ઉત્સવ

ખાખી મની-૨૧

‘થયેલી ભૂલનું સાટું વાળી દે એવું કામ કરીને ભૂલ સુધારી લેવી એજ ભૂલ સુધારવાનો સરળ માર્ગ છે.’

અનિલ રાવલ

‘સર, માલ પકડા ગયા લેકિન ગુરચરનસિંહ મારા ગયા’….સાંભળીને બલદેવરાજના ચહેરા પરા નારાજગી ઊતરી આવી. જપ્ત કરાયેલાં શસ્ત્રો જેટલા મહત્ત્વનાં હતાં એટલું જ જરૂરી હતું ગુરચરનસિંહનું જીવતું પકડાવું. નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારે આ વાતની ખાસ તાકીદ પણ કરી હતી. ગુરચરનસિંહ જીવતો પકડાયો હોત તો એને પગલે બીજા કેટલાક ત્રાસવાદીઓ ઝડપાયા હોત…ખાલિસ્તાની ત્રાસવાદ અને એને મળતા ફંડનો ભેદ ઉકેલાઇ ગયો હોત…સાથેસાથે અવસ્થીની પૈસા સાથેની હેરાફેરીના રહસ્ય પરથી પણ પરદો ઊંચકાઇ જાત..એકવાર છટકી ગયેલો અવસ્થી ઝડપાઇ ગયો હોત.

પંજાબના સરહદી વિસ્તારોમાં ડ્રોનની મદદથી પાકિસ્તાની ત્રાસવાદીઓ અને સ્મગલરો શસ્ત્રો મોકલતા હોવાની અને ગુરચરનસિંહ શસ્ત્રસરંજામ ગોદામમાં રખાવતો હોવાની રજેરજની માહિતી બલદેવરાજ પાસે આવી ગઇ હતી. લોકલ પોલીસ પાર્ટીની સાથે પોતાના ચુનંદા એજન્ટોને રાખવાનો મૂળ હેતુ ગુરચરનસિંહને જીવતો પકડવાનો હતો. ગુરચરનસિંહના માર્યા જવા સાથે એ હેતુ પણ માર્યો ગયો હતો. બલદેવરાજ સામે બેઠેલા અભય તોમારને જવાબ આપવાની મથામણ અનુભવી રહ્યા હતા. ફોન કટ કરીને એમણે અભય તોમારની સામે જોયું.

‘થયેલી ભૂલનું સાટું વાળી દે એવું કામ કરીને ભૂલ સુધારી લેવી એજ ભૂલ સુધારવાનો સરળ માર્ગ છે..’ અભય તોમાર બોલીને ઊભા થઇ ગયા.


ઇમામ અને ગ્રંથી હરપાલસિંહ ગંભીર મોઢે બેઠા હતા. ચિંતાને લીધે બંને ચૂપ હતા.

‘અબ ક્યા કરેં?’ હરપાલસિંહે મૌન તોડ્યું.

‘કૂછ નહીં….યહ તો અચ્છા હુઆ અવસ્થીને અપની બીવી કે સાથે પૈસે ભિજવાયે. અપને સાથ રખ્ખા હોતા તો.?’ ઇમામે કહ્યું.

‘પૈસે તો મિનિસ્ટર કો પહુંચ ગયેના.?’ હરપાલસિંહે પૂછ્યું.

‘હાં, ખતરા તો ટલ ગયા…લેકિન અવસ્થી રડાર પર આ ગયા.’ ઇમામે કહ્યું.

‘સર દર્દ કરોડ કી બેગ કા હૈ.’હરપાલસિંહે કહ્યું.

એજ વખતે અબ્દુલ્લા અંદર આવ્યો.

‘જનાબ, મૈંને બતાયા થાના કી ઇન્સ્પેક્ટર ઝાલા કે સાથ એક ઔરત ઔર એક આદમી..’
‘હાં, સમજ ગયા…આગે બોલો.’ ઇમામે તસ્બી બાજુએ મૂકી.

વો દોનોં કો મૈને જગ્ગી કે ઢાબે મેં જાતે દેખા હૈ.’ ગ્રંથી હરપાલસિંહની આંખોનાં ભંવાં ઊંચાં થયાં.
‘ઢાબે મેં ખાને પીને ગયે હોંગેં.’ ઇમામે કહ્યું.

‘નહીં..નહીં.. વો દોનોં ઢાબે કે માલિક જગ્ગી કો મિલે
થે,’ અબ્દુલ્લા બોલ્યો.

‘વો દોનોં પુલીસવાલે હૈ?’ હરપાલસિંહે પૂછ્યું.

‘પતા નહીં….સાદે ડ્રેસમેં દેખા હૈ…લેકિન તૈવર પુલીસવાલે જૈસા હૈ..’ અબ્દુલ્લાએ કહ્યું.

‘પુલીસ હૈ તો ક્યા હુઆ. દોનોં કે બારે મેં ઓર પતા કરો..’ ઇમામે ફરી તસ્બી હાથમાં લેતાં કહ્યું.

‘જગ્ગી તો અપના બંદા હૈ….મૈં ભી પતા કરતા હું.’ હરપાલસિંહે કહ્યું.


ઇમામના ઘરેથી નીકળ્યા બાદ હરપાલસિંહને ચેન પડતું નહતું. કોણ હશે એ બંને….જગ્ગી પાસે શા માટે ગયા…બસરાના ઘરે પણ એ લોકો હતા એવું અબ્દુલ્લા કહેતો હતો.. અબ્દુલ્લાની બાતમી સાચી હોય તો જગ્ગી પાસેથી એ બંનેની માહિતી મેળવતા વાર નહીં લાગે. હરપાલસિંહ હવે વધુ રાહ જોવાની હાલતમાં નહતા…એણે તરત જ જગ્ગીને કોલ કર્યો.

‘જગ્ગી, સતશ્રી અકાલ..કહાં હૈ તું.?’

‘સતશ્રી અકાલ પાજી, ઢાબે પર….હુકુમ કિજિયે..’

‘કૂછ ઝરૂરી બાત કરની થી….મિલના હૈ….આ રહા હું’ હરપાલસિંહે બીજું કાંઇ કહ્યું નહીં ને જગ્ગીએ પૂછવાનું યોગ્ય નહીં માન્યું. ગ્રંથી હરપાલસિંહની કાર ઇમામના ઘરેથી સીધા જગ્ગીના ઢાબા પર જવા રવાના થઇ.


સતિન્દરનું પ્રત્યેક અંગ કપાઇ રહ્યું હતું. પહેલાં બસરા, બબ્બર, સરદાર સંધુ અને ગુરચરનસિંહ….આમછતાં એના અહમનો હિમાલય ઓગળતો નહતો.
ગુરચરનસિંહના મોતના સમાચાર મળ્યા ત્યારે તજિન્દર અને સતિન્દર બંનેની પોતપોતાની વ્યથા અને વિચારો હતા.
‘હથિયાર તો ફિર સે આ જાયેંગેં…લેકિન દુસરા ગુરચરન નહીં મિલેગા’ સતિન્દરના અવાજમાં ભારોભાર દુ:ખ હતું.
ગુરચરન કી જગહ કોઇ ઔર મિલ જાયેગા લેકિન હથિયાર કહાં સે લાયેગેં? બિના બારૂદ કે ઑપરેશન કૈસે હોગા.? મૈંને ઔર સરદાર સંધુને મિલકર બડી મહેનત સે હથિયાર ઉતરવાયે થે…ખૈર.’ તજિન્દર બોલ્યો.
સતિન્દરને ગુરચરનના મોતનું દુ:ખ હતું ને તજિન્દરને હથિયાર જપ્ત થવાનું. કટોકટીના સમયે કોને શેનો રંજ હોય છે એના પરથી માણસની માણસાઇનો સાચો પરિચય મળે છે.


ઉદયસિંહની જીપ આગળ ચાલી રહી હતી અને પાછળ રાંગણેકર અને સોલંકી હતા…મહારાષ્ટ્રની એક ચોક્કસ જગ્યાએ-હાઇવે પર પાછળથી સોલંકીએ હોર્ન વગાડવાનું ચાલુ કર્યું. ઉદયસિંહે કાચમાંથી જોયું તો સોલંકી એની જીપની લાઇટ ફ્લેશ મારીને થોભવાનો ઇશારો કરી રહ્યો હતો. ઉદયસિંહે કાર સાઇડમાં લીધી…સોલંકીની જીપ બાજુમાં આવી.

મારી પાછળ આવો’ બોલીને સોલંકીએ એની જીપ આગળ લીધી.

લીચી અને ઉદયસિંહને કાંઇ સમજાયું નહીં.

રાંગણેકરની જીપે મહારાષ્ટ્રની હદના જંગલ વિસ્તારમાં વળાંક લીધો.

‘મને સમજાતું નથી…આ લોકો આપણને ક્યાં લઇ જાય છે.?’ લીચી બોલી.

‘મને સમજાય છે.’ ઉદયસિંહે કહ્યું. એવામાં સોલંકીએ જીપ ઊભી રાખી.

‘ઓહ…..હવે યાદ આવ્યું…આ એજ જગ્યા છે જ્યાં આપણે અનવરની લાશ અને કાર.’ લીચી બોલતા અટકી.

‘આવો’ રાંગણેકરે ઊતરતાની સાથે બંનેને બોલાવ્યાં. બધાં થોડું ચાલ્યાં..પછી રાંગણેકરે કહ્યું: ‘આ જગ્યાએથી અમને કાર અને લાશ મળી છે.’
‘ઓહ…તો આ એ જગ્યા છે.?’ લીચીએ આશ્ર્ચર્ય વ્યક્ત કરવાનો ઢોંગ કર્યો.

શું નામ હતું ડ્રાઇવરનું.?’ ઉદયસિંહે કેસમાં રસ લેતો હોય એ રીતે પૂછ્યું.

‘અનવર.’ રાંગણેકરે કહ્યું.

‘એનું લાયસન્સ…નામ-ઠામ…અતોપતો કાંઇક તો મળ્યું હશેને.’ લીચીએ કહ્યું.

‘એજ તો મોકાણ છે…કાંઇ કરતા કાંઇ નથી મળ્યું.’ રાંગણેકરે કહ્યું.

‘લાશનું શું કર્યું.?’ ઉદયસિંહે પૂછ્યું.

‘ચાલો.’ રાંગણેકરે વાતને ઉડાડી દીધી. ચારેય પોતપોતાનાં વાહનોમાં અલિયાપુર પોલીસ ચોકીમાં પહોંચ્યાં. ચોકીના આંગણાંમાં જીપ ઊભી રહી. લીચી એની કેપ ઉતારીને અંદર જવા ગઇ કે તરત જ પાછળથી એ ગાંડી બાઇએ એની પર તરાપ મારી…એના વાળ ખેંચતા બોલી: ‘ખૂની છો…તું ખૂની.’ લીચી એક સેક્ધડ માટે ડરી ગઇ….બીજી ક્ષણે એણે ગાંડી બાઇને ધક્કો મારીને અલગ કરી…સોલંકી દોડી ગયો ને ગાંડી બાઇને તગેડી મૂકી.

‘આઇ એમ સોરી…આ ગાંડી બાઇ ક્યારેક આવી ચડે છે…ને કાંઇપણ બબડાટ કરે છે’
‘તમને વાગ્યું તો નથીને.?’ રાંગણેકરે પૂછ્યું.

હેબતાઇ ગયેલી લીચી કાંઇ બોલી ન શકી. ઉદયસિંહ એને અંદર લઇ ગયો. હવાલદાર પાણી લાવ્યો. અવાચક બની ગયેલી લીચી પાણીનો ગ્લાસ હાથ લેતાં બધાની સામે જોવા લાગી. લીચી હજી આઘાતમાંથી બહાર આવી નહોતી. રાંગણેકર અને સોલંકીનું લીલાસરી પોલીસ ચોકીએ પહોંચી જવું, વાતચીતને બહાને ઊલટતપાસ શરૂ કરવી, અંગત મદદને બહાને અલિયાપુર પોલીસ ચોકીએ લઇ આવવું, રસ્તામાં મહારાષ્ટ્રની હદમાં ક્રાઇમ સીન પર લઇ જવું….એનું મન ચકરાવે ચડી ગયું હતું.

‘ચાલો તમને લાશ બતાવું’ અચાનક રાંગણેકર બોલ્યો.

‘સર, સોરી પણ અમે લાશને જોઇને શું કરશું…અમને આ કેસ સાથે કાંઇ લાગતુંવળગતું નથી..’ લીચી બોલી.

‘અમે તમને અંગત મદદ પણ કરી શકીએ એમ નથી,’ ઉદયસિંહે વિનમ્રતાથી કહ્યું.

‘તમને શું લાગે છે…તમને વગર કારણે છેક લીલાસરી પોલીસ ચોકીથી અહીં લાવ્યા છીએ.?’ રાંગણેકરે કહ્યું.

‘મતલબ કે તમને અમારા પર શંકા છે…વરસતા વરસાદમાં કાળી રાતે બનેલી કોઇ ઘટના જેની સાથે અમારે કોઇ સંબંધ નથી…અમને ખબર નથી એવા કેસમાં અંગત મદદને બહાને અમને અહીં લાવ્યા બાદ હવે તમે એમ કહેવા માગો છો કે અમને અહીં લાવવા પાછળ કોઇ કારણ છે.’ લીચીએ નારાજગી બતાવી.

લીચી, આ લોકો જે માનતા હોય તે…આપણી મદદ માગે છે તો મદદ કરીએ.’

‘આવો, મોર્ગમાં જતાં પહેલાં હું તમને કાર બતાવું’ રાંગણેકરે કહ્યું. ચારેય બહાર નીકળ્યાં. પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં ઊભેલી કાર જોઇને લીચી કે ઉદયસિંહ મોં પર કોઇ ભાવ લાવ્યા નહીં. રાંગણેકરે રૂમાલનું હાથમોજું બનાવીને કારનો દરવાજો ખોલ્યો.

અંદર નજર કરો.’ સોલંકીએ કહ્યું. ઉદયસિંહે લીચીની સામે જોયું. લીચી જોવા માગતી નથી એમ સમજીને ઉદયસિંહે કમને અંદર અછડતી નજર ફેરવી. ખભા ઉછાળ્યા.
‘ડિકી જુઓ’ રાંગણેકરે ડિકી ખોલી. લીચીએ ઝડપથી નજર કરી.

‘તમને શું લાગે છે મેડમ, કારમાં શું હશે.?’

‘હીરા અથવા તો ડ્રગ્સ.’ લીચી આત્મવિશ્વાસથી ખોટું બોલી.

રૂપિયા કેમ નહીં.?’ રાંગણેકરે પૂછ્યું.

‘મારું મન કહે છે કે આ બેમાંથી એક હોઇ શકે. બાકી કોઇ પુરાવો તો તમને મળ્યો નથી.’

લેડીઝ લોકોનું ઇન્ટ્યુશન મોટાભાગે સાચું હોય છે’ રાંગણેકરે કહ્યું.

‘આવો મોર્ગમાં જઇએ.’ ચારેય જણ એક જ જીપમાં હોસ્પિટલમાં ગયા. ડ્યૂટી પરનો રેસિડેન્ટ ડોક્ટર એમને મોર્ગમાં લઇ ગયો. કપડું હટાવ્યું. લીચી આંખ મીચી ગઇ. ઉદયસિંહે લાશને જોયા કર્યું.
‘મોતનું કારણ?’ એણે પૂછ્યું.

‘હાર્ટ એટેક…..હથેળીમાં જીવ અને માથા પર જોખમ લઇને નીકળેલો અનવર દિલનો નબળો નીકળ્યો’ સોલંકી બોલીને બંને સામે જોવા લાગ્યો.

‘ખૈર ચાલો’ કહીને રાંગણેકરે તેમને ડોક્ટરની કેબિનમાં લઇ જઇને બેસાડ્યા.

‘તમે જરા આરામથી બેસો હું આવ્યો’ રાંગણેકર બહાર નીકળીને હોસ્પિટલના એક વોર્ડમાં ગયો. ગાંડી બાઇએ એના હાથમાં પ્લાસ્ટીકની નાની કોથળી મૂકતા કહ્યું.
‘લો સાયબ, વાળના સેમ્પલ.’ ક્રમશ:

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત