ખાખી મની-૧૬
‘સતિન્દર ખાલિસ્તાની મૂવમેન્ટમાં? એ દેશદ્રોહી નીકળ્યો? મારું મન હજી માનવા તૈયાર નથી’
અનિલ રાવલ
રોના ચીફ બલદેવરાજ ચૌધરીએ ફોન પર અભય તોમાર સાથે ટૂંકમાં વાત પતાવીને કેનેડામાં પોતાના માણસને વેઇટ એન્ડ વોચની સૂચના આપી. બલદેવરાજ ચૌધરીએ અભય તોમારના કહેવાથી સરદાર સંધુ એરપોર્ટ પર ઊતરે ત્યારે જ કોઇ મોટું ઑપરેશન હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો….રોનો એજન્ટ ત્યાં સંધુનું ‘સ્વાગત’ કરવા હાજર જ હતો, પણ એની ધારણાથી તદન ઉલ્ટુ થયું. મોટી સંખ્યામાં સરદારજીઓ એના સ્વાગત માટે ઊમટી પડ્યા ને ખરેખર ‘સ્વાગત’ કરવા ગયેલા રોના એજન્ટે પ્લાન પડતો મૂકવો પડ્યો.
બીજી બાજુ રાંગણેકરે અબુની વાત સાંભળીને મુંબઇમાં પોતાના ડિપાર્ટમેન્ટમાં…પોતાના ખાસ માણસને સાયન કોલીવાડામાં પીરબાબાની દરગાહ પર નજર રાખવાનું જણાવી દીધું અને જરા સરખી પણ માહિતી મળે કે તરત જ જણાવવાની તાકીદ કરી.
લીચી પટેલને લાગ્યું કે ખાખી મનીનો કાળો ડિબાંગ પડછાયો પોતાની તરફ આવી રહ્યો હતો. એ વિચારતી હતી કે રૂપિયા કોના હશે. એને પડછાયામાં નહીં પણ પડછાયો કોનો છે એ જાણવાની તાલાવેલી હતી, પણ લીચીને ખાખી મનીના ખાલિસ્તાન સુધી લંબાયેલા પડછાયાનો અંદાજ નહતો. અગાઉ રસ્તોગીનું નામ રિપોર્ટમાં વાંચ્યું હતું, પણ ગજાનન નામનું પ્રાણી એના માટે નવું હતું. રસ્તોગી નજીક આવી રહ્યો છે એ જાણીને એના મનમાં એક વિચાર ઝબુક્યો. એણે ઉદયસિંહને ફોન કર્યો.
‘રાધી, હું કોઇપણ ભોગે તેં જોયેલી એ મહિલા પોલીસને શોધી કાઢીશ.’ અમન રસ્તોગી કોફી પીતા પીતા બોલ્યો.
જવાબમાં રાધિકા હસી. ‘બેબી, યુ ડોન્ટ નો વન થિંગ અબાઉટ યુ….તારામાં ભારોભાર એટીટ્યુડ છે. રાતોરાત છવાઇ જવાની ઘેલછામાં તું પછડાય છે…ને છતાંય ફરી ફરી એ જ ભૂલ કરે છે. મેં તને પહેલાં પણ કહેલું અને હજી પણ કહું છું કે મને મારા ફોલોઅર્સમાં આ વાત વહેતી મૂકવા દે. મીડિયા ઇન્ફ્લુઅન્સને તું ઓછી નહીં આંક, પણ તું અને ખુદને સાબિત કરવાની તારી આ જીદ્દ….ખેર,..’ રાધિકા અટકી.
‘હું આ કેસ સોલ્વ કરીને રહીશ…હું ખુદ જઇ રહ્યો છું એ મહિલા પોલીસને શોધવા,’ અમન રસ્તોગીએ માત્ર એટલું જ કહ્યું.
‘ઓલ ધ બેસ્ટ,’ રાધિકાએ કહ્યું. અમન રસ્તોગીએ કોફીની છેલ્લી સીપ મારી. રાધિકાને હગ કરીને નીકળી ગયો.
કનુભા અને પાટીલને મળીને નીકળ્યા બાદ આખે રસ્તે વિચારી રહી હતી કે પૈસા ભરેલી બેગનો કિસ્સો પોતે વાંચતી એવી સસ્પેન્સ થ્રીલર જેવો ગંભીર, ખતરનાક અને રોમાંચક નીકળ્યો. રાફડામાં હાથ નાખી દીધો હતો. ભોરિંગનો સામનો કરવો જ રહ્યો. એ ડંસ દે એની પહેલાં એનું ભોડું પકડી લેવું પડે. પાટીલે આ વખતે ગજાનનને કોઇ માહિતી નહીં આપીને ટાળ્યો…ગજાનનને વધુ વખત ટાળવાનું શક્ય નહીં બને. રસ્તોગીનો રસ્તો હાઇ વે પર થઇને પોલીસ ચોકી સુધી પહોંચશે એ નક્કી. પોલીસ અને પત્રકાર પગેરું કાઢવામાં થાપ ખાતા નથી. રસ્તોગીના પગલાં લીલાસરી પોલીસ ચોકીમાં પડશે તો શું કરવું એનો પ્લાન ઘડી કાઢવા ઉદયસિંહને મળવું જરૂરી હતું.
લીચીની કાર એક નાનકડી હોટલ પાસે ઊભી રહી. એ કારમાં જ બેસી રહી. થોડીવારમાં સામેથી ઉદયસિંહની કાર આવી. એ રૂતરીને લીચીની કારમાં બેઠો.
‘અમન રસ્તોગી નામના રિપોર્ટરે પાટીલને મારા વિશે પૂછપરછ કરી છે.’ લીચીએ વાતની શરૂઆત કરી.
‘મૂળ વાત પર આવ…તારે શું કરવું છે.?’ જગ્ગીનો પૈસા કાં તો ડ્રગ્સ માટેના તકાજાથી ત્રાસી ગયેલો ઉદયસિંહ બોલ્યો.
‘સર, તમારે એને લાઇન પર લાવવો પડશે.’
‘કઇ રીતે.?’ ઉદયસિંહે કહ્યું.
તમે એને સમજાવજો…પૈસાની લાલચ આપીને પટાવજો અને ન માને તો એને એન્કાઉન્ટરમાં ખતમ કરો, લીચી બોલી.
‘લીચી, તું પાગલ થઇ ગઇ છો કે શું. એ રિપોર્ટર છે, કોઇ ગુંડો કે ત્રાસવાદી નથી કે એનું એન્કાઉન્ટર કરી શકાય.’
‘હું એ કાંઇ જાણવા માગતી નથી…..મારે એને લીલાસરી પોલીસ ચોકી સુધી લાવતા હાઇ વે પરથી હટાવવો છે.’
‘એ કામ તું કેમ નથી કરતી.?’ ઉદયસિંહ અકળાયો.
‘તમારે જગ્ગીને ડ્રગ્સના રૂપિયા ચુકવવા છેને.? રૂપિયાની બેગ મારી પાસે છે. અને હા, જો તમે આપણા રસ્તામાં આવતી આવી નાની નાની અડચણો દૂર નહીં કરો તો મારે ના છુટકે આપણા ઉપરીઓને કહેવું પડશે કે તમે એ રાતે અમારી પાસે હાઇ વે પર ચેકિંગ કરાવ્યું ને બેગ મારા ઘરમાં રાખવા મારી પર દબાણ કર્યું. તમે ડ્રગ્સના ધંધામાં એકવાર સપડાઇ ચુક્યા છો એ કેમ ભૂલી ગયા, સર.’
ઉદયસિંહને લીચીનું ત્યાં જ એન્કાઉન્ટર કરી નાખવાની ઇચ્છા થઇ, પણ સમસમીને બેસી રહ્યો. એણે બહાર નીકળવા દરવાજો ખોલ્યો કે તરત જ લીચી બોલી: ‘અને હા સર, આ કામમાં પાટીલની મદદ લેજો…કારણ રસ્તોગીએ એની પાસે કોઇને મોકલ્યો હતો.’ ઉદયસિંહે દરવાજો પછાડીને નીકળી ગયો.
‘સોરી સર, આપણા કોઇના હાથ લોહીથી ખરડાય એવું હું નથી ઇચ્છતી, પણ શું કરું રમત રમતમાં આદરેલી આ રમત લોહિયાળ બની રહી છે.’ લીચી કાર સ્ટાર્ટ કરતાં બબડી.
લીચીએ મા પાસેથી અધૂરી રહી ગયેલી વાત સાંભળવાની હતી. એણે ઉતાવળમાં એક્સલેટર દબાવ્યું. ઘરે પહોંચી ત્યારે મા કોઇ સાથે ફોન પર વાત કરી રહી હતી. બહાર ઊભા રહીને એણે વાત સાંભળી.
સતિન્દર મને છોડીને કેનેડા ગયો ઠીક છે, મને ભૂલી ગયો ઠીક છે, પણ
ખાલિસ્તાની મૂવમેન્ટ…એ દેશદ્રોહી નીકળ્યો…..મારું મન હજી માનવા તૈયાર નથી.
માના સહેજ રડવાનો અવાજ બહાર આવ્યો. મા કોની સાથે વાત કરતી હશે. લીચી વિચારી રહી હતી. એણે કહેલું કે ‘ફરી ક્યારેક…મારા ભૂતકાળની ડાયરીના એ પાનાં ફરી ક્યારેક ખોલીશ.’ અનાયાસે એની આંગળી ડોરબેલ પર દબાઇ ગઇ. માએ ઝડપથી વાત પતાવીને આંસુ લૂછ્યાં ને દરવાજો ખોલ્યો. લીચીએ પણ કાંઇ સાંભળ્યું નહીં હોવાનો ડોળ કર્યો.
માએ અન્ય કોઇની પાસે પણ પોતાનું હૈયું ઠાલવ્યું છે. સામે કોઇ નિકટની વ્યક્તિ હોય તો જ હૈયું ઠલવાય, લીચીએ વિચાર્યું.
‘મા, તારી ડાયરીના એ પાનાં મારે વાંચવા છે,’ લીચીએ ટેબલ પર પડેલા જગમાંથી પાણીનો ગ્લાસ ભરીને માને આપતા કહ્યું.
‘ડીકે…ડીકે મહેતાને ઓળખેને તું.?’ માએ કહ્યું.
હા, મહિલા અને બાળ કલ્યાણ ખાતાનાં કેન્દ્રના રાજ્યકક્ષાના ડીકેના નામે જાણીતા પ્રધાનને કોણ ન ઓળખે.?’ લીચીએ વિસ્તારપૂર્વક ઓળખ આપી.
‘મને રિસેપ્શનિસ્ટ તરીકે હોટલમાં કામ આપનારા ડીકે મહેતા હતા….એ હોટલ એમની હતી ને આજેય છે.’
‘ઓહ તો ડીકે માના ભૂતકાળનું એક પાનું છે….જેણે એક અબળા,..લાચાર સ્ત્રીને સહારો આપીને..’ લીચીએ વિચારવાનું બંધ કરી દીધું.
‘તું માને છે એવું કાંઇ નથી બેટા, ડીકેની છબી સ્વચ્છ છે. એણે મારી લાચારીનો ક્યારેય ફાયદો નથી ઉઠાવ્યો..મને નિર્મળ રાખીને કાયમ મારી પડખે ઊભા રહ્યા છે. હું એની આંખોમાં મારી પરનો પ્રેમ જોતી…એકવાર હું ખુદ એની પાસે ગઇ.’ મા થોડીવાર અટકી. એક ઊંડો શ્ર્વાસ લઇને બોલી: ‘મેં મારી સાડીનો પલ્લુ સરકાવ્યો. હું બહેકી ગયેલી. ડીકેના પ્રેમને પીછાણી ન શકી. એણે પાસે આવીને પલ્લુ ઠીક કરતા કહ્યું: આપણી વચ્ચેના પ્રેમ માટે એક પવિત્ર ખૂણો રહેવા દઇએ. મેં શરમથી માથું એના ખભે ઢાળી દીધું. ખૂબ રડી. કદાચ વરસોના આંસુ ભેગા થઇ ગયા હતા. એ આંસુ પસ્તાવાના હતા કે જાત પર આવેલા ગુસ્સાના હતા ખબર નહીં. ત્યાર પછી અમે ક્યારેય મળ્યા નથી. ક્યારેક માત્ર ફોન પર વાત કરીને હૈયું હળવું કરી લઉં. એક બાપ તરીકે એનો હાથ કાયમ તારા માથા પર રહ્યો, છતાં આજ દિવસ સુધી તારી સામે પણ આવ્યા નથી.’
લીચી માને વળગી પડી. ‘મા, મારે એમને મળવું છે.’
‘મિનિસ્ટર છે. મોટા ભાગે દિલ્હીમાં જ રહે છે. છતાં ક્યારેક સમય અને સંજોગ સાથે હશે તો જરૂર મળશું.’
દિલ્હીમાં રોના ચીફ બલદેવરાજ ચૌધરી, નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમાર અને આઇબી ચીફ અભિમન્યુ સિંહની બેઠક ચાલી રહી હતી.
અભિમન્યુ સિંહે કહ્યું કે ‘દિલ્હી સરકારના એક આઇએએસ ઓફિસર આદિત્ય અવસ્થીની ચાલ ઠીક નથી. એ દિલ્હીના ચીફ મિનિસ્ટરની રહેમ નજર હેઠળ હેલિકૉપ્ટરમાં કેટલાંક રાજ્યોમાંથી ખાલિસ્તાની મૂવમેન્ટ માટે રૂપિયા લાવી આપે છે…એનું ચેકિંગ કોઇ કરતું નથી. તાજેતરમાં એ પંજાબના ખાલિસ્તાની ત્રાસવાદી ગુરચરન સિંઘ સાથે એક હોટેલમાં જોવા મળ્યો હતો. ગુરચરનસિંઘ ખેડૂતોની હડતાળમાં પણ એક્ટિવ હતો.’ એમણે અવસ્થી અને ગુરચરનસિંઘનો ફોટો ટેબલ પર મૂક્યો.
સર, પાકિસ્તાન કેનેડામાં ખાલિસ્તાની ત્રાસવાદીઓને શસ્ત્રતાલીમ તો આપે જ છે. એ પંજાબ બોર્ડરથી ખાલિસ્તાની ત્રાસવાદીઓને શસ્ત્રો પણ પૂરાં પાડે છે. બીજું, પાકિસ્તાની આઇએસઆઇના એજન્ટો કેનેડામાં આશ્રય લઇને બેઠેલા અલગ બલુચિસ્તાનની માગણી કરનારાઓને વીણી વીણીને ઉડાવી દે છે. અને આ બધું કેનેડાના પીએમના ખુલ્લા ટેકાથી થાય છે,’ રોના ચીફે અગાઉ મિટિંગમાં કરેલી વાત દોહરાવી.
અવસ્થી અને ગુરચરનસિંઘનો ફોટો જોઇ રહેલા અભય તોમારે કહ્યું કે ‘અવસ્થી પર નજર રાખો. ગુરચરનસિંઘને તો કોઇપણ ઘડીએ પકડી લેવાશે.’ કોઇપણ બાબતમાં ઝડપથી વિચારીને નિર્ણય પર આવવા માટે જાણીતા અભય તોમારે કહ્યું: ‘મારી પાસે એક એવો પ્લાન છે જેમાં કેનેડા અને પાકિસ્તાનના ટાંટિયા પોતાના જ ગળામાં ભેરવાય જાય.’ (ક્રમશ:)