ખાખી મની-૨૩
ક્રાઈમ સીન – અનિલ રાવલ
‘મેડમ, આ અમન રસ્તોગી હતો તો મને પત્રકાર અમન રસ્તોગી છું એમ કહીને મળવા આવેલો એ કોણ હતો.?’ પાટીલનું મોં આશ્ર્ચર્યથી ખુલ્લું રહી ગયું.
‘મેડમ, હું અમન રસ્તોગી. ફ્રીડમ એક્સપ્રેસ.’
સાંભળીને અંદરથી હચમચી ગયેલી લીચી બેફિકરાઇ બતાવવા જરા આલરીને બેઠી. બંધ ઓરડામાં પાંચ સેક્ધડનો પોઝ પથરાઇ ગયો. ન લીચીની આંખ ઝબકી…ન ચહેરાના હાવભાવ બદલાયા…
‘હું લીચી પટેલ. સબ ઇન્સ્પેક્ટર. બોલો.’ લીચીના ચહેરા પર હવે આછું સ્મિત ફરક્યું.
એક મુસળધાર વરસાદની રાત. સૂમસામ હાઇવે. સીસીટીવી કેમેરા બંધ. વીજળી ગૂલ. બધું જ ઠપ. હાઇવે પર એક કાર નીકળી. પોલીસની એક ટુકડીએ એને રોકી. ચેકિંગ કર્યું. કારમાંથી કાંઇક મળી આવ્યું. પોલીસ ડ્રાઇવરને ઊંચકીને લઇ ગઇ. પછી એજ કાર અને મૃત ડ્રાઇવર મહારાષ્ટ્રની હદમાં આવેલી ઝાડીમાંથી મળી આવ્યા. સદનસીબે એનું મર્ડર નથી થયું, એનું મોત હાર્ટ અટેકથી થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યું. કેસની તપાસ અલિયાપુર પોલીસ ચોકીના ઇન્ચાર્જ કરી રહ્યા છે.’
‘આ બધી વાર્તા મને શા માટે કહો છો.?’
‘કારણ કે હું પણ આ કેસની પાછળ છું. અને સાચી માહિતીની શોધમાં અહીં સુધી પહોંચ્યો છું. પર્સનલી મને આ કેસ ગમે છે એનું એક રસપ્રદ કારણ પણ છે.’
‘શું ?’ લીચીએ પૂછ્યું.
‘રાતે ધોધમાર વરસતા વરસાદમાં કારને અટકાવીને ચેકિંગ કરનારી પોલીસ ટીમમાં એક લેડી પોલીસ ઇન્સ્પેક્ટર હતી.’ રસ્તોગીએ કહ્યું.
‘ઓહ, એટલે તમારો કહેવાનો મતલબ કે એ લેડી પોલીસ ઇન્સ્પેક્ટર હું છું?’ ખુરસી પર આરામથી બેઠેલી લીચી અદબ વાળેલા બંને હાથ ટેબલ ગોઠવીને હસવા લાગી. પત્રકાર મહોદય, અમારી પોલીસ ચોકી ગુજરાતની હદમાં…હાઇવેથી થોડે દૂર અંદરની સાઇડમાં છે. અને એક વાત તમે ભૂલો છો કે વાહનોનું ચેકિંગ કરવાનું કામ હાઇવે પોલીસનું છે. એવું પણ બની શકેને કે આ કામ કોઇ બનાવટી પોલીસ ટીમનું હોય અને એમાં કોઇ લેડી પોલીસ ઇન્સ્પેક્ટર હોય.?’
‘તમે ડ્યૂટી પર હતાં એ રાતે.?’ રસ્તોગીએ પૂછ્યું.
‘હા, હતી અને મારી સાથે બીજા ત્રણ જણ હતા…મારા સિનિયર અને બીજા બે જણ.’ લીચી બોલી.
‘ઘટના ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર ગુજરાતની હદમાં બની છે અને તમારી પોલીસ ચોકી બોર્ડરથી સૌથી નજીકમાં છે.’ રસ્તોગીએ કહ્યું.
‘કેમ મહારાષ્ટ્રની હદમાં પણ બની ન શકે.?’ લીચીએ કહ્યું.
‘અલિયાપુર પોલીસ ચોકીમાં કોઇ લેડી પોલીસ ઇન્સ્પેક્ટર નથી. અને કાર ગુજરાત સાઇડથી આવી રહી હતી.’
‘બનાવટી પોલીસ કોઇપણ દિશામાંથી આવી જઇ શકે કે નહીં.’ લીચીએ ખભા ઉછાળતા કહ્યું.
‘તમે બનાવટી પોલીસ ટીમની કેમ વાત કર્યા કરો છો.?’ રસ્તોગીએ પૂછ્યું.
‘કારણ કે તમે મારા પર શંકા કરી રહ્યા છો અને કાલ સવારે અખબારમાં છાપી મારશો.’ લીચી બોલી.
‘મેં તમારી પર શંકા કરી નથી…હું તો જે બન્યું એનું બયાંન કરું છું. કદાચ તમે આ કેસ પર કોઇ પ્રકાશ પાડી શકો.’
‘હું શું પ્રકાશ પાડું. અમારી ચોકી હાઇવેથી અંદરની સાઇડમાં આવેલી છે….હાઇવે પર શું બન્યું એની અમને ખબર કેમ પડે.?’
મેડમ, હું માત્ર એટલું શોધવા નીકળ્યો છું કે કારમાં એવી કઇ કિંમતી વસ્તુ હતી કે જેને લૂટી લેવાઇ એટલું જ નહીં પણ ડ્રાઇવરના મોતનું કારણ બની….ને કારને મહારાષ્ટ્રની હદમાં ઝાડીમાં ત્યજી દેવામાં આવી.’
‘એ તો જેણે આ પરાક્રમ કર્યું હોય એ જ કહી શકે.’ લીચીએ કહ્યું.
‘મેડમ, પરાક્રમ કરનારાઓ ક્યારેક ક્રમ ભૂલી જતા હોય છે. તમારી જાણ ખાતર કહું તો…..ચેકિંગ ચાલતું હતું ત્યારે પાછળથી એક કાર પસાર થઇ હતી. કારમાંથી કોઇએ વીડિયો ઉતાર્યો હોઇ શકે…ફોટા પાડ્યા હોઇ શકે.’
લીચીને ઝટકો લાગ્યો. એને પાટીલે કરેલી કારની વાત યાદ આવી.
‘ખૈર, આ કેસમાં વધુ પ્રકાશ પાડવો હોય તો મને યાદ કરજો..’ કહીને રસ્તોગી પોતાનું વિઝિટિંગ કાર્ડ ટેબલ પર મુકીને જતો રહ્યો.
લીચી બહાર આવીને પાટીલ પર ભડકી.
‘તમારે મને એ જ વખતે કારની વાત કરવી જોઇને…ફુલેકું વાજતેગાજતે આવી પહોંચ્યું પોલીસ ચોકી પર.’
‘લીચી, શું થયું.?’ ઉદયસિંહે પૂછ્યું ને લીચી તાડૂકી.
‘હમણાં ગયો એ એની બાયડીની ફરિયાદ કરવા નહોતો આવ્યો..અમન રસ્તોગી હતો. પત્રકાર.’
‘મેડમ, આ અમન રસ્તોગી હતો તો મને પત્રકાર અમન રસ્તોગી છું એમ કહીને મળવા આવેલો એ કોણ હતો.?’ પાટીલનું મોં આશ્ર્ચર્યથી ખુલ્લું રહી ગયું.
‘તમને ખબર.’ લીચી બોલી.
‘મેડમ, મને લાગે છે કે પાટીલને રસ્તોગી બનીને મળેલો માણસ ગજાનન હોવો જોઇએ.’ ઉદયસિંહે કહ્યું.
‘એ જે હોય તે….આ માણસ પત્રકાર અમન રસ્તોગી હતો.’ વિફરેલી લીચી ખિસ્સામાંથી રસ્તોગીનું વિઝિટિંગ કાર્ડ કાઢીને ટેબલ પર ફેંકતા બોલી: ‘કારની જડતી લેતી વખતે પસાર થયેલી કારમાંથી કોઇકે આપણને જોઇ લીધા છે.’ પોલીસ ચોકીમાં સોપો પડી ગયો. ઉદયસિંહ, કનુભા અને પાટીલના ચહેરા પર ચિંતા ધસી આવી.
‘સર, મારે તમારી સાથે વાત કરવી છે. પ્લીઝ. અંદર આવોને.’ લીચી બોલી. બંને અંદર ગયા.
મેં દીકરીને પરણાવવાની લાલચમાં કુંડાળામાં પગ મૂકી દીધો. પકડાયો તો કોઇને મોઢું બતાવવાને લાયક નહીં રહું.’ પાટીલ માથું પકડીને બેસી રહ્યો.
‘પાટીલ, તમે મુંઝાવમાં. કાંઇક રસ્તો નીકળશે.’ કનુભાએ બીડી પેટાવતા ધીરજ બંધાવી.
‘સર, તમારે રસ્તોગીનું મોઢું બંધ કરવું પડશે.’ લીચી ધીમેથી બોલી.
‘લીચી, એ પત્રકાર છે. એ શક્ય નથી.’
‘એને સમજાવો…પૈસાની લાલચ આપો. પત્રકાર છે પટી જશે. અને ન માને તો ખતમ કરો.’
‘હું નહીં કરું. તું કર….ખેલ તેં શરૂ કરેલોને.’ ઉદયસિંહે મક્કમતાથી કહ્યું.
‘ઓકે…તો હું રસ્તોગીને ફોન કરીને તમારું નામ આપી દઇશ કે તમારા કહેવાથી અમારે આ કામ કરવું પડ્યું હતું. અને પૈસાની બેગ મારા ઘરે છે જેમાંથી બે કરોડ તમે ઉપાડીને જગ્ગીને આપ્યા….તમારા ડ્રગ્સના ડીલ માટે.’
‘ઓહ, તો વાત બ્લેકમેઇલ સુધી પહોંચી ગઇ.’ ઉદયસિંહ મનમાં બબડ્યો.
‘હું એને પૈસાની લાલચ આપી જોઉં છું….પછી શું થાય છે તે જોઇએ.’ ઉદયસિંહ ટાઢે કોઠે બોલ્યો.
‘…અને ન માને તો.?’ લીચીએ પૂછ્યું.
‘….તો હું એજ કરીશ જે તું કરવા માગે છે.’ ઉદયસિંહે ઝડપથી કંઇક વિચારીને કહ્યું.
‘પાટીલને બોલાવો.’ લીચીએ કહ્યું. ઉદયસિંહે પાટીલને હાક મારીને બોલાવ્યો.
‘પાટીલ, તમારે સરની સાથે રહેવાનું છે…રસ્તોગીનું મોઢું બંધ કરવાના કામમાં.’ લીચીએ કહ્યું. મોઢું બંધ કરાવાની વાત સાંભળીને પાટીલના પગ ઢીલા પડી ગયા. એણે નહીં હકારમાં કે નહીં નકારમાં માથું ધૂણાવ્યું ને નીકળી ગયો.
અભિમન્યુ સિંહ ઓફિસમાં પહોંચ્યા ત્યારે એમના ટેબલ પર કોન્ફિડેન્શિયલ લખેલું એક કવર પડ્યું હતું. એમણે કવર ખોલ્યું. વાંચીને કોલ લગાડ્યો.
‘મિ. કુમાર, ટુમોરો આઇ એમ કમિંગ ટું મુંબઈ.’ ફોન કાપીને અભય તોમારને કોલ કર્યો. સર, એક અરજન્ટ કામથી મુંબઈ જાઉં છું.’
બીજે દિવસે અભિમન્યુ સિંહ અને એજન્ટ કુમાર ફાઇવ સ્ટાર હોટેલની કોફી શોપમાં બેઠા હતા અને ટેબલ પર પડ્યા હતા અમન રસ્તોગીએ હાઇવેની ઘટનાના છાપેલા અખબારી કટિંગ્સ.
‘સર, રસ્તોગીના એન્ગલથી જોઇએ તો મુસળધાર વરસાદમાં ગુજરાતથી નીકળેલી કારમાં ડ્રગ્સ, પૈસા અથવા શસ્ત્રો હોવા જોઇએ. આઇ થિન્ક એમાં પૈસા ભરેલી બેગ હોવી જોઇએ અને એ બેગ અવસ્થી દિલ્હી લઇ જવાનો હશે. કેમકે એણે મુંબઈ-દિલ્હી માટે હેલિકૉપ્ટર બુક કરાવેલું…પણ કદાચ વરસાદને લીધે કે બીજા કોઇ કારણસર કેન્સલ કર્યું. ત્યારબાદ કાર અને મૃત ડ્રાઇવર મહારાષ્ટ્રની હદમાંથી મળી આવ્યા, પણ એમાં પૈસાની બેગ નહતી.
‘કુમાર, રહસ્યમય મુદ્દો એ છે કે ડ્રાઇવરનું મર્ડર થયું નથી ને પૈસાની બેગ ગૂમ છે.’ અભિમન્યુ સિંહે કહ્યું.
‘સર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ એનું મોત હાર્ટઅટેકથી થયું છે.’
‘એક સીધુસાદું તારણ બાંધી શકાય કે કોઇએ લૂટ ચલાવી અને દરમિયાન ડ્રાઇવર મરી ગયો પછી મૃત ડ્રાઇવર સાથે કારને ઝાડીજંગલમાં છોડી દીધી.’ અભિમન્યુ સિંહે કહ્યું.
‘અલિયાપુર પોલીસ ચોકી કે જેની હદમાંથી કાર મળી આવી..એણે પહેલાં તો મામૂલી ઘટના ગણી, પણ રસ્તોગીના અહેવાલને આધારે થાણેની ક્રાઇમ બ્રાન્ચને કોઇ મોટું કૌભાંડ લાગતા મધુકર રાંગણેકરને અલિયાપુર પોલીસ ચોકીમાં તપાસ કરવા મોકલ્યા. રાંગણેકર અલિયાપુરમાં ડેરાતંબુ તાણીને બેઠા છે અને પોલીસ ચોકી ઇન્ચાર્જ સોલંકીની મદદથી તપાસ ચાલુ છે…તપાસમાં તેમને ખાસ્સી માહિતી મળી હોવાનું મને જાણવા મળ્યું છે, પણ કારમાં શું હતું એનો ભેદ ઉકેલાયો નથી. ઇન શોર્ટ સર, રાંગણેકર અને રસ્તોગી બંને આ કેસની પાછળ છે.’
‘કારમાં પૈસા હોવાની થિયરી મનમાં બેસે છે. એ પૈસા શસ્ત્રો ખરીદવા માટેના હતા.’ અભિમન્યુ સિંહે કહ્યું.
‘શસ્ત્રોશસ્ત્રો શા માટે સર.?’
ખાલિસ્તાની મૂવમેન્ટ માટે……થોડા દિવસ પહેલાં જ આપણે પંજાબમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો પકડ્યો છે. કમનસીબે એનો સૂત્રધાર ત્રાસવાદી ગુરચરનસિંઘ પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો.’
‘સર, પણ મને એ નથી સમજાતું કે પૈસાની બેગને વ્હીલ કેમ આવી ગયા…અને શા માટે.?’ કુમારે કહ્યું.
‘કુમાર, પૈસાની લૂટનું કોઇ તો કનેક્શન છે. આ કેસ સપાટી પર દેખાય છે એનાથી દસ ગણો ઊંડો છે. કારમાં પૈસા હોય તો એ પૈસા ગુજરાતથી આવતા હતા….ગુજરાતમાંથી ખાલિસ્તાની મૂવમેન્ટને પૈસાની મદદ કોણ કરે.? કેમ કે ત્યાં શીખોની સંખ્યા ઘણી ઓછી છે…તો એને મદદ મળી કોની.?’ અભિમન્યુ સિંહ પોતાના દિમાગને ખોતરી રહ્યા હતા.
‘ગુજરાતીઓ ખાલિસ્તાની ત્રાસવાદને ટેકો ન આપે.’ કુમારે કહ્યું.
મુસ્લિમો….કદાચ આ કોમ હોઇ શકે. કારણ કે પંજાબમાં પકડાયેલાં શસ્ત્રો સરહદ પારથી જ આવેલા અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ કેનેડાના ખાલિસ્તાનીઓને શસ્ત્રોની તાલીમ અને શસ્ત્રો પૂરાં પાડે છે. કુમાર, મને લાગે છે….તોફાની વરસાદની રાત, કાર, પૈસાની બેગની લૂટ, મૃત ડ્રાઇવર, અવસ્થી, ખાલિસ્તાની મૂવમેન્ટ…આ બધાના તાર જોડાયેલા છે. અભિમન્યુ સિંહે કહ્યું.
‘સર, તો આપણે રાંગણેકર અને રસ્તોગીને આપણા કેસમાં ઇન્વોલ્વ કરીએ.?’ કુમારે પૂછ્યું.
‘ના…બિલકુલ નહીં. આપણાં મિશનની કોઇને ભણક સુધ્ધાં ન આવવી જોઇએ. ગુજરાતમાં ખાલિસ્તાનીઓના સિમ્પથાઇઝર કોણ છે…કોણ અવસ્થીનો ઉપયોગ કરે છે. એના પર ફોકસ કરો. બાકીના તાર આપોઆપ જોડાઇ જશે.’ (ક્રમશ:)