ઉત્સવ

ખાખી મની-૨૦

‘મને શંકા છે કે કોઇ લીચી મેડમ અને ઉદયસિંહને ઊંચકીને લઇ ગયું.’ પાટીલ બોલ્યો

અનિલ રાવલ

ઉદયસિંહ, લીચી પટેલ, કનુભા અને પાટીલ લીલાસરી પોલીસ ચોકીમાં દિવસની ડ્યૂટી પર હતાં. અંદરના રૂમમાં સિનિયર ઉદયસિંહ પરમાર અને લીચી પટેલ વચ્ચે ધીમા અવાજમાં ગુસપુસ ચાલતી હતી. કનુભા અને પાટીલ અંદર આવ્યા.

હું અને પાટીલ ગામમાં આંટો મારીને આવીએ…ચા-પાણી પીતા આવીએ…તમારા માટે કાંઇ લાવીએ….કનુભાએ પૂછ્યું.

ગરમાગરમ ભજીયા અને ચાની ઇચ્છા છે…..લીચી બોલી.

મારે વડા ખાવા છે..ઉદયસિંહે કહ્યું.

ભલે….ભલે…બોલીને બંને ગયા.

થોડીવાર પછી બપોરના સમયે રેઢી પોલીસ ચોકીમાં રાંગણેકર અને સોલંકી પ્રવેશ્યા. પોલીસ ચોકીમાં કોઇને ન જોઇને એમને આશ્ર્ચર્ય થયું.

સિનિયર ઉદયસિંહની રૂમમાંથી વાતચીતનો ધીમો અવાજ સંભળાયો. રાંગણેકરે પૂછ્યું: કોઇ છે પોલીસ ચોકીમાં.

કોણ છે. અંદર આવીને વાત કરો. ઉદયસિંહે કહ્યું. સાદા ડ્રેસમાં રાંગણેકર અને સોલંકી રૂમમાં પ્રવેશ્યા.

બોલો, શું હતું. સાદા ડ્રેસમાં ગયેલા રાંગણેકર અને સોલંકીને ઓળખી નહીં શકેલા ઉદયસિંહે રૂઆબ બતાવ્યો.

હું મુંબઇ થાણે ક્રાઇમ બ્રાન્ચનો સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર મધુકર રાંગણેકર. અને હું અલિયાપુર પોલીસ ચોકીનો સિનિયર સોલંકી.

લીચી અને ઉદયસિંહને ઝટકો લાગ્યો, પણ ચહેરા પર દેખાવા ન દીધું.

હા, આવોને. બેસો. લીચીએ ખુરસી પરથી ઊભા થઇને આવકાર્યા.

તમારી સાથે અંગત રીતે એક કેસની વાત કરવી છે…..રાંગણેકરે કહ્યું.

એમાં તમારી મદદ પણ જોઇએ છે…સોલંકી બોલ્યો.

અલિયાપુર પોલીસ ચોકીનો સોલંકી અને સાથે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનો ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર રાંગણેકર શેની તપાસ કરવા આવ્યા છે એનો અંદાજ ન આવે એટલા મૂર્ખ ઉદયસિંહ અને લીચી પટેલ ન હતાં….પણ અંગત રીતે કેસની વાત કરવી છે આ વાક્ય સમજવું જરૂરી હતું.

ચોક્કસ….તમે અંગત રીતે કેસની વાત ખુલ્લાં મને કરી શકો છો અને જરૂર હોય ત્યાં અમે મદદ પણ કરશું…લીચીએ ઉદયસિંહની સામે જોતાં કહ્યું.

બિલકુલ….બિલકુલ…પોલીસ પોલીસની મદદ નહીં કરે તો બીજું કોણ કરશે….ઉદયસિંહે કહ્યું.

વરસાદની એક તોફાની રાતે આપણા આ હાઇવે પરથી એક કાર નીકળી હતી. અમને મહારાષ્ટ્રના ઇલાકામાંથી કાર અને મૃત હાલતમાં ડ્રાઇવર મળી આવ્યા છે…સોલંકીએ શરૂઆત કરી.

અમારે કાર ત્યજી દેવાનું અને ડ્રાઇવરના મોતનું રહસ્ય ઉકલવું છે. કારમાં કાંઇક તો કિંમતી હતું….જે ગાયબ છે…એ શું હતું…હીરા, ડ્રગ્સ કે પૈસા….રાંગણેકરે વાતને આગળ ચલાવી.

અમને અંગત રીતે આ કેસની વાત કરવાનું કારણ શું અને અમે તમને કંઈ રીતે મદદ કરીએ. લીચીએ પૂછ્યું.

એ રાતે પોલીસ ચોકીમાં તમે ડ્યૂટી પર હતાં. રાંગણેકરે વાતનો સૂર બદલ્યો. લીચી અને ઉદયસિંહને પોતાની કાયદેસર પૂછપરછ થઇ રહી હોવાની ગંધ આવી ગઇ.

હા એ રાતે અમે ડ્યૂટી પર હતાં. ઉદયસિંહે અમે શબ્દ પર ભાર મૂક્યો.

અમારી ચોકી અંદરની બાજુએ આવેલી છે…તોફાની વરસાદમાં હાઇવે પર કોની કાર નીકળી અને શું બન્યું એની અમને ક્યાંથી ખબર હોય…લીચીએ કહ્યું.

તમે બે જ ડ્યૂટી પર હતા કે બીજું કોઇ હતું….સોલંકીએ પૂછ્યું.

અમારી સાથે હેડ કોન્સ્ટેબલ પાટીલ અને હવાલદાર કનુભા પણ હતા. લીચીએ જવાબ આપ્યો.

એ બંને ક્યાં છે…રાંગણેકરે પૂછ્યું.

ગામમાં ગયા છે…ચા નાસ્તો કરવા. ઉદયસિંહ બોલ્યો.

અમે કંઇ રીતે મદદ કરીએ એ કહો સાહેબ…લીચીએ કહ્યું.

અંગત મદદ કરો…અમારી સાથે હમણાં જ ચાલો અલિયાપુર પોલીસ ચોકી. રાંગણેકરે સહેજ હસીને કહ્યું.

લીચી અને ઉદયસિંહે એકબીજાની સામે જોયું: અમે ત્યાં આવીને શું કરશું લીચી બોલી.

ચાલો સર, આપણે આપણી પોલીસ તરીકેની ફરજ નિભાવીએ..અંગત મદદ કરીને…લીચીએ ખભા ઉછાળતા કહ્યું.


રાંગણેકર અને સોલંકીએ લીલાસરી પોલીસ ચોકી પર લાલ રંગનું નિશાન લગાવતા પહેલાં અલિયાપુર પોલીસ ચોકીથી લઇને ગુજરાત હાઇવે પરની તમામ પોલીસ ચોકીઓ, પોલીસ સ્ટેશનો, હાઇવે પોલીસ મથકોની યાદી તૈયાર કરી હતી. હાઇવે પોલીસ પાસેથી માહિતી મેળવી હતી. કઇ કઇ જગ્યાએ સીસીટીવી કેમેરાઓ છે એની નોંધ કરીને ફુટેજ મગાવ્યા હતા, પણ ખરાબ હવામાનને લીધે બધું ઠપ હતું….એક ધૂંધળું ચિત્ર પણ ઝડપાયું નહતું. રાંગણેકરે મહારાષ્ટ્રની બોર્ડરની સૌથી નજીકની પોલીસ ચોકીથી તપાસની શરૂઆત તો કરી…પણ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને જોઇને એને આંચકો લાગ્યો હતો. અનરાધાર વરસાદની રાત અને પોલીસ ચોકીમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની ડ્યૂટી. રાંગણેકરને આ વાત હજમ ન થઇ. મહિલા પોલીસની હાજરીએ જ રાંગણેકરના મનમાં શંકાના બી રોપ્યાં હતા. અને એટલે જ એણે ઝડપથી કાંઇક વિચારી લીધું અને બંનેને અલિયાપુર આવીને અંગત મદદ કરવાનું કહ્યું હતું. રાંગણેકરની ખાસ સૂચના મુજબ ઉદયસિંહ અને લીચીની જીપ આગળ હતી ને પાછળ જીપમાં રાંગણેકર અને સોલંકી હતા.

લીચી અને ઉદયસિંહ પોલીસની જીપ કાઢવા પાછળના વાડામાં ગયા એટલે એની પાછળ રાંગણેકર અને સોલંકી પણ ગયા હતા. રાંગણેકર તો પેશાબ કરવાના બહાને ટોઇલેટ પણ જોઇ આવેલા….ને સામેની લોક-અપનો રૂમ જોઇને સોલંકીએ એના વિશે પૂછેલું, પણ ઉદયસિંહ કાંઇ જવાબ આપે તે પહેલાં દરવાજો ખોલી નાખીને અંધારિયા ઓરડામાં નજર ફેરવી લેતાં પૂછેલું: હજી સુધી લોક-અપમાં કોઇનું મોત થયું છે ખરું? ‘અત્યાર સુધીમાં અમારી પોલીસ ચોકીમાં ચાર જણા મરી ગયા છે…એમાંથી બે જણ તો હાર્ટ એટેકથી જ મરી ગયા.’


કનુભા અને પાટીલ ગરમાગરમ ભજીયા બટાટા વડા અને ચા લઇને આવ્યા ત્યારે પોલીસ ચોકીમાં કોઇ નહતું. બધું ટેબલ પર મૂકીને પાછળ જઇને ચેક કરી આવ્યા….મોટેથી બૂમ મારી જોઇ. લોક-અપમાં જોયું…ટોઇલેટના દરવાજા ખખડાવ્યા.

‘કનુભા, મને કાંઇક દાળમાં કાળું લાગે છે.’ પાટીલે કહ્યું.

‘આપણે ગયા ત્યારે બંને અંદર કાંઇક ગૂસપૂસ કરતાં હતાં.’ કનુભાએ કહ્યું.

‘ના, મને મોટી શંકા છે કે કોઇ લીચી મેડમ અને ઉદયસિંહને ઊંચકીને લઇ ગયું. પૈસાની બેગનો મામલો આપણે ધારીએ છીએ એના કરતાં વધુ ખતરનાક છે.’ પાટીલે કહ્યું.

એ જ વખતે રસ્તોગીએ પ્રવેશ કર્યો.

‘સિનિયર કોણ છે અહીં..?’ એણે પોતાની ઓળખ છૂપાવી રાખતા પૂછ્યું.

‘તમે કોણ..તમારે શું કામ છે…ઇ કહોને’ પહેલેથી જ અકળાયેલા કનુભાએ જવાબ આપ્યો.

‘મારે લેડી પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ ફરિયાદ નોંધાવવી છે કે મારી પત્ની મને મારે છે.’ રસ્તોગીએ કહ્યું.

પાટીલ અને કનુભા હસી પડ્યા. આ નવું….તારી બૈરી તને મારે છે અને તારે લેડી પોલીસને ફરિયાદ કરવી છે. અરે ભાઇ, અમે એને જ શોધીએ છીએ. અમારા સિનિયર સાથે એ પણ પલાયન થઇ ગયાં છે.’ કનુભાએ મજાકમાં કહ્યું.

રસ્તોગી અવાચક થઇ ગયો. હાઇવેનો મામલો સંગીન બની ગયો લાગે છે…પોતે જેને શોધવા આવ્યો એ લેડી પોલીસ ઇન્સ્પેક્ટર જ ગૂમ થઇ ગઇ. ન્યૂઝ સનસનીખેજ છે…પણ લેડી ઇન્સ્પેક્ટર મળે તો જ છાપી શકાય….હવે પહેલા જેવી ભૂલ નથી કરવી. રસ્તોગી વિચારતો રહ્યો.

‘ઠીક છે…હું પછી આવીશ, પણ ફરિયાદ તો એને જ કરીશ…બાઇ માણસ બીજી બાઇ માણસને સમજી શકે ને સમજાવી શકે.’ કહીને એ
ચાલતો થયો.

પોતે જેને શોધી રહ્યો છે એ લેડી પોલીસ ઇન્સ્પેક્ટર લીલાસરી પોલીસ ચોકીમાં જ છે….પણ એ ક્યાં લાપત્તા થઇ ગઇ….અને એ પણ પોતાના સિનિયર સાથે…સસ્પેન્સ કહાનીમાં આંચકાદાયક વળાંક. વિચારીને રસ્તોગી ગંભીર બની ગયો.


રોના ખાસ એજન્ટોની આગેવાની હેઠળ પંજાબ પોલીસની ટુકડીએ રાતે ફઝીલ્કા શહેરના એક ગોદામ પર છાપો માર્યો. ઔદ્યૌગિક વિસ્તારમાં આવેલું ગોદામ બંધ રહેતું….એનો એક દરવાજો પાછળ હતો…મોટા ભાગે પાછળના ભાગે કોઇ હિલચાલ થતી રહેતી. રોના એજન્ટોએ આ માહિતી બલદેવરાજને આપી હતી. ત્યારબાદ ફઝીલ્કાના પોલીસ ચીફની સાથે વાત કરીને બલદેવરાજે રાતે ત્રાટકવાનો નિર્ણય લીધો હતો. પોલીસ બિલ્લી પગે ગોદામ પાસે પહોંચી ત્યારે બહાર એક ટ્રક ઊભી હતી. પોલીસે ચારેબાજુએથી ગોદામને ઘેરી લીધું. પોલીસ ઇન્સ્પેક્ટરે ટ્રક પર ચડીને નજર કરી…કોઇ નહતું. ગોદામને તાળુ નહતું. એક એજન્ટે દરવાજો ખખડાવ્યો.. કોઇ જવાબ ન આવ્યો.

સતશ્રી અકાલ….સરદાર સંધુ કા સમાન આયા હૈ.’ એજન્ટ બોલીને સાઇડમાં ઊભો રહી ગયો. થોડી ક્ષણો બાદ શટર ઊંચકાયું કે તરત જ એજન્ટે એને બહાર ખેંચી લીધો. અંદર ભરાઇને બેઠેલા માણસો મામલો પામી ગયા ને ગોળીબાર ચાલુ કર્યો. પોલીસે વળતો ગોળીબાર કર્યો….રાતના સન્નાટામાં અંધાધૂંધ ગોળીઓનો અવાજ ધણધણતો રહ્યો….લાશો પડતી રહી. એક એજન્ટ પેલા માણસને લઇને કારમાં બેસાડવા જતો હતો ત્યારે પાછળથી છુટેલી એક ગોળીએ પેલા માણસને વિંધી નાખ્યો. એજન્ટ કારની આડશમાં લપાઇને વળતો પ્રહાર કરવા ગયો, પણ એની પહેલા ઇન્સ્પેક્ટરે હુમલાખોરને પતાવી દીધો. સામસાામેના ગોળીબારમાં માર્યા ગયેલાઓમાં ગોદામમાં ભરાઇ બેઠેલા પાંચ ત્રાસવાદીઓ ઉપરાંત છઠ્ઠો ગુરચરનસિંહ હતો. જેને રોના એજન્ટે જીવતો પકડીને લઇ જવાની કોશિશ કરી હતી. એ ઘટનામાં બે પોલીસવાળા શહીદ થયા હતા ને એક એજન્ટ જખ્મી થયો હતો.

એજ રાતે અભય તોમારના ઘરે ફઝીલ્કા ઑપરેશનના સમાચારની રાહ જોઇને બેઠેલા બલદેવરાજ ચૌધરી પર એજન્ટનો ફોન આવ્યો.
‘સર, માલ પકડા ગયા લેકિન….ગુરચરનસિંહ મારા ગયા.’ (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…