ખાખી મની-૧૮
‘આ વખતના જુલૂસમાં ખાલિસ્તાની જોશ, જુસ્સો અને ઝનૂન ભયંકર હતા’
અનિલ રાવલ
લીચીએ જગ્ગીના ટેબલ પર બે કરોડ મૂક્યા ત્યારે ઉદયસિંહે અનુભવેલો હાશકારો ક્ષણિક નીકળ્યો. લીચીએ બેગમાંથી બે કરોડ કાઢીને પોતાને ઉગારી લીધો હોવાની ખુશી બહુ ટકી નહીં. જગ્ગીએ નીકળતી વખતે કાઢેલી વાતે એને ચક્રવ્યૂહમાં ધકેલી દીધો. જોકે જગ્ગીની ગુલાંટથી ખુદ લીચી વમળમાં ગરકી ગઇ હતી. એને એમ હતું કે બે કરોડ જગ્ગીનું મોં બંધ કરી દેશે અને એ બેગ શોધી આપવાનું ભૂલી જશે. એ થાપ ખાઇ ગઇ. એ ભૂલી ગઇ કે બેગ કદાચ જગ્ગીની હોઇ શકે એવું અનુમાન એણે પોતે કરેલું. જગ્ગીએ હજી એ વિશે તો કોઇ ફોડ નહીં પાડીને બંનેને વધુ ગૂંચવી નાખ્યાં હતાં.
‘તેં એક દેવું તો ઉતારી આપ્યું, પણ ચક્રવર્તી વ્યાજ સાથેનું બીજું હજી ઊભું જ છે,’ આભારવશ ઉદયસિંહે પોતાની પર લદાયેલા બીજા ભારનો આડકતરો ઉલ્લેખ કર્યો.
‘એનો રસ્તો પણ નીકળશે,’ લીચી બોલી.
‘થેન્ક યુ લીચી, તેં મારું એક મોટું ટેન્શન દૂર કર્યું.’ જોકે એ જ વખતે ઉદયસિંહ એ વિચારી રહ્યો હતો કે બેગ શોધવાના જોખમમાં લીચી પણ ભાગીદાર છે અને જે થશે એ બંનેનું થશે.
‘સર, તમારા ભાગમાંથી તમને બે કરોડ ઓછા મળશે’ લીચીએ એનું મન તાગવાના આશયે કહ્યું.
‘હા, એ વહેવારની વાત છે.’ એવું બોલીને ઉદયસિંહ મનમાં બબડ્યો કે એક રીતે તો સારું થયું…જગ્ગીએ લમણે મુકેલી પિસ્તોલ તો હટી ગઇ. પણ એને ક્યાં ખબર હતી કે લીચીએ એ પિસ્તોલ હવે પોતાના હાથમાં પકડી છે.
જગ્ગીએ ગ્રંથી હરપાલસિંહને ફોન કર્યો: ‘સતશ્રી અકાલ ભાઇ સાહબ, સતિન્દર કે કૂછ રૂપયે ભેજ રહા હું. દિલ્હી ભેજના હૈ.’
‘ભિજવા દો.’ હરપાલસિંઘે કહ્યું.
‘અરે હાં, સતિન્દર કહે રહા થા આપ બેગ ઢૂંઢને મેં મદદ કર રહે હો.’ હરપાલસિંઘે કહ્યું.
‘વાહે ગુરુજી કી કિરપા….કામ ચાલુ હૈ. ફિલહાલ થોડે રૂપયોં સે કામ ચલાઓ.’ જગ્ગી બોલ્યો.
જગ્ગીએ ફોન મૂકીને તાબડતોબ પોતાના માણસને અમદાવાદ રવાનો કરીને બે કરોડ ગ્રંથી હરપાલસિંહને મોકલી આપ્યા. હરપાલસિંહ પૈસા લઇને ઇમામને મળ્યા.
‘યહ દો કરોડ દિલ્હી ભેજને હૈ. કૂછ હથિયાર આ રહે હૈ સરહદ પાર સે.’ ગ્રંથી હરપાલસિંહે પૈસાની બેગ ઇમામની સામે મૂકી.
‘ઇતની છોટી રકમ કે લિયે બડે આદમી કા ઇસ્તેમાલ’ જમણા હાથમાં તસ્બી ફેરવી રહેલા ઇમામે ડાબો હાથ લમણે મૂકતા વ્યંગમાં કહ્યું.
‘બીસ કરોડ કી બેગ મિલ જાયેગી….હમારા જગ્ગી કોશિશ કર રહા હૈ.’ ગ્રંથી હરપાલસિંહે ધીરજ બંધાવી.
‘કોશિશ તો હમારી ભી ચલ રહી હૈ…અબ્દુલ્લા ઉસી કામ મેં લગા હૈ’ કહીને એમણે બેલ વગાડી. બહાર ખડે પગે ઊભેલો અબ્દુલ્લા અંદર આવ્યો.
‘જી જનાબ,’ અબ્દુલ્લા ઇમામના આદેશની રાહ જોતો ઊભો રહ્યો.
‘તેરી બીવી કા મયકા બમ્બઇ મેં હૈ ના.?’ ઇમામે પૂછ્યું.
‘જી જનાબ.’ અબ્દુલ્લા બોલ્યો.
‘ઉસકો મયકે ભેજ દો…ઇસ સામાન કે સાથ. રાશીદ ઉનકે ઘર સે સામાન ઉઠા લેગા.’ ઇમામે કહ્યું. અબ્દુલ્લા બેગ ઉપાડીને બહાર નીકળી ગયો. એના ગયા પછી તરત જ ઇમામે એમના નાનકડા મોબાઇલ પરથી કોલ લગાડ્યો.
‘અવસ્થી સાબ, સામાન ભેજ રહા હું.’
‘બેગ મિલ ગઇ?’ અવસ્થીને પણ પૈસા ભરેલી બેગની ચિંતા હતી.
‘નહીં, યે છોટી બેગ હૈ.’ ઇમામે કહ્યું.
‘રાશીદ આયેગા આપકે ઘર. રખતા હું.’ ઇમામે ફોન કાપી નાખ્યો.
બે-ચાર દિવસ પછી દિલ્હી એરપોર્ટ પર એક હેલિકૉપ્ટર ઊતર્યું. કાળા ગોગલ્સ પહેરીને આદિત્ય અવસ્થી હાથમાં ઓફિસ બેગ સાથે ઊતર્યો. એરપોર્ટની બહાર આવ્યો કે તરત આઇબીના બે ઓફિસરો એની ડાબે જમણે ચાલવા લાગ્યા.
‘એક્સ ક્યુઝ મી સર,’ કહીને એક જણે આઇબીનું આઇડી બતાવ્યું. અવસ્થીએ ચાલતા ચાલતા એની સામે જોયું.
‘આપકો હમારે સાથ ચલના હોગા.’ બીજા ઓફિસરે કહ્યું. અવસ્થી કાંઇ બોલે કે વિચારે તે પહેલાં બાજુમાં આવીને ઊભી રહી ગયેલી કારમાં બેસાડી દેવાયો.
‘મૈં જાન સકતા હું ક્યા હુઆ ઔર હમ કહાં જા રહે હૈ?’ અવસ્થીએ પૂછ્યું.
‘આપકો પતા ચલ જાયેગા સર,’ એક ઓફિસરે કહ્યું.
થોડીવારમાં અવસ્થી અભિમન્યુ સિંહની સામે બેઠો હતો. એની બાજુમાં બંને ઓફિસરો ઊભા હતા અને સામેના ટેબલ પર બેગ હતી.
‘વોટ્સ ધ મેટર…મુઝે યહાં ક્યું લાયા ગયા હૈ?’ અવસ્થીએ મોં પરની અસ્વસ્થતા દૂર કરવાની કોશિશ કરી.
‘બેગ ખોલો.’ આઇબી ચીફે કહ્યું. અવસ્થી હલી ગયો. આમ તો એરપોર્ટ પરથી ઊંચકી લેવાયો ત્યારે જ એ ફફડી ઉઠ્યો હતો. બેગ ખોલવાનું સાંભળીને એની શંકા પાકી થઇ ગઇ હતી. એણે બેગની સામે જોયું….બંને ઓફિસરોને જોયા..આઇબી ચીફની સામે એક નજર કરી. ડરતા…અચકાતા એણે બેગ ખોલીને એનું મોં આઇબી ચીફની સામે કર્યું. બેગમાં થોડી સરકારી ફાઇલો જોઇને આઇબી ચીફનું મોં પડી ગયું. ચીફે મામલો પામી જઇને બાજી સંભાળી લીધી.
‘તૂમ કો પતા હૈ આપને બિના સોચે સમજે કિસ કી ગિરેબાન મેં હાથ ડાલા હૈ.?’ એણે બંને ઓફિસરોને ઝાટકી નાખ્યા. સમજદાર ઓફિસરોએ પણ સમજદારી બતાવી.
‘વી આર સો સોરી સર, હમ સે ગલતી હો ગઇ.’ એક ઓફિસર બોલ્યો.
‘યહ હમારે રિસ્પેક્ટેડ આઇએએસ ઓફિસર હૈ…દોબારા ઐસી ગલતી નહીં હોની ચાહિયે. જાઓ.’ બંનેને રવાના કરીને ચીફે પણ સોરી કહ્યું. અવસ્થીના ગયા પછી ચીફ બોલ્યા: ‘આદિત્ય અવસ્થી, યુ આર વેરી સ્માર્ટ….બેટર બેડલક નેક્સ્ટ ટાઇમ.’
અવસ્થીએ બહાર નીકળીને પોતાની પીઠ થાબડી. એણે આ વખતે ચતુરાઇ વાપરી હતી. રાશીદ ઘરે પૈસા આપીને ગયો પછી એણે વાઇફને કહ્યું કે તું ટ્રેનમાં દિલ્હી પહોંચ…આ બેગ તું લેતી આવજે. અવસ્થી આઇબી બિલ્ડીંગની સામે જોતાં આવું જ કાંઇક બબડ્યો હશે: ‘ડોસી મરી એનો અફસોસ નથી, પણ યમ ઘર ભાળી ગયો એનું દુ:ખ છે.’
રસ્તોગીએ લેડી પોલીસ ઇન્સ્પેકટર નામનું એક પત્તું પોતાની છાતી સરખું ચાંપી રાખ્યું હતું. પત્રકાર તરીકેનો એનો અનુભવ કહેતો હતો કે હુકમનું પત્તું આ જ છે. એણે રાધિકાને પૂછીને હાઇવે પર મહિલા પોલીસને ચેકિંગ કરતા જોઇ હોવાની ફરી એકવાર ચકાસણી કરી લીધી હતી. લેડી પોલીસ ઇન્સ્પેક્ટર સુધી પહોંચીને…એના રહસ્ય પરથી પરદો ઊંચકીને એ ખુદ અખબારમાં વિસ્ફોટ કરવા માગતો હતો. અને એટલે જ એણે રાંગણેકર અને સોલંકી પાસે કે પોતાના અખબારમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરનો કોઇ ઉલ્લેખ કર્યો નહતો. એણે ગજાનનની કોણીએ મોટા પૈસા આપવાનો ગોળ ચોંટાડીને કામે લગાડ્યો હતો. એટલે જ ગજાનન પાટીલ સુધી તો પહોંચ્યો પણ પાટીલની વાતથી ગજાનનને સંતોષ થયો નહતો….એણે બીજે તપાસ કરીને લીલાસરી પોલીસ ચોકીમાં લેડી પોલીસ હોવાની ખાતરી કરી લઇને રસ્તોગીને બાતમી આપી દીધી હતી. હવે રસ્તોગી માટે લેડી પોલીસ ઇન્સ્પેક્ટર સુધી પહોંચવાનો રસ્તો સરળ બની ગયો હતો. અને રસ્તોગીએ એ રસ્તો પકડી લીધો હતો.
સરદાર સંધુ અને બબ્બરના પુત્ર યશનૂરની આગેવાની હેઠળ ઓન્તારિયોના હેમિલ્ટન શહેરમાં ખાલિસ્તાની મૂવમેન્ટની માગણી સાથેનું એક વિશાળ સરઘસ માર્ગ પરથી પસાર થઇ રહ્યું હતું. કેનેડાના બીજા સ્ટેટના ખાલિસ્તાની ચળવળકારો દેખાવોમાં ભાગ લેવા પહોંચી ગયા હતા.
લોકલ ગુરુદ્વારાના ગ્રંથી તજિન્દરસિંઘ પણ મોટી સંખ્યામાં એમના અનુયાયીઓને લઇને જોડાયા હતા. જોતજોતામાં ખાલિસ્તાની ઝુંબેશ માટેની એકતાની છડી પોકારતા સરઘસની સંખ્યા હજારોમાં પહોંચી હતી. સતિન્દરસિંઘે અગાઉથી પોલીસ પરમિશન લઇને કાઢેલા દેખાવોમાં પોલીસ પ્રોટેક્શન પણ હતું. ખાલિસ્તાનતરફી નારાઓથી શહેરના માર્ગો ગૂંજી ઉઠ્યા હતા. અગાઉની સરખામણીએ આ વખતના જુલૂસમાં ખાલિસ્તાની જોશ, જુસ્સો અને ઝનૂન ભયંકર હતા. ગુરમુખી ભાષામાં ચિતરેલા બેનરો ઝુલાવતા ખાલિસ્તાન ચળવળકારો સૂત્રો પોકારતા પોકારતા ધીમે પગલે આગળ વધી રહ્યા હતા. સરદાર સંધુ, બબ્બરનો પુત્ર યશનૂર, ગ્રંથી તજિન્દરસિંઘ, સતિન્દરસિંઘ અને કેનેડાના અન્ય નામીગરામી નેતાઓ મોખરે હતા. અચાનક થોડે દૂર મશીનગનમાંથી ગોળીઓ વછૂટી…..પોલીસે અવાજની દિશામાં દોટ મૂકી. જુલૂસમાં નાસભાગ થઇ. ડરના માર્યા લોકો જીવ બચાવવા નાસવા લાગ્યા. એવામાં તજિન્દરસિંઘને યશનૂરની ચીખ સંભળાઇ. તજિન્દરે જોયું તો યશમૂરના પગ પાસે સરદાર સંધુની લાશ પડી હતી. ઝડપભેર સતિન્દર અને બીજા લીડરો યશનૂરને બચાવવા એની ફરતે ઊભા રહી ગયા…ત્યારે પીળી પાઘડી પહેરેલો એક સરદારજી ટોળામાંથી સરકીને સામેની સાઇડમાં ઊભેલી કારમાં બેઠો. લોકોની ચિચિયારીઓને પાછળ મૂકીને કાર પૂરપાટ નીકળી ગઇ. પીળી પાઘડીવાળાએ મોબાઇલ જોડીને કામ હો ગયા હોવાની કોઇને જાણ કરી.
અવાજની દિશામાં આંધળી દોટ મૂકનારી લોકલ પોલીસને દૂર એક બિલ્ડીંગના ખૂણામાંથી એક મશીનગન મળી આવી. હવામાં ગોળીબાર કરીને પોલીસનું ધ્યાન બીજે દોરનારો ભેદી માણસ અદ્રશ્ય થઇ ગયો ને આ બાજુ જુલૂસમાં સરદારજી બનીને ઘૂસી ગયેલા રોના એજન્ટે સાયલન્સરવાળી ગનથી સરદાર સંધુને ખતમ કર્યો.
થોડીવાર પછી દિલ્હીમાં રોના ચીફ બલદેવરાજ ચૌધરીએ નેશનલ સિક્યોરિટીના વડા અભય તોમારને કોલ કરીને જાણ કરી: ‘સર, એરપોર્ટવાલા અધૂરા ઑપરેશન પૂરા હો ગયા હૈ. બચ્ચે કો છોડ દિયા હૈ.’ (ક્રમશ:)