ઉત્સવ

ખાખી મની-૧૭

‘નિખત બલોચના મર્ડરમાં આઇએસઆઇનો હાથ નહતો, પણ અભય તોમારનું દિમાગ હતું.’

અનિલ રાવલ

‘મારી પાસે એક એવો પ્લાન છે જેમાં કેનેડા અને પાકિસ્તાનના ટાંટિયા પોતાના જ ગળામાં ભેરવાય જાય.’ નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારના મોમાંથી નીકળેલા શબ્દોના થોડા દિવસમાં જ કેનેડામાં રાજકીય આશ્રય લઇને અલગ બલુચિસ્તાનની માગણી કરનારા એક જૂથની લીડર નિખત બલોચની લાશ મળી આવી. કેનેડામાં ભૂગર્ભ પ્રવૃત્તિ ચલાવનારા એક્ટિવિસ્ટો અને પાકિસ્તાનના બલુચિસ્તાનીઓ હચમચી ગયા. પાકિસ્તાનના નિર્દય પંજામાંથી છટકીને કેનેડામાં રાજકીય આશ્રય લેનારા કાર્યકરોની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના એજન્ટો નિર્મમ હત્યા કરતા. બલુચિસ્તાની ચળવળકારો આઇએસઆઇની આંખમાં કણાંની જેમ ખટકતા. આઇએસઆઇના માણસો યુવાન લીડરોને ટાર્ગેટ બનાવીને હત્યા કરતા કાં તો ગૂમ કરી દેતા. બલુચિસ્તાન મૂવમેન્ટની લોકપ્રિય અને સક્રિય મહિલા લીડર નિખત બલોચની હત્યાનો આ પહેલો બનાવ હતો.

કેનેડા ખાલિસ્તાની મૂવમેન્ટના ટેકેદારો અને ત્રાસવાદીઓનું સ્વર્ગ હતું જ. પાકિસ્તાનમાંથી કેનેડામાં રાજકીય આશ્રય લેનારા બલુચિસ્તાનીઓનું પણ ચળવળ ચલાવવાનું મોકળું મેદાન બની ગયું હતું.
નિખતની હત્યાથી સૌથી મોટો આંચકો આઇએસઆઇને લાગ્યો હતો. કારણ કે હત્યામાં એનો હાથ ન હોવા છતાં એનું નામ ઉછળ્યું હતું. અભય તોમાર આ જ ઇચ્છતા હતા. નિખતના મર્ડરમાં આઇએસઆઇનો હાથ નહતો, પણ અભય તોમારનું દિમાગ હતું. એમણે નિખતને ખતમ કરાવીને એક કાંકરે ઘણા પક્ષીઓને વિંધી નાખ્યા હતા.

ધૂંઆપૂંઆ થયેલી આઇએસઆઇના કહેવાથી પાકિસ્તાન સરકાર કેનેડા સરકાર પર ચડી બેઠી. એ નિખતની હત્યા રોના માણસોનું કામ હોવાનું સાબિત કરવા સીધું કે આડકતરું દબાણ કરવા લાગી. બીજી બાજુ બલુચિસ્તાની કાર્યકરોએ કેનેડા સરકાર સમક્ષ નિખતની હત્યા આઇએસઆઇના માણસોએ કરી હોવાની રજૂઆત કરી. અગાઉ સતિન્દરે કેનેડા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે બબ્બરનું મર્ડર રોએ કર્યું હોવાની ઘોષણા કરો. એણે રાજકારણીઓ અને નેતાઓ પર દબાણ લાવવાની કોશિશ કરી, પણ નિષ્ફળ રહ્યો. ચોમેરથી ઘેરાયેલી કેનેડા સરકારે મુત્સદ્દીગીરીનું શસ્ત્ર વાપરીને મૌન પસંદ કર્યું. રોનું નામ લઇને એ ભારત સરકાર સાથે કોઇ પંગો લેવા માગતી નહતી. એકસાથે ઘણે મોરચે લડી રહેલો સતિન્દર ચૂપ રહ્યો. કેનેડાના પીએમને ચૂંટણીમાં હરાવીને બદલો લેવાના ઇરાદા સાથે એ કડવો ઘૂંટડો ઉતારી ગયો હતો. આ તરફ મૂછમાં હસી રહેલા અભય તોમારે પાકિસ્તાન, આઇએસઆઇ અને કેનેડા સરકારને આમનેસામને મૂકીને પોતાનું ધ્યાન ખાલિસ્તાન મૂવમેન્ટને ધરમૂળથી ઉખાડી નાખવા પર ટેકવ્યું હતું.


તજિન્દરસિંઘ, સતિન્દર અને સરદાર સંધુની ગુરુદ્વારામાં મધરાતે ગુપ્ત મિટિંગ ચાલી રહી હતી. બબ્બરના મોત પછી સરદાર સંધુનું ખાલિસ્તાની ઝનૂન બમણું થયું હોવાની હકીકત છતાં એના આવવા પાછળનો ઇરાદો જોકે બીજો જ હતો. હા, ખાલિસ્તાની ચળવળ માટે લાગણી બટોરવા અને લોકોના ઝનૂનને ઉત્તેજવા ત્રણેયે એવું જાહેર જરૂર કર્યું કે સરદાર સંધુ બબ્બરના દીકરાની સાથે ખાલિસ્તાની તરફી દેખાવોમાં લીડ કરશે.

‘ભાઇ સાહબ, બીસ કરોડ કા મામલા હૈ….ઉસી પૈસે સે હમેં શસ્ત્ર ખરીદને થે,’ સતિન્દરે કહ્યું.

‘છોટે, તૂં ફિકર ના કર. શસ્ત્રો કા બંદોબસ્ત કર દિયા હૈ મૈંને…..પહોંચ જાયેગા…અફઘાનિસ્તાન સે પાકિસ્તાન ઔર વહાં સે બાર્ડર ક્રોસ કર કે સીધે પંજાબ. ગુરચરનસિંઘ કે પાસ,’ સરદાર સંધુએ કહ્યું.

‘માલ ગુરચરન ઉતરવા લેગા લેકિન પૈસે કૌન દેગા..પૈસોં સે ભરી બેગ ગૂમ હો ગઇ….અનવર મર ગયા….બસરાને ઝહર ખા લિયા’ સતિન્દરના દિલમાંથી ઉકળતો અવાજ નીકળ્યો.
‘સરદાર સંધુને સબકૂછ ફિક્સ કર દિયા હૈ. તૂ પૈસોં કી બેગ ઔર ઉસ ચોરઉચ્ચકો કે પીછે રહે,’ તજિન્દરે કહ્યું.
‘જગ્ગી કો બોલ દિયા હૈ મૈંને,’ સતિન્દરે કહ્યું.

‘ખાલિસ્તાન હોકે રહેગા, ઇસબાર કોઇ ગલતી નહીં હોગી.’ સરદાર સંધુના અવાજમાં હુંકાર હતો.


રાતે જગ્ગી ઢાબામાં બેઠો બેઠો દારૂ પી રહ્યો હતો ત્યારે ચોમેરથી ઘેરાયેલા સતિન્દરનો ફોન આવ્યો.

‘જગિયા, તૂ અગર પૈસે કી બેગ નહીં ઢૂંઢ સકતા તો મેરા દો કરોડ દે દે. યા ફિર ઉસ આદમી કા નામ બતા દે જીસને માલ દબાયા હૈ.’
જગ્ગી સાથે સતિન્દરે અગાઉ ક્યારેય આવી રીતે વાત કરી નહતી. એનો નશો ઊતરી ગયો. જગ્ગી અને સતિન્દર જિગરી યાર તો હતા જ…સાથે જગ્ગીના સતિન્દરના પર ચાર હાથ હતા. બે નંબરના ધંધા છતાં જગ્ગી એક મોટા ને જાણીતા ઢાબામાલિક તરીકેની નામનાને લીધે ઘણો વિનમ્ર બની ગયો હતો.

‘યારા, દિલદારા..તૂં ફિકર છડ’ જગ્ગી આગળ કંઇ કહે તે પહેલાં એને કાપીને સતિન્દરે કહ્યું: ‘જગિયા, ફિકર કૈસે છોડ દું. પહેલે બીસ કરોડ કા બેગ ગૂમ હો ગયા…ઔર તેરા વો આદમી દો કરોડ નહીં દે રહા. તૂં ઉસકા નામ બોલ મૈં દો કરોડ વસૂલતા હું.’

‘મુઝે ઉસસે એકબાર બાત કરને દે.’ જગ્ગીએ કહ્યું.

‘ઠીક હૈ.’ કહીને સતિન્દરે ફોન કાપી નાખ્યો. જગ્ગીને બહુ ખરાબ લાગ્યું…જેનો ગુસ્સો ઉદયસિંહ પર ઉતરવાનો હતો.


જગ્ગીએ એ રાતે લગભગ પોણી બાટલી ખાલી કર્યા પછી ઉદયસિંહને ફોન કર્યો: ‘કાલ તૂં અને તારી પેલી લેડી સબ ઇન્સ્પેકટર મને મળવા આવો.’ ફોન કાપી નાખ્યો. રાતભર ઉદયસિંહ ઊંઘી ન શક્યો. એ વિચારે ચડી ગયો. ફોન શા માટે આવ્યો એટલું ન સમજી શકે એટલો ઉદયસિંહ બેવકૂફ નહતો. જગ્ગી બે કરોડ કાં ડ્રગ્સ માગશે. ઉપરથી એણે પૈસાની બેગ શોધી આપવાનું કામ સોંપ્યું છે. જગ્ગી ડેન્જરસ માણસ છે. રસ્તો શું કાઢવો કાંઇ સૂઝતું નથી…લીચી કાંઇક માર્ગ કાઢશે. આખરે એ પણ આ ચકરાવામાં ફસાઇ છે. એણે રાતે જ લીચીને ફોન કરવાનો વિચાર કર્યો, પરતું થોડું વિચારીને મેસેજ છોડ્યો. પરોઢિયે એની આંખ લાગી ગઇ. અરજન્ટ છે સવારે વાત કરીએ, એવો મેસેજે લીચીને એ નિરાંતે સૂઇ હતી. સવારે લીચીએ સામેથી ફોન કર્યો. એણે ઝબકીને ફોન લીધો.
‘હેલો’ બોલ્યો કે તરત જ લીચીએ પૂછ્યું: ‘બોલો સર, શું હતું.?’
‘સાંજે જગ્ગીએ બોલાવ્યા છે.’ લીચીએ માત્ર ઓકે કહીને ફોન બંધ કર્યો.

સાંજે બંને જગ્ગીના ઢાબાના પાર્કિંગ એરિયામાં મળ્યા. ઉદયસિંહને ચેન પડતું નહતું. લીચી બેફિકર હતી. ઉદયસિંહ અંદર જતાં પહેલાં લીચી સાથે કોઇ રસ્તો કાઢવાનું કહેવા માગતો હતો.
‘જગ્ગીનું શું કરશું,?’ એણે કારને ટેકે ઊભા રહેતા પૂછ્યું.

સર, પહેલાં એ શું કહે છે એ તો જાણીએ.’ લીચીએ એકદમ સ્વસ્થ હતી.

‘અરે એ બે કરોડ માગશે કાં ડ્રગ્સ માગશે…..વીસ કરોડ ભરેલી બેગ શોધી આપવાનું કહેશે……આમાંનું આપણે કાંઇ કરી શકીએ એમ નથી. જગ્ગી હાથ ઊંચા કરી દેશે તો ડ્રગ માફિયાઓ મને ખતમ કરી નાખશે,’ ઉદયસિંહ ગભરાઇ ગયો હતો.

‘સર, સૌથી પહેલાં સામેવાળાને શાંતિથી સાંભળી લેવો જોઇએ. તમે એને સાંભળશો તો સંભાળી શકશો. અંદર ચાલો. જગ્ગી સીસીટીવીમાં આપણને જોઇ રહ્યો હશે.’ લીચીએ કહ્યું.
જગ્ગીએ પંજાબી લહેકામાં બંનેને આવકારો આપ્યો.

‘મેડમજી, આપકો દેખ કે દિલ બલ્લે બલ્લે કરને લગતા હૈ. કોઇ તો બાત હૈ આપ મેં..’ જગ્ગીની દિલફેંક વાતથી લીચી થોડી લજવાઇ.

‘ઓય ઓય…સદકે જાઉં….તમે તો પંજાબી કુડિયાની જેમ શરમાઇ ગયા….આપ મેં અપનાપન નઝર આતા હૈ’ પછી એણે ઉદયસિંહને બતાવતા કહ્યું ઔર ઇસ કો દેખ કર બૈગાનાપન.’ પછી એની લાક્ષણિકતા મુજબ સાથળ પર હાથ પછાડીને ખડખડાટ હસ્યો. ઉદયસિંહ ઝંખવાણો પડી ગયો. લીચી જગ્ગીની વાતની સચ્ચાઇ પારખવાની કોશિશ કરવા લાગી.
‘મેડમજી, આજ ચિલ્ડ થમ્સ અપ નહીં….પંજાબી લસ્સી પીઓ.’ લીચી કાંઇ કહે તે પહેલાં એણે બેલ વગાડી. એનો ખાસ માણસ આવ્યો.
‘તીન લસ્સી પતિયાલા…ડબલ મલાઇ.’ બોલીને એણે ગોગલ્સ ઉતાર્યા. લીચીને હવે એની આંખો વાંચવાનો મોકો મળ્યો. વાતની શરૂઆત કોણ કરશે એની રાહમાં ત્રણેય ચૂપ બેસી રહ્યાં.
ઉદયસિંહને ઉતાવળ હતી….એણે પૂછ્યું: ‘તમે બોલાવ્યા….કાંઇ અરજન્ટ.’
‘ઓય, તૂં બડા બાવરા હો રહા હૈ….લસ્સી પી કર અરામ સે બાત કરતે હૈ.’ લસ્સી આવી. જગ્ગીએ મોંએ ગ્લાસ માંડ્યો. મૂછો પર હાથ ફેરવતો બંનેને જોતો રહ્યો.
‘જગ્ગી પાજી, બતાવો શું સેવા કરીએ?’ લીચીએ ચમચીથી મલાઇ કાઢીને ડિશમાં મૂકતા પૂછ્યું.

દો કરોડ કાં તો ડ્રગ્સ…પાની મેરે સર કે ઉપર સે બહ રહા હૈ.’ એણે ઉદયસિંહની સામે જોતા કહ્યું. ઉદયસિંહે લીચીની સામે જોયું…એ કોઇ રસ્તો કાઢશે એવી આશામાં. લીચીએ સાથે લાવેલી હેન્ડ બેગમાંથી નોટોની થપ્પીઓ કાઢી કાઢીને જગ્ગીની સામે મૂકી.

‘પાજી પૂરે દો કરોડ હૈ…ગીન લો.’ ઉદયસિંહ આભારવશ આંખે લીચીને જોવા લાગ્યો. લીચીએ મને જગ્ગી નામના જલ્લાદના જડબાંથી બચાવી લીધો. જગ્ગીની ચકળવકળ આંખો લીચી, ઉદયસિંહ અને રૂપિયાની થપ્પીઓ પર ફરવા લાગી.

‘ઉદયસિંહ, કહાં ડાકા ડાલા તૂને’ જગ્ગીએ રૂપિયાની થપ્પીઓ ટેબલના ખાનામાં મૂકતા પૂછ્યું.

‘ડ્રગ્સના દસ કરોડનું પેમેન્ટ આવી ગયું.’ લીચી બોલી.

કાંઇક તો ગરબડ છે. ઉદયસિંહ ચૂપ છે…..એના વતી રૂપિયા લીચીએ ચૂકવ્યા…વાતનો દોર પણ એ જ સંભાળી રહી છે. મારા સિવાય આખાય ગુજરાત-કચ્છમાં કોઇ ડ્રગ્સનો ધંધો કરતું નથી. ઉદયસિંહે કોની પાસેથી ડ્રગ્સ લીધું અને કોણે એને દસ કરોડનું પેમેન્ટ કર્યું. જગ્ગીએ લસ્સી પીતાં વિચાર્યું.

પાજી, તમને તમારા રૂપિયા મળી ગયા. ઉદયસિંહનું કરજ ઊતરી ગયું.’ લીચી બોલી.

બિલકુલ જી બિલકુલ…સેલિબ્રેટ કરેંગેં’ જગ્ગી બોલ્યો.

‘અમે રજા લઇએ. બીજી કોઇવાર સિલિબ્રેટ કરશું.’ લીચી બોલીને ઊભી થઇ ગઇ. ઉદયસિંહે જગ્ગી સાથે શેકહેન્ડ કર્યા. દરવાજે પહોંચ્યા ત્યારે જગ્ગીએ કહ્યુ: ‘ઓય રુકો, તૂમ દોનોં કો રૂપિયોં સે ભરી બેગ ઢૂંઢની હૈ…યાદ હૈના.’
‘ભાઇ સાહબ, તમને તમારા બે કરોડ મલી ગયાને…અમે બેગ શોધવાની કોશિશ કરીશું.’ લીચી બોલી.

‘સિર્ફ બેગ નહીં… તુમ્હે બેગ લેકર ભાગનેવાલોં કો ભી પકડના હૈ.’
‘ઉદયસિંહ, બારીશ ઔર તૂફાનવાલી રાત લીલાસરી પોલીસ ચોકી મેં નેટવર્ક નહીં થા..તૂને હી બતાયા થાના.? મેડમજી, આપ ભી વહીં થી ઉસ રાત….મહારાષ્ટ્ર-ગુજરાત કી બાર્ડર એરિયા મેં બેગ ગૂમ હુઇ હૈ. પતા લગાઓ પુલીસવાલે હો’ લીચી અને ઉદયસિંહે એકબીજાની સામે જોયું. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…