ઉત્સવ

ખાખી મની-૨૨

‘મેનુ એક મૌકા દો…. સિરફ એક મૌકા…. પુલીસ સચ ઉગલવાતી હૈ… લેકિન મૈં પુલીસ સે સચ ઉગલવાઉંગા.’ જગ્ગીએ કહ્યું.

અનિલ રાવલ

‘લો સાયબ, વાળના સેમ્પલ.’ રાંગણેકરે ઝડપથી કોથળી ખિસ્સામાં મૂકી. એડી બાયચી એક્ટિંગ ખૂપ છાન કેલી..(ગાંડી બાઇનો ખૂબ સરસ અભિનય કર્યો.) રાંગણેકર લેડી કોન્સ્ટેબલ શકુબાઇના હાથમાં સોની નોટ મૂકીને ડોક્ટરના રૂમમાં પહોંચી ગયો.

‘ચાલો નીકળીએ..’ એના અવાજમાં ઉતાવળ હતી.

વળતી વખતે જીપમાં ચારેય શાંત હતા. આગળ બેઠેલો રાંગણેકર અને ડ્રાઇવ કરી રહેલો સોલંકી આખાય એપિસોડ દરમિયાન ઉદયસિંહ અને લીચીના ચહેરાના હાવભાવનું એનાલિસિસ કરી રહ્યા હતા. બીજી બાજુ લીચી તથા ઉદયસિંહ હજી અસંમજસમાં હતાં….બંને રાંગણેકર અને સોલંકીના ઇરાદા વિશે ગૂંચવાયાં હતાં.

પોલીસ ચોકીના પ્રાંગણમાં સોલંકીએ જીપ ઊભી રાખી કે તરત જ લીચીએ પૂછ્યું: ‘તમને અમારી અંગત મદદ મળી ગઇ હશે એવું હું માનું છું.’

‘બહુ ઉપયોગી મદદ કરી તમે’ રાંગણેકર બોલ્યો.

સાંભળીને લીચી ખડખડાટ હસી પડી: ‘સર, તમે અમારી મદદ તો લીધી નથી. સાચું કહી દો સર…અમને અહીં સુધી લાંબા કરવા પાછળનો તમારા લોકોનો ઇરાદો શું હતો.? તમે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં છો…કારણ તો હશે જ.’

‘તમે પણ પોલીસવાળા છો….અહીં સુધી લાંબાં થવા પાછળનું પણ કોઇ કારણ તો હશે જને.?’ રાંગણેકરની વાતે બંનેને વિચારતા કરી મૂક્યા.

‘અમે કાયમ મદદ માટે તૈયાર રહીશું…ગમે ત્યારે યાદ કરજો….આવજો’ ઉદયસિંહે મામલો સંભાળી લેતા કહ્યું. ધૂળની ડમરી ઉડાડતી ઉદયસિંહની જીપે હાઇવે પકડી લીધો.


લીચી અને ઉદયસિંહના ગયા પછી રાંગણેકર ખડખડાટ હસ્યો. અચાનક ગંભીર થઇ ગયો. ખિસ્સામાંથી કોથળી કાઢીને સોલંકીને બતાવી. લીચી મેડમના વાળનું સેમ્પલ…પછી બીજા ખિસ્સામાંથી પ્લાસ્ટિકની નાની કોથળી કાઢીને સોલંકીને બતાવતા કહ્યું: ‘હવે પછીનો જાદુ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ કરશે.’

‘સોલંકી, આ લાંબો વાળ મને અનવરના શર્ટ પરથી મળી આવ્યો હતો….જે સહેજ ભીનો હતો. એ રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. અનવરના કપડા પર ભીનો વાળ ક્યાંથી આવ્યો.? નક્કી એ કોઇ મહિલાના સંપર્કમાં આવ્યો હોઇ શકે એવું મારું માનવું હતું.’

આપણે તપાસની શરૂઆત કરવા લીલાસરી પોલીસ ચોકી પહોંચ્યા ત્યાં લેડી પોલીસ ઇન્સ્પેક્ટર લીચી પટેલને જોઇને મને શંકા ગઇ…એટલે જ મેં એમને આપણી સાથે આવવા લલચાવ્યા ને મદદ કરવાની વિનંતી કરી. એ લોકો કાર અને લાશને જોવા માગતા હતા…..ગુનાઇત માનસની આ પ્રકૃતિ છે….નિશાની છે. બાકીનું કામ તમારી પોલીસ ચોકીની શકુબાઇએ કર્યું….શકુબાઇએ ખેંચી કાઢેલા વાળ અને અનવરના શર્ટ પરથી મળેલો વાળ એક છે એવું ફોરેન્સિકવાળા જ કહી શકે..’ રાંગણેકરે ફરી ખિસ્સામાં હાથ નાખીને નાનું પ્લાસ્ટિકનું ટ્રાન્સપરન્ટ પાઉચ કાઢીને બતાવ્યું.
‘આ શું છે.?’ સોલંકી બોલ્યો.

‘આ એક કડી છે જે તમારી આંખે ચડી નથી.’

‘આ તો ઝીપની તૂટેલી કડી છે.’ સોલંકીએ કહ્યું…

‘આ જ તો કડી છે…એટલે કે સુરાગ. આ કડી પેલી કડી સાથે જોડી આપશે.’

‘મને કારની ડિકીમાંથી મળી. ડિકીમાં બેગ હોવી જઇએ..જેની ઝીપની કડી તૂટી ગઇ હશે. હવે જ્યારે બેગ મળી આવશે ત્યારે આ કડી કામ લાગશે.’ રાંગણેકરે કડી જોડી આપી. જોઇને સોલંકી આશ્ર્ચર્યમાં પડી ગયો.


હાઇવે પર જીપ ચલાવી રહેલા ઉદયસિંહે કહ્યું: ‘મને લાગે છે કે રાંગણેકર અને સોલંકી અંગત મદદને બહાને કોઇ જાળ બીછાવી રહ્યા છે.’

‘રાંગણેકર એક વાત બોલી ગયો કે તમે બહુ ઉપયોગી મદદ કરી….આ નહીં સમજાયું. ક્રાઇમ બ્રાન્ચનો માણસ છે….કારણ હશે જ.’ લીચી બોલી.

‘એણે એમ પણ કહ્યું કે અહીં સુધી લાંબા થવાનું તમારી પાસે પણ કોઇ કારણ હશે. આપણી પાસે શું કારણ હતું.?’ ઉદયસિંહે પૂછ્યું.

કારણ મારી પાસે હતું….એ શું જાણવા માગે છે એ હું જાણવા માગતી હતી. મારે ફરીથી કારમાં નજર કરવી હતી. ડિકી જોવી હતી. એની પૂછપરછ કરવાની સ્ટાઇલ જોવી હતી.’

‘લીચી, થ્રીલર ચોપડિયું વાંચવામાં તારૂં દિમાગ હટી ગયું છે….આ તારી સ્ટાઇલમાં આપણી સ્ટાઇલ ખુલ્લી પડી ગઇ….એણે ડિકી બતાવતી વખતે…કારમાં નજર કરાવતી વખતે આપણા ચહેરાના હાવભાવ જોઇ લીધા…ધારી ધારીને જોયા…..એ તને ન સમજાયું.? નક્કી એમને કારમાંથી કોઇ પુરાવો-કોઇ સબૂત મળી આવ્યું છે અને એટલે જ એ આપણને ઘટનાની જગ્યાએ લઇ ગયો…મડદું બતાવ્યું. મને લાગે છે લીચી કે… આપણે જાળમાં ફસાઇ ગયા છીએ.’ ધૂંધવાયેલો ઉદયસિંહ બોલી ગયો.

‘આપણે જાળમાં ફસાઇ પણ ગયા હોઇશું તો મને એમાંથી છટકતા આવડે છે સર.’


ગ્રંથી હરપાલસિંહ જગ્ગીના ઢાબે પહોંચ્યા ત્યારે જગ્ગી એના આવવાના કારણ વિશે વિચારતો બેઠો હતો. ગ્રંથી સાહેબ ખુદ સામે ચાલીને મળવા જઇ રહ્યા હતા….સામાન્ય રીતે ગ્રંથી સાહેબની ધાર્મિક હાક પડે એટલે ભલભલા ચમરબંધીએ દોડી જવું પડે. સીસીટીવી પર ગ્રંથી સાહેબની કારને પાર્ક થતા જોઇને જગ્ગી બહાર દોડી ગયો.

‘સતશ્રી અકાલ.’ જગ્ગીએ કહ્યું. એના મોંમાં મીઠો આવકારો ને આંખોમાં આગમનની અટકળો હતી. પોતાની ખુરસી પર બેસાડવાના આગ્રહને માન આપીને ગ્રંથી જગ્ગીની ખુરસી પર બેઠા.
‘ક્યા સેવા કરું હુકુમ કિજે.’ એણે બે હાથ જોડ્યા.

‘તું કિસી લેડીઝ ઔર જેન્ટસ પુલીસવાલે કો જાણતા હૈ….દોનોં જોડી મેેં ફિરતે હૈ.’

ગ્રંથી કોની વાત કરે છે જગ્ગીને એ તો સમજાઇ ગયું, પણ ફોન પર વાત કરવાને બદલે છેક અહીં રૂબરૂ મળવા આવવાનું કારણ ન સમજાયું…જગ્ગીને એ કારણ જાણવાની ઉત્સુકતા વધુ હતી.
‘જાણતા હું…અચ્છી તરહા જાણતા હું….સિનિયર ઇન્સ્પેક્ટર.’

ઉદયસિંહ ઔર સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલ નામ હૈ ઉનકા….બાત ક્યા હૈ ખુલ કર બતાઇએ.’

‘સૂના હૈ વો તુઝે મિલને આતે જાતે રેહતે હૈ.?’

‘હાં, મેરે ડ્રગ્સ કે મામલે મેં આયે થે…ક્યા ઉન્હોને કૂછ ગલત કિયા કરા હૈ.?’ જગ્ગીએ પૂછ્યું.

બસરાને સુસાઇડ કિયા તબ ઉનકે ઘર પે દોનોં ઇન્સ્પેક્ટર ઝાલા કે સાથ મેં બાત કર રહે થે….સાદે ડ્રેસ મેં થે…બસરાને સુસાઇડ કર લિયા…બસરાને જિસકો કામ સોંપા થા ઉસ અનવર કી લાશ મિલી…બસરા કી કાર પુલીસ કે કબ્ઝે મેં હૈ…લગતા હૈ બીસ કરોડ કી બેગ કે સાથ ઝરૂર ઉન દોનોં કા કૂછ કનેક્શન હૈ….ઔર વો દોનોં તુજસે મિલને આતે હૈ…ઉધર કેનેડે મેં અપના સતિન્દર પરેશાન હૈ…અપને લોગોં કો ઉડા દિયે જાતે હૈ…ઔર તુઝે કૂછ ખબર નહીં…તુજે કોઇ ફિકર નહીં..જગ્ગીને તુઝે બેગ ઢૂંઢને કા કામ સોંપા હૈ…લેકિન તૂ ઔર તેરા ડ્રગ્સ કા ધંધા…માંકી દાલ ઔર તંદૂરી રોટિયાં.’

જગ્ગીને થયું કે કોઇએ એને તંદુરની ભઠ્ઠીમાં ધકેલી દીધો. એની આંખમાં અંગારા હતા. એ મુઠ્ઠીઓ વાળીને સમસમીને સાંભળતો બેસી રહ્યો. એનો ગુસ્સો ગ્રંથી સાહેબ પર નહીં, પણ ઉદયસિંહ અને લીચી પટેલ પર હતો.

‘મેનુ એક મૌકા દો….સિરફ એક મૌકા….પુલીસ સચ ઉગલવાતી હૈ…લેકિન મૈં પુલીસ સે સચ ઉગલવાઉંગા.’ જગ્ગીએ કહ્યું.’

‘સંભલ કે….યહ મત ભૂલો વો પુલીસવાલે હૈ….ઔર તેરા ધંધા ડ્રગ્સ કા હૈ.’ ગ્રંથી સાહેબ બોલીને નીકળી ગયા. જગ્ગીની લાલઘૂમ આંખ સામે બેગમાંથી બે કરોડની થપ્પીઓ કાઢતી લીચી તરવરવા લાગી.

‘અબ સમજ મેં આયા કી તુમ દોનોં કે પાસ ડ્રગ્સ કે દો કરોડ કહાં સે આયે.’


લીચી અને ઉદયસિંહ પોલીસ ચોકી પહોંચ્યાં ત્યારે રસ્તોગી એની રાહ જોતો બેઠો હતો. એની આજુબાજુ પાટીલ અને કનુભા ફરિયાદી તરીકે આવેલા પત્નીપિડિત રસ્તોગીના કિસ્સાઓના મજા લેતા બેઠા હતા.

‘ગઇ કાલે મને ફરી માર્યો..’ રસ્તોગીએ ડાબો ગાલ બતાવતા કહ્યું ને પાટીલ અને કનુભા જોરજોરથી હસી પડ્યા.

‘કારણ વગર મારે એમ.?’ કનુભાએ પૂછ્યું.

‘ચામાં ખાંડ ઓછી પડી તો મારા પર ભડકી. બે તમાચા ચોડી દીધા.’

‘એટલે ચા તારે જ બનાવવી પડે? એ કેમ ન બનાવે.?’ પાટીલે પૂછ્યું.

‘એ કહે છે કે મારે નવો ટ્રેન્ડ શરૂ કરવો છે…પુરૂષોને ઘરકામ કરતા કરવા છે.’

‘પણ આમ માર મારીને….ઘરકામ કરતા કરવા છે.?’ કનુભા બોલીને હસવા લાગ્યા. પાટીલ અને કનુભાનું હસવું રોકાતું ન હતું. બરાબર એ જ વખતે ઉદયસિંહ અને લીચી પ્રવેશ્યાં.
‘આ શું ચાલી રહ્યું છે પોલીસ ચોકીમાં..?’ ઉદયસિંહ બરાડ્યો.

‘કાંઇ નહીં સાહેબ…આ ભાઇ ફરિયાદી છે….એની બાયડી સામે ફરિયાદ લઇને આવ્યા છે. એટલે અમને હસવું આવી ગ્યું.’ કનુભા બોલ્યા.

સાહેબ, ફરિયાદ લેડી પોલીસ ઇન્સ્પેક્ટરને કરવાનો એનો આગ્રહ છે.’ પાટીલે કહ્યું. લીચીએ રસ્તોગી સામે જોયું. જોકે રસ્તોગીની નજર પહેલેથી જ લીચી પર મંડાયેલી હતી
‘મારે તમને ખાનગીમાં ફરિયાદ લખાવવી છે.’ રસ્તોગી બોલ્યો.

ઉદયસિંહ અને લીચીના મગજ પહેલેથી જ હટેલા હતા…ઉપરથી લાંબી મુસાફરી પણ કરી હતી. અને ફરિયાદીનો કેસ જોતા બહુ દમ ન લાગ્યો.

‘જુઓ, આ તમારી અંગત બાબત છે. તમે ઘરમેળે પતાવટ કરી લો.’ લીચીએ કહ્યું.

‘મેડમ, એકવાર મારી વાત સાંભળી લેશો તોય મનને સંતોષ થઇ જશે.’ રસ્તોગીએ હાથ જોડ્યા.

લીચીએ એક ઊંડો નિ:સાસો નાખીને કહ્યું: ‘આવો અંદર.’

રસ્તોગી ઝટથી ઊભો થઇને લીચીની પાછળ રૂમમાં ગયો. લીચીએ ઉદયસિંહની ખુરસી પર બેસતા કહ્યું: ‘બોલો, શું ફરિયાદ છે.?’
‘મેડમ, હું અમન રસ્તોગી….ફ્રીડમ એક્સપ્રેસ.’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button