થયું કે રાધીએ એક પત્રકારના ઝમીરને લલકાર્યું છે. હા, સનસનાટી મચાવવાના આશયે એણે ઘણીવાર પોતાની સ્ટોરીને તર્કબદ્ધ હવાથી ચગાવી હતી….પણ પૈસાની લાલચનું ભજિયું ખાધું નહતું. રાજકારણીઓને દાદ આપી નહતી કે બાવડાંના બળ સામે ઝુક્યો નહતો.

‘રાધી, તું યાદ રાખજે, એની ઓફર જ એની ગુનાખોરીનું સબૂત હશે.’ અમને કહ્યું.

‘અમન, હું સાથે આવું.?’ રાધીએ થોડું વિચારીને પૂછ્યું.

‘ના, હું એકલો જ જઇશ.’ શહેરની ખૂબ જ લોકપ્રિય ઇન્ફ્લુએન્સિયરે મોં મચકોડ્યું ને મોબાઇલમાં ખૂંપી ગઇ.


ઉદયસિંહ બરોબરનો ભીંસમાં આવી ગયો હતો. એને ઊંઘમાંય જગ્ગી, ગ્રંથી હરપાલસિંઘ, રસ્તોગી, રાંગણેકર અને લીચી દેખાતા હતાં. એ માનવા લાગ્યો હતો કે લીચીએ એને મેળામાં જોવા મળતા મોતના કૂવામાં ધકેલી દીધો છે ને પોતે બહારથી દરવાજો બંધ કરીને નીકળી ગઇ છે. એણે મોટરસાઇકલ ફેરવ્યા કરવાનું છે. કંઇ ઘડીએ પેટ્રોલ ખલાસ થઇ જશે એની ખબર નથી. ઉપર કૂવાની ગોળાકારે ઊભા રહીને મનોરંજન માણનાર કોઇ નથી કે જે બચાવો બચાવોની બૂમ સાંભળે. એને રસ્તોગી અને જગ્ગીનો રસ્તો સાફ કરવાને બદલે લીચીને જ ગોળીએ દઇ દેવાની ઇચ્છા થઇ, પણ આવું પગલું ભરવાથીય સમસ્યાનો ઉકેલ આવવાનો નહતો. ઉલ્ટુ કાનૂની ગૂંચમાં ગૂંચવાઇ જવા જેવું થાય. એવો કોઇ માર્ગ શોધવો જોઇએ જેમાં પોતે તાજનો સાક્ષી બનીને આબાદ રીતે છટકી જઇ શકે. જગ્ગી, રસ્તોગી અને રાંગણેકર… આ ત્રણ એક્કામાંથી સૌથી ભરોસામંદ કોણ. વરસાદી રાતે બનેલી આખીય ઘટના આ ત્રણમાંથી કોને કહેવી જોઇએ. રસ્તોગીનો ભરોસો કરાય?’ એણે જાતને સવાલ કર્યો…ને અંદરથી જવાબ મળ્યો: ના, એ પત્રકાર છે… એનો વિશ્ર્વાસ બિલકુલ ન કરાય.’ બીજું નામ સંભળાયું: ‘મધુકર રાંગણેકર.’ ‘આ માણસ ભરોસાને લાયક ખરો.? રાંગણેકર પોલીસ છે. પત્રકાર અને પોલીસનો વિશ્ર્વાસ ક્યારેય ન કરાય. પલટી મારી જાય..’ પોતે પોલીસ હોવા છતાં એણે પોલીસ માટે નેગેટીવ સર્ટિફિકેટ આપી દીધું. ઉદયસિંહ પાસે હવે ત્રણમાંથી જગ્ગી નામનો એક જ એક્કો બચ્યો હતો. એક બેઇમાન માણસ બીજા બેઇમાન માણસની વાત સમજી શકે. રસ્તો કાઢી આપે. બચાવી શકે. એટલે જ કદાચ પોલીસ અને પત્રકાર કરતા લોકોને ગુંડાઓ પર વધુ ભરોસો છે.

‘હા, હું જગ્ગીને બધું જ કહી દઇશ…..લીચીએ માંડેલા દાવને સાફ શબ્દોમાં
સંભળાવી દઇશ. મારી સલામતી જગ્ગીના હાથમાં છે…જગ્ગીના ઢાબામાં છે. પણ જગ્ગી વિશ્ર્વાસ કરશે.? અને એ પૈસાની બેગ માગશે તો ક્યાંથી આપીશ. બેગ લીચી પાસે છે. લીચી પાસેથી બેગ કઢાવવી એ સિંહણના મોંમાંથી બકરીના બચ્ચાંને બહાર કાઢવા જેટલું કપરું કામ છે.’ મનમાં ઘૂમરાતા વિચારોની સોય હરીફરીને લીચી પર આવીને અટકી.

આખીય વાતનું મૂળ લીચી છે….સમસ્યાની જડ લીચી છે. લીચીને હટાવું તો જ સમસ્યાનો ઉકેલ આવે. પણ લીચીને ખતમ કઇ રીતે કરવી. અકસ્માત. એક્સિડેન્ટ કરાવી દઉં કે પછી એની રિવોલ્વરથી મર્ડર કરીને એના હાથમાં પિસ્તોલ મૂકીને આત્મહત્યામાં ખપાવી દઉં.? સુસાઇડ….આ બેસ્ટ રસ્તો છે…કારણ કે પોલીસ તપાસમાં કહી શકાય કે એણે અમારી પાસે વાહનોની જડતી લેવાનું કામ કરાવ્યું. પૈસાની બેગ એણે જ ક્યાંક છુપાવી છે. પગેરું લીલાસરી પોલીસ ચોકી સુધી પહોંચતું જોઇને અમારી પાસે રસ્તોગી અને રાંગણેકરના ખૂન કરાવવા સુધી પહોંચી ગયેલી. પોતે રમત
રમતમાં ભરેલા પગલાંથી ખુદ ત્રાસી ગયેલી. ઉદયસિંહને થયું આ કહાની જામે છે. બધું ક્રમવાર ગોઠવી શકાશે.


અલિયાપુર પોલીસ ચોકીમાં ઇનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકી સવારસવારમાં પહોંચી ગયો હતો. સામાન્ય રીતે એ આરામપ્રિય માણસ મોડો પહોંચતો., પણ એ દિવસ ખાસ હતો. મુંબઈથી રાંગણેકર ફોરેન્સિક રિપોર્ટ લઇને આવવાનો હતો. શું હશે રિપોર્ટમાં. આ રહસ્ય જાણવાની ઇન્તેજારીએ એને પોલીસ ચોકીમાં વહેલો હાજર કરી દીધો હતો. બહારથી આવેલા કારના અવાજે એને ખુરસીમાંથી ઊભો કરી દીધો. એ દોડીને બહાર ગયો. રાંગણેકરની કાર પોલીસ ચોકીના પ્રાંગણમાં પ્રવેશી ત્યારે પણ સોલંકીના ચહેરા પર શું હશે રિપોર્ટમાંનું આશ્ર્ચર્ય લટકતું હતું….બીજી તરફ રાંગણેકરનું મોઢું ઊતરેલું હતું. રાંગણેકર ફાઇલ લઇને અંદર ગયા. જતા જતા એણે હવાલદારને ચાય આણિ વડા પાઉં આણા કહ્યું. સોલંકી પાછળ જ હતો. રાંગણેકરે બેસતાની સાથે કહ્યું: ‘બેન્ડ બાજા બરાત કે સાથ દુલ્હન કો લેને લીલાસરી પોલીસ ચોકી જવાની વિધિવત તૈયારી કરો, સોલંકી સાહેબ.’(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button